મર્મર/મૃત્યુ અને શ્રી અરવિંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મૃત્યુ અને શ્રી અરવિંદ

મૃત્યુ અને શ્રી અરવિંદ જુદાં?
હા, જેમ છે જીવન મૃત્યુ જુદાં.

આ ચેતના આપણી દેખતી ને
પલે પલે સ્પર્શતી એ જ જીવન?
ના હોય મર્યાદિત એવું જીવન
છે કિન્તુ મર્યાદિત એવું ચેતન.

વિશાળ સિન્ધુ પર ઊડનારા
કો પંખીને દૃશ્ય બને કિનારા
અમિત લાગે ક્ષિતિજે સીમિત
એ દૃષ્ટિની હાર, અનન્તની જીત.

નિઃસીમ આ સાગરની સપાટીએ
પ્રચંડ કો અદ્રિતરંગ ઊઠે
ઊઠી શમે તો શું તરંગ કેરા
અસ્તિત્વ અંશો તણી નાસ્તિ માનીએ!
ન શું ફરી એ જ તરંગનું જલ
ઉત્તુંગ અદ્રિ બની દાખવે બલ?

મૃત્યુ અને શ્રી અરવિંદ જુદાં?
ના, મૃત્યુ ને જીવન તે ય ના જુદાં.