રાણો પ્રતાપ/પહેલો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પહેલો પ્રવેશ

'અંક પાંચમો


         સ્થળ : માનસિંહનું ઘર. સમય : સંધ્યા.

[માનસિંહ અને મહોબત]

માનસિંહ : શું શક્તસિંહે આપણા વેપારનું મથક માલપુરા ભાંગ્યું?
મહોબત : હા, મહારાજ!
માનસિંહ : જબરી હિંમત!
મહોબત : બીજી બાજુ પ્રતાપસિંહે પણ કોમલમીર હાથ કરીને ત્યાં ગઢ બાંધી લીધો.
માનસિંહ : જા, તું દસ હજાર મોગલો લઈને ફિનશરાના કિલ્લા પર છાપો માર. વધુ લશ્કર હું મોકલું છું.
મહોબત : જેવો હુકમ!

[જાય છે.]

માનસિંહ : મેવાડનું આ યુદ્ધ કેટલું અદ્ભુત! કેટલાં પરાક્રમ! કેવા દાવપેચ! મોગલ સેનાપતિ શાહબાજની ટુકડીને તો પ્રતાપે વંટોળિયાની માફક આવીને ઉડાડી વેરી નાખી. શાબાશ પ્રતાપ! તારા સરખો વીર આજ ભારતવર્ષમાં નથી. તારી સાથે, તારા ઘર સાથે જો મારું સગપણ બંધાયું હોત તો મારું ગૌરવ ને મારી કુળઆબરૂ કેટલાં બધાં વધી જાત! પણ અત્યારે તો અમારું ભાગ્યચક્ર ફરવા લાગ્યું છે. તારું માથું ધડથી નોખું પડી શકશે, પણ નમવાનું તો નહિ જ. અને હું જેમ જેમ આ યવનોની જાળમાંથી છૂટવા ફાંફાં મારું છું, તેમ તેમ વધુ અટવાતો જાઉં છું. મુસલમાનની પ્રથા પર મારો વધતો જતો અભાવ પાદશાહ વર્તી ગયા છે, એટલે જ એ સલીમ અને રેવાના લગ્નની નવી જાળમાં મને જકડી રહેલ છે, ને એ રીતે સલીમે મને કરેલો જખમ પણ રૂઝવવા ચાહે છે. કેવો કાબેલ અને ઊંડો રાજનીતિજ્ઞ આ અકબર!

[રેવા આવે છે.]

રેવા : મોટાભાઈ!
માનસિંહ : કોણ? રેવા?
રેવા : મારા વિવાહ કરો છો?
માનસિંહ : હા.
રેવા : કુમાર સલીમની સાથે?
માનસિંહ : હા, બહેન.
રેવા : એમાં તમારી સંમતિ છે?
માનસિંહ : મારી સંમતિ-અસંમતિનો સવાલ ક્યાં છે? પાદશાહની એવી ઇચ્છા છે. એની ઇચ્છા એ જ આજ્ઞા.
રેવા : ત્યારે આ વિવાહમાં તમારી અનુમતિ નથી?
માનસિંહ : ના.
રેવા : તો પછી એ વિવાહ નહિ થઈ શકે.
માનસિંહ : એ તું શું બોલી, રેવા? હું કોલ દઈ આવ્યો છું.
રેવા : પાદશાહની ઇચ્છા જગત આખાને જીતી શકે, પણ રેવા તો એના જગતની બહાર છે! આ વિવાહ નહિ થઈ શકે.
માનસિંહ : એ તું શું બોલી, રેવા? આ તો પાદશાહની ઇચ્છાની વાત છે.
રેવા : કોલ દઈ આવ્યા છો? મને એક વખત પણ પૂછ્યા વિના? સ્ત્રીજાત શું એટલી બધી પામર તે એને પૂછ્યા વિના, ઢોરની માફક એને ચાહે તેના હાથમાં સોંપી દો?
માનસિંહ : પરંતુ, મેં તારા ભવિષ્યના સુખને ખાતર જ આ કોલ દીધો છે.
રેવા : ત્યારે બાદશાહની બીકથી નહિ કે?
માનસિંહ : ના.
રેવા : તો પછી આ વિવાહમાં તમારી સંમતિ છે ને?
માનસિંહ : હા.
રેવા : બસ ત્યારે! હવે મને વાંધો નથી.
માનસિંહ : ત્યારે શું તારું મન નથી, રેવા?
રેવા : તમારો વિચાર થયો છે, તો પછી મારું મન હોય કે ન હોય તેની શી પરવા? તમે મારા હિતેચ્છુ છો. હું તો સમજું છું કે મારી ફરજ તમારી ઇચ્છાને અનુસરવાની છે. જે તમારો મત તે જ મારો.
માનસિંહ : રેવા, આ વિવાહથી તું સુખી થઈશ.
રેવા : તો તેટલો લાભ! કારણ, આશા તો નથી રાખી.
માનસિંહ : [સ્વગત] આ બહેનના જેવો તો સ્વભાવ ક્યાંય ન જોયો! આટલી બધી ઉદાસીન, આટલી અનાસક્ત, આટલી કર્તવ્યપરાયણ! જો, ગાવા લાગી. કેમ જાણે કાંઈ બન્યું જ ન હોય ને! કેવો સ્વર્ગીય સ્વર! ઠીક! હવે રાજસભામાં જાઉં.

[માનસિંહ ઉદાસીભર્યો ઓરડામાંથી ચાલ્યો જાય છે. થોડી વારે રેવા ગાતી ગાતી ફરીવાર એ ઓરડામાં થઈને ચાલી જાય છે.]


[રાગ : માઢ]
મારા દેવળમાં પડઘા પડે, મારો ક્યાં હશે દેવળનાથ!
મારી આરતીના દીવડા બળે, મારે જાગવું માઝમ રાત!
જાપ જપું જેના, એ જ મળે તો
મુજ સૂના મંદિરની મોઝાર,
રાત દિવસ એની ધોવા ચરણ-રજ
રેડું આંસુડાંની ધાર,
રે છેડું ઝાલરના ઝણકાર. — મારા દેવળમાં.
એને કાજે વીંધીશ રણવગડા,
વીંધું સાત પાતાળ
વીંધું દાવાનળ, વાદળ, જળ થળ
દાનવના દરબાર
રે સાતે જનમ સેવું એના ભાર. — મારા દેવળમાં.
જાપ જપું જેના એ ન ચાહે કદી
તોય નથી મારે દુઃખ!
રાંક હૃદય કેરી આપીશ આશિષ
સાંપડજો સાચાં સુખ!
રે એને મળજો મીઠેરાં મુખ. — મારા દેવળમાં.
એક દિવસ એની પ્રીત ભૂલશે,
કાળ પડ્યો આ પ્રચંડ,
એક સ્થળે મારી આશા ઓલાશે
ધરતી પડી નવ-ખંડ!
રે દેવા પ્રીતિના દોયલા દંડ. — મારા દેવળમાં.