મનીષા જોષીની કવિતા/સ્ત્રી
Jump to navigation
Jump to search
સ્ત્રી
મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાંના
તીણા અવાજથી ચહેકતી.
તસુએ તસુ તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે.
અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાંની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે.
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાંઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.