મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /લોયણ પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
એવા જો સંત રે મળે...
જી રે લાખા, એવા જો સંત રે મળે તો
એને ધ્રોડી ધ્રોડીને મળજો રે.
જી રે લાખા હું ને મારું છે લોઢાના કટકા જી,
એને તમે મન ક્રમ વચનેથી ભેળો રે,
જી રે લાખા, સાસ-ઉસાસની તમે ધમણું ધખાવો જી,
એને તમે તા’રે દઈને તપાવો રે.
જી રે લાખા, સતની એરણ પર તમે ઠીક કરી ઠેરાવો જી,
જીનજે માથે શબદુના ઘણ રે લગાવો રે.
જી રે લાખા, એક રે થિયા રે પછી એનો અલંકાર બનાવો જી,
એનું બ્રહ્મ અસ્ત્ર તો બની જાશે રે,
જી રે લાખા, સતસંગની સરાણું દઈને સજ્જ કરી જોજો જી
જ્યારે એનો જીવબુદ્ધિ કાટ ઉખડી જાવે રે.
જી રે લાખા, કાટ ઉખડે પછી કાળ નંઈ લોપે જી,
સે’જે તમે વૈકુંઠમાં જાશો રે,
જી રે લાખા, સેલરની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે તમે પૂરણ બ્રહ્મ બની જાશો રે.
તેજમાં તેજ મળી જાશો રે.
જી રે લાખા, એવા જો સંત રે મળે તો
એને ધ્રોડી ધ્રોડીને મળજો રે.