લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્ય અંગેના પાંચ પ્રશ્નો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫૬

સાહિત્ય અંગેના પાંચ પ્રશ્નો

અનિકેત જાવરેના ‘સરલીકરણો’ (‘Simplifications: Orient Longman, 2001’) પુસ્તકમાં સંરચનાવાદ અને અનુસંરચનાવાદનો પરિચય કરાવવામાં આવ્યો છે. પરંતુ એ સંદર્ભમાં એના પ્રાસ્તાવિકમાં સાહિત્ય વિશે જે કેટલીક વિચારણા થઈ છે, એ ધ્યાન ખેંચે છે. જાવરેનો અભિપ્રાય છે કે સાહિત્યના અભ્યાસ વખતે આપણે સાહિત્યને નહીં પણ સાહિત્યને વાંચવાની વિવિધ રીતિઓને અંકે કરીએ છીએ, અને મોટેભાગે એને પછી સાહિત્યવિવેચન કે સાહિત્યસિદ્ધાન્ત તરીકે ઓળખાવીએ છીએ. હકીકતમાં સાચું એ છે કે મનુષ્યને લગતાં અન્ય જ્ઞાનનાં ક્ષેત્રોના નિર્દેશ વગર સાહિત્યનો અભ્યાસ શક્ય નથી. આ ક્ષેત્રો સાથેનો એનો સંબંધ સ્પષ્ટ થવો જોઈએ. સામાન્ય રીતે સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે, એવું ચર્વિતચર્વણ સૂત્ર પણ ઉચ્ચારવામાં આવે છે, ત્યારે ‘પ્રતિબિંબ’નો અર્થ મુકરર નથી હોતો અને ‘જીવન’નો અર્થ સૌથી વધુ સંદિગ્ધ હોય છે. આ માટે ઘણા પ્રશ્નો કરવા જેવા છે. સગવડ ખાતર પાંચેક પ્રશ્નો તો તરત સૂઝે એવા છે. ‘સાહિત્ય શું છે?’, ‘સાહિત્ય ક્યાં?’, ‘સાહિત્ય ક્યારે?’, ‘સાહિત્ય શા માટે?’, ‘સાહિત્ય કેવી રીતે?’ અહીં પહેલો પ્રશ્ન ‘સાહિત્ય શું છે?’ એ સાહિત્યની સત્તામીમાંસાને લગતો છે. બીજો પ્રશ્ન ‘સાહિત્ય ક્યાં?’ મનઃસામાજિક છે, ત્રીજો પ્રશ્ન ‘સાહિત્ય ક્યારે?’ ઐતિહાસિક અને કલાવાચક છે. ચોથો પ્રશ્ર્ન વિચારધારા વિષયક છે અને પાંચમો પ્રશ્ન સાહિત્યની રચનારીતિ (Technique)ને અંગે છે. જાવરે જણાવે છે કે પહેલો પ્રશ્ન ‘સાહિત્ય શું છે?’ની પારંપરિક વ્યાખ્યા કંઈક આવી છે : સાહિત્ય એ મનુષ્ય પરિવેશને પ્રસ્તુત કરવા અને એની ગવેષણા કરવા માટે ભાષાનો પરિષ્કૃત અને રમણીય ઉપયોગ છે. પણ આ વ્યાખ્યા સંતોષકારક નથી. ‘રમણીય’ જ્યાં શબ્દ ચોક્કસ વસ્તુ માટેની રુચિ અંગેના અંગત સ્વાતંત્ર્યના ખ્યાલો પર નિર્ભર રહે છે. જાવરે છેવટે આ પ્રશ્નના તારણ રૂપે સાહિત્યને મનુષ્યના અસ્તિત્વનું ભાષાગત પ્રતિનિધાન માને છે. ‘સાહિત્ય ક્યાં?’ જેવો પ્રશ્ન પહેલાં તો સાહિત્યના અસ્તિત્વ અંગે જ શંકા કરતો લાગે છે. પરંતુ આ જ શંકા સાહિત્યના સ્થાનનિર્ધારણ અંગે પણ છે. સ્થાનનિર્ધારણ અનેક રીતે સમજી શકાય. સાહિત્યનું સમાજમાં ક્યાં સ્થાન છે? સાહિત્ય પુસ્તકોમાં રહ્યું છે? સાહિત્ય લેખકના ચિત્તમાં રહ્યું છે કે વાચકના ચિત્તમાં રહ્યું છે? — આ બધા પ્રશ્નો સાહિત્યનું મનોવૈજ્ઞાનિક, સામાજિક કે ભૌતિક સ્થાન નક્કી કરે છે. ‘સાહિત્ય ક્યારે?’ જેવો પ્રશ્ન ભૌગોલિક કે સામાજિક સંદર્ભમાં નહીં પણ સમયના સંદર્ભમાં સાહિત્યને જોવા પ્રેરે છે. સમય સાહિત્યને બે રીતે જોઈ શકાશે : ઐતિહાસિક સંદર્ભે અને કાલમાં, સાહિત્યના વિસ્તરતા સ્વરૂપ સંદર્ભે. સાહિત્યને સમજવા ઐતિહાસિક રીતે અહીં સ્થાનનિર્ધારણ જેમ મહત્ત્વનું છે તેમ સાહિત્યના વાચન સાથે વિશિષ્ટ પ્રકારનું કાલપરિમાણ સંકળાયેલું છે એ પણ મહત્ત્વનું છે. પહેલા વાક્યથી છેલ્લા વાક્ય તરફ જતાં જતાં વાચન કાલવાચકતા પ્રગટ કરે છે. આથી જ સમજી શકાશે કે સાહિત્ય વાંચતા પહેલાં સાહિત્ય અસ્તિત્વમાં નથી આવતું. ‘સાહિત્ય શા માટે?’ પ્રશ્ન સાહિત્યના કાર્ય સાથે સાંકળે છે. આ પ્રશ્ન દ્વારા વાચકો પર પડતા પ્રભાવ સંદર્ભે સાહિત્યને સમજવાનો પ્રયત્ન હોય છે. વળી ‘સાહિત્ય’ શા માટે અસ્તિત્વમાં આવે છે?’ ‘સાહિત્ય શા માટે લખાય છે?’ ‘વાચકો શા માટે વાંચે છે?’ – જેવા પેટાપ્રશ્નો પણ આ ક્ષેત્રે સંભવી શકે. જાવરે આ ઉપરાંત ‘કોનું સાહિત્ય?’ ‘કયું સાહિત્ય?’ જેવા પ્રશ્નો તો ઊભા કરે છે પણ પછી ‘સાહિત્ય કેવી રીતે?’ જેવો પ્રશ્ન રજૂ કરી સાહિત્યના રચનાપ્રપંચને નિર્દેશે છે. આ ક્ષેત્રે રચનાપ્રપંચોને ઓળખીને એનું વિશ્લેષણ કરવું એ અગત્યનું બને છે. જાવરેનું માનવું છે કે ‘આ અને આવા પ્રશ્નો સાહિત્યનાં અભ્યાસનાં ઘણાં ક્ષેત્રોને આવરી લઈ શકે છે.’