રચનાવલી/૧૬૪
શાળા જીવનનાં મારાં છેલ્લા બે-એક વર્ષ દરમ્યાન ક્યારેક અવેજીમાં બે મહિના માટે એક યુવાન શિક્ષક વર્ગમાં આવેલા, તે હજી યાદ છે. મારી કવિતા અંગેની નિસ્બત શરૂ થઈ ચૂકેલી. લખવા માંડેલું અને વાંચવા માંડેલું. રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ અને એમનાં અન્ય પુસ્તકોના ગદ્યકાવ્યો અંગ્રેજીમાં વાંચતો હતો, ત્યાં આ શિક્ષકે ખલિલ જિબ્રાનનું ઘેલું લગાડેલું. એમના હાથમાં ખલિલ જિબ્રાનના પોતાનાં ચિત્રો સાથેની ‘પયગંબર’ (પ્રોફેટ) કૉપી સાથે રહેતી મને પણ રંગ લાગેલો, રવીન્દ્રનાથની ઊર્મિલ રહસ્યમયતા સાથે ખલિલ જિબ્રાનની ધૂમિલ રહસ્યમયતાએ એ દિવસોમાં મારા યુવા ચિત્તનો કબજો લીધેલો. કવિ, ફિલસૂફ, ચિત્રકાર ખલિલ જિબ્રાને અમેરિકી પ્રજાનો પણ એવો જ કબ્જો લીધેલો. એમાં ય એના ‘પયગંબર'નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. અર્થહીન યુદ્ધો અને બિનજરૂરી કત્લેઆમના યુગમાં જિબ્રાનનો એમાં વ્યક્ત થયેલો પ્રેમ-સંદેશ અને જીવનસંદેશ કોઈને પણ સ્પર્શી જાય તેવો છે. એમાં એક બાજુ મનુષ્ય રચેલા નિયમોમાંથી જાતને મુક્ત કરવાની અશક્તિની હતાશા છે, તો બીજી તરફ પૂરી અનુકંપાથી પોતાના સાથી સંગાથીઓને મુક્ત કરવાનો ઉત્સાહ છે. ખલિલ જિબ્રાન પણ પયગંબર ને એની ઉત્તમ સિદ્ધિ ગણે છે. જિબ્રાનની જીવન અંગેની વેદના અને સંવેદના સરલ શૈલીમાં કોઈ પણ જાતના ભાષાના આડંબર વિના એમાં ઊતરી છે. આમે ય એની લઘુનવલ ‘ભગ્નપાંખો’, ‘સરઘસો’ ને થોડાંક એકાંકીઓ બાદ કરતાં એણે બોધકથાઓ, વાર્તાઓ, ગદ્યકાવ્યોના ટૂંકા પણ સચોટ સ્વરૂપમાં કામ કર્યું છે અને અહીં ‘પયગંબર'માં પણ જિબ્રાને નાના નાના કાવ્યનિબંધોનો સહારો લીધો છે. એમાં એની જીવનની સમજ અંગેનાં માર્મિક વિધાનો દૃષ્ટાંતોની માફક રજૂ થયાં છે. ૧૮૮૩માં લેબેનોનમાં જન્મેલા જિબ્રાન બૈરુતમાં પ્રાથમિક શિક્ષણ લઈ, કમાવા નીકળેલાં એના માતાપિતા સાથે અમેરિકા બૉસ્ટન પહોંચે છે. એની સજાગ માતા એના ભણતર પાછળ પૂરતું ધ્યાન આપે છે. એનો મોટો ભાઈ અને એની બહેનો પણ મજૂરી કરી એના ભણતરને પોષે છે. એક બહેન મરિયમને બાદ કરતાં પાછળથી ક્ષયમાં બધાં જ અવસાન પામે છે એની વેદના અને હાલા ધાહેરને પરણી નહોતો શો એની વેદના જિબ્રાનને જીવનભર વળગેલી રહી. અમેરિકમાં રહેવા છતાં જિબ્રાનનું આકર્ષણ અરબી ભાષા તરફ વિશેષ હતું. એણે અરબીમાં લખ્યું અને પછી મોટે ભાગે અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અરબી ભાષાનું આ શિક્ષણ એણે અમેરિકાથી પાછા ખૈરુત જઈને રીતસરનું લીધું હતું. ખલિલ જિબ્રાન લેખન ઉપરાંત ચિત્રો પણ કરતો હતો. એનાં ચિત્રોએ કોઈ સામાજિક કાર્યકરનું ધ્યાન ખેંચેલું અને એને કારણે જિબ્રાનનો આધુનિક ફોટોગ્રાફર હોલાન્ડ ડે સાથે સંપર્ક થયો. આ ફોટોગ્રાફરે જિબ્રાનને સાહિત્યજગતમાં પ્રવેશ કરાવી આપ્યો. સાહિત્ય જગતના નવા મિત્રોએ એને આધુનિક કલાનો પરિચય કરાવ્યો. નિત્શે જેવાનાં પુસ્તકો વાંચવા આપ્યાં, નાટકો અને નૃત્ય નાટિકાઓમાં લઈ ગયા. જિબ્રાન અરબીમાં લખતા બૉસ્ટનના અરબી લેખકવર્તુળમાં એકદમ મહત્ત્વનો લેખક બની ગયો. અમેરિકી મિત્ર મેરી હાસ્કેલે આર્થિક સહાય સાથે જિબ્રાનને પેરિસ મોકલ્યો; જ્યાં જિબ્રાનને એ વખતની ત્યાંની મહત્ત્વની હસ્તીઓનો સમાગમ થયો. પ્રસિદ્ધ શિલ્પી ઓગિસ્ત રોદાંએ જિબ્રાનને વિલ્યમ બ્લેક સાથે સરખાવ્યો. જિબ્રાન પણ બ્લેકની જેમ લખતાં લખતાં ચિત્રાંકનો કરતો હતો. જિબ્રાનનાં ચિત્રોમાંથી પણ બ્લેકની જેમ ગૂઢવાદ પ્રસરતો હતો. જિબ્રાને અમેરિકામાં પોતાના ગ્રીનવિચના સ્ટુડિયોમાં જિંદગીભર કામ કર્યું. અનેક મ્યુઝિયમમાં એનાં ચિત્રો આજે પ્રદર્શિત થયેલાં મળી આવે છે. જિબ્રાન અમેરિકામાં ૧૯૩૧માં ૪૮ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એના અવશેષને એની ઇચ્છા પ્રમાણે લેબિનોનમાં લાવવામાં આવેલા છે અને ત્યાં જિબ્રાનનું એક મ્યુઝિયમ પણ ઊભું કરાયું છે. આજે જિબ્રાન સૌથી વધુ વંચાતાં લેખકોમાંનો એક છે. અને, ‘પયગંબર’ એના સૌથી વધુ વંચાત પુસ્તકોમાંનું એક છે. એમાં જુદા જુદા વિષયો પરના ૨૬ કાવ્યનિબંધો છે. એની સાથે શરૂમાં ‘વહાણનું આગમન’નું પ્રાસ્તવિક છે અને છેલ્લે ‘વિદાયવચન’ જોડેલા છે. ૧૨ વર્ષ સુધી ઓર્ફલિસ નગરમાં રહેતા પયગંબર અલમુસ્તફાને વતન પાછા લઈ જવા વહાણ આવી રહ્યું છે પણ લોકચાહના અને લોકપ્રેમ સંપાદન કરનાર પયંગબરનું જવું લોકોને મંજૂર નથી. ચોકમાં લોક એકઠાં થયાં છે અને ‘અમારાથી દૂર ન જાઓ’ એમ એક સાથે વિનવી રહ્યાં છે પણ પયગંબર જવાબ નથી આપતા માત્ર માથું ઢાળી દે છે. આ પછી સાધ્વી અલ્મિત્રા પ્રવેશે છે અને કહે છે કે તમારી ઝંખનાની ભૂમિનો સાદ સમજી શકાય છે. અમારો પ્રેમ કે અમારી જરૂરિયાત તમને રોકી નહીં શકે, પણ જતાં પહેલાં અલ્મિત્રા પયગંબર કંઈ કહે એમ ઇચ્છે છે. પયગંબર અલમુસ્તુફા એક પછી એક પુછાયેલા વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા આવે છે. પ્રેમ, લગ્ન, બાળકો, દાન, ખાનપાન, કર્મ, હર્ષ, શોક, મકાનો, કપડાં, વેચાણ ખરીદી, સજા અને ગુનો, નિયમો, સ્વાતંત્ર્ય, તર્ક અને આવેગ, વેદના, આત્મજ્ઞાન, શિક્ષણ, મિત્રતા, વાતચીત, સમય, પાપપુણ્ય, પ્રાર્થના, આનંદ, સૌંદર્ય, ધર્મ અને મૃત્યુ જેવા વિવિધ વિષયો પરની પયંગબરની વાણીમાં જીવનની અનુભૂતિનો નીચોડ છે અને અભિવ્યક્તિની ચોટ છે. પ્રેમ વિષે બોલતા કહે છે કે ‘તમે પ્રેમમાં હો ત્યારે એમ ન કહો કે ઈશ્વર મારા હૃદયમાં છે પણ કહો કે હું ઈશ્વરના હૃદયમાં છું.’ લગ્ન માટે કહે છે કે ‘તમે એકબીજાની પ્યાલીમાં રેડજો પણ એક જ પ્યાલી મોંએ ન માંડશો.’ બાળકો વિશે કહે છે કે, ‘તમે બાળકોને તમારો પ્રેમ આપજો, તમારા વિચારો નહીં, કારણ કે એમની પાસે એમના પોતાના વિચારો હશે.’ કર્મની બાબતમાં તો પયંગબરની વાણી ‘ગીતા’ની કર્મફિલસૂફીની લગભગ નજીક પહોંચી જાય છે. કહે છે કે, ‘જિંદગી અંધકાર છે, જો એમાં આવેગ ન હોય. અને બધા આવેગો જ્ઞાન વિના આંધળા છે અને બધું જ્ઞાન કર્મ વિના વ્યર્થ છે અને બધાં કર્મ પ્રેમ વિના ઠાલાં છે.’ તર્ક અને આવેગ અંગે બોલતા પયગંબરની વાણી નરી કાવ્યાત્મક બનીને ઊભી રહી છે. છેલ્લે પયગંબર જન્મમૃત્યુ અને ફરી જન્મના વર્તુળની શ્રદ્ધા જગાડી વિદાય થાય છે. ‘પયગંબર’માં ભલે કહેવાયું છે કે એકનું દર્શન બીજાને એની પાંખ આપી શકતું નથી. પણ એવી અશક્ય દિશામાં જ પયગંબરનાં પગલા મંડાયાં છે.