મારી લોકયાત્રા/લોકયાત્રાનું અક્ષર-તીર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લોકયાત્રાનું અક્ષર-તીર્થ

આદિવાસી-સાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે ડૉ. ભગવાનદાસ પટેલનું નામ ગુજરાતમાં અજાણ્યું નથી. ખેડબ્રહ્માના ભીલોની કંઠસ્થ રચનાઓનું એમણે દોઢહજારથી પણ વિશેષ સંખ્યાની ઓડિઓ કેસેટ્સમાં ધ્વનિમુદ્રણ કરી અભ્યાસભૂમિકા સાથે તેમણે ૩૫ જેટલાં પુસ્તકોનું અભૂતપૂર્વ અને અદ્વિતીય ગણાય એવું પ્રકાશન કર્યું અને એમનાં નામ-કામની ભારતીય લોકસાહિત્ય સંશોધનક્ષેત્રે સાશ્ચર્ય નોંધ લેવામાં આવી તે સાથે ડૉ. જે. ડી. સ્મિથ જેવા લોકમહાકાવ્યના વિશ્વવિખ્યાત વિદ્વાન પાસે પણ તે નામ-કામ પહોંચ્યાં. પરંતુ એમનું તાજેતરનું આ નવું પુસ્તક ‘મારી લોકયાત્રા’ એમનાં પૂર્વ સંશોધનકાર્ય સાથે જ સંકળાયેલું હોવા છતાં, પ્રવાહે, સ્વરૂપે અને પ્રકારે નવું અને જુદું છે. આ સંશોધન-સંપાદન નથી; પરંતુ સર્જનાત્મક લલિત સાહિત્યના પ્રકારનું છે. ‘મારી લોકયાત્રા’ જાતિ-પ્રકા૨ની દૃષ્ટિએ આત્મકથાના વર્ગનું છે. આ જાતિ- Genre પ્રકારમાં આત્મકથા, સંસ્મરણ-કથા, દૈનંદિની(રોજનીશી), પત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ પુસ્તક ‘સંસ્મરણકથા’ના પ્રકારનું છે, છતાં એમાં પણ નવા જ વિશિષ્ટ પ્રકારનું છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જીવનની કોઈ એક દિશાની વિશિષ્ટ એવી સિદ્ધિની કક્ષાએ પહોંચે છે ત્યારે તે પોતાના બાલપણના, તારુણ્યના અને કોઈ વિશિષ્ટ ક્ષેત્રે કામ કરીને કશુંક સિદ્ધ કર્યું હોય એના મહત્ત્વના વળાંકોના અનુભવનું આલેખન કરે છે. આમ કરવામાં લખનારનો હેતુ વાચકને વિશેષ કશુંક નવું, તાજું, રસપ્રદ અને જીવનને જાણવા-માણવા અને નાણવામાં ઉપયોગી બને તેવું આપવાનો હોય છે, તે સાથે જ, આ નિમિત્તે પોતાના જીવનના વીતી ગયેલા કાળને જીવતો-જાગતો કરીને અંકે કરી લેવાનો હોય છે. વ્યક્તિને અમુક તબક્કે પહોંચ્યા પછી પોતાના ભૂતકાળને આધારે પોતાના જીવન અને એના વળાંકોને પુનર્જીવિત કરી જાણવાનો – અનુભવવાનો હોય છે. આથી આવી સંસ્મરણકથામાં આલેખનારનું અંગત જીવન - એનાં માતાપિતા, મિત્રો, લગ્ન અને દાંપત્ય એ બધાંને સ્પર્શતું – પણ એમાં સમાવેશ પામતું હોય છે. આથી જ મોટા ભાગની સંસ્મરણકથાઓ આત્મકથાનો જ પૂર્વરંગ હોય, એવી હોય છે; પરંતુ અહીં એવું નથી. લેખકનો હેતુ આ પુસ્તકમાં પોતાની લોકયાત્રાને જ અક્ષ૨બદ્ધ કરવાનો છે. આરંભથી તે છેક અંત સુધી ભગવાનદાસ ચુસ્ત અને સમજપૂર્વકની હેતુનિષ્ઠાને પૂર્ણ સંયમ-તાટસ્થ્યથી વળગી રહ્યા છે. આવાં સમજ અને સંયમ ખૂબ મુશ્કેલ છે. અંતરમાં નિષ્કપટ નિખાલસતા અને સાલસતા હોય, પોતે જે કર્યું અને કરતા રહ્યા એ ખૂબ જ મૂલ્યવાન અને અદ્વિતીય છે, એવા અહંથી સંપૂર્ણ મુક્ત હોય ને કેવળ પોતાના જ મનહૃદયની માગથી જ કશુંક કરે છે એવી મુક્ત-નિખાલસ મનની સમજ હોય એવી વ્યક્તિ જ, નાકની દાંડીની હેતુની સીધી રેખામાં તાકેલા તીરની રીતે, કેવળ મુખ્ય લક્ષ્ય ૫૨ જઈ શકે છે. ડૉ. ભગવાનદાસ પટેલમાં અંતરંગની આવી સરળતા અને સહજતા છે. એથી જ, અનેક વ્યક્તિઓ, વ્યક્તિચિત્રો, જિજ્ઞાસા દ્રવતી રાખે એવી ઘટનાઓ આપવાના વલણથી મુક્ત રહ્યા અને એમની લોકયાત્રાનો આલેખ હેતુપૂર્ણ, લક્ષગામી છતાં રસપ્રદ લાલિત્યથી હર્યોભર્યો રહ્યો. બચપણની વાત તો અહીં પણ છે. મુગ્ધાવસ્થાના કિશોરે ‘હૈયાં નાચે’નો અર્થ ‘હૈ’ એટલે ‘સઈ' દરજી એવો કર્યો અને એમાંથી સાહિજક રમૂજનો અનુભવ કરાવ્યો! વિજયા અને વિદ્યા નામની સહાધ્યાયી વિદ્યાર્થિનીઓ સાથે સખ્યનો અને તારુણ્ય પ્રવેશે વિજાતિ પ્રત્યે જાગતા અનુરાગનો પણ પૂરા સંયમ અને સામર્થ્યથી પરિચય કરાવ્યો! ચુડેલ અને ભૂત જોવા માટે રાતિજગો કર્યો અને બહાદુર મનાતો બકડંદાર ભૂતના ભયથી ભડકીને ભાગ્યો એનું ચિત્ર પણ આલેખ્યું: અરે, વાઘને જોવાનું, એ પણ વાઘનો જ શિકાર થતો હોય ત્યારે નજરો-નજ૨ ભાળવાનું કેટલાના ભાગ્યમાં લખાયું હોય? ભગવાનદાસના ભાગ્યમાં એય લખાયેલું ને એ એમણે અહીં આલેખ્યું છે. ભગવાનદાસ પોતે માત્ર સંશોધક-સંપાદક નથી, સર્જક પણ છે. એમણે આરંભ પણ આધુનિક પ્રકારની અછાંદસ કવિતાથી કરેલો. એ કૃતિ પણ અહીં આપી છે. એમાં એમની સર્જકતા મહોરતી જોઈ શકાય છે. પછી તો ગુજરાંનો અરેલો, રૉમસીતમાની વારતા, રાઠોરવારતા ને એવી એવી અનેક સમર્થ મહાકથાઓ, લોકકથાઓ, લોકાખ્યાનો પર એમણે કામ કર્યું ને - આવી રસપ્રદ કથાઓની કહેણી એમને આત્મસાત્ થઈ! આમ લલિત સાહિત્યના પ્રકા૨ માટેની સર્જકતા અને લગાવ હતાં જ, આદિવાસી કથાઓના અવિરત શ્રવણ અને સંપાદને કથાને રોચક બનાવતી કહેણીને રોચક બનાવવાની શૈલી પણ એમને આત્મસાત્ થઈ ચૂકી છે, છતાં પણ, મારી લોકયાત્રા'માં એ લેખનને આ રીતે રસપ્રદ બનાવવા ક્યાંય રોકાયા નથી, જરા પણ લલચાયા નથી અને પોતાના હેતુને જ ઉચિત રીતે સામર્થ્ય અને સંયમથી વળગી રહ્યા છે. અહીં બચપણ, કિશોરકાળ અને વિદ્યાર્થીકાળ છે પરંતુ તે આત્મકથાની ભૂમિકારૂપ નથી; પરંતુ આદિવાસીઓના સાહિત્ય પ્રત્યે, લોકસાહિત્ય પ્રત્યે શાથી આકર્ષાયા, એની ભૂમિકારૂપે છે. આમ તો ગ્રામીણ કે પછી નાગરિક પરિવેશમાં પચાસ વર્ષ પહેલાં ઊછરેલા કોઈ પણ સાહિત્યકારને બાલ્યાવસ્થા, શૈશવ અને તરુણાવસ્થામાં લોકજીવનનો સીધો પરિચય હતો જ. ભગવાનદાસને આનો વિશેષ લાભ મળ્યો કેમ કે એમનું ગામ જામળા ડુંગરો વચ્ચે ઘેરાયેલું હતું, હરિયાળું હતું! એક ભાઈને એની એકની એક બહેન હતી. આથી ગૌરીવ્રતનો પણ, પુરુષ હોવા છતાં, સીધો સંસ્કાર પડવાનો લાભ મળેલો. આ બાળકમાં પ્રકૃતિ પ્રત્યે કેટલો અંતરંગનો સહાનુભૂતિપૂર્ણ ને સંવેદનમય સંબંધ હતો, તે વાનરના બચ્ચાને પોતાના નાના ભાઈ તરીકે લઈ જવાની બાળ૨ઢના આલેખનમાં મળે છે. સર્જકતા અને કથાઓના શ્રવણથી, તેમજ બચપણમાં કાકાસાહેબ કાલેલકર જેવાની સ્મરણકથા વાંચવાનું પસંદ કર્યું એવા સુરુચિના ઘડત૨થી, ભગવાનદાસમાં ઓછામાં ઓછા શબ્દોમાં વીગત સાથે લાગણીને પણ ખેંચી લાવે એવાં વર્ણનની શક્તિ છે. વિદ્યા દરજી શીતળાને કા૨ણે અંતિમ બિછાને પડી છે તેનું ચિત્ર હોય કે ચેલૈયાનું પપૈયારૂપ માથું કપાતાં જ ભયથી ભાગતા કિશોરોનું ચિત્ર હોય કે ભૂતના ભયે ભાગતા ઠાકોર દોડતા દેખાડ્યા હોય અથવા એક સ્થળે લવાયેલો વાઘ અંતે લલચાઈને બકરા પર ત્રાટકવા આવે ત્યારે ધાણીની જેમ બંદૂકો ફૂટતી હોય એનું આલેખન હોય વા ડાકણનું ભયાવહ દૃશ્ય કંડારેલું હોય: બધે જ ભગવાનદાસની દૃશ્યને જીવતું કરવાની આલેખનશક્તિ દેખાય છે. આ રીતે, આવાં અનેક સ્થાનો હતાં જ્યાં રસની કથારસ અને વર્ણનની - જમાવટ કરી શક્યા હોત! પરંતુ આગળ કહ્યું તેમ લેખકનો હેતુ અહીં પોતાને નહીં પરંતુ પોતાની લોકયાત્રાને આલેખવાનો છે. અહીં બાલપણની કથામાં માતા-પિતા-બહેન-બનેવી મિત્રો-સખીઓ વગેરે જ્યાં અનિવાર્ય છે, ત્યાં જ છે. જીવન મિષે, આત્મકથાના નિમિત્તે નથી. એટલે તો બહેનનાં લગ્ન, એના સંસાર, માતાનું હાર્ટઍટૅકથી થતું આકસ્મિક અવસાન, પિતાનું અવસાન, શિક્ષક તરીકેની નોકરીમાં થયેલા વિવિધ ખટમીઠા અનુભવો, અરે ખુદનાં લગ્ન અને જે પત્ની તારાબહેને ધ્વનિમુદ્રણોની રાતના ઉજાગરા કરીને સંસારનાં બીજાં કામ ને જવાબદારીઓ સંભાળતાં રહીને ભગવાનદાસની હસ્તપ્રતોનું સુંદર અક્ષરોમાં રૂપ આપ્યું અને ધૂની સંશોધકે પોતાનાં સંશોધનોનાં પ્રકાશનો માટે ખેડૂત માટે તો પેટના દીકરાથી પણ વિશેષ એવા ખેતરને વેચવા કાઢ્યું છતાં વિરોધ ન કર્યો એનો કોઈ સંદર્ભ નથી. નામોલ્લેખ સુધ્ધાં નથી. અંગતતાને આટલી હદે ઓગાળવી મુશ્કેલ જ નહીં, મોટા ભાગના માટે તો અશક્ય જ છે. પોતાનાં સંશોધન-સંપાદન-પ્રકાશનમાં નાની એવી ફરજના ભાગરૂપે પણ કોઈએ સહાય કરી હોય તો અહીં એનો ઉલ્લેખ ક૨વાનું ચૂકતા નથી; પરંતુ પોતાના પરિવાર ને નિજી અંગતતાને ક્યાંય પ્રવેશવા દીધાં નથી. ભાષા-બોલીની અજ્ઞાનતાથી માંડીને તે ખર્ચ, ઉપયોગિતા અને સલામતીની દૃષ્ટિએ પણ આદિવાસીક્ષેત્રનું સંશોધન કરવાનું કપરું હતું ને દેખીતા કોઈ જ લાભ આપનારું ન હતું એ ભગવાનદાસે શા માટે કર્યું? એવું તે કયું આંતરિક બળ કે કારણ હતું, જે એમને આ દિશામાં ખેંચી ગયું? શાથી ભદ્રને જોતાં જ ભડકતા અને શંકાશીલ બની જતા આદિવાસીઓએ એમની પાસે હૈયું ખોલ્યું અને મનના જ્ઞાત-અજ્ઞાત સ્તરે ને ખૂણે, જે કંઈ ને જેટલું કંઈ હતું તે ભગવાનદાસને આપ્યું! બીજા જેનાથી ભડકે કે જેની બીક અને તે સૂગ બંને રાખે એવા એક વર્ગ પાસે આ સંશોધક શા માટે ગયા? – આ અને આવા અનેક પ્રશ્નોના ઉત્તર અહીં વાંચનારને મળે છે. લેખકનો હેતુ જ, આ નિમિત્તે પોતાની નહીં, લોકની યાત્રાને આલેખવાનો છે. ભગવાનદાસને, માતાના સાત ખોટના એકના એક બાબુને જુદું જ મનહૃદયનું તંત્ર મળ્યું છે. એની સંવેદના અને સહાનુભૂતિ બચપણથી જ તીવ્ર છે. વાંદરાનું બચ્ચું એને મન ભાઈ છે. એકલું પડેલું દેડકાનું બચ્ચું પણ ચિંતા કરાવી કર્મશીલ બનાવે છે. પણ બચાવવા, ઉગારવા કૂવામાં નાખેલા દેડકાના બચ્ચાને મોટો દેડકો ગળી જાય છે ત્યારે મન-હૃદય ક્ષુબ્ધ બને છે. બાલસખીના મૃત્યુને, વર્ષો પહેલાં બની ચૂકેલી ઘટનાને સામર્થ્યથી વર્તમાનમાં બનતી અને અનુભવાતી કરે છે ત્યારે સમજવાનું એ છે કે એ કિશોરની સંવેદના કેટલી ઉત્કટ અને સાચુકલી હશે જ્યારે જિંદગીના છ દાયકે પણ આવી ગઈકાલની ઘટના જેવી છવાયેલી રહી ચિત્તપટ પર! ભગવાનદાસ આદિવાસીઓ પાસે શા માટે ગયા, વિશિષ્ટ કશું પામ્યા અને સફળ બન્યા, એનો પણ જવાબ અહીં છે. અહીં પણ તીવ્રતમ સંવેદના છે. જીવન અને સંસ્કૃતિની સાચી સમજ છે. એમના એ કાળમાં કે પછી સાંપ્રત કાળે પણ આપણે અને બીજાંએ જે જોઈ, જાણી, અનુભવી કે માની અને માણી પણ નહીં શકાય તે ભગવાનદાસમાં સાહજિક રૂપમાં, યત્ આત્મન્ રૂપમાં રહેલું જોઈ શકાય છે. ‘ખેડુની શોધમાં’ – વાંચતાં આ બાબત બરાબર સમજાશે. ગ્રામીણ, આદિવાસી, દલિત વગેરે પ્રત્યે સમભાવ અને સહાનુભૂતિ આપણાં મન-હૃદયસ્થ છે જ, એવું આપણે માનીએ છીએ અને પ્રસંગ મળ્યે તેને વાચા પણ આપીએ છીએ પરંતુ આવું માનવા-સ્વીકારવા છતાં અંગતજીવનમાં જ્યારે આવા કોઈ વર્ગનું સૂક્ષ્મ શોષણ કરીએ છીએ ત્યારે આપણે એને જોઈ-જાણી શકીએ છીએ ખરા? એનાં મનોમન સૂક્ષ્મ દુ:ખ કે પશ્ચાત્તાપ તો ખૂબ દૂરનાં ગણાય! આપણે આપણું બિન-અંગત તટસ્થ અવલોકન-મૂલ્યાંકન કરીએ તો જ આ સત્ય પમાય એવું છે. ભગવાનદાસની અંતરની આ આંખ પહેલેથી જ ઊઘડેલી હતી! એ સમયને કોઈ ખેડૂત માની તો શું વિચારી પણ ન શકે કે પોતે કોઈ આદિવાસીને પોતાના મજૂર કે સાથી તરીકે રાખે છે ત્યારે એનાં મૂળ-સોતો ઉખેડે છે! ભગવાનદાસની સંવેદનામાં આ મૂળભૂત ને સાહજિક છે, જે ‘ખેડુની શોધ’માં વાંચતાં સમજાય છે. અહીં એક બીજી પણ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. જે કોઈ ગ્રામીણ કે આદિવાસી ક્ષેત્રમાં કાર્ય કરે છે, તન-મન-કાર્યાદિથી પૂરા સંકળાયેલા છે તે બધા જ ભદ્ર ગણાતી સંસ્કૃતિ જેવી જ મૂલ્યવત્તા તળપદી સંસ્કૃતિમાં હોવાનું માને છે; પરંતુ એ સંસ્કૃતિનાં પણ ઉત્તમ એવાં કેટલાંક મૂલ્યો પણ છે, જેની પાસે ભદ્ર સંસ્કૃતિ ઝાંખી જ નહીં, ખોડે ખોડંગાતી અને પાંગળી છે. આ વાત પણ આ જ પ્રકરણમાં સચોટ રૂપે કહેવામાં આવી છે. ‘અક્ષર-સંસ્કૃતિએ શું આપ્યું? શિક્ષક બાળકોને ભણાવવાની ફરજ ચૂકી બજારે બેસી ધંધો કરે; ગ્રામસેવક ખેડૂતને માર્ગદર્શન આપવાને બદલે નવું બિયારણ વેચી ખાય; પોસ્ટમાસ્તર મનીઑર્ડરના પૈસા વાપરી નાખે; અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલો હું વ્યક્તિગત સુખ વાસ્તે એક પૂરા કુટુંબને ઘર-વતન અને ભૂમિ-પ્રદેશથી અળગા કરું: આવાં જીવન-વિઘાતક મૂલ્યોને વિકસિત સંસ્કૃતિનું નામ આપીશું? (પૃ. ૨૯) ખેડૂતને લેવા જવાની એક જ ઘટના સાથે જ કેવું-કેટલું જોડાયું છે! આપણી ભદ્ર કે ઉચ્ચ ગણાતી સંસ્કૃતિના પારણે ઝૂલના૨માં પણ વદતોવ્યાઘાત જેવી કેટકેટલી આવી નાની-મોટી બાબતો છે જે બધાની આંખે નથી ચડતી. જેનામાં સહાનુભૂતિ કે સહાનુકંપા કેવળ કહેવાની નહીં પરંતુ અંતરમાં વર્ણવાયેલી હોય તે જ આવું તટસ્થ આત્મનિરીક્ષણ કરી શકે. આનો અર્થ હરગિજ એવો નથી કે આ સંવેદનશીલ અને સમજદાર સંશોધક ‘નાનું-નાનું ગામડું ને મોટાં મનનાં લોક' જેવા લાગણીના ખીંટે આદિવાસી લોકજીવનનું બધું જ ઉત્તમ ને શ્રેષ્ઠ માની બેઠો છે. આ સમાજમાં દારૂ, વેર, ડાકણ, ચરેતરું જેવાં અનિષ્ટો છે તે જાણે છે. સામાન્ય રીતે તો કોઈ પણ લોકવિદ્યાવિદ્ આવી સ્થિતિમાં પોતે સમાજસુધારક અને કર્મશીલ નથી, એવું કહીને, માનીને પોતાની જાતને અને સંશોધનવૃત્તિ-પ્રવૃત્તિને અળગાં પાડે છે. વંધ્યરૂપની જ વિદ્યાનો ઉપાસક બને છે. ભગવાનદાસ આવું તાટસ્થ્ય કેળવી કે ટકાવી શક્યા નથી. એ કેવળ વિદ્યાને વરેલા નથી, લોકને વરેલા છે. કેવળ વિદ્યા માટે જે કાજે લોકમાં ગયા નથી; પરંતુ સાહજિક પ્રેમથી જ ગયા છે, રહ્યા છે, ભળ્યા છે. એમનામાં સાહિજક એવો બાળક જેવો નિર્દોષ સજ્જન છે. એ લોકોને પોતાની સાહિજકતાથી ચાહે છે. આથી જ તો જીવાકાકા હોય કે નવજી, એમને મન કેવળ સામગ્રી- દાતા નથી. પણ અંગત સ્વજનો છે. આથી જ તો સાંકળીબહેન એમને પોતાના ધર્મના ભાઈ માને છે. હ૨માબાઈ પોતાના આત્મજ પુત્રોને પોતાનાં પાપનું પરિણામ ગણે છે; પરંતુ ભગવાનદાસને પોતાના પુણ્યકર્મનું સંતાન માને છે. આદિવાસી કે જિપ્સીના ક્ષેત્રમાં કાર્ય કરનાર અનેકને એ સમાજમાંથી પ્રેયસી ને પત્ની મળી છે, જેના દાખલા આપવા પડે એમ નથી; પરંતુ મા અને બહેન ભગવાનદાસને જ મળ્યાં છે! આ પણ, આ સંશોધનક્ષેત્રની અભૂતપૂર્વ, અદ્વિતીય અને ભવિષ્યમાં પણ ભાગ્યે જ જોવા મળે એવી ઘટના છે. આ અંતરના લગાવના કારણે જ તો બીજાએ ભય બતાવ્યા એ વાસ્તવિક હતા (જુઓ પ્રકરણ ૧૧માં સાથી શિક્ષકે કહેલી વાત) પરંતુ ભગવાનદાસને ન નડ્યા. નડી જ ન શકે. એમનું અંતર- વ્યક્તિત્વ જ એવું શુભ અને શિવ તત્ત્વનું બનેલું છે અને એમનો પિતૃગત સંસ્કારવારસો જ એટલો દૃઢમૂળ છે કે દારૂ કે એવી કોઈ બદી એમને સ્પર્શી નથી. આ એવા સંસ્કારી ધર્મભીરુ પિતાનો પુત્ર છે કે પિતાએ દવા ખાતર દારૂ પવાયેલા બળદને પોતાના હળે ન જોતર્યો અને છોડી દીધો (જુઓ પ્રકરણઃ ૨ ની ઘટના). એમના અંતરંગમાં જ સ્ત્રીનું એક માતા અને બહેન તરીકેનું એવું સ્થાન છે કે એ ક્યારેયે આવા ભયસ્થાનમાં આવી જ ન શકે! જે શિક્ષકે આવા ક્ષેત્રમાં જવાનાં અને ભળવાનાં જે ભયસ્થાનો બતાવ્યાં તે કંઈ ખોટાં કે માત્ર પૂર્વગ્રહયુક્ત જ ન કહી શકાય; પરંતુ ભગવાનદાસ માટે એ અસ્પર્શ્ય જ રહ્યાં, એમનાં નિજી શીલ અને અંતરંગને કારણે. ગ્રામીણ કે આદિવાસી ક્ષેત્રમાં આ શીલગુણ અને સાત્ત્વિકતા ખૂબ જ મહત્ત્વનાં છે. એ ન હોય એને ક્યારેયે આવી સમર્થ ફળદાયી સફળતા નથી મળતી. આ સંદર્ભે પણ મેઘાણી જ યાદ આવે. એમનામાં એવું હતું એક માણસ તરીકે અંકે કરેલી બાલસહજ નિર્દોષ સરળતા અને કથાગીત વગેરેની કલા કે માહિતીદાતા ખુલ્લા મને પ્રેમથી એમના ૫૨ વરસ્યા. આવો જ સત્ત્વશીલ ને સાત્ત્વિક અભિષેક આદિવાસી સંશોધન-સંપાદનમાં ભગવાનદાસ પર થયો છે. આ પુસ્તકનું પણ શ્રી મેઘાણીનાં ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં' અને ‘પરકમ્મા’ જેવાં પુસ્તકો સાથે જ આનુવંશિક સગપણ અને અનુસંધાન છે. કોઈ પણ આ ક્ષેત્રના સંશોધન માટે, મેઘાણીનાં એ બંને પુસ્તકો જેમ ઉત્તમ અને અનિવાર્ય છે તેમ આ પુસ્તક પણ મારે મન આવા સંશોધક માટે અનિવાર્ય છે, પાઠ્યપુસ્તકરૂપ છે અને લલિત સાહિત્યની કૃતિ તરીકે પણ એક કલાસિદ્ધ પ્રશિષ્ટ કૃતિ છે. અહીં આપેલો લોકયાત્રાનો આલેખ ગ્રામીણ કે આદિવાસી સંશોધકને જ ઉપયોગી છે એટલું જ નહીં પરંતુ લલિત પ્રકારના સાહિત્ય તરીકે ‘મારી લોકયાત્રા’ સિદ્ધ અને પ્રશિષ્ટ રચના છે. ડૉ ભગવાનદાસ પટેલે ૩૫ જેટલાં પુસ્તકોમાં જે બહુમૂલ્ય સામગ્રી આપી છે તે સમજવા માટે પણ કોઈ પણ સંશોધકને આ યાત્રા વારંવાર કરવા જેવી છે. લોકવિદ્યાનો કોઈ પણ સંશોધક ક્યારે અને કયા ગુણે કશુંક કાયમી મૂલ્યનું આપી શકે, એ જાણવાની દૃષ્ટિ પણ આ પુસ્તક આપે છે. કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ આરંભકર્તા કે સંસિદ્ધ સંશોધકને અંતરથી ઢંઢોળે અને આત્મસાત્ કરવાની પ્રેરણા આપે એવું ઘણું અહીં છે. ડૉ. ભગવાનદાસે આ પ્રકરણમાં પોતાની લોકયાત્રા આલેખી અંતે બે પ્રકરણોમાં (હવે પરિશિષ્ટોમાં) એમનાથી ધબકતી ત્રણ સંસ્થાના અનુભવની પણ કથા સાંકળી છે. આનું કારણ એ છે કે જેમ પુસ્તકપ્રકાશન એ લોકવિદ્યાના સંશોધનને કાયમ માટે અંકે કરવાનું, અક્ષર બનાવવાનું માધ્યમ છે, તેમ આવી સંસ્થાઓ પણ આ વિદ્યાશાખાના વિદ્યાસ્ત્રોતને વહેતો રાખતું અનિવાર્ય અંગ છે, એક સંશોધકની લોકયાત્રાનું આ અક્ષરરૂપ તીર્થ છે.

૦૮-૦૯-૨૦૦૬
– હસુ યાજ્ઞિક