મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિરાંત પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
નિરાંત
મનવાણીડા! કરજો વણજ વિચારી
મન-વાણીડા! કરજો વણજ વિચારી, ખોટ ન આવે;
છંછર લટકું જાતાં વાર ન લાગે, લાભ ગુમાવે,
તું વસ્તુ વહોરે માલ ખરો, સાચાનો કર ઘરમાં સંઘરો,
તું મૂકી દેને બીજો વકરો, મનવાણીડા
તારે પૂંજી પેઢીની સારી, તું સાચો થાને વેપારી,
તું વહોરત કર વિશ્વાધારી, મનવાણીડા
પણ પારખ પેઢીમાં રહેજે, જળ જૂઠાનું મૂકી દેજે,
છે ખેપ ખરું માની લેજે, મનવાણીડા
તું કપટ કાટલાં દે નાખી, તું માપી લે સત મત રાખી,
તેમાં લાભ ઘણો હરિ છે સાખી, મનવાણીડા
પેઢી ચૌટામાં ચારે ગલી, ત્યાં સર્વ ખપત છે પીઠ ભલી,
ત્યાં બેસી ધંધો કર અદલી, મનવાણીડા
એ રીતે વણજ કર વારુ, તું પાપ લોભનું તજ લ્હારું
કહે નિરાંત ઉત્તમ કુળ તારું, મનવાણીડા