મર્મર/જિવ્યા ઘણું તમે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જિવ્યા ઘણું તમે [1]

જિવ્યા ઘણું તમે, જિવ્યા વરસ બ્યાસી, ઓછું નથી;
ગણો અગર કાર્યને જીવન, તોય ઓછું નથી.
પુરાણ હયપીઠથી જીન ન અંત લગી ઉતર્યું,
શમ્યા ન પથડાબલા, નહિ યુવાની હેષા શમી.

તમે ગુરુ હતા, તપઃપૂત અટંક સત્યાગ્રહી;
ડગ્યો જરઠ દેહ, કિન્તુ લગીરે ન બુદ્ધિ ડગી;
ભલે શ્રમ પડે અને ધી લથડે, ચડે ને પડે
પરંતુ ન અસત્યને પદ કદાપિ માથું નમે.

પ્રચંડ નગથી વહી સતત શી કલાજાહ્નવી
કદી મધુર મર્મરે, કદીક ઉગ્ર આવેગથી
તટે ઉભય વારિરાશિ છલકાવતી વેગથી
કરી ફૂલક્લાઢય ગુર્જરગિરાની ક્ષેત્રાવલિ.

તમે ઘણું જિવ્યા, મજાલ મનુજંતુની કેટલી!
‘વિનશ્વર બધું, અનશ્વર કલા મહા એકલી’! [2]


  1. પ્રો. બ. ક. ઠાકોરને.
  2. બ. ક. ઠા. ના કલાવિષયક એક સોનેટ (અનુવાદ)ની પ્રથમ પંક્તિ.