મેઘાણીની સમગ્ર નવલિકા 2/પારેવાંની જાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પારેવાંની જાર
[૧]

એકાદ વર્ષથી નંદુ વિધવા થઈ હતી. પતિ પાછળ સારો એવો જીવ મૂકી ગયો હતો એટલે નંદુને પોતાની અને પાંચેય છોકરાંની તો કશી ચિંતા નહોતી, પણ બાળકોના રંગઢંગથી એ ત્રાસી ગઈ હતી. સવારથી રાત પડ્યે છોકરાં ઊંઘી જાય ત્યાં સુધી એમની ભાંગફોડ, ચીજવસ્તુની વેરણછેરણ, કપડાંનો દાળોવાટો અને અરસપરસ ધીંગામસ્તી વગેરેથી માતા ગળે આવી રહેતી. આવડું મોટું ચાર ખંડોવાળું ઘર તોપણ આખો દિવસ ઉકરડા જેવું બની રહેતું. એક દિવસ પણ એવો નહોતો જતો કે જ્યારે મોટા ભાનુએ શાહીનો ખડિયો ઢોળી કરી બગડેલા હાથ પીપનાં ભર્યાં પાણીમાં ધોયા ન હોય. એથી નાના પુંડરીકને ધૂળનો છંદ કાળા કોપનો લાગેલો, તે રોજ તળાવના ખાડામાંથી ખોઈ ભરી ને કાં ટોપી ભરી કાળી માટી લઈ આવે અને બરાબર પગથિયા ઉપર જ એનો કાદવ કરી એક આખી ડાળખી બાવળની લાવી, શૂળો વડે ચિચૂડો બનાવી ચક્કરચક્કર ફેરવતો બેઠો જ હોય. શૂળ જોઈએ તો બેચાર, બાકીની ગમે ત્યાં ફેંકી દ્યે. અને પછી રાધાને કાંટા ભોંકાયા કરે એ નિત ઊઠ્યે નંદુને સોય લઈ કાઢ્યા જ કરવા પડે. ને રાધી પણ ક્યાં કમ હતી! બાળમંદિરેથી આવી સ્લેટ સોતા દફ્તરનો જ્યાં ફાવે ત્યાં છૂટો ઘા જ કર્યો સમજવો. મહિને એક નવી સ્લેટ રાધી માટે લેવી જ પડે, ને સ્લેટ લીધી એટલે કોયલા, એરંડીનાં બિયાં વગેરે લઈને પાણિયારાની લીસી ફરસબંધી પર સ્લેટને મર્દન કરવા નવરાવવાનું ચાલુ થઈ જ જવાનું. કાન ખચકાવી ખચકાવીને નંદુ કંટાળી હતી પણ રાધીનો કાન એવો ને એવો સ્થિતપ્રજ્ઞ રહ્યો હતો. આ બધી ટંટાળમાં ભાગ પડાવનાર સ્વામીનો અભાવ નંદુને મહિના વીતતા ગયા તેમતેમ ધીરે ધીરે અને પછી તીવ્રપણે ખટકવા લાગ્યો. હવે એ કોને કહે કે ‘તમે જ આ ભનકાને બગાડી મેલ્યો છે માટે તમારે જ એને ડારામાં રાખવો જોઈએ’. પતિ આવું સાંભળીને, પોતાને સુપરદ થતી શાસનસત્તાનો જરી જેટલો પણ પ્રયોગ જો ભાનુના ઉપર કરવા જતો, તો તુરત રસોડામાંથી વેલણ લઈને (પતિને મારવા માટે નહિ પણ ભૂલ ભૂલથી) ધસી જઈ ‘છોકરાનો જીવ લેશો ક્યાંઇક! રાક્ષસની જેમ મારી રહ્યા છો તે ખોટા!’ એમ કહીને ભાનુને ગોદમાં લઈ લેતી; એ પણ હવે તો કશું બની શકતું નહિ. નિ:સીમ બનેલી પોતાની સત્તાથી નંદુ તો ઊલટી અકળાઈ ગઈ અને પોતાને પુંડરીકને પીટી નાખતી રોકનારો કોઈક પિતા બેઠકખાનામાંથી હમણાં દોડ્યો આવશે ને કહેશે કે ‘ડાકણી! આમ ને આમ ક્યાંઇક જીવ લઈશ છોકરાનો’, એના તો ખાલી ભણકારા જ વાગતા રહ્યા. આઠ મહિને નંદુ ખૂણો મુકાવવાને નિમિત્તે પિયર ગઈ, પિયરમાં એક આધેડ ઉંમરના સગા ભાઈ સિવાય કોઈ નહોતું. ભાઈ સદાનંદ બેએક વર્ષથી ઘરભંગ હતો. બાળકો તો થયાં જ નહોતાં. બે પાંદડે થઈને મુંબઈથી દેશમાં ચાલ્યા આવવાનું ડહાપણ વાપર્યું હતું. રસોયો રાખીને રહેતો. ‘હા...આ...શ!’ ભાઈનું ફૂલ-ફૂલ ચોખ્ખુંચણાક ઘર ભાળીને નંદુએ ઊંડી શાતા અનુભવી. પોતે એકાદબે દિવસને માટે ગઈ હતી એટલે સૌથી નાના ગૌતમ સિવાય બાકીનાં ચારેય છોકરાંને જેઠને ઘેર રાખી આવી હતી. “ઓહોહો! પ્રભુ!” એણે આ ઘરમાં જઈ બેસતાં જ ચોમેર જોઈ કહ્યું: “કોઠો કેવી ઠરીને હિમ થાય છે! ભાઈ તો બૈરાંનેય ભૂ પાય તેવા છે ને શું! શી ચોખાઈ ને ગોઠવણી!” નંદુ નીચે બેઠી ને આમ બોલી કે તુરત સદાનંદ એક કપડું લાવીને નંદુને દેતો બોલ્યો: “આ લે, આને શેડા આવ્યા છે તે લૂછી નાખ.” નંદુ ગૌતમને ખોળામાંથી ઉતારી નીચે બેસારવા જતી હતી ત્યાં તો “રે’જે!” એમ કરતો સદાનંદ ઉતાવળે પગલે પાથરણું લઈ આવ્યો ને પાથરીને કહ્યું: “હવે બેસાર એને.” પાણિયારે પાણી લેવા માટે હાથાવાળી લોટી હતી, ઓરડે ઓશરીએ પગલુછણિયાં હતાં, હરએક વસ્તુ એને યોગ્ય ઠેકાણે હતી. સ્ટેશનેથી બહેનને લઈ આવી તુરત જ સદાનંદે પોતાના જોડા એક ગાભા વડે ઘસી સાફ કરી એ ગાભો પાછો એક ડબલામાં મૂકી દઈ ડબલું પાછું પડદા પાછળ ટાંકામાં ગોઠવી દીધું. “આહાહા! શું ચોખ્ખું ચણાક! શી ટાઢક છે ઘરમાં!” નંદુને કોઠે નિરાંત વળી ગઈ. અને નાનો ગૌતમ પણ ચકળવકળ જોતો જોતો, મામાની દૃષ્ટિ થતાંની વારે જ પોતાનાં નેત્રો નીચાં ઢાળી કજિયા-રોણાંનો ત્યાગ કરી ગયો. “આ લે.” એમ કહીને સદાનંદે એને અંજીર-જરદાલુ આપ્યાં, એ એણે ચૂપ રહીને, આજ્ઞાંકિત કોઈ કિંકરની જેમ ઝટપટ લઈ લીધાં. પણ મામા સામે ઊભા હતા ત્યાં સુધી મોંમાં ન નાખ્યાં. સદાનંદ ત્યાંથી ખસી ગયો તે પછી એનો હાથ મોઢા તરફ વળ્યો. પણ સદાનંદ જરાક પોતાને કામે પાછો ફર્યો એટલે ગૌતમે હોઠ લગી ગયેલ અંજીર પણ પાછું ખેંચી લીધું. નંદુ બે દિવસ રહી. દરમ્યાન પડોશીનું એક છોકરું પણ ત્યાં ડોકાતું ન દીઠું. કૂતરું ભૂલેચૂકે અંદર પ્રવેશે એટલી વાર એની ખડકી ઉઘાડી નહોતી રહેતી. ચોખાને ઓરવા પહેલાં વીણતા રસોયાએ ચાર દાણા નીચે ઢોળ્યા તો સદાનંદે તુરત જ ટપાર્યું: “મહારાજ, ચકલાંના ધમરોળ આપણે પાછા આ ઉનાળેય ઘેર ઉતારવા નથી. એ તે કંઈ જાત છે પંખીની! કમજાતને ચણવું અને વિષય ભોગવવા વિના ત્રીજો કોઈ ધંધો નથી. માણસોને ખાવા નથી મળતું ત્યારે આ હજારોલાખો નવરાં, બસ, માણસનાં ધાન ખાઈ ખાઈ ચરક્યાં જ કરે છે! આપણે એ હગાર ઉપાડ્યા નથી કરવી.” એ પછી પોતે રેંટિયો ઉઘાડીને રજેરજ લૂછી પૂછી કાંતવા બેઠો ત્યારે પણ નંદુ એની સુઘડતા, સફાઈ, સુવ્યવસ્થા અને ચકચકાટ જોઈ રહી. રેંટિયો નહિ પણ એ તો જાણે અરીસો હતો. એના લાકડામાં પણ મોં દેખાય. કામવાળી મોડી આવી: સદાનંદે પોતે જ પાણી ગળી લીધું. સંજવારી કાઢી નાખી. રસોયો દેખાયો નહિ: સદાનંદે રસોઈનું અનાજ સાફ કરી લીધું. નંદુનાં ચંપલ સહેજ આડાં પડ્યાં હતાં: પોતે એને બરાબર સીધાં ગોઠવ્યાં. એમ કરતાં વેળા થઈ, પણ બેમાંથી એકેય નોકરનો પત્તો નહોતો. નંદુ રસોઈ કરવા બેસી ગઈ. ને સદાનંદે ગૌતમનો કબજો લીધો. રોજ ઊઠીને માનું લોહી પીનારો બાળક મામાની દેખરેખ નીચે મિયાંની મીની બન્યો. નંદુ તો હરખમાં આવી ગઈ. રાત સુધી નોકરો ન દેખાયા. સદાનંદે નંદુને કારણ કહ્યું: “એવાં તો ગંદાં ગોબરાં ને હેવાન છે આ માણસો, કે મારે સાત મહિનામાં સાત બદલવાં પડ્યાં. વ્યવસ્થા કે સુઘડતાનું ભાન નહિ. મારું એકલા પંડનું રાંધવું તેમાં પણ બગાડનો પાર નહિ.” “એ તો ઠીક, ભાઈ!” નંદુ બોલી: “પણ તમારો જનમારો આવાં રાંધણાં માથે કેમ કરીને જાશે! મેં તો બે ટંક ખાધું, પણ તોબા પોકારી ગઈ.” “હું તો પાંચ વરસથી આ જ પામું છું.” નંદુએ વિચાર કરીને પૂછ્યું: “હેં ભાઈ! આંહીં એકલા જ પડ્યા રહેવું છે શું કાયમ?” “શું કરું?” “તમે મારી જોડે આવીને રહો તો? તો બેઉને નિરાંત. મારાં છોકરાંનો ભવ તમારી દેખરેખથી સુધરશે. આ ગૌતમો તો બે દિવસમાં જાણે પહેલાંનો ગૌતમો જ નહિ એવો ઠેકાણે આવી ગયો છે: આખી રાત મને ફોલીને ખાતો તેને સાટે આંહીં તો તે રાતથી પડખામાં લપાઈને કેવો ચકલ્યાના પોટા સરીખો પડ્યો રહે છે: તમે હીંડો, ભાઈ, આપણું બેયનું ગાડું ચાલ્યું જશે.”

[૨]

નંદુને ઘેર આવ્યાં સદાનંદને એક મહિનો થયો છે. પોતે ગોઠવાઈ ગયો છે. પ્રાત:કાળે અંધારામાં ઊઠે છે, પોતાનો ખંડ પોતે જ વાળી નાખે છે. અરે, કેટલીકવાર તો અરધુંપોણું ઘર પણ સાફ કરે છે. ખેતરોમાં દિશાજંગલ જઈ આવે છે, પાણી પણ પોતે જ ગળી નાખે છે. નંદુ જાગે ત્યારે તો બધું ટકોરાબંધ થઈ ગયું હોય. ગામમાંથી શાકભાજી લાવીને એકલો બેઠોબેઠો કોઈ શિલ્પીની અદાથી સમારે છે — શાકની થાળી, કચુંબરનું કચોળું, સંભારનું છીબું, આદુ-હળદરની કટોરી: જાણે અન્નકૂટ પૂર્યો હોયની! ધોવાયેલ કપડાંની પોતે ગડ કરી નાખી હોય, ધોવાનાં કપડાં પોતે જ બાલદીમાં ભરી નાખ્યાં હોય, અને સાબુની કતરણ પોતે જ ચૂલે ઊકળતા પાણીમાં નાખી આપી હોય. આખો ગૃહકારભાર જોઈને ઘર પોતે જ હસી રહ્યું. ને ઘરમાંથી અવાજ ઊડી ગયો. મોટો ભનુ શાહી, કાંકરા ને પેન્સિલ-કાગળ માટે ઘમાચકરડી બોલાવી ઘરને ચકરાવે ચડાવતો તે પાછલી પરસાળમાં લપાઈ લેસન કરતો થયો. પુંડરીક એકઢાળિયામાં પડેલાં લાકડાં પાટિયાં ફાવે ત્યાં ખેંચી આવીને છાબડાંની ઘોડી કરીને મોટો વેપારી બની બેસતો તે પણ ખો ભૂલી ગયો. રાધીની મગદૂર ન રહી કે શેરડી ખાતી ખાતી છોતાં ગૌતમ પર ફેંકે અગર તો પુંડરીકને થાપ આપીને પોતે દેકારો બોલાવતી બાથરૂમમાં સૌ પહેલી પહોંચી જાય. રાંધતી નંદુનાં લમણાં તોડી નાખતી રાવ પછી રાવ લઈ જનારાં અને એકાદ વેલણના પ્રહારે બરડો ચંચવાળતાં નાસનારાં છોકરાં હવે તો રસોડામાં જમવાનાં ભાણાં પીરસાતાં પહેલાં જઈ જ શકતાં નહિ. ચોરીછૂપીથી પાછલી પરસાળેથી જાય તો નંદુ તરત કહે છે: ‘મામાને કહું? એ... એ....એ... ભાઈ!’ એટલું સાંભળતાં જ પુંડરીક પાછો નાસી જઈ ડામચિયા પાછળ ક્યાંય સુધી છુપાઈ જાય છે. સદાનંદ છોકરાંને મારતો કે વઢતો નહિ. તદ્દન મૂંગો જ રહેતો. છોકરાંને મામાનો સાદ કેવો છે તે જ ખાતરી થઈ નહોતી. એ બહુ જ ધીમે બોલતો, ઘણુંખરું તો વગરબોલ્યે જ પોતાનો બંદોબસ્ત પળાવતો. “જો પુંડરીક, હું સરકસમાં જવાનો. આમ જો.” એમ કહી ભનુએ એક વાંસનો ટુકડો ભોંય પર મૂકી તે પર પાટલો ઊંધો ઢાળી, પાટલાને બેઉ છેડે પગ ગોઠવી, સમતોલપણું સાચવતેસાચવતે પોતાનો કોટ ઉતાર્યો, શર્ટ કાઢ્યું, ને ડગમગ ડગમગ થતે થતે એ કપડાં પહેરી લીધાં. આગલી રાતે સરકસ જોઈ આવેલ તેના એક ખેલાડીએ એક ઊંચા ટેબલ પર ઢીંચણિયું ને તે પર બીજું પાટિયું રાખી તેના પર ઊભાં ઊભાં જે પગથી માથા લગીનાં કપડાં કાઢીને પાછાં પહેરી લીધાં હતાં તેની નકલ કરી. રેંટિયો ફેરવતો સદાનંદ તુરત ઊઠ્યો. ચુપચાપ ત્યાં જઈ, વગર શબ્દે ભનુનો સરક-સરંજામ ઉપાડી લીધો અને જતનપૂર્વક મેડા પર ચડાવી દઈ પાછો રેંટિયો ફેરવવા બેસી ગયો. પુંડરીક અને ભનુ બેઉએ મામાની સામે જોઈ હસવાનો યત્ન કર્યો, પણ સદાનંદના મોં પરના સદા સરકી રહેલા મૂંગા સ્મિતની સાથે તેમના હસવાનો તાર મેળ ન લઈ શક્યો. “બા! પતંગ માટે બે પૈસા આપો.” ભનુએ ઉત્તરાયણના આગમનની ખુમારીમાં આગલા વર્ષની માફક ટંટો આદર્યો. “કહે મામાને.” મામા કહે કે “પરદેશી કાગળના પતંગ તે ઉડાડાય?” ભનુ પસ્તીમાંથી કાગળ લઈ, ખપાટ ને ચપ્પુ સાથે પછવાડાના વાડામાં બેઠો. લોટ લઈ વાટકામાં લાહી પલાળી. બિલાડીની માફક સદાનંદે શાંતિથી આવીને એ સર્વ અસબાબ ઉપાડી લીધો, ભનુએ ખપાટ ન આપતાં ખેંચતાણ કરી, સદાનંદનો હાથ ચિરાયો, પણ એ ખપાટ છોડાવ્યે જ રહ્યો. એ બધી ક્રિયા કરતી વેળા મામાની આંખો તીરછી જ રહી. અને એના મોં પરનું સ્મિત વીખરાયું નહિ. નંદુએ સદાનંદના હાથ લોહીલોહાણ દેખી ભનુને ખૂબ માર્યો. સદાનંદ રેંટિયો ફેરવતો જ રહ્યો. રાધી ખરચુ ગઈ છે. નંદુ રસોઈમાં છે. સદાનંદે પોતે જાતે જઈને એને પખાળી. પણ રાધીએ શા માટે કાળી ચીસો નાખી તેનું કારણ કોઈને કળાયું નહિ. રાધી બોલી શકતી નહોતી. સદાનંદનાં આંગળાં આમ તો રેંટિયા પર તાર કાઢતી વેળા કેટલાં સુંવાળા હતાં! પૂણીને પકડવામાં એની ચપટી, ખિસકોલીનું બચ્ચું પકડ્યું હોય તેટલી બધી મુલાયમ રહેતી. પછી તો રાધીને એ આંગળાં શા માટે બરછટ લાગવાં જોઈએ! પણ રાધીનાં અંગો એ પૂણી તો થોડાં જ હતાં! પુંડરીક એક દિવસ વહેલી પરોઢે આવીને નંદુની પથારીમાં ધીરે ધીરે બાની ગોદ સુધી ગોદડાંમાં પ્રવેશી ગયો. “કેમ આવ્યો? મામા પાસે સૂતો’તો ને?” “બા! હું અહીં સૂઉં?” “કેમ?” નંદુને નવાઈ લાગી. સવા વર્ષની વયે પુંડરીકે ધાવણ છોડ્યું હતું. બે વર્ષની ઉંમરથી જુદી પથારીમાં સૂતો, ને પછી તો આજ સુધી બાના શરીરનો સ્પર્શ પણ સહન કરી શકતો નહિ, તે જ પુંડરીક આજે આટલે વર્ષે ગોદમાં આવે છે! “કેમ? મામા પાસે નિરાંતવો સૂએ છે ને આજ વળી...” “બા!” “હાં.” “કહું? ખિજાશો નહિ ને?” “ના.” “ખરાબ સ્વપ્નાં આવે છે.” “ખરાબ સ્વપ્નાં! વેવલો નહિ તો! આવડો વેંત જેવડો છો ને વળી સ્વપ્નાં શેનાં?” “બા, કોઈક ગળા ઉપર ચડી બેસે છે.” “કોઈક? કોઈક વળી કોણ? મામા પાસે સૂએ છે ને?” “કોઈક, બા! બોલે નહિ, હસ્યા કરે, પણ ગળું ચીપી નાખે.” “લે હવે જા જા, દાંગા! કહેવા દે મામાને.” “નહિ બા, નહિ હો બા. મારા સમ બા.” કહેતો ચાલ્યો ગયો. સવારે સદાનંદ બદામનાં મીંજ ગરમ પાણીમાં નાખી તેની છાલ ઉતારી ઝીણી કતરણ કરીકરી પોતાના માટે આણેલા જુદા એક શેર ભેંસના દૂધમાં નાખતો હતો. રાંધીને પુંડરીકને એ સફેદ મીંજને તાકીતાકી છેટેથી જોતાં હતાં. પુંડરીક પરીઓને પ્રાર્થના કરતો હતો કે મારી પાંપણને ચીમટો બનાવી દ્યો ને! પણ સદાનંદને હમણાં વૈદની સલાહ હતી કે ભેંસનું દૂધ શેર એક, શર્કરા તોલા અઢી, બદામનાં મીંજ (કાગડી બદામનાં જ તો) તોલા અઢી, કેસર વાલ બે, મુજબ પ્રાત:કાળે પ્રથમ પ્રહરે દુગ્ધપાન કરવું, જેથી આંખોની ઝાંખપ ઘટશે અને શરીરમાં સ્ફૂર્તિ રહેશે. એ પ્રમાણે પોતે દુગ્ધપાન કરતો હતો, અને દૂર ઊભાં ઊભાં ટાંપી રહેલ બાળકોના અસ્તિત્વને વિશે પણ એ સમયે એને સ્મૃતિ રહેતી નહિ. ગામમાં નંદુની ખ્યાતિ વિસ્તરતી જતી હતી. ઓહો! નંદુબાના ભાઈ આવ્યા છે કાંઈ! બબ્બે મણ દૂધની તો રોજ છાશ વેચે છે હડેડાટ! પારેવાંની છત્રીએ જાર નખાવે છે. કોઈને કાપડ, તો કોઈને કામળીઓ, તો કોઈને ક્વિનાઇનની ગોળીઓ આપ્યા જ કરે છે. સસ્તા ભોજનનું રસોડું ઉઘડાવવા પણ મહેનત કરે છે. ખીહરને દી ગાયોને બે ભર કડબ લઈને ધરવી. ધરમનો થાંભલો છે નદુંબાના ભાઈ. વાતમાં અંશ પણ અસત્ય નહોતું. આયુષ્યનો ભરોસો નહિ, વપરાય તેટલું જાતે વાપરું ને સગી આંખે જોઉં. પાછળથી મારી સંપત્તિ કોણ જાણે કોણ ભોગવશે, એ સદાનંદના મનોભાવ હતા. પુંડરીકને અને રાધીને માતા પાસે બેસારી મામાનાં દાનપુન્યની આ સર્વ વાતો કરતી, પણ એ છોકરાં ઉલ્લાસ દાખવતાં નહિ. પુંડરીકે પોતાની પથારી ફેરવવાની જીદ હજુ છોડી નહોતી. અને પોતાની ઝીણીમોટી જિકરોથી અગાઉના સમયમાં માનાં ઝંટિયાં. પણ પીંખી નાખનારો બાળક હવે તો, ગરીબ અરજદાર ઉપરી સાહેબના ખુશમિજાજની પળ આવવાની રાહ જોતો હોય તે રીતે તાકી રહેતો. એવી પળ આવતી નહિ. મામાના આવ્યા પછી સાંપડેલી નિરાંતે બાના શરીરને પણ મેદના થર પર થર ચડાવવા માંડ્યા હતા. એને દિવસે પણ ઊંઘ આવી જતી. મામા તે વખતે રેંટિયો ફેરવતા કે નામું લખતા કે ખાસ પોતાને માટે જુદાં રાખેલ દાડમનાં બિયાં કાઢી કાઢી ખાતા બાની નિદ્રાની ચોકી કરતા હતા. એક દિવસ પુંડરીક ધગધગતું શરીર લઈને સ્કૂલેથી ઘરે આવ્યો અને બાને ખબર પડી ત્યારે બાએ કારણ શોધવા માંડ્યું. “ખાધાં હશે આંબલીના કાતરા — રખડ્યો હશે તડકામાં. હોળીમાં રંગો ઉડાડી ઉડાડી ટાઢાહિમ પાણીમાં તરબોળ કપડે તડકે કૂદતો હતો. મામાને ખબર પડી ને એણે બાવડે ઝાલી ઘરમાં લીધો ત્યારે તો ઉપાડો હેઠે બેઠો, માડી!” જવાબમાં પુંડરીકે કહ્યું: “બા, તાવ નથી. કાંઈ નથી. અમસ્તું જ એ તો.” “હા, અમસ્તું જ તો! તારે અમસ્તું ને અમારે હૈયાહોળી.” જોતજોતામાં તો પુંડરીકની આંખો લાલઘૂમ બની ગઈ. એણે પૂરપાટ હાંફવા માંડ્યું. વખત ગયો તેમ એ કાંઈક હસવા લાગ્યો. “મોટાભાઈ, બા ખોળામાં બેસારતી નથી, તમે બેસારોને?” મોટાભાઈ એટલે એના મૃત પિતા. “તું, નંદુ,” સદાનંદે કહ્યું “તું એના માથા પર ચીસો ન પાડ. તું ખસી જા, હું સંભાળું છું.’ સદાનંદ કપડાં સંકોડી, પુંડરીકની પથારીથી વેગળા બેસી એને કપાળે પોતાં મૂકવા તેમ જ ‘રઘુવીર તુમકો મેરી લાજ’ વગેરે ભજનનાં પદો બોલવા લાગ્યો. રાધી બીતી બીતી બારણામાં ઊભી હતી. તેનાથી પુછાઈ ગયું: “ભાઈ, શું થયું છે? ભાઈ, પૈડું ફેરવવા હાલો ને!” “છિત્ – છિત્, – છિત્.” મામાના મોંના એ છિતકારાથી અને મામાની અધબીડેલી આંખો દેખી એ બારણા પાછળ સંતાઈ ગઈ. “રાધી!” પુંડરીક હવે લવારીમાં બોલતો હતો: “સંતાડી દે — મામાની બદામ સંતાડી દે — મૂઠી મૂઠી ભરીને ભાગી જા, મારશે. રાધી, બા સૂતી છે, — કાંકરો નહિ મળે — પતંગના દોરને કાચ પાવો છે — વાટી દે ઝીણો — બા સૂતી છે — ઝટ લાહી કરી લઈએ — મામા છાશ વેચવા ગયા છે — ઝટ કર — એલી ઝ....ટ! બાએ માર્યું, પણ મને તો વાગ્યું જ નહિ — રોતો’તો ખોટેખોટું. નાસો, મામા ત્રાક ઘોંચી દેશે — નાસો, સંતાઈ જાઓ, મામા ગળું દાબી દેશે.. મારું તો દાબ્યું — એ હું ચાલ્યો.” “અરેરે!” નંદુએ દોડતા આવીને આ સાંભળ્યું ત્યારે સદાનંદને કહ્યું: “ભાઈ, કશું મનમાં આણશો નહિ હો! કોણ જાણે કેમ આવું ડરતો હશે, અરે કોઈક સાંભળશે તો શું કહેશે? બચાડાને આંહીં લાવીને આ દશા કરી.” સદાનંદનું મોં શ્યામ પડી ગયું હતું, એક અનિર્વાચ્ય આશ્ચર્યે એની આંખોને ભરી દીધી હતી. આમ કેમ થયું? બાળકની માંદગી અને મૃત્યુ એણે પહેલી જ વાર નજરે નિહાળ્યાં. બાળકની મસ્તી અને અવળચંડાઈનો પણ એના જીવનમાં અગાઉ કદી અનુભવ નહોતો. પાંચેક દહાડે પુંડરીક મરી ગયો. રડતી નંદુએ પોતાને આશ્વાસન દેતી સ્ત્રીઓને મોઢે કહ્યું: “અરેરે, ભાઈ બાપડા પોતાનાં સુખશાંતિ મૂકી મને છોકરાંને સાચવવા આવી અહીં બેઠા, તે એને અપજશ ચડ્યો.” ‘મને અપજશ! શી રીતે?’ પરસાળમાં ગીતાનો નિત્યપાઠ કરતા બેઠેલા સદાનંદે આ સાંભળીને મનમાં કહ્યું. ને પછી ઊંચે ટાંકામાં મૂકેલા ડબલાનું ઢાંકણું જરા પણ અવાજ કર્યા વગર ઉઘાડી, અંદરથી હીરો ઉપાડતો હોય એવી રીતે ગાભો કાઢી, પોતાના જોડા લૂછીને પહેર્યા, ગામ તરફ ગયો. પારેવાંને નાખવાની જુવારનો પ્રબંધ કરવો હતો.