રણ તો રેશમ રેશમ/રોમથી દૂરનું રોમ : જેરાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૨૪) રોમથી દૂરનું રોમ : જેરાશ
Ran to Resham 29.jpg

અહીં ઊભાં હોઈએ ત્યારે ભાગ્યે જ એવું લાગે કે આપણે જોર્ડનમાં છીએ. એને જોતાં જ રોમન ફોરમનાં ખંડિયેરો યાદ આવે. એના હાર્દમાં વર્તુળાકારે ઊભેલા સ્તંભોને જોતાં જ વેટિકન સિટીનું ભવ્ય પ્રાંગણ યાદ આવે. એના પ્રવેશદ્વારને જોતાં એથેન્સનો હેડ્રિઅન ગેઈટ યાદ આવે. એમાં ફરતાં જઈએ તેમ તેમ એ આખાય પરિસરમાં ઊભેલાં ખંડિયરોની આકૃતિઓ એકદમ જાણીતી લાગે. અમ્માનથી ઉત્તર તરફ ૪૮ કિલોમીટરને અંતરે સ્થિત આ સ્થળની અલગ જ પ્રતિભા છે. ગ્રીકો-રોમન પ્રણાલીનાં તથા તેમની જાહોજલાલીનાં પ્રતીકો અહીં જોવા મળે છે. રોમનોએ કેટલે દૂર સુધી પોતાની સંસ્કૃતિ તથા કલાની છાયા પ્રસરાવી હતી, તે જોઈને નવાઈ પણ લાગે અને અહોભાવ થઈ આવ્યા વગર પણ ન રહે. જોર્ડનની રાજધાની અમ્માનથી ઉત્તર તરફ પ્રવાસ કરીએ તો સિરિયાની સરહદ આવે. સિરિયામાં પરિસ્થિતિ ખૂબ જ હિંસક તથા આતંકિત હોવાથી એની નજીકના સ્થાન જેરાશ સુધી જવા માટે મનમાં જરાક અવઢવ તો હતી, પણ પછી એ ધરતીના આકર્ષણનો ભય ઉપર વિજય થઈ જ ગયો. ત્યાંની શાંતિ અને સુંદરતા તથા સમય પારની અનુભૂતિમાં તરબોળ થયા પછી લાગ્યું કે ખરેખર સાચો અને સારો નિર્ણય લેવાયો. ત્યાં પહોંચતાં જ ખ્યાલ આવે કે નાનકડી એક નદીની એક તરફ નવું જેરાશ આકાર લઈ રહ્યું છે, જ્યારે નદીની બીજી તરફ એક વિશાળ ખુલ્લા મેદાનમાં અત્યંત પુરાણા નગરના અવશેષો વિખરાયેલા છે. છેક દૂરથી પણ એ મેદાન પર નજર માત્ર નાખવાથીય સમજાય કે એક સમયમાં અહીં અત્યંત સુરેખ તથા જાજરમાન નગર હશે. અંગ્રેજીમાં જેરાશ તરીકે ઉલ્લેખાતા આ સ્થળનું સ્થાનિક નામ ‘જેરાસા’ છે. આ જેરાસાને ‘પોમ્પાઈ ઑફ મિડલ ઈસ્ટ’ પણ કહે છે. ખરેખર તો એ નામ સુસંગત નથી, કારણ કે, અહીં ક્યારેય જ્વાળામુખી ફાટ્યો નથી કે ક્યારેય આ નગર લાવામાં ડૂબ્યું નથી; પરંતુ એનાં અવશેષો જે રીતે સચવાયાં છે, તેની પૂર્ણતા જોતાં તેની સરખામણી ઈટાલીની વિસુવિયસના લાવામાં નષ્ટ થઈ ગયેલી અને લાવાના પથ્થરમય કવચ નીચે આખેઆખી સચવાઈ રહેલી પોમ્પાઈ નગરીનાં ખંડિયેરો સાથે થાય છે. આનંદની વાત એ છે કે જોર્ડનવાસીઓએ ખંડિયેરોને સરસ રીતે સાચવ્યાં છે. આમ તો ૫૦૦૦ વર્ષ પહેલાં છેક તામ્રયુગથી મનુષ્ય અહીં નાનાં ગામડાંમાં વસતો આવ્યો હતો, પરંતુ ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીમાં અહીં એક શહેર સ્થપાયું. મનાય છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટે એનો પાયો નાખ્યો. તેના જનરલ પેર્ડિક્કાસે અહીં વૃદ્ધ-નિવૃત્ત સૈનિકોને વસાવ્યા. વૃદ્ધોને ગ્રીક ભાષામાં ‘જેરાસમિનોસ’ કહે છે, આ પરથી શહેરનું નામ જેરાસા પડેલું મનાય છે. ઈ. સ. પૂર્વેની ત્રીજી સદીમાં ગ્રીક ડેકપૉલિસ અર્થાત્ દસ ગ્રીક મેટ્રોપૉલિસમાંથી એક એવા નગરરાજ્ય તરીકે એની સ્થાપના થઈ. સુગંધી દ્રવ્યોના અને મરી-મસાલાના વ્યાપારના માર્ગમાં અગત્યના મથક તરીકે એ વિકસ્યું અને એમ ઈસુ પૂર્વેની પહેલી સદીથી ઈસુ પછીની પહેલી સદીનો સમયખંડ એનો સુવર્ણકાળ ગણાયો. રોમન એમ્પરર હેડ્રિયનનું આ માનીતું નગર હતું. હેડ્રિયને આ સ્થાનની મુલાકાત લીધી, તેના માનમાં બંધાયેલ પ્રવેશદ્વાર હેડ્રિયન ગેટ આજે પણ નગરને આંગણે તમારું સ્વાગત કરતો દેખાય છે. શહેરનું આ દક્ષિણ સ્થિત પ્રવેશદ્વાર ભવ્ય છે. ગ્રીકો-રોમન સુવર્ણયુગ પછી તો અહીં ખ્રિસ્તી ધર્મ શાસિત બાઈઝેન્ટાઈન રાજ આવ્યું. મુસ્લિમ મામલૂકોનો શાસનકાળ પણ નગરે જોયો, ક્રુસેડરોના હુમલા તથા પ્રસાશનનો તબક્કો પણ પસાર કર્યો, નેબેટિયનો તથા અન્ય આરબ પ્રજાતિઓની અસર તળે આવ્યું, બાલ્દવિન બીજાએ કરેલા સાંસ્કૃતિક ધરોહરોના વિનાશનું સાક્ષી બન્યું અને પછી ન જાણે ક્યારે તે સમયની ધૂળમાં એવું તો દબાઈ ગયું કે એનું નામોનિશાન ભૂંસાઈ ગયું અને ત્યાર બાદ છેક હમણાં ઓગણીસમી સદીમાં જર્મન પુરાતત્ત્વવિદોએ એને ધરાના પેટાળમાંથી શોધી કાઢ્યું ને એ લુપ્ત થઈ ગયેલું નગર પુનઃજીવિત થયું. અહીં આવીને રાજ કરી ગયેલા દરેકના સમયની નિશાનીઓ તથા એમની અસરની સાબિતીઓ ખંડિયેરોનાં પથ્થરો પર વિવિધ ભાષાઓમાં કોતરેલાં લખાણોમાં જોવા મળે છે. પણ આખાય પરિસરની તાસીર તો રોમન જ છે. દક્ષિણ સ્થિત પ્રવેશદ્વાર હેડ્રિયન ગેટથી અંદર પ્રવેશતાં જ ડાબી બાજુ પર એક રોમનકાળનું પ્રેક્ષાગૃહ છે. એક લંબચોરસ મેદાન, જ્યાં રથ હાંકવાની તથા ગ્લેડિયેટર્સ પ્રકારની સ્પર્ધાઓ થતી, તેની કોરે પગથાર જેવી પ્રેક્ષકો માટે બેસવાની વ્યવસ્થા છે. આજે પણ ત્યાં દર વરસે યોજાતા ત્રણ અઠવાડિયાના કલા-સાહિત્ય તથા સાંસ્કૃતિક ઉત્સવ – જેરાસા ફેસ્ટિવલ દરમિયાન આવી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં જોર્ડનના રાજા સહકુટુંબ જોડાય છે. વળી ટુરિસ્ટ સિઝન દરમિયાન પ્રવાસીઓને બતાવવા માટે પણ આવી પરંપરાગત રથ સ્પર્ધાનું આયોજન થાય છે. રોમન શૈલીના આ સ્ટેડિયમને હિપ્પોડ્રોમ કહેવાય છે. હિપ્પોડ્રોમની બહારની દીવાલને અડીને લાઇનસર નાની નાની ઓરડીઓ બાંધેલી છે. ઉત્સવો દરમિયાન અહીં મોટી સંખ્યામાં આવતાં પ્રેક્ષકો માટે અહીં ખાણીપીણીની તથા અન્ય સામગ્રીઓની હાટ લાગતી. સ્ટેડિયમ પાસે એક ઓલિવનું તેલ કાઢવાની ઘાણી જોવા મળે છે. પથ્થરો વચ્ચે પિલાઈને નીકળતા તેલને જમીનની નીચે મોટી ટાંકી જેવા ઓરડામાં લઈ જતી પથ્થરની પહોળી નીક બાંધેલી દેખાય છે. અહીંથી આગળ થોડું ચાલતાં બીજું પ્રવેશદ્વાર આવે છે. એની બાંધણીની ખાસિયત એ છે કે પહેલા પ્રવેશદ્વાર પરથી એ નજરે પડતું નથી. એની સાવ નજીક પહોંચો ત્યારે એ દેખાય. સલામતી માટેની બુ્દ્ધિપૂર્વકની આવી કેટલીયે ખૂબીઓ આખાય નગરમાં જોવા મળે છે. બીજા દ્વારની ડાબી તરફ ઊંચા ઓટલા પર એક દેવાલય દેખાય છે. એ રોમન દેવી અરટેમીસનું મંદિર છે. આ દેવી જેરાસા નગરની અધિષ્ઠાત્રી ગણાય છે. મંદિરની સામે જ જમણી તરફ વર્તુળાકાર પ્રાંગણ છે, જેના પરિઘ પર સુંદર સ્તંભોની રચના જોવા મળે છે. કલાત્મક સ્તંભોને જોડતી આડી શિલાઓમાંથી કેટલીક જરાક ઊંચી છે જે સૂચવે છે કે ભૂતકાળમાં આ દરેક ઊંચી કમાનની પાછળ કોઈ અગત્યનું શિલ્પ હોવું જોઈએ. શિલ્પો તો સમય ભૂંસી ચૂક્યો છે, પણ સ્તંભો પુરાણા સમયની ગરિમાની સાખ પૂરે છે. આ સ્થાનનું નામ કાર્ડો મેક્સિમસ છે. કાર્ડિયમ એટલે હૃદય. નગરના હાર્દમાં સ્થિત બૃહત્ સ્થાન એટલે આ કાર્ડો મેક્સિમસ. વેટિકન સિટીના મુખ્ય ચર્ચના પ્રાંગણની રચના આવી જ છે. વેટિકનનું પ્રાંગણ અત્યંત વિશાળ છે. આ સ્થળ તેની નાનકડી પ્રતિકૃતિ લાગે. ઉત્સવની કોઈ સાંજે જ્યારે અહીં માનવમેદની એકત્ર થતી હશે, ત્યારે સ્તંભો પર મશાલો ઝળહળી ઊઠતી હશે. દેવાલયમાં દીપ પ્રગટી ઊઠતા હશે ને અહીં સુધી લઈ આવતા પથ્થર જડેલા માર્ગ પર દોડી આવતા રાજ-પરિવારના રથોના ધ્વનિ સાંભળીને પ્રજાજનોમાં ઉત્સાહની લહેર દોડી જતી હશે. વતનથી દૂર આવી વસેલાં રોમનોને ત્યારે એક ક્ષણ માટે વતન પાછાં પહોંચી ગયાની લાગણી થઈ આવતી હશે. એટલે તો આ નગર રોમથી દૂરનું અગત્યનું રોમન શહેર ગણાય છે. વળી તેની ગણના વિશ્વના શ્રેષ્ઠતમ રોમન અવશેષોમાં થાય છે. આ સ્થળની આગળ એક પહોળો માર્ગ છે. માર્ગ પર જડેલા પથ્થરોની વચ્ચેવચ્ચે ગોળાકાર કાણાં દેખાય છે. પ્રાચીન કાળના રોમનોએ વરસાદી પાણીના નિકાલ માટે ગોઠવેલી વ્યવસ્થા! આ માર્ગ પર અગોરા તરીકે ઓળખાતું ખાદ્ય સામગ્રીનું બજાર છે. રોમનોની ખાસિયત સમાન સુંદર ફુવારાની રચના છે, હમામ છે, કતલખાનું તથા રસોઈઘર છે, બજાર ભરાઈ શકે તેવી જગ્યા છે તથા લોકોને યાત્રા કરવા આકર્ષતું બીજું એક ગ્રીક દેવતા ઝિયસનું દેવાલય પણ છે. આ દેવાલયની બાંધણી એવી છે કે નદી પારથી આવતું લોક પરિસરમાં પ્રવેશે ત્યારે કે પછી એનાં પગથિયાં ચડવા લાગે, ત્યાં સુધી પણ દેવાલય જોઈ શકાતું નથી. જિજ્ઞાસા પ્રેરીને લોકોને આકર્ષવાનો રોમન નુસખો! પરિસરમાં ૩૦૦૦ લોકો બેસી શકે તેવું એક એમ્ફિથિયેટર પણ છે. આખુંય જેરાસા દીવાલોથી રક્ષિત કિલ્લેબંધ દેખાય છે. દીવાલની બહાર નદી છે. નદી તથા પરિસરને જોડતા પુલના અવશેષો જોઈ શકાય છે, પણ નદી હવે જરાક ખસીને દૂર ઊભી રહી ગયેલી દેખાય છે. પુરાણા આકારો જાળવીને ઊભેલા પથ્થરો વચ્ચે ખરી પડેલા અવશેષો પણ દેખાય છે અને એની આસપાસ સુંદર ફૂલો ખીલી ઊઠેલાં દેખાય છે. નવા જેરાશની વસ્તી દિવસે દિવસે વધી રહી છે. પ્રવાસન ઉદ્યોગ ઉપરાંત સિરિયામાં પ્રવર્તમાન આતંકિત પરિસ્થિતિને કારણે ત્યાંથી આવતા અસંખ્ય નિરાશ્રિતોને જેરાશે પ્રેમથી આશ્રય આપ્યો છે. આ પહેલાં પણ જેરાશ પેલેસ્ટાઈનથી આવતા લોકોને આશ્રય આપી ચૂક્યું છે. જેરાસાની સમયમાં લુપ્ત થતી જતી ખંડિયર નગરીને જોતાં તે સમયના માનવોની સરખામણી આજના યુગના મનુષ્ય સાથે અનાયાસ જ થતી ગઈ. યુગોની અફરાતફરી તથા અથડામણો ખમ્યા પછી છેક હવે મનુષ્ય જરાક ઠરીઠામ થતો લાગે. મનુષ્યજાતિનો ઇતિહાસ એટલે કે જાણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે યોગ્ય સ્થાનની શોધમાં નિરાશ્રિત અવસ્થામાં વેઠેલા રઝળપાટની, ચપટીભર મહત્ત્વાકાંક્ષી મનુષ્યોએ પોતાની સરસાઈ સિદ્ધ કરવા ખેલેલાં યુદ્ધોની તથા હિંસક અથડામણોની દાસ્તાન છે અને એ તમામને અંતે જે બચે છે તે છે, આ નિર્જીવ પથ્થરોની જીવંત કહાણી! જેરાસાનાં ખંડિયરો જાણે પૂછી રહ્યાં છે કે મનુષ્ય ઇતિહાસ પાસેથી કાંઈ શીખતો હશે ખરો? હું ‘હા’ અથવા ‘ના’માં એ પ્રશ્નનો ઉત્તર આપી શકતી નથી. આ ‘હા’ અને ‘ના’ વચ્ચેના સત્યની શોધ તો નહીં હોય, અમારા પ્રવાસોનું પ્રયોજન?