વસુધા/પંચાંગનાં પત્તાં
પંચાંગ મોંઘું નવવર્ષને દિને
લાવી અમે ગોઠવ્યું મેજ માથે,
સૂવા જતાં ફાડવું પત્તું નિત્યે
એકેક, સોંપ્યું ગૃહકામ નારીને.
એ હોંસથી ફાડત નિત્ય પત્તાં,
ભવિષ્યને ભૂત કરંત કો દી
ફાડી દિયે કે દસબાર સામટાં!
પંચાંગપત્તાં નિત ફાડવાનો
એનો મહોત્સાહ મને વિચારતો
કરી મૂકે. ૧૦
ગાડી કનેનાં તરુ શી ત્વરાભરી
વસન્ત, વર્ષા, શિશિરો વહ્યે જતી,
આ વર્તમાને અતિ મગ્ન જિન્દગી
થતી જતી ભૂત, ભવિષ્ય સાન્તની
અગ્રાહ્ય છાયા ગ્રહવા મથંતાં
મચી રહું સંભ્રમણે, બધું ભુલી.
કઈ હોંસિલી જીવનદેવતા આ
ફાડી ફટોફટ રહી જિન્દગીનાં
પત્તાં અકેકાં કદી સામટાં કે?
પંચાંગની ચૉડ બને છ પાતળી,
ને જિન્દગી એમ જ થાતી પાતળી,
ફાટી જશે, ચૉડ ખલાસ થૈ જશે,
વર્ષાન્ત ને જીવનઅન્ત આવશે,
ને ખાલી કૅલેન્ડર શું શરીર આ
કો ટોપલી કે સગડી સુહાવશે.
વર્ષાન્તઃ ને ત્યાં દિન અન્ય ઊગતો,
વર્ષે નવે ચૉડ સુપુષ્ટવંતું
સુરંગી કૅલેન્ડર મેજ સોહવે.
શું માહરે કાજ સુપુષ્ટ ચૉડની
તૈયાર બીજી થત જિન્દગી હશે ૩૦
સોહાવવા વિશ્વપિતાની મેજને?