મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૪
Jump to navigation
Jump to search
પદ ૪
પ્રીતમ
જીભલડી રે!
જીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે. ૧
પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે. ૨
ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે? ૩
તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહિ નમતું, પછી નામ શું સંભળાવો રે? ૪
રામનામનું દામ ન બેસે, કામ ખંડે નહિ કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે. ૫
જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે પ્રીતમ પ્રભુ-નામ વિસાર્યું, તે પ્રાણી પરપંચી રે. ૬