રવીન્દ્રપર્વ/૩૬. મિલન
પ્રથમ મિલનદિન, એ શું હશે નિબિડ આષાઢે?
જે દિન ગૈરિકવસ્ત્ર ત્યાગે
આસન્નના આશ્વાસે સુન્દરા
વસુન્ધરા.
પ્રાંગણની ચારે બાજુ ઢાંકીને સજલ આબછાદને
જે દિને એ બેસે પ્રસાધને
છાયાનું આસન માંડી;
પ્હેરી લેય નૂતન હરિતવર્ણ ચોળી,
ચક્ષુદ્વયે આંજી લે અંજન,
વક્ષે કરે કદમ્બનું કેસરરંજન.
દિગન્તના અભિષેકે
અનિલ અરણ્યે ઘૂમી નિમન્ત્રણ દેતો જાય સૌને.
જે દિને પ્રણયીવક્ષતલે
મિલનનું પાત્ર છલકાય અકારણ અશ્રુજલે,
કવિનું સંગીત બજે ગભીર વિરહે —
નહીં નહીં, એ દિને તો નહીં.
તો શું ત્યારે ફાલ્ગુનને દિને?
— જે દિને પવન ગન્ધ ઓળખતો ફરે
સવિસ્મયે વને વને;
ને પૂછે એ મલ્લિકાને: કાંચનરંગને,
ક્યારે આવ્યાં તમે?
નાગકેસરની કુંજ કેસર બિછાવી દે ધૂળે
ઐશ્વર્યગૌરવે.
કલરવે
અજસ્ર ભેળવે વિહંગમ
પુષ્પના વર્ણની સાથે ધ્વનિનો સંગમ.
અરણ્યની શાખાએ શાખાએ
પ્રજાપતિસંઘ વહી લાવે પાંખે પાંખે
વસન્તની વર્ણમાલા ચિત્રિત અક્ષરે
ધરણી યૌવનગર્વભરા
આકાશને નિમન્ત્રણ દેય જ્યારે
ઉદ્દામ ઉત્સવે;
કવિની વીણાના તાર જે વસન્તે તૂટી જવા ચાહે
પ્રમત્ત ઉત્સાહે;
આકાશે પવને
વર્ણના ગન્ધના ઉચ્ચ હાસે
ધૈર્ય નહિ રહે —
નહીં નહીં, એ દિનેય નહીં.
જે દિને આશ્વિને શુભ ક્ષણે
આકાશનો સમારોહ પૃથ્વી પરે પૂર્ણ થાય ધાને.
સઘન શસ્પિત તટ પામે સંગી રૂપે
તરંગિણી —
તપસ્વિની એ તો, એના ગમ્ભીર પ્રવાહે
સમુદ્ર વન્દનાસ્તોત્ર ગાયે.
લૂછી નાખે નીલામ્બર બાષ્પસિક્ત ચક્ષુ,
બન્ધમુક્ત નિર્મલ પ્રકાશ.
વનલક્ષ્મી શુભવ્રતા
શુભ્રનાદ્વ ચરણે જ્યારે ધરે એની અમ્લાન શુભ્રતા;
આકાશે આકાશે
શેફાલિ માલતી કુન્દે કાશે.
અપ્રગલ્ભા ધરિત્રીય પ્રણામે લુણ્ઠિત,
પૂજારિણી નિરવગુણ્ઠિત,
પ્રકાશના આશીર્વાદે, શિશિરના સ્નાને
દાહહીન શાન્તિ એના પ્રાણે,
દિગન્તને પથે થઈ
શૂન્યે મીટ માંડી
રિક્તવિત્ત શુભ્ર મેઘ સંન્યાસી ઉદાસી
ગૌરીશંકરના તીર્થે ચાલ્યા જાય યાત્રી.
એ જ સ્નિગ્ધક્ષણે, એ જ સ્વચ્છ સૂર્યકરે,
પૂર્ણતાએ ગમ્ભીર અમ્બરે
મુક્તિતણી શાન્તિ માંહે
દર્શન પામીશું તેનાં જેને ચિત્ત ચાહે,
ચક્ષુ ના પિછાને.
(મહુયા)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪