રચનાવલી/૭૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૯. ઉમરાવ જાન અદા (મિર્જા હાદી રુસવા)





૭૯. ઉમરાવ જાન અદા (મિર્જા હાદી રુસવા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



નવલકથાને ઘણીવાર ‘પૉકેટ થિયેટર' કહેવામાં આવે છે. છપાયેલી નવલકથાને ઇચ્છો ત્યારે ઉઘાડો, વાંચો, ઇચ્છો ત્યાં અટકો અને ફરી ઇચ્છો ત્યારે વાંચવી શરૂ કરો; અને એમ પૂરી કરો. પણ આ ‘પૉકેટ થિયેટર’ જ્યારે ખરેખરા અર્થમાં થિયેટર'માં પહોંચી જાય છે, ત્યારે એનો ફેલાવો બહોળો થાય છે. ભાષાના માધ્યમમાંથી દશ્યના માધ્યમમાં જતાં એનો પ્રભાવ પણ ઘેરો પડવાનો. અનેક નવલકથાઓ જ્યારે નાટકમાં કે ચલચિત્રમાં ઢળી છે ત્યારે એ ખાસ્સી આમવર્ગમાં પણ લોકપ્રિય બની ગઈ છે; અને દૃશ્યના માધ્યમમાં ભાષાનો સીધો અવરોધ ન હોવાથી ભાષા બહારના અસંખ્ય પ્રેક્ષકોનું કામણ બની ગઈ છે. ઉત્તમ નવલકથાઓ ચલચિત્રના માધ્યમ દ્વારા આમવર્ગ સુધી પહોંચ્યાનાં ઘણાં ઉદાહરણ છે. બંકિમચન્દ્રની ‘આનંદમઠ', શરદબાબુની ‘દેવદાસ’, ગોવર્ધનરામની ‘સરસ્વતીચન્દ્ર', કનૈયાલાલ મુનશીની ‘પૃથ્વીવલ્લભ' જેવી નવલકથાઓની જેમ ઉર્દૂના પ્રખ્યાત લેખક મિર્જા હાદી રુસવાની નવલકથા ‘ઉમરાવ જાન અદા' પરના ચલચિત્રે પણ ખય્યામના ઉત્તમ સંગીતને કારણે અને અભિનેત્રી રેખાની પ્રભાવક નૃત્યમુદ્રાઓને કારણે જનહૃદયમાં કાયમનું ઘર કર્યું છે. મિર્જા હાદી રુસવા ઉર્દૂના ઉત્તમ ગદ્યકારોમાંના એક છે. શરૂમાં ગાલીબની શૈલીમાં ગઝલો કરતાં પણ પછી એમણે ‘મસનવી નૌબહાર', ‘સુબહ-એ- મજનૂ' જેવી રચનાઓ સાથે ઉર્દૂ સાહિત્યની પ્રસિદ્ધ નવલકથા ‘ઉમરાવ જાન અદા' આપી છે. આ નવલકથામાં એક કથા ‘અમીરન’નું ‘ઉમરાવ'માં અને ‘ઉમરાવ’નું છેવટે ‘ઉમરાવ જાન અદા’માં રૂપાન્તર થાય છે અને ‘ઉમરાવ જાન' ફરી ક્યારે ય મૂળ ‘અમીરન' બની શકતી નથી. એની વેધક વેદનાની કથા છે. ઉમરાવ જાન કવિ પણ છે અને એનું તખલ્લુસ ‘અદા’ હોવાથી એ ‘ઉમરાવ જાન અદા’થી ઓળખાય છે. ગઈ સદીમાં એક વેશ્યા અને કવિ તરીકે જીવી ગયેલી નારીના જીવનની અડધીપડધી વાસ્તવિક અને અડધીપડધી કાલ્પનિક રજૂઆત માર્મિક છે. ફૈઝાબાદમાં કોઈએક જમાદાર અને બદમાશ દિલાવરખાન બાજુબાજુમાં રહેતા હતા. જમાદારની સાક્ષીને કારણે દિલાવરખાનને બાર વર્ષની જેલ મળે છે. તેથી જેલમાંથી છૂટીને દિલાવરખાન પોતાના મિત્ર પીરબખ્શની મદદથી જમાદારની દીકરી અમીરનને કપટથી બળદગાડીમાં નાખીને દૂર લઈ જાય છે. દિલાવરખાનનો ઇરાદો અમીરનને મારીને નાળામાં ફેંકી દેવાનો હતો પણ પીરબખ્શ એને નવો નુસ્ખો બતાવે છે. બળદગાડીને લખનૌ તરફ વાળીને પીરબખ્શ દિલાવરખાન અને અમીરનને પોતાના સાળા કરીમને ત્યાં લઈ આવે છે. અમીરનને એક ઓરડામાં પૂરે છે. આ ઓરડામાં બીજી પણ એક રામદેઈ નામની છોકરીને પૂરવામાં આવે છે. કરીમ છોકરી વેચવાનો ધંધો કરતો હોય છે. રામદેઈ સુંદર હોવાથી તરત કોઈ નવાબે એને ખરીદી લીધી. પણ અમીરન બહુ સુન્દર ન હોવાથી એને લખનૌના ચોકબજારમાં જઈને વેચી. સવાસો રૂપિયામાં વેશ્યા ખાનમ જાન અમીરનને ખરીદી લે છે. ૫૦ વર્ષની ખાનમ જાન વેશ્યાની મોટી હવેલી હતી. એમાં અનેક ઓરડા હતા. અને દરેક ઓરડામાં નાચનારીઓ હતી. ખાનમ જાને નવી આવતી છોકરીઓ માટે એક પાઠશાળા પણ એમાં રાખેલી, જ્યાં મૌલવી અને કોઈ વૃદ્ધ વેશ્યા એમને તાલીમ આપતાં. ખાનમ જાનને અમીરન નામ પસંદ ન હોવાથી એનું નામ ‘ઉમરાવ' રાખીને એને પાઠશાળામાં મોકલી આપી. સારું ખાવુંપીવું, સારાં કપડાંલતાં, સરખી સાહેલીઓ, દિવસરાતનું નાચવું ગાવું, મહેલ-બગીચાંઓની સે૨ આવા આરામદાયક જીવનમાં રહીને ઉમરાવ ઘડીક માતાપિતા અને નાના ભાઈને ભૂલી ગઈ. ઉમરાવ ચૌદ વર્ષની થઈ એ સાથે એની પર પણ કોઈ મરી ફીટે, એની પણ કોઈ ખુશામદ કરે, એને પણ લોકો ચાહે એવી ઇચ્છા જાગી. હવેલીમાં આવતાં જતાં ગૌહર અલીને પણ એણે પોતા તરફ આકર્યો. પણ ખાનમ જાનને એની ખબર પડી જતાં કોઈ નવાબના પુત્ર સાથે પાંચ હજારના રૂપિયામાં ઉમરાવની પહેલી રાત ગોઠવી દીધી; અને ઉમરાવ ઉમરાવ મટીને ઉમરાવ જાન થઈ ગઈ. હવે ઉમરાવ પૂરેપુરી વેશ્યા બની ચૂકી હતી. એટલું જ નહીં, પણ લખનૌ અને લખનૌ બહાર પણ એના મુજરાઓ વખણાવા લાગ્યા હતા. ઉમરાવને બધું જ મળ્યું, પણ આ બધાની ઉમરાવને ઊબ આવવા લાગી. રહી રહીને એ ખાનમ જાનની ચુંગાલથી છૂટવા તલપાપડ હતી. માતાપિતા અને નાના ભાઈની યાદમાં એ રડતી. ઘરે પાછા ફરવાનું વિચારતી. એવામાં લાગ જોઈએ. એ એક ગ્રાહક જોડે ભાગી જાય છે. પણ આ ગ્રાહક નવાબના વેશમાં ડાકુ હતો. એ પકડાઈ જતાં ઉમરાવ કોઈ એક નગરના નવાબને ત્યાં મુજરો કરવા જાય છે. ને ત્યાં ઓચિંતી એને રામદેઈ મળે છે. રામદેઈ નવાબની બેગમ છે, બે બાળકો છે. આ એ જ રામદેઈ હતી જેની પાસે ઉમરાવ વેચાવા પૂર્વે એક રાત માટે ઓરડામાં બંધ હતી. રામદેઈ રોકાઈ જવાનું કહે છે, પણ ઉમરાવ જાન પાછી લખનૌ ચાલી જાય છે. લખનૌમાં એ ખાનમ જાનથી અલગ પોતાનો કારોબાર શરૂ કરે છે. ત્યાં એકવાર એને ફૈઝાબાદથી મુજરા માટે નોતરૂં આવે છે. એ ધબકતા હૈયે ફૈઝાબાદ ગઈ. વર્ષો પહેલાંની બધી વસ્તુઓ એની આંખ સામે આવી. એ શેરીઓ, એ બજાર, પોતાનું ઘર, માતાપિતા, ભાઈ.... મુજરા બાદ એક વૃદ્ધ સ્ત્રી ઉમરાવ જાનનાં મોં ગરદન કમરને જોઈને મારી ‘અમીરન' કહી ભેટી પડી. આ સ્ત્રી એની મા હતી. પણ પાછળથી કોઈ ગભરુ જુવાન છોકરો આવીને ગમે તેમ બોલી ગયો. એ ઉમરાવ જાનનો ભાઈ હતો. ભાઈએ માને એકવાર પણ મળવા દેવાની રજા ન આપી. ઉમરાવને હવે કોઈ આશા રહી નહોતી. એને વેશ્યાનું જીવન જ વીતાવવાનું હતું. ખાનદાન કુટુંબમાં જન્મેલી કન્યા, પોતાના કોઈ વાંક વગર સમગ્ર સામાજિક પરિસ્થિતિ વચ્ચે એક બદતર જીવનનો ભોગ બને છે, એની દુ:ખદ આપવીતીનો ઇતિહાસ દુર્ભાગ્યને ભેટતી આવી અનેક નારીના જીવનને પ્રતિનિધિ રૂપ રજૂ કરે છે