સ્થળ : ચિતોડની નજીક ઉજ્જડ ભયાનક જંગલ. સમય : પ્રભાત.
[શસ્ત્રધારી પ્રતાપ એકલો ઊભો ઊભો જોઈ રહ્યો છે.]
પ્રતાપ :
|
[શુષ્ક સ્વરે] અકબર! મેવાડને તેં ભલે જીતી લીધો, પરંતુ એ મેવાડ ઉપર આણ તો મારી જ વર્તી રહી છે ને! આ વિશાળ મુલકને મેં આજ ખંડેર બનાવ્યો છે. મારાં પ્રજાજનોને આજે હું પહાડોમાં, ખીણોમાં ને ગુફાઓમાં ઉપાડી લાવ્યો છું. અકબર! મારો દેહ જ્યાં સુધી દમ ખેંચે છે, ત્યાં સુધી તો મેવાડમાંથી એક દુકાની પણ તારા ખજાનામાં નથી પડવાની. આખા દેશમાં એક કોડિયું પ્રગટાવવા માટેય મેં કોઈને નથી રાખ્યો. ઉજ્જડ બનીને આખો દેશ ખાઉં ખાઉં કરી રહ્યો છે. દેશના સીમાડા ઉપર નિર્જન સ્મશાનસમી સૂનકાર શાંતિ પ્રસરી રહી છે. વાડીઓમાં ને ખેતરોમાં કેવળ જંગલી ઘાસ ઊગી નીકળ્યાં છે. ખેડનાર કોઈ ખેડુને મેં રાખ્યો નથી. માર્ગ પર ચાલનારો કોઈ મુસાફર નથી રહ્યો. રસ્તાઓ બાવળની કાંટ્યોમાં અદૃશ્ય બન્યા છે. એક દિવસ જ્યાં માનવી રહેતો ત્યાં આજે શિયાળિયાં બખોલ કરીને સૂતાં છે. ઓ સુંદર મેવાડ! ઓ મારી જનેતા! ઓ વીરોની માતા! આજ તો તને આવો જ વેશ શોભે, માડી! એક દિવસ જ્યારે તને ‘મારી મેવાડ’ કહીને બોલાવી શકીશ, તે દિવસે તો, ઓ મા! મારે સગે હાથે હું તારાં અંગ ઉપર વસ્ત્રાભૂષણો પહેરાવી દઈશ. પરંતુ લલાટે એ દિવસ ન લખાયો હોય ત્યાં સુધી તો મુબારક હજો, મા, તારો આ-નો આ જ ભીષણ વેશ! સ્મશાનચારિણી તપસ્વિનીનો આ શોકાકૂલ મીઠો પોશાક! ઓ મારી માડી! આજ તને મોગલોની દાસી બનેલી દેખીને મારું કાળજું ફાટી પડે છે.
|
[બોલતાં બોલતાં પ્રતાપનું ગળું આંસુથી રૂંધાય છે. એટલામાં એક ભરવાડને પકડીને એક સૈનિક આવે છે.]
સૈનિક :
|
આ માણસ ચિતોડગઢની પડખેના ખેતરમાં બકરાં ચારતો હતો.
|
પ્રતાપ :
|
[ભરવાડની સામે કઠોર નજર કરીને] આ સાચી વાત છે?
|
પ્રતાપ :
|
તને મારા ફરમાનની ખબર નહોતી કે મેવાડ રાજ્યની કોઈ પણ જગ્યામાં કોઈ ખેડ કરશે કે ઢોર ચારશે તો એને જાનથી મારી નાખવામાં આવશે?
|
પ્રતાપ :
|
છતાં શા માટે બકરાં ચાર્યા?
|
ભરવાડ :
|
મોગલ કિલ્લેદારની આજ્ઞાથી.
|
પ્રતાપ :
|
તો ભલે હવે એ મોગલ કિલ્લેદાર આવીને તારું રક્ષણ કરે. હું તને મૉતની સજા ફરમાવું છું.
|
ભરવાડ :
|
કિલ્લેદારને આ વાતની ખબર પડશે, તો જરૂર એ મારી રક્ષા કરશે.
|
પ્રતાપ :
|
હું પોતે જ એને હમણાં ખબર કહેવરાવું છું. જાઓ, સૈનિક, એને લઈ જાઓ, હાથકડી બાંધો. સાત દિવસ પછી એનો પ્રાણવધ કરજો. મોગલ કિલ્લેદારને હું આજે જ ખબર મોકલાવું છું. યાદ રાખજો કે એનો વધ કર્યા બાદ એનું માથું ચિતોડગઢને માર્ગે વાંસડા માથે લટકાવીને રાખવાનું છે; જેથી તમામ લોકોને ખબર પડે. પ્રતાપની આજ્ઞા એ કાંઈ બચ્ચાંની રમત નથી; જેથી લોકો જાણે કે ચિતોડગઢ મોગલોને હાથ પડ્યો છે, પણ હજુ મેવાડનો રાજા તો હું જ છું. જાઓ, લઈ જાઓ.
|
[સૈનિક ભરવાડને લઈને જાય છે.]
પ્રતાપ :
|
[સ્વગત] ગરીબ બિચારો ભરવાડ! વિના વાંકે માર્યો ગયો! રાવણના પાપે લંકા રોળાણી. દુર્યોધનના પાપમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ સમા કુટાઈ ગયા, તો તું તો અતિ પામર પ્રાણી છે, ભાઈ! ઓહ! આ બધાં તો બહુ ઘાતકી કૃત્યો! પરંતુ ઓ મા! આ ઘાતકી બન્યો છું તે તો તારે ખાતર. એટલે જ તારે અંગેથી મેં આ શણગાર ઉતારી લીધા છે; એટલે જ મારી વહાલી મહારાણીને ચીંથરાં પહેરાવી મેં ઝૂંપડીમાં વસનારી બનાવી દીધા છે; મારાં પ્રાણથીયે પ્યારાં બચ્ચાંને ગરીબી વ્રતની તાલીમ આપી રહ્યો છું. રે! હું પોતેય સંન્યાસી બન્યો છું, માડી!
|
[એ વખતે શસ્ત્રધારી શક્તસિંહ ડાબી બાજુ પડેલાં હિંસક પશુઓનાં હાડપિંજર જોતો જોતો ધીરે ધીરે દાખલ થાય છે.]
પ્રતાપ :
|
કોઈ માનવી ન મળે?
|
શક્ત :
|
કારણ પૂછું કોને? માણસ જ નહિ ને!
|
પ્રતાપ :
|
મંદિરનો પૂજારી ક્યાં હતો! એણે જ મને મોગલ સેના આવ્યાના સમાચાર આપેલા. એ ક્યાં ગયો’તો?
|
પ્રતાપ :
|
ત્યારે તો આપણો ફેરો ફોગટ ગયો.
|
શક્ત :
|
ફોગટ શા માટે? આંહીં ઘણાં જનાવરો છે. આવો, વાઘનો શિકાર ખેલીએ.
|
પ્રતાપ :
|
આખરે વાઘનો શિકાર?
|
શક્ત :
|
બીજું શું થાય? આવું સુંદર સવાર. આવું ચુપચાપ જંગલ. આવો ભયાનક નિર્જન રસ્તો. બસ! હવે તો લોહીનાં થોડાં ટીપાં મળે એટલે આ સુંદરતા પરિપૂર્ણ થાય. માનવીનું લોહી ન મળ્યું તો પછી પશુનું લોહી રેડીએ.
|
પ્રતાપ :
|
પણ વિના કારણે રક્તપાત?
|
શક્ત :
|
વિના કારણે કેમ? માની લ્યો કે ભાલાની નિશાનબાજી એ કારણ. આજ જોઈએ તો ખરા ભાઈ કે બેમાંથી કોણ ભાલો બરાબર ફેંકી જાણે છે : તમે કે હું?
|
પ્રતાપ :
|
પારખું કરવું છે?
|
શક્ત :
|
હા. [સ્વગત] આજ જોઉં તો ખરો કે કઈ શક્તિને બળે તું મેવાડનો રાણો છે : અને હું તારી દયા પર નભનારો, અને તારું દીધેલું ખાઈ પેટ ભરનારો તારો આશ્રિત છું!
|
પ્રતાપ :
|
બહુ સારું. કરીએ પારખું. શિકાર થશે, ગમ્મત પણ થશે.
|
[બન્ને વનમાંથી બહાર નીકળે છે. દૃશ્ય પલટાય છે. જંગલની અંદર પ્રતાપ અને શક્ત એક મરેલા વાઘનું શરીર તપાસતા ઊભા છે.]
પ્રતાપ :
|
એ વાઘ મેં માર્યો.
|
પ્રતાપ :
|
જોને, આ મારો ભાલો.
|
શક્ત :
|
જુઓ, આ મારો પણ ભાલો.
|
પ્રતાપ :
|
મારે ભાલે એ પડ્યો.
|
શક્ત :
|
નહિ, મારે ભાલે પડ્યો.
|
પ્રતાપ :
|
ત્યારે તો શકવાળી વાત રહી ગઈ. ઠીક ચાલો, આ ડુક્કર પર ઘા કરીએ.
|
શક્ત :
|
સરખે અંતરેથી ઘા કરવો પડશે.
|
[બન્ને જાય છે; દૃશ્ય પલટે છે, વનની અંદર પ્રતાપ અને શક્ત.]
શક્ત :
|
ડુક્કર તો ભાગી ગયું.
|
પ્રતાપ :
|
ત્યારે તો કોઈનો ભાલો ન વાગ્યો.
|
પ્રતાપ :
|
ત્યારે તો કશું પારખું ન થયું. આજ તો પત્યું. વખત થઈ ગયો છે. ફરીથી કોઈ દિવસ જોશું.
|
શક્ત :
|
ફરી કોઈ દિવસ શા માટે, ભાઈ! આજે જ ભલે ને પરીક્ષા થઈ જાય!
|
પ્રતાપ :
|
એ શું સૂઝ્યું, શક્તા?
|
શક્ત :
|
કાં, શું વાંધો છે?
|
પ્રતાપ :
|
ના, શક્તા! નથી કરવું, એથી લાભ શો?
|
શક્ત :
|
અને નુકશાન પણ શું? બહુ તો કાયામાંથી બે ટીપાં લોહી નીકળશે, એટલું જ ને? શરીર પર બખ્તર તો પહેરેલાં જ છે. એટલે બેમાંથી કોઈ કાંઈ મરી નથી જવાનો. તો પછી બીક શી છે?
પ્રતાપ : મને મરવાની બીક નથી, શકતા.
|
શક્ત :
|
બસ, ત્યારે, ઉઠાવો ભાલો. આજ આપણે બે જણા માનવીનાં લોહી લેવા નીકળ્યા છીએ, તો આખરે બે ટીપાં લોહી તો લઈએ જ. નહિ ચાલે. ઉઠાવો ભાલો, કરો ઘા. [ચીસ પાડીને] શું જોઈ રહ્યા છો? કરો ઘા!
|
પ્રતાપ :
|
બહુ સારું, પહેલો ઘા તું કર.
|
પ્રતાપ :
|
ત્યારે આવી જા, સામસામા એક સાથે ઘા.
|
[બન્ને તરવારો ભોંય પર મૂકે છે. પછી સામસામા ભાલા ફેંકવા તૈયાર થાય છે. એ સમયે પ્રતાપનો કુલપુરોહિત દાખલ થાય છે, ને બન્નેની વચમાં ઊભો રહે છે.]
પુરોહિત :
|
ખબરદાર! ઈશ્વરની આણ! [બન્નેની સામે જોઈને] આ તે શું માંડ્યું છે! ભાઈ-ભાઈનું ધીંગાણું? ધીરા પડો, અરે, ધીરા પડો.
|
શક્ત :
|
સાવધાન, બ્રાહ્મણ! આઘો ખસી જા, નહિ તો તારુંયે મૉત જાણજે.
|
પુરોહિત :
|
મૉત? મૉતથી હું ડરતો નથી, પણ ધીરા પડો.
|
શક્ત :
|
વાર છે. આજ માનવીનું લોહી લેવા નીકળ્યા છીએ. માનવીનું લોહી જોઈએ!
|
પુરોહિત :
|
માનવીનું લોહી જોઈએ? તો આ લે!
|
[પુરોહિત ભોંય પરથી શક્તસિંહની તરવાર ઉઠાવે છે, પોતાની છાતીમાં ભોંકી દે છે, અને પોતે ભોંય પર પડે છે.]
પ્રતાપ :
|
ઓ ગુરુદેવ! આ શું કર્યું?
|
પુરોહિત :
|
કાંઈ નહિ! પ્રતાપ! શક્ત! તમને ધીરા પાડવા આ કર્મ કર્યું છે.
|
[પુરોહિત મરણ પામે છે.]
પ્રતાપ :
|
આ શું કર્યું, શક્તા?
|
શક્ત :
|
[રઘવાયો બનીને] સાચેસાચ! આ શું કર્યું?
|
પ્રતાપ :
|
શક્તા! તારે ખાતર જ આ બ્રહ્મહત્યા! તારી જન્મકુંડળીમાં લખેલું છે કે એક દિવસ તું જ મેવાડનું સત્યનાશ વાળીશ. આટલા દિવસ એ મેં નહોતું માન્યું; આજ એ વાણી પર વિશ્વાસ બેઠો.
|
શક્ત :
|
એટલે! શું મારે ખાતર જ આ બ્રહ્મહત્યા બની?
|
પ્રતાપ :
|
શક્તા! તને રઝળતો જોઈને મને દયા આવી, આદર આપીને મેં તને મેવાડમાં આણ્યો, પરંતુ મેવાડનું સત્યાનાશ કરવા નિર્માયેલાનો હવે મેવાડમાં પગ ન હોય. જા, આ પળે જ મેવાડ છોડીને ચાલ્યો જા!
|
શક્ત :
|
[હોઠ ભીંસીને] સારું!
|
પ્રતાપ :
|
ચાલ્યો જા! બ્રાહ્મણનો અગ્નિસંસ્કાર પતાવીને હું પ્રાયશ્ચિત્ત કરીશ. ચાલ્યો જા!
|
[બન્ને જુદી જુદી બાજુમાં ચાલી નીકળે છે.]