યાત્રા/પ્રણય મુજ
Jump to navigation
Jump to search
પ્રણય મુજ
ભલે તું ધિક્કારે,
ઉવેખે વા પેખે,
છતાં તેં પ્રેરેલો પ્રણય મુજ તારા પર, સખી!
યુગોથી બંધાયાં હિમજલ સમો મુક્ત થઈને
સદા તારે શીર્ષે વિમલ અભિષેકો વિતરશે,
સ્ફુરંતો કે ઊંડાં અતલ તલથી કો ઝરણ શો
સદા તારે પાયે અનુનય અનેરા વિરચશે.
અને એવી રીતે યુગ યુગ લગી વ્હાલી, વહશે,
યદા તું જાતે એ પ્રણયજલની અંજલિ કરી
જશે પી, કે પોતે જલધિ સમ નિ:સીમ થઈને
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે,
અને ક્ષીરાબ્ધિ શો સભર રસરૂપે વિલસશે.
ડિસેમ્બર, ૧૯૪૦