રમણીક અગ્રાવતની કવિતા/સન્ધિરેખા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. સન્ધિરેખા

સ્નિગ્ધ સ્નિગ્ધ સાંજની હવા
પાંખમાં ભરી
ઊડતું ઊડતું ઊડતું છેક ગાઢ વાદળાની માંહ્ય
જાય જાય પંખી,
આંખ ચસોચસ બીડાય...
કળતી કળતી તૂટી પડી ક્ષારગંધ ઢળકતી
જાળ હલતી રહી ક્યાંય સુધી
ચીકણી પિંડીમાં ખૂંચી ગયો વિકળ થાક
ભીની ભીની રેતમાં
ચોંટી રહ્યું ક્ષીણ ફીણ
ઢળી પડ્યો કાંઠો ચત્તો ચળકતો
તીખી તીખી ગંધ પીવે અધમૂવો કરચલો
ઢીલીઢસ અંતહીન જાળ
ધસી આવ્યું છેલ્લું મોજું
ગળી ગયું પાતળો બોલાશ
ધૂંધળો પવન
ફરી વળ્યો તોડી ફોડી સન્ધિરેખા