રચનાવલી/૧૪૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪૪. સુભાષિતરત્નભાંડાગાર

(કાશીનાથ પાંડુરંગ પરબ)


કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્ત્રી પણસીકરે સંશોધિત કરીને એની છઠ્ઠી આવૃત્તિ ૧૯૨૯માં નિર્ણયસાગર પ્રેસ મુંબઈ દ્વારા બહાર પહેલી છે. ‘સુભાષિતરત્નભાંડાગાર'માં કાવ્ય, નાટક, ચંપુ, ભાણ, પ્રહસન, પુરાણ, ઇતિહાસ વગેરે જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેમજ કર્ણોપકર્ણ મળેલાં સુભાષિતો એકઠાં કર્યાં છે, એટલું જ નહીં પણ જતનપૂર્વક આ સુભાષિતોને ‘મંગલાચરણ પ્રકરણ', ‘સામાન્યપ્રકરણ’, ‘રાજપ્રકરણ', ‘ચિત્રપ્રકરણ', ‘અન્યોક્તિપ્રકરણ’ અને ‘નવરસપ્રકરણ' એમ કુલ છ પ્રકરણોમાં વર્ગીકૃત કર્યાં છે. ‘મંગલાચરણ પ્રકરણ'માં ગણેશ, સરસ્વતીથી માંડી ચન્દ્ર અને પૃથ્વી સુધીનાં તત્ત્વો વિશે સૂક્તિઓ છે, તો એમાં દશાવતારને લગતી સૂક્તિઓ પણ સમાવી લીધી છે. ‘સામાન્યપ્રકરણ'માં વિદ્યાપ્રશંસા, કાવ્યપ્રશંસા, નાટ્યપ્રશંસા ઉપરાંત કાલિદાસ, જયદેવ, બાણ બિલ્હણ વાલ્મીકિ જેવા વિશિષ્ટ કવિઓની પ્રશંસાને આવરી લીધી છે. વળી, ધન, ઉદ્યમ, વિનયની તો પ્રશંસા છે પણ દરિદ્રોની, કુમિત્રોની, કુપુત્રોની નિન્દા પણ છે. ત્રીજા પ્રકરણમાં રાજસભા અને રાજમિલનના વિષયથી શરૂ કરી અકબર, શાહીજહાન, દશરથ, પૃથ્વીરાજ જેવાઓની વિશિષ્ટ રાજપ્રશંસા છે. ચોથા ‘ચિત્ર પ્રકરણ’માં પ્રહેલિકા, પ્રશ્નોત્તરીથી માંડી પશુપંખીઓનાં જાતિવર્ણનો છે. પાંચમું ‘અન્યોક્તિ પ્રકરણ' સૂર્યથી શરૂ કરી મુસળ સુધીના વિષયોની અન્યોક્તિ આપે છે. અન્યોક્તિમાં વાત એકની થતી હોય અને સૂચન બીજાનું મળતું હોય છે. છઠ્ઠું ‘નવરસપ્રકરણ' નામ પ્રમાણે સાહિત્યજગતમાં પ્રચલિત શૃંગારથી માંડી અન્ય આઠેય રસની સામગ્રી એકઠી કરી આપે છે. આમ, ‘સુભાષિતરત્નભાંડાગાર' સંગ્રહ સંગ્રહકારના અથાક્ પરિશ્રમની પ્રતીતિ કરાવે છે. સંગ્રહને અંતે સુભાષિતો ક્યાંથી લેવામાં આવ્યા એના આધારો આપ્યા છે અને અકારાદિ ક્રમે શ્લોકોને એવી રીતે ગોઠવ્યા છે કે જો શ્લોક સ્મૃતિમાં હોય અને પૂરો મનમાં ઊગતો ન હોય તો એને શોધવામાં તરત મદદ મળી શકે છે. આ સંગ્રહમાં છે એવાં સુભાષિતોનું સંસ્કૃતમાં ખૂબ મહત્ત્વ છે. સંસ્કૃત ભાષા સમાસ અને સન્ધિની એવી રીતે બનેલી છે, તેમજ ટૂંકમાં કહેવાની અને ઉદાહરણપૂર્વક કહેવાની એની આવડત એવી તો મોટી છે કે સંસ્કૃતનું સુભાષિતસાહિત્ય વાસ્તવમાં પોતાનું અલાયદું સ્થાન ભોગવે છે. કહેવાયું છે કે ભાષાઓમાં મધુર અને દિવ્ય સંસ્કૃત છે, સંસ્કૃતમાં મધુર કાવ્ય છે અને કાવ્યમાં મધુર સુભાષિત છે. યુવતીઓના સ્વાભાવિક રીતે ગવાયેલા સુભાષિતગીતથી જો મન વિંધાઈ ન જાય તો માનવું કે કાં તો એ યોગી છે અને કાં તો એ પશુ છે, એમ પણ કહેવાયું છે કે સંસારના કટુવૃક્ષનાં બે અમૃતફળ છે ઃ એક છે સુભાષિત અને બીજું છે સજ્જનોની સંગત. તો વળી પૃથ્વી પરના ત્રણ રત્નોમાં જલ અને અન્નની સાથે સુભાષિતનું સ્થાન છે. સંસ્કૃતમાં અતિશયોક્તિનો મહિમા છે એ પ્રમાણે સુભાષિતનો મહિમા કરવામાં આવે છે : સુભાષિતના રસની સમક્ષ દ્રાક્ષ પ્લાન થઈ જાય, સાકર કાંકરી બની જાય અને સુધા બીકની મારી સ્વર્ગે સિધાવી જાય. બે કે ચાર પંક્તિઓમાં, એકદમ ચોંકાવી દે એવા ઉદાહરણ સાથે અનુભવના સત્ત્વને સારી લેતું સુભાષિત જપાનના હાઈકુની પેઠે માત્ર સંવેદન નહીં પણ સંવેદનની સાથે સમજદારી અને દુનિયાદારીની સામગ્રીને પણ ભેળવે છે. થોડાક નમૂના જોઈએ તો સુભાષિતસાહિત્યનો પરિચય થશે. ગણેશનું ચિત્ર જુઓ : હાલતાં કાનથી વીંઝાતા પવનને કારણે ઊડેલા સિન્દૂરથી બધુ રાતું બની જતાં અકાળે સંધ્યાનો સમય થયા હોય એવો આ ગણેશ ભાસ કરાવે છે. પાર્વતીનું ચિત્ર જુઓ : શંકરના કંઠના આશ્લેષ સાથે આંખ મિંચાઈ ગયેલી હોવાથી ઉમા, કાલકૂટના ઝેરિલા સ્પર્શથી મૂર્છામાં પડી હોય એવી લાગે છે. ક્યારેક સુભાષિત હળવી શૈલીમાં પણ પ્રવેશે છે. કુવૈદ્યની કરેલી નિન્દા જોવા જેવી છે: ‘યમરાજના ભાઈ જેવા કે વૈદ્યરાજ, અમે તમને નમન કરીએ છીએ. યમરાજ તો પ્રાણનું જ હરણ કરે છે પણ તમે તો ધનનું પણ હરણ કરો છો.’ બીજા એક સુભાષિતમાં અન્ય પ્રદેશમાં જઈને ઊભેલા વૈદ્યને, કોઈની ચિતાને પ્રજવેલી જોઈ વિસ્મય થાય છે કે ન તો હું અહીં હતો ન તો મારો કોઈ ભાઈ છે, પછી આવી હસ્તકલા બતાવી કોણે?' ક્યારેક દરિદ્રતાની નિન્દા કરતા સુભાષિતમાં કહેવાયું છે કે ‘આ લોકમાં ધનિકો માટે પારકા યે સ્વજન બની જાય છે, જ્યારે દરિદ્રો માટે પોતાનાં સ્વજનો પણ દુર્જનો બની જાય છે. ક્યારેક સુભાષિતમાં મૌનનો મહિમા કરાયો છે. પોતાના મૌને કારણે શુકસારિકા પિંજરે પુરાયાં છે. બગલાને તો કોઈ પિંજરે પૂરતું નથી. મૌન જ સ્વાર્થ સાધન છે. સુભાષિતમાં વૃદ્ધત્વની પણ બરાબર ઠેકડી ઉડાડી છે. કહે છે : ‘કાળામેલા વાળે સફેદી ધારણ કરેલી જોઈને રોષે ભરાઈને મોંમાંથી દંતાવલી ચાલી ગઈ.’ તો જીવનનું કોઈ કાર્ય ભૂખે પેટે નથી થતું. એની વાત સુભાષિતમાં જુદી રીતે કહેવાયેલી છે : ‘શય્યા, વસ્ત્ર, ચન્દન, સુન્દરનાર વીણા કે વાણી – ભૂખથી પીડાતાં મનુષ્યને આ કાંઈ રુચતું નથી. બધાં કાર્યોનો આરંભ મુઠ્ઠીભર ચોખાથી થાય છે.’ જે જમાનામાં પ્રવાસનાં સાધનો પૂરાં વિકસ્યાં નહોતાં અને પર્યટનવિભાગની કલ્પના નહોતી ત્યારે પણ સુભાષિતોએ પ્રવાસનો સરસ ઉદાહરણ સાથે મહિમા કર્યો છે. કહે છે : જે અન્ય દેશોમાં જતો નથી અને જે પંડિતોને મળતો નથી એની બુદ્ધિ પાણી પર પડેલા ઘીના ટીપાની જેમ સંકોચાયેલી રહે છે. જે અન્ય દેશોમાં જાય છે અને પંડિતોને સેવે છે એની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાની જેમ વિસ્તાર પામે છે. છેલ્લે, એક સુભાષિતમાં હાઈકુના જેવી ચિત્રશૈલીથી સમુદ્રનું ન ભુલાય એવું વર્ણન જોઈએ : ‘જમીન પર પડીને તારસ્વરે ગર્જતો, મોટા મોજાંઓનાં હાથને પટકતો, ફીણ ફીણ આ સમુદ્ર, એને અપસ્માર (ફેફરું) થયાની શંકા ઊભી કરે છે.’ એકંદરે, સંસ્કૃત સુભાષિતની અદાથી કહીશું કે ધર્મ, યશ, ન્યાય, દક્ષતા અને સુન્દરતા અંગેનાં સુભાષિતોનો સંગ્રહ જેની પાસે છે એને ક્યારે ય જગતમાં દુઃખી થવાનો વારો આવતો નથી.