રચનાવલી/૨૧૫
સમયના ગર્ભમાં શું શું છુપાયેલું પડ્યું રહે છે એનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. કોઈએક દટાયેલી નગરી કે મૂર્તિ મળી આવે, પુસ્તકોના ભંડારમાંથી કોઈ જૂની પુરાણી ભૂલાયેલી ગ્રંથ જડી આવે, ક્યારેક કોઈના પત્રવ્યવહારનો થોકડો હાથ ચડી જાય - અને ઇતિહાસ બદલાઈ જાય છે. આપણે નવેસરથી સંસ્કૃતિને ઓળખતા થઈએ છીએ. આપણો સાહિત્ય અંગેનો ખ્યાલ બદલાઈ જાય છે અને ક્યારેક તો આપણને નવેસરથી વ્યક્તિનો પરિચય થાય છે. આવું જ થયું છે સૅન્ટ ઑગસ્ટિનની બાબતમાં. ખ્રિસ્તી ધર્મના અત્યંત જાણીતા લેટિન પાદરી સેન્ટ ઑગસ્ટિન ઈ.સ.ના ૩૫૪થી ૪૩૦નાં વર્ષોમાં થઈ ગયા. બિનખ્રિસ્તી પિતા અને ખ્રિસ્તી માતાને ત્યાં ઉત્તર આફ્રિકાના નુમિડિયામાં જન્મેલા ઑગસ્ટિનનું યુવાજીવન મોજશોખમાં ગયું, પણ ઈ.સ. ૩૮૭માં એમનો બાપ્ટિઝમ સંસ્કાર થયા પછી ઈ.સ. ૩૯૬માં એમની ઉત્તર આફ્રિકાના હિપ્પો (આજનું બૉન)માં બિશપ તરીકે નિયુક્તિ થયેલી. બિનખ્રિસ્તી પ્રવાહોની સામે હજી ખ્રિસ્તીધર્મ પગભર થતો આવતો હતો અને ભારે વિવાદોનો સમય હતો એવે વખતે એમણે ખ્રિસ્તી ધર્મના બચાવની સક્રિય કામગીરી બજાવેલી અને ખ્રિસ્તી વિચારધારા પર એમનો મોટો પ્રભાવ પડેલો. કેટલાક એકરારો આપતું આત્મકથા જેવું એમનું ‘સાક્ષી’ કે લોકોના મનમાંથી રોમને ભૂંસી નાંખવા કમર કસતું એમનું ‘ઈશ્વરનું નગર’ એમનાં જાણીતાં પુસ્તકો છે. પાપ, યૌન સંબંધ અને મૃત્યુ જેવા વિષયો પર સતત ચિંતવન કરતાં એમનાં લગભગ ત્રાણુ જેટલાં પુસ્તકો છે એટલું જ નહીં પણ પોતાના અવસાન પહેલાં આબધાં લખાણો એમણે કાલાનુક્રમે બિલકુલ વ્યવસ્થામાં ગોઠવી આપેલાં મળી આવે છે. આ સાહિત્ય દ્વારા સૅન્ટ ઑગસ્ટિનની એક ચોક્કસ છબી બંધાયેલી છે. આ છબીમાં આત્મકથા દ્વારા માતા તરફનો વધારે પડતો ઝોક, યૌનસંબંધ માટેનો તિરસ્કાર, ખ્રિસ્તી ધર્મનું મૂળભૂત પાપ અને એ માટેનો આગ્રહ — જેવાં લક્ષણો એકદમ આગળ તરી આવે છે. પરંતુ ૧૯૭૫માં વીએનાના જોહનીઝ ડિવજાકને પોતાના સંશોધન દરમ્યાન અકસ્માતે સૅન્ટ ઓંગસ્ટિનના લાંબા સત્તાવીશ પત્રો હાથ ચડ્યા છે. આ પત્રો ઑગસ્ટિને જીવનના છેલ્લા દશકામાં લખેલા છે; અને સ્પષ્ટ બતાવે છે કે અંતમાં એમનું જીવન કલ્પનાથી પણ વધુ યાતનાગ્રસ્ત હોવા છતાં પોતાના કાર્યમાં એ મક્કમ રહ્યા છે. બીજી બાજુ ૧૯૯૦માં ફ્રાન્ક્વા દોલ્બોને સૅન્ટ ઑગસ્ટિનનાં છવ્વીસ ધર્મપ્રવચનો હાથ ચઢ્યાં છે. આથી આ ધર્મપ્રવચનો દોલ્બો ધર્મપ્રવચનો તરીકે ઓળખાયા છે સૅન્ટ ઑગસ્ટિના પત્રોએ અને ખાસ તો આ નવા જડેલા ‘દોલ્બો ધર્મપ્રવચનો’એ એક નવા સૅન્ટ ઑગસ્ટિનનો પરિચય આપ્યો છે. પોતાના સમયમાં જીવંત બિનખ્રિસ્તીવાદની સામે ખ્રિસ્તી ધર્મને સ્થાપવા સૅન્ટ ઑગસ્ટિનને જે ઝઝૂમવું પડેલું છે એની કેટલીક તસ્વીરો એમાંથી ઊભરે છે. કહેવાય છે કે, ‘દોલ્બો ધર્મપ્રવચનો’ પ્રવચનોની યથાતથ નોંધ છે. એમાં સૅન્ટ ઑગસ્ટિનનો જાણે કે જીવતો અવાજ ઝલાયેલો છે. દોલ્ગોએ પોતે કહ્યું છે કે આ પ્રવચનોના વાચનમાંથી પસાર થતાં લાગે છે કે બહુ દૂરના ભૂતકાળમાં અવસાન પામેલા કોઈ મિત્રનો અવાજ આપણે જાણે કે ટેઇપરેકોર્ડર પર સાંભળતા હોઈએ. એમાંનું એક પ્રવચન તો ૧૫૦૦ પંક્તિનું છે એને રજૂ કરતા ઑગસ્ટિનને ત્રણેક ક્લાક થયા છે. કોલાહલ કરતા અનેક દેવોમાં શ્રદ્ધા ધરાવતા બિનખ્રિસ્તી ટોળા સામે માંડ પગભર થતા આવતા ખ્રિસ્તીવાદનો આ પાદરી કઈ રીતે ઝઝૂમ્યો હશે એનું ચિત્ર ‘ધર્મપ્રવચન’માંથી પસાર થતા કલ્પી શકાય છે. ઑગસ્ટિન સમજાવે છે કે તમારી આસપાસના જગતનો સંવાદ જુઓ, આ ખેડાયેલાં ખેતરો જુઓ. આ જંગલો જુઓ, આ બધું આપણે ચાહીએ છીએ. આ નગરને જુઓ, એની વ્યવસ્થાને જુઓ, કતારબંધ ઊભેલા મકાનો જુઓ, કલાઓની વિવિધતા જુઓ, માનવભાષાની વિવિધતા જુઓ, સ્મૃતિની શક્તિ જુઓ, ‘માનવવાણી'ની સ્ફૂરણાને જુઓ. આ બધા પાછળ ઈશ્વર છે અને એ ઇચ્છે છે કે તમે એને જુઓ. ઈશ્વરનું ચિંતવન કરો અને સદા ઈશ્વરને કહો કે તારો ચહેરો જોવા ઉત્સુક છું. સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત તો સૅન્ટ ઑગસ્ટિને ‘ધર્મપ્રવચનો’ અંગે કરેલો ખુલાસો છે. કહે છે કે અમે ઉપદેશ આપનારા અને પુસ્તકો લખનારા, ધર્મગ્રંથો લખાયા છે, એનાથી બહુ જુદી રીતે લખીએ છીએ. અમે તો હજી આગળ વધતા હોઈએ ત્યારે લખતા હોઈએ છીએ. અમે દરરોજ કંઈક નવું શીખીએ છીએ, અમે જવાબો શોધતા હોઈએ છીએ ત્યારે જ લખતા હોઈએ છીએ અને સમજ માટે ઈશ્વરનાં બારણાં ખટખટાવતાં હોઈએ છીએ ત્યારે જ ઉપદેશ આપતા હોઈએ છીએ મારા વતી મારી સૌને વિનંતી છે કે મારી બાબતમાં મારો કોઈ પૂર્વનો ઉપદેશ કે મારો કોઈ પૂર્વનો ગ્રંથ – ‘એને પવિત્ર માનીને ન ચાલશો —’ આટલું કહ્યા પછી સૅન્ટ ઑગસ્ટિનની છબી અતિ ગૌરવવાળી ઊભી થતી જોઈ શકાય છે. કહે છે : ‘હું સાચું શું છે એ કહું છું ત્યારે કોઈ એ પ્રમાણે વર્તતાં નથી પણ મારી ખોટી રીતે ટીકા કરનારાઓ તરફ હશે એના કરતાં એમના પ્રતિ મારો વધુ ગુસ્સો હશે, જેઓ મારા વખાણ કરતા હશે અને મારા લખાણોને બાબાવાક્ય પ્રમાણ ગણીને ચાલતા હશે.’ કૃપા સિદ્ધાંત, ઈશ્વરની પસંદગી, અસહાય ઇચ્છાશક્તિની કરુણ અસહાયતા – આ બધું ઑગસ્ટિને કેથોલિક ચર્ચમાંથી ચુસ્યું છે એવું વારંવાર એનાં લખાણોમાં જોનારને ‘દોલ્બો ધર્મપ્રવચનો’ ખાતરી કરાવશે કે સૅન્ટ ઑગસ્ટિને જીવનના અંત સુધી કૃપાદૃષ્ટિ અને દિવ્યશક્તિને મનુષ્યની આંતરિકતા સાથે, એના અધ્યાત્મ સાથે સાંકળ્યાં છે. ઈશ્વરની કૃપાદૃષ્ટિના સંદર્ભમાં એ સ્પષ્ટપણે માને છે કે એમાં સ્ત્રી પુરુષ વચ્ચે, બાળકો અને મોટાઓ વચ્ચે કે સાક્ષર અને નિરક્ષર વચ્ચે કોઈ ભેદ નથી. ‘દોલ્બો ધર્મપ્રવચનો’નો સૂર એ છે કે ઈશ્વરે દરેક હૃદયમાં ગૌરવ કે મહિમાનો એવો ભાર મૂક્યો છે કે એ ભાર દ્વારા દરેક જણ માળામાં પાછા વળતાં કબૂતરોની જેમ, પૃથ્વીભણી ધસતા પથ્થરની જેમ, ઝળહળતા તારાઓ ભણી જવા ભભકતી જ્યોતિની જેમ, એના ‘નૈસર્ગિક ઘર’ તરફ જબરદસ્ત રીતે આકર્ષાય છે. આ સૂર હજી આજે પણ આપણને સોળસો વર્ષ વટાવીને, અહીં આવીને સ્પર્શે છે.