રમણીક સોમેશ્વરની કવિતા/બિલાડીનું બચ્ચું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. બિલાડીનું બચ્ચું

તારા આંગણામાં
કૂદાકૂદ કરતું
બિલાડીનું બચ્ચું
આવી ગયું છે
મારા ઓરડામાં

એ ખોતરે છે એના ઝીણા નખથી
ખૂણામાં પડેલું અંધારું
કે
ક્યારેક
ચાટે છે જીભથી
અહીંતહીં ઢોળાયેલી
ચાંદની

એ લાવે છે
તારા આંગણામાંથી
પારિજાતનાં પુષ્પો
એની રુંવાટી પર સજાવીને
એ પુષ્પોનાં
દીંટામાં પુરાયેલો
કેસરી સૂર્ય
આપે છે મને ઉષ્મા
એ બચોળિયું
બેસે છે જ્યારે
મારા ખોળામાં
ત્યારે
મારી છાતીમાં છલછલે છે
શિરીષ-પુષ્પોના ગુચ્છેગુચ્છા
પસવારું છું એને
હળવે હાથે
ટાંપીને બેઠું છે એ તો
ક્યારે છલાંગ મારે
કહેવાય નહીં!