રિલ્કે/16
‘માલ્ટે બ્રિગ્સ’માં અને પછીથી શિલ્પી રોદાંના સહવાસ દરમિયાન રચાયેલી કવિતાઓમાં કેવળ જોેેઈ રહેવું ઘણું મહદૃવનું બની રહે છે. આપણો દૃષ્ટિપાત જ જેને જોઈ રહ્યા હોઈએ છીએ તેનું રૂપાન્તર કરી નાખે; પણ પછીથી ૧૯૧૨-૧૩ની એની સ્પૅનયાત્રા દરમિયાન રિલ્કેને આ જોઈ રહેવું એટલું સન્તોષકારક લાગતું નથી. હવે જાણે દૃશ્ય અને દ્રષ્ટાનું અદ્વૈત સિદ્ધ થતું નથી. એ આક્રોશપૂર્વક બોલી ઊઠે છે કે ‘હું ત્યાં બેઠો બેઠો એકસરખું જોયા જ કરું છું – મારી આંખોને માટે એ અસહ્ય બની રહે ત્યાં સુધી.’ કવિ પોતાના પર ધૂંધવાઈ ઊઠે છે, ‘મેં એ દૃશ્યો જોયાં અને મારે યાદ રાખવાનાં હોય તેમ મારી આંખને મેં એ ગોખાવ્યાં. છતાં મારી પકડમાં આવતાં નથી. જે દેખાય તેને પોતાના ‘ચહેરાસરસંુ’ જડી દેવાનો જુલમ કર્યો. તેથી આમ બન્યું હશે એવું એને લાગે છે. આમ છતાં જે જોયું તેની સાથેનું અદ્વૈત સિદ્ધ કરવું એ તો એનું લક્ષ્ય રહ્યું જ છે. એ કંઈક અકળાઈને બોલી ઊઠે છે, ‘આ વાદળો અને (મારામાંથી) હે પ્રભુ, મારે એક વસ્તુનું નિર્માણ કરવાનું છે... પ્રભુ, પ્રભુ – એક વસ્તુ બનાવવી એ કેવું કપરું!’ આગલાં કાવ્યો કરતાં કોઈ જુદો જ ધ્વનિ આપણને સંભળાય છે. દૃશ્ય પદાર્થ સાથેનું અદ્વૈત પહેલાં આત્મચેતનાનો નિરોધ કરીને સિદ્ધ કરવાનું રહેતું હતું. હવે ‘હું’ આગળ આવે છે, પહેલાં જોનાર અને દૃશ્ય વચ્ચેનો ભેદ વાસ્તવિક જગતનો લેપ સિદ્ધ કરીને ભૂંસી નાખવામાં આવતો હતો. એને માટે કવિ એવાં જ કલ્પનો અને રણકતી ભાષાનો ઉપયોગ કરે છે. હવે તો સમય અને સ્થળ બંને એમની આગવી વિશિષ્ટતા પામે છે. આથી કવિ તર્જની ચીંધીને કહે છે, ‘આ પર્વત’, ‘આ નદી’, ‘હું’નું પણ આગવું સ્થાન રહે છે. આથી હવે પહેલાંનું અદ્વૈત શક્ય રહ્યું નથી. વર્ણનની તાદૃશતાને એ જાળવી રાખવા મથે છે. રાત વેળાએ ટેકરી પર ઊભો રહેલો ભરવાડ તારાને જુએ છે – ના, કેવળ જોતો નથી. એ બધા તારાને પોતાના ચહેરામાં સમાવિષ્ટ કરી દે છે. આ પછીથી ‘મુખ’ અને ‘તારો’ એ બંને સંજ્ઞાને કવિ પ્રતીકના સ્તરે લઈ જાય છે, તારકમણ્ડળમાંના તારાઓનો એકબીજા સાથેનો ઘનિષ્ઠ સમ્બન્ધ રિલ્કેને મન મહદૃવની વસ્તુ છે. એવી જ રીતે મુખ દ્વારા જ માનવી વાસ્તવિકતાની તીવ્ર દૃષ્ટિગોચરતા અનુભવી શકે છે. આમ બંને એકબીજાના પૂરક બની રહે છે. આની ભૂમિકા શી છે? રિલ્કે એ બંનેમાં અપ્રગટ સૂક્ષ્મ સાદૃશ્ય જુએ છે. આમ એના કાવ્યમાં એ બેની કેવળ આકસ્મિક સહોપસ્થિતિ નથી પણ બંને વચ્ચે અભિન્નતા સિદ્ધ કરી આપવાનો પ્રયત્ન છે. એક કાવ્યમાં એ કહે છે, ‘માત્ર કોઈક વાર, જ્યારે આપણે એવા તો કષ્ટપૂર્વક પરિણત થઈ રહ્યા હોઈએ છીએ કે એથી લગભગ આપણું મરણ જ આવી પહોંચે છે. એ વેળાએ આપણે જે કાંઈ સમજી શક્યા નથી હોતા તેમાંથી એક મુખ રચાઈ આવે અને એ એની ઉજ્જ્વળ દૃષ્ટિએ આપણને જોઈ રહે છે.’ અહીં આ ઉજ્જ્વળ મુખ તે જ તારો. આમ મુખ અને તારો અભિન્ન બની રહે છે. આ અભિન્નતા પહેલાં અસ્ફુટ રૂપે રહેલી હતી તે હવે સ્ફુટ થઈને પ્રગટ રૂપે દેખાય છે. ઉત્તર આફ્રિકાના પ્રવાસ દરમિયાન રિલ્કેએ રાત્રિ વેળાએ સ્ફિન્ક્સનું દર્શન કર્યું હતું. એનું વર્ણન એણે આ પ્રમાણે કર્યું હતું : ‘ઈશ્વર અને તારો જે ઉચ્ચ સ્તરે એકબીજા પ્રત્યે નિ:શબ્દપણે મીટ માંડી રહ્યા છે તે સ્તરે જગત અને સમગ્ર અસ્તિત્વનો પ્રાદુર્ભાવ થતો હોય એમ લાગે છે... આ (સ્ફિન્ક્સ)ને માનવીય ચહેરોમહેરો હોય એ માનવામાં આવતું નથી... એ બંને એ ભવ્ય પરિસ્થિતિના ગૌૈરવની સમાન કક્ષાએ હતા.’ આ અનુભવ કેવળ રસકીય ક્ષેત્ર પૂરતો મર્યાદિત રહેતો નથી. એના આધ્યાત્મિક અનુરણનો પણ આન્દોલિત થતાં આપણે સાંભળીએ છીએ. આથી કેવળ મુખ અને તારાની અભિન્નતા જ અનુભવાય છે એટલું નથી, આ બ્રહ્માણ્ડના માનવીના સ્થાન વિશેનો પણ એમાંથી અણસાર મળે છે. ‘આપણને જેનો બોધ થાય છે તેથી ઉપરની ભૂમિકાએ સમ્બન્ધ અને સંવાદ રહ્યા છે તેની પ્રતીતિ થાય છે.’ મુખ ઉપરાંત દર્પણનો પણ રિલ્કે આ સન્દર્ભમાં ઉલ્લેખ કરે છે. સ્ફિન્ક્સનો ચહેરો વિશ્વની જીવનરીતિનો આલેખ પોતાના પર આંકી દે છે. આકાશનું ઊંચે ચઢવું અને ડૂબવું મુખ પર ન ભુંસાય એવી ભાવરેખાઓ આંકી જાય છે. એ મુખ પરના ભાવનું સંયોજન એવા સ્તર પર થાય છે કે જેથી આખા જગત સાથેના એના સમ્બન્ધનું સન્તુલન સ્થાપી શકાય છે. પેલો ટેકરી પરનો ભરવાડ પણ વિશ્વ સાથેના સમ્બન્ધનું આવું જ સંકલન સિદ્ધ કરતો નહોતો દેખાતો? રિલ્કે એક કાવ્યમાં રાત્રિને પૂછે છે : ‘શું તેં વધારે મહાનતાથી ભરવાડના મુખની સંરચના કરી નથી?’ હવે ‘હું’નો પ્રવેશ થાય છે. રાત્રિને વિશેના જ એક કાવ્યમાં રિલ્કે કહે છે કે એ પોતાના વિલીયમાન મુખ પર રાત્રિની ભવ્યતાને પ્રતિષ્ઠિત કરવા મથે છે. તારા સાથેનું પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે એ કહે છે, ‘આપણે બે નહિ રહીએ, આપણામાંનું એક જ રહે, એક જ નિર્ભૃત પ્રકૃતિ : આ જીવન અને ત્યાં જે છે, જેણે આ તારકમણ્ડળને રચ્યું છે તે.’ આ ‘હું’ રિલ્કે અનુભવના આત્મગત સ્તર પરથી વાત કરે છે એનું સૂચન કરે છે. પણ ‘મુખ’ અને ‘તારો’માં આ આત્મલક્ષિતાને ટાળવાનો માર્ગ એને સૂઝી ગયો છે. એ બે સંજ્ઞા બે ધ્રુવોનો નિર્દેશ કરે છે. હવે ‘હું’ કવિ જે અનુભવની વાત કરે છે તેની સાથે અનિવાર્યતયા સંડોવાયેલોે છે એવું નથી. આ બે સંજ્ઞાઓ, એમની વચ્ચેની સમ્પૃક્તતા છતાં જુદી જુદી વસ્તુઓ છે. એમની વચ્ચે સમ્બન્ધ છે, પણ એ અભિન્નતાનો નથી (જેવો પહેલાં હતો). આ સમ્બન્ધ હવે બિમ્બપ્રતિબિમ્બનો છે, સામસામે પલ્લે, સન્તુલન કરવાને, મૂકેલાં વજનનો સમ્બન્ધ છે. ‘મુખ’ અને ‘તારા’નો વિચાર કરીએ ત્યારે એ બે વચ્ચેના અવકાશનો ખ્યાલ આવ્યા વિના નહિ રહે. આ અવકાશ રિલ્કેની એક પ્રિય વિભાવના છે. એના માધ્યમમાં જ મુખ અને તારા વચ્ચેનો સમ્બન્ધ સિદ્ધ થઈ શકે છે. ‘હું આ મુખને કેવી રીતે ધરી રાખું જેથી એ પારકા નક્ષત્રીય અવકાશમાં વ્યાપી જઈ શકે?’ રિલ્કેનો હવે આ પ્રશ્ન છે. આ અવકાશ તે પછીથી ‘તીવ્રતર અવકાશ’ બની રહે છે. તારાનો તર્જનીસંકેત મને રિલ્કેના ભાવવિશ્વની યાત્રાએ લઈ ગયો. હું પણ એ ‘તીવ્રતર અવકાશ’ને મારામાં સમાવવા મથી રહ્યો છું આ ઉન્નિદ્ર આંખે. ઓગસ્ટ, ૧૯૭૮