રમણીક સોમેશ્વરની કવિતા/આછું પીળું પતંગિયું આ
Jump to navigation
Jump to search
૪૨. આછું પીળું પતંગિયું આ
આછું પીળું પતંગિયું આ ફરરક દઈને ઉડ્યું
એમાં મને પડી કાં ફાળ!
ફફડે ફફડે ફફડે કેવું
કાંડા ઉપર બાંધેલી ઘડિયાળ!
ચપટી ધૂળ ઉપાડી ચાંચે કરે અંગ ખંખોળ
એક ખિસકોલી એમાં
અંગ અંગ પર એક સામટો
કીડીનો સંચાર મને કાં લાગે!
ડાળ ડાળ પર ઝુલે થોડું પાન
અને ત્યાં ફુદરડી ફરતાં તોફાનો જાગે
ચાંદો-સૂરજ સાંધી રમતા મેલી દીધા
જાણે અંતરિયાળ
આછું પીળું પતંગિયું આ ફરરક દઈને ઉડ્યું
એમાં મને પડી કાં ફાળ!
ક્યારાની ભીની માટીમાં ચોટ્યું પીળું પાન
એક દરજીડો એને તાકે
માળામાંથી ચકલીનું એક બચોડિયું
ચૂંચી આંખેથી ઝાંકે
ક્રાંઉ ક્રાંઉનું ટોળું આકાશે એવું ફેલાય
કે જાણે પડી હોય પસ્તાળ
આછું પીળું પતંગિયું આ ફરરક દઈને ઉડ્યું
એમાં મને પડી કાં ફાળ!