વિદ્યાવિનાશને માર્ગે/૪
સુરેશ જોષી
યુનિવર્સિટી પર અત્યારે કોનો અંકુશ છે એની ચર્ચા અત્યારે ન કરીએ. આપણો પ્રશ્ન આ છે : યુનિવર્સિટી પર કોનો અંકુશ હોવો જોઈએ? એના પર કોની ‘સત્તા’ ચાલે? વિદ્યાર્થીઓ પોતાનો દાવો આગળ કરીને કહેશે : ‘અમે છીએ તો યુનિવર્સિટી છે. અમે ત્યાં અમારાં સ્વપ્નોને સાચાં પાડવા આવીએ છીએ. અમારું જીવન ઘડવા આવીએ છીએ. અમને લક્ષમાં લેવામાં ન આવે તે કેટલે અંશે ઉચિત છે? અમને લક્ષમાં લેતા નથી માટે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે યુનિવર્સિટીમાં ભણેલું બાજુએ મૂકીને અમારે જીવનના સંઘર્ષમાં ઊતરવું પડે છે. પછી ઠોકરો ખાતાં અમે જે શીખીએ તે જ અમારું સાચું શિક્ષણ છે.’
આની સામે શિક્ષકો કહેશે : ‘યુનિવર્સિટીઓ ઉદ્દેશ જ્ઞાનનું પ્રસારણ કરવાનો છે. એ ગ્રામપંચાયત નથી કે સહકારી શરાફી પેઢી નથી. એમાં સત્તા ચલાવવાનો કે એ વિશે હોંશાતૂંસીમાં પડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વિદ્યાર્થીઓ જો જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્દેશ રાખીને યુનિવર્સિટીમાં આવતા હોય તો એ જ્ઞાનપ્રાપ્તિ જેમણે કરી હોય અને જ્ઞાન આપવાની જેમનામાં શક્તિ અને આવડત હોય તેમને જ યુનિવર્સિટીના સંચાલનનું સૂત્ર સોંપવું જોઈએ.’
આજે, પોતાના અધિકાર પરત્વે સભાન એવી, પ્રજાનો પણ આ સમ્બન્ધમાં અધિકાર છે. એ લોકો કહે છે : ‘અમે કર ભરીએ છીએ, અનુદાનો આપીએ છીએ, એથી જ તો યુનિવર્સિટીનું અર્થતન્ત્ર સાબૂત રહે છે. જો એ ન હોય તો યુનિવર્સિટી પોતાના કાર્યમાં પ્રવૃત્ત જ ન થઈ શકે. યુનિવર્સિટી અમારી પાસેથી જે લે છે તેનો બદલો એણે અમારું હિત જાળવીને આપવો જોઈએ. આથી યુનિવર્સિટીનું વ્યવસ્થાતન્ત્ર અમારા અંકુશ નીચે રહે એ જ યોગ્ય છે.’ લોક, લોકોની ચૂંટેલી સરકાર, ઔદ્યોગિક સંકુલો, અને વેપારી પેઢીઓ આવો દાવો કરે છે તે હવે આપણાથી અજાણ્યું નથી.
આ બધા દાવાઓને ધ્યાનમાં લઈને આપણે આ મુદ્દો વિચારવાનો છે. સ્વસ્થ અને તટસ્થ દૃષ્ટિએ વિચારનારા એમ કહેશે કે આમાં જુદા જુદા ત્રણ પક્ષો વચ્ચે કશી સ્પર્ધા કે સંઘર્ષ છે જ નહિ, કારણ કે એ ત્રણે યુનિવર્સિટીના આધારસ્તમ્ભ છે. યુનિવર્સિટીના લક્ષ્ય પરત્વે જો આ ત્રણેમાં એકવાક્યતા હોય તો આ ત્રણે એકબીજાના સહકારી અને પૂરક થઈને રહે. જો વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિને બદલે ડિગ્રીને જ લક્ષ્ય ગણતા હોય, જો શિક્ષકો શિક્ષણને વ્યવસાય ગણીને બધા જ ફાયદા મેળવવાના આગ્રહી બનીને કોઈ ટ્રેડ યુનિયનની જેમ જ વર્તતા હોય અને ઔદ્યોગિક સંકુલો, વેપારી પેઢીઓ, સરકાર તથા સમાજનો વગ ધરાવનારો વર્ગ યુનિવર્સિટીને પોતાના ધંધાના વિસ્તાર માટે, આથિર્ક લાભ માટે કે પોતાના વગ વિસ્તારવા માટે કેવળ સાધનરૂપ ગણતા હોય તો અનુચિત સ્પર્ધા અને સંઘર્ષને ટાળી નહિ શકાય.
આથી બીજા કેટલાક પ્રશ્નો ઊભા થાય છે : અભ્યાસક્રમ આજની જરૂરિયાતને સંતોષે એવો છે કે નહિ? યુનિવર્સિટીની સ્વાયત્તતા કેટલે અંશે હિતાવહ છે? પ્રજાના સમાજજીવનમાં અને રાજકારણમાં યુનિવર્સિટી કેટલે અંશે સક્રિયપણે સંડોવાય તે ઇષ્ટ છે? યુનિવર્સિટીનું સાચું કાર્યક્ષેત્ર કયું? કોને આપણે ઉદારમતવાદી શિક્ષણ પ્રણાલી કહીશું? અત્યાર સુધી આપણે એવું રટતા આવ્યા કે યુનિવર્સિટીમાં જ પૂરી તટસ્થતાથી વસ્તુલક્ષી પદ્ધતિએ સત્યનું અનુસન્ધાન થતું હોય છે. એ સત્ય માનવસમાજને ઉપયોગી નીવડવું જોઈએ. પણ આ વિધાનને જો તપાસીશું તો ઘણા પ્રશ્નો ઊભા થશે. અહીં બે વિરોધી વાતો એક સાથે કહેવાઈ હોય એવું લાગે છે. એક બાજુ વસ્તુલક્ષિતાનો આગ્રહ છે અને બીજી બાજુ સમાજને પ્રસ્તુત હોય એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તુલક્ષિતાને તટસ્થતાની અપેક્ષા છે. એ આ કે તે વર્ગને અને એના લાભને જ લક્ષમાં લે નહિ તે દેખીતું છે. આ પ્રકારનું ‘ડિસઇન્ટરેસ્ટેડનેસ’નું વલણ સમાજને પરવડશે ખરું? એમાં આપણા અંગત અભિગ્રહોની પૂરી બાદબાકી થઈ ગઈ હોવી જોઈએ. આપણે જ્યારે અનુસન્ધાનને માટેની સામગ્રીનો સંચય કરીએ, એને આધારે અમુક નિષ્કર્ષ પણ આવીએ અને નિર્ણયો કરીએ ત્યારે એ બધું બને તેટલી બિનંગતતાથી થવું જોઈએ. માટે આ કે તે વર્ગનું જ હિત જોવાની વાત અહીં ઉપસ્થિત થઈ ન શકે. પણ જો કોઈ પક્ષનું કે વર્ગનું હિત જોવાનું હોય, એ દૃષ્ટિએ શિક્ષણ અનુકૂળ છે કે નહિ તે વિચારવાનું હોય, તો આપણું હિત શી રીતે વધુ જળવાય તેનો જ વિચાર કરવાનો રહે, આ દૃષ્ટિએ શિક્ષણમાં શેને કેટલું મહત્ત્વ આપવું તે નક્કી કરવું પડે. આમ ‘ઓબ્જેક્ટિવિટી’ અને ‘રેલેવન્સ’ના ખ્યાલો વચ્ચે રહેલો વિરોધ કેટલાક ચિન્તકોએ ચીંધી બતાવ્યો છે.
યુનિવર્સિટી સાથે સમ્બન્ધ ધરાવનારા ત્રણે વર્ગોમાં લક્ષ્ય પરત્વે વિરોધ શા માટે રહે છે? સાચી જિજ્ઞાસાથી યુનિવર્સિટીમાં પ્રવેશતો વિદ્યાર્થીનો વર્ગ ખૂબ થોડો છે, ઘણા બીજું કશું તરત કરવાનું સૂઝતું નથી માટે યુનિવર્સિટીમાં જાય છે, ઘણા દેખાદેખીથી જાય છે, ઘણા સામાજિક મોભો વધે એવા ખ્યાલથી જાય છે. એમ.એ. થયેલા રિક્ષા ચલાવતા હોય કે પટાવાળાની નોકરી કરતા હોય તો આપણી શિક્ષણવ્યવસ્થામાં નહિ પણ સમાજવ્યવસ્થામાં અને અર્થતન્ત્રમાં કશી મોટી ખામી રહી છે એવું જ કહેવું જોઈએ. સમાજમાં જો જ્ઞાન કરતાં અર્થપ્રાપ્તિને જ ઝાઝું મહત્ત્વ હોય, એથી જ જો સમાજમાં માનમરતબો મળતો હોય, તો એવા સમાજમાં જ્ઞાનનું ગૌરવ ન જળવાય તે દેખીતું છે. ઉચ્ચ શિક્ષણને શિખરે પહોંચેલા અમેરિકા જઈને ‘મોટેલ’ ચલાવે છે તે આપણે ક્યાં નથી જાણતા? મોટા ભાગની પ્રજા આજે એવા સ્તર પર જીવે છે જ્યાં સાંસ્કૃતિક મૂલ્યોની, ગવેષણાની, સૂક્ષ્મતાની, રસવૃત્તિની, ઝાઝી મહત્તા નથી એ હકીકત આપણે સ્વીકારવાની જ રહે છે. સમાજની યોગ્યતાની કક્ષા પ્રમાણે જ સમાજને યુનિવર્સિટી પણ મળે. આજે તપોવનની સંસ્કૃતિમાં આપણે જીવતા નથી. આ જનક વિદેહીનો કે યાજ્ઞવલ્ક્યનો જમાનો નથી. આજે તો તુમુલ સંઘર્ષ અને વર્ગવિગ્રહ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. આથી પુરાણાં મૂલ્યોનો શુકપાઠ કરવાથી કશો અર્થ નહિ સરે એવું આપણને કહેવામાં આવે છે.
આમ છતાં એક વાત તો સ્વીકારવાની રહેશે જ. આપણે જે પરિસ્થિતિમાં છીએ, આપણે જે પરિબળોની અસર નીચે આવ્યા છીએ તેને પણ ઓળખી લેવાનાં તો રહેશે જ. આજે આપણા જીવનમાં ઘણા વિરોધાભાસો છે : આપણે સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે કળાઓને સ્થાન આપ્યું છે ખરું, પણ તે સમાજના ઉપલા સ્તરના લોકોએ પોતાને ઊંચા ગણાવવા માટે. આથી આ કળાઓના પરિશીલનથી જીવનમાં જે ઉદાત્તતા અને સાર્થકતાની અનુભૂતિ થાય તે આપણને થતી નથી. આ બધી કળાઓ અને એનાથી થતો ચેતોવિસ્તાર, વ્યક્તિત્વને પ્રાપ્ત થતી ગરિમા – આ બધું આપણું લક્ષ્ય નથી, આ બધી કળાઓ તો બીજા કશાક પ્રયોજનના સાધનરૂપ છે, આથી એનું ગૌણ સ્થાન જ છે. સરસ્વતી લક્ષ્મીની દાસી છે. સ્વેચ્છાએ અકિંચનતા અને અપરિગ્રહ સ્વીકારીને જ્ઞાનોપાસનાને જ મહત્ત્વ આપનારો વર્ગ આજે સમાજમાંથી લુપ્ત થઈ ગયો છે. જ્ઞાન પરત્વે પણ વ્યવસાયલક્ષિતા જ મહત્ત્વની બની રહી છે. ધર્મ આજે ધારકબળ નથી. માનતા, બાધાઆખડી, કથાવાર્તા, અનુષ્ઠાન – આ બધાંએ ધર્મનું સ્થાન લીધું છે. પ્રજાને ધર્મ તરફ વાળનારો એક વર્ગ છે. પણ એને જેટલો પ્રચારમાં રસ છે તેટલો જીવનના ઊંડાણને સ્પર્શવાનો રસ નથી. ત્યાગીને ભોગવવાનો આદર્શ હવે રહ્યો નથી. યુનિવર્સિટીઓને ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનાં બીબાં પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન થયેલો. પછી વળી નાલન્દા અને તક્ષશિલાની વાત પણ ચાલી. આજે આપણે જાણીએ છીઅ કે આ બેમાંથી એકકેય આદર્શને આપણે ચરિતાર્થ કરી શક્યા નથી.