રમણીક સોમેશ્વરની કવિતા/વ્યક્ત-મધ્ય
Jump to navigation
Jump to search
૫૦. વ્યક્ત-મધ્ય
(વસંતતિલકા)
સામે તળાવ, નભ, વૃક્ષ, વનો લચેલાં
ને અંતરે ધગધગંત ધરા-પ્રદેશો
સામે અથાક ઊડતાં ખગ આસમાને
ને ભીતરે જરઠ, કઠ્ઠણ પ્હાડ થીજ્યા
સામે હવા પ્રસરતી લઈને સુગંધો
દૂષિત વાયુ વમળાય અહીં હવામાં
સામે જુઓ ટપકતા દીવડા દિશાના
ને આંહીં અંદર ઝમે ઘન અંધકાર
સામે દિસે ઊઘડતા સહુ અંતરાલો
ને ભોગળો અહીં બધીય ભીડેલ ભાસે
થોડું ખૂલે ઘડીકમાં, ઘડી બંધ થાયે
સામે કશુંક, કશું ભીતરમાં અવ્યક્ત
બારે કદીક, કદી અંદર જોઈ લેતો
ઊભો રહ્યો અધવચાળ હું વ્યક્ત-મધ્ય