વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/C
Jump to navigation
Jump to search
C
Calligramme મુદ્રણકવિતા આ પ્રકારની કવિતામાં પંક્તિઓને એવી રીતે મુદ્રિત કરવામાં આવી હોય કે એમાંથી ઊપસતી આકૃતિ વિષયને સુસંગત હોય.
Canny (and uncanny) criticism યુક્તિક વિવેચન ભાષા અંગેના નક્કર વૈજ્ઞાનિક જ્ઞાનવિકાસના આધાર પર સાહિત્યના અભ્યાસની સૈદ્ધાંતિક અને તાર્કિક વ્યવસ્થાને પુરસ્કારનાર યુક્તિક વિવેચકો ‘સાહિત્યવિજ્ઞાની’ઓ છે. જ્યારે અયુક્તિક વિવેચકોનાં લખાણો અતાર્કિક અને અનિયંત્રિત હોય છે છતાં એમના વ્યવસ્થાભંગની નીચે પ્રચ્છન્ન વ્યવસ્થાનો આવિષ્કાર જોઈ શકાય છે.
Carnavalization લોકોત્સવીકરણ મિખાઈલ બખ્તિને પોતાની ભાષાપરક સાહિત્યવિશ્લેષણની પદ્ધતિમાં લોકોત્સવની વિભાવનાને પ્રવેશ આપ્યો છે. કાર્નિવલનો ઉદ્ગમ ‘લોકહાસ્ય’માં છે. આ લોકહાસ્યમાં શાસકોના, ધર્મધુરંધરોના, કાયદાઓના, નીતિઓના અવાજોની સામેનો અવાજ છે. એ એક સામુદાયિક ઘટના છે. એને લેખિત પ્રોક્તિમાં પ્રવેશ આપવો એ લોકોત્સવીકરણની પ્રક્રિયા છે. બખ્તિન જણાવે છે કે થોડા સમય માટે લોકોત્સવમાં કાયદો અને વ્યવસ્થા, નિષેધો અને પરંપરિત માળખાંઓ જેમ સ્થગિત થઈ જાય છે કે તૂટી જાય છે, તેમ દોસ્તોયેવ્સ્કી જેવાની નવલકથાઓમાં પણ અનપેક્ષિતનો પ્રવેશ તેમ જ અસાધારણ મનઃસ્થિતિનાં વર્ણન ચીલાચાલુ માળખાને તોડી નાખે છે. ટૂંકમાં દોસ્તોયેવ્સ્કીની બહુસ્વન નવલકથાને સમજાવવાની પ્રક્રિયા રૂપે આ સંજ્ઞા ભાગ ભજવે છે.
Carpedieum ક્ષણિક સુખવાદી સાહિત્ય યૌવનની ક્ષણિકતાને નિર્દેશી સુખભોગને પુરસ્કારતી ઊર્મિકવિતાનું મુખ્ય વિષયવસ્તુ.
Catch phrase પકડસૂત્ર રાજકારણીઓ જાહેરાતવાળાઓ કે સમૂહમાધ્યમો દ્વારા ચોક્કસ સૂત્ર કે વાક્યને પ્રચલિત કરવામાં આવ્યું છે, જેમકે ‘અમે બે અમારાં બે’.
Cerebralism મસ્તિષ્કવાદ આ વાદ શુદ્ધ પ્રજ્ઞાના સ્વાભાવિક ફલ પર નહિ પરંતુ વિચાર અવયવોના યંત્રાભાસી ઉત્પાદન પર ભાર મૂકે છે. આધુનિક કલાના વિરોધીઓ આવા મસ્તિષ્કવાદને આધુનિક કલાની સૌંદર્યપરક ક્ષતિઓ માટે સામાન્ય રૂપે કે વિશેષ રૂપે જવાબદાર ગણે છે.
Chosism ક્ષુદ્રકર્ષ ફ્રેન્ચ સંજ્ઞા. આ સંજ્ઞા રોબ રોબ ગ્રિવે જેવાની નવી નવલકથાઓમાં આવતાં ક્ષુદ્ર કે નજીવી વસ્તુના લાક્ષણિક વિગતખચિત વર્ણનને સૂચવે છે.
Cherstomathy ઉદ્ધરણગ્રંથ કોઈ એક લેખકનાં અને ખાસ તો વિદેશી લેખકનાં સાહિત્યલખાણોનાં ચયન અને સંચયનો ગ્રંથ.
Chromotopos સ્થકાલતત્ત્વ નવલકથા સંદર્ભે મિખાઈલ બખ્તિનનો સ્થલકાલ પરત્વેનો વિચાર માત્ર વાસ્તવના અનુકરણ પૂરતો સીમિત નથી, પરંતુ નવલકથાની સંરચનામાં સ્વરૂપવિધાયક મુખ્ય પરિબળોમાંનું એક પરિબળ છે. પરીકથામાં આવતા સમુદાયના અવિભક્ત સ્થલકાલ કે ગ્રીકસાહિત્યમાં આવતાં વૈયક્તિક સ્થલકાલ કરતાં આ સ્થલકાલનું વિશેષ કર્તવ્ય અને વર્ચસ છે. કાલ કે સ્થલમાંથી પસાર થતાં પાત્ર પર થતો સંસ્કાર એમાં સૂક્ષ્મપણે ઉમેરાયેલો છે.
Class consciousness વર્ગચેતના માર્ક્સવાદી વિચારધારાની માન્યતા એવી છે કે દરેક સાહિત્યમાં કોઈ ને કોઈ વર્ગની ચેતના અભિવ્યક્ત થતી હોય છે; અને આજના ક્રાંતિકારી સાહિત્યમાં કામદાર-વર્ગની ચેતના વ્યક્ત થવી જોઈએ. સાહિત્યકારોની વર્ગચેતના જેટલી સ્પષ્ટ અને તીવ્ર હશે એટલા પ્રમાણમાં તે પોતાના સાહિત્યને વધુ પ્રખર અને પ્રભાવશાળી બનાવી શકશે.
Classmes અર્થગણ જુઓ, Isotopy
Class struggle વર્ગસંઘર્ષ માર્ક્સવાદી સાહિત્યવિચારમાં વર્ગસંઘર્ષની ચર્ચા બહુ થઈ છે. માર્ક્સવાદી વિવેચકોના મતાનુસાર સમગ્ર સાહિત્ય વર્ગસંઘર્ષને અભિવ્યક્ત કરે છે એટલું જ નહિ પણ આજ સુધીનું મોટાભાગનું સાહિત્ય ઉચ્ચ વર્ગનું ખાસ કરીને સત્તારૂઢ વર્ગનું સાહિત્ય જ રહ્યું છે, તથા તેમાં જે સાર્વભૌમિક અને સર્વકાલીન તત્ત્વો હોય છે એ બધાં જ એક વિશેષ ઐતિહાસિક પરિસ્થિતિમાં એક વર્ગના પ્રગતિશીલ હોવાના કારણરૂપ હોય છે. માર્ક્સવાદીઓ માને છે કે આજે સાહિત્ય કામદાર-વર્ગ અને એના ક્રાંતિકારી સ્થાનને અભિવ્યક્ત કર્યા વિના મહત્ત્વપૂર્ણ બની શકે તેમ નથી. વર્ગસંઘર્ષને તીવ્ર બનાવીને અંતે કામદારવર્ગને વિજય અપાવવાં સાહિત્ય સહાયક નીવડવું જોઈએ.
Class system વર્ગવ્યવસ્થા માર્ક્સવાદી વિચારધારા અનુસાર દરેક સમાજ જુદા જુદા વર્ગોમાં વહેંચાયેલો રહ્યો છે. એમાંના કેટલાક વર્ગોના હાથમાં ઉત્પાદનનાં સાધનો અને સત્તા હોય છે, જ્યારે કેટલાક વર્ગો પોતાના શ્રમ દ્વારા સમાજની સંપત્તિનું ઉપાર્જન કરે છે. પણ સત્તા હાથમાં નહીં હોવાને લીધે સત્તારૂઢ વર્ગ તેમનું શોષણ કરે છે. સાહિત્ય અનિવાર્યરૂપે આ વર્ગવ્યવસ્થાને અભિવ્યક્ત કરે છે.
Collaborative art forms સહયોગી કલાઓ રંગભૂમિનું નાટક કે પછી ચલચિત્ર સહયોગી કલાનો નમૂનો છે. જેમાં એના દિગ્દર્શક કે રચનાકારની રચનાકુશળતા એના સહયોગી પરિબળો પર નિર્ભર રહેલી હોય છે.
Collation પાઠશોધન નવા સમીક્ષાત્મક પ્રકાશન વખતે એક કરતાં વધુ ઉપલબ્ધ એવાં પુસ્તકનાં વિવિધ સંસ્કરણોને કોઈક પંક્તિ કે શબ્દના યોગ્ય અર્થ માટે સરખાવવામાં આવે છે અને એ રીતે પાઠશોધન કરવામાં આવે છે.
Colligation સહયોજન કે સહવિન્યાસ વિજ્ઞાનવિચારમાં આવેલી ક્રાંતિને વર્ણવતા ૧૮મી અને ૧૯મી સદીની જુદે જુદે વખતે થયેલી શોધોને બાજુ બાજુમાં મૂકીને તપાસવા જેવું કાર્ય સહયોજન કે સહવિન્યાસનું કાર્ય છે. તદ્દન જુદી લગતી ઘટનાઓને આ રીતે સમજૂતીની પ્રક્રિયા દરમિયાન પાસે પાસે લાવવામાં આવે છે.
Comedie de moears રીતિનાટક માટેની ફ્રેન્ચસંજ્ઞા.
Comedie larmoyante લાગણીપ્રધાન સુખાંતિકા પુષ્કળ રડાવતી આ લાગણીપ્રધાન સુખાંતિકાના, ફ્રાન્સમાં, નિવેલ દ લા શોઝિ અને દિદેરો મુખ્ય નાટકકારો હતા.
Comedywright હાસ્યનાટકકાર
Constructionist History રચનાવાદી ઇતિહાસ જુઓ, Reconstructionist History.
Co-operative principle સહકારનો સિદ્ધાંત. જે. એલ. ઓસ્ટિન અને જે. સર્લના વાક્કર્મ સિદ્ધાંતને વિસ્તૃત કરી માહિતીનું વધુમાં વધુ અસરકારક રીતે પ્રત્યાયન કેવી રીતે થઈ શકે એ સંદર્ભમાં એચ. પી. ગ્રાઈસે સહકારનો સિદ્ધાંત આપ્યો છે. આ સિદ્ધાંત સાથે ઈયત્તા, ગુણવત્તા, સંબંધ અને રીતિના ચાર નિયમો પણ આપ્યા છે : આવશ્યક હોય એટલી વાગ્વ્યવવહારમાં માહિતી મૂકો (ઈયત્તા); જે કાંઈ વાગ્વ્યવહાર કરો એમાં સચ્ચાઈનો અંશ મૂકો (ગુણવત્તા), જે કાંઈ વાગ્વ્યવહારમાં મૂકો તે સંગત અને સંબંધિત મૂકો (સંબંધ) અને જે કાંઈ વાગ્વ્યવહારમાં મૂકો તે અસંદિગ્ધ મૂકો, ટૂંકું અસરકારક અને વ્યવસ્થિત મૂકો (રીતિ). મેરી લૂઈઝ પ્રેટે ગ્રાઈસના આ વાક્કર્મ સિદ્ધાંતને સાહિત્યિક વાક્કર્મ સંબંધે વધુ વિસ્તૃત કરતાં બતાવ્યું કે આ ચાર નિયમમાં વાક્કર્મ નિમિત્તે લેખક જે કાંઈ અનાદર કે અવજ્ઞા કરે છે, એને વાચક દ્વારા સહેતુક લેખવામાં આવે છે, અને પ્રેટ કહે છે તેમ એ રીતે સાહિત્યિક લખાણો વાક્કર્મ પરિસ્થિતિઓમાં અતિસુરક્ષિત (hyperprotected) હોય છે.
Coprophilia મલરતિ મનોવૈજ્ઞાનિક આ સંજ્ઞા મળ કે પેશાબ જોઈને કે એની ગંધમાત્રથી જાતીય રીતે ઉત્તેજિત થતી વ્યક્તિની વૃત્તિ માટે વપરાય છે.
Copytext મૂળપત્રv નવા સમીક્ષાત્મક પ્રકાશન માટે સંપાદકે પસંદ કરેલી હસ્તપ્રતની કે મુદ્રિત પુસ્તિકાની નકલ.
Correlative objects સહસંબંધક વસ્તુઓ ટી. એસ. એલિયટની ‘વસ્તુલક્ષી સહસંયોજકો’ની સંજ્ઞાથી એ. કે. રામાનુજે આ સંજ્ઞાને જુદી પાડી છે, અને દર્શાવ્યું છે કે એલિયટની સંજ્ઞા સાથે વૈયક્તિક કવિઓનો પુરુષાર્થ સંકળાયેલો છે; જ્યારે સહસંબંધક વસ્તુઓ સાથે સંસ્કૃતિ સંકળાયેલી છે. સંસ્કૃતિની પ્રણાલિ અનુસાર કેટલીક વસ્તુઓ ચોક્કસ સંવેદનો નીપજાવે છે એને અનુલક્ષીને આ સંજ્ઞા ઘડાયેલી છે. સહૃદયની ભાવનક્રિયા અને રસનિષ્પત્તિનો સંદર્ભ એમાં પડેલો છે.
Coterie ગોષ્ઠિ સામાજિક અથવા સાહિત્યિક ઉદ્દેશો માટે વારંવાર મળતી રહેતી વ્યક્તિઓની મંડળી કે એનું જૂથ. આધુનિક કાળમાં આ પ્રવૃત્તિ વધુ વિકસી છે. ‘રે મઠ’ને આ પ્રકારનું કવિજૂથ કહી શકાય.
Covering up language વેષ્ટિત ભાષા જે કાંઈ ક્રૂર કે ક્લેશકર છે એને છૂપાવવાને થતો ભાષાનો ઉપયોગ. જેમકે, હિટલરે યહૂદીઓની હત્યાને ‘યહૂદી સમસ્યાનો નિકાલ’ તરીકે વર્ણવેલી.
Cultural Cringe સાંસ્કૃતિક દાસ્ય ત્રીજા વિશ્વના જ્ઞાનવિશ્વાસમાં હાલતાં અને ચાલતાં પશ્ચિમનું આધિપત્ય જોવાય છે. અને એ આપણી સૈદ્ધાંતિક સ્થિતિનો મહત્ત્વનો ભાગ બની રહે છે. અને અનુસંસ્થાનવાદીઓ સાંસ્કૃતિક દાસ્ય કહે છે.
Cultural Imperialism સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ સમસ્ત જગત પર છાઈ ગયેલા પશ્ચિમી સમૂહમાધ્યમોના પ્રભાવોને વર્ણવવા કેટલાક માક્ર્સવાદી ચિંતકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. અમેરિકાનાં સમૂહમાધ્યમો બૂર્ઝવાં મૂલ્યોને પ્રસારે છે અને ખાસ કરીને ત્રીજા વિશ્વની પ્રજાને મૂડીવાદી વિચારધારા હેઠળ લાવવા પ્રયત્ન કરે છે. આ સાંસ્કૃતિક સામ્રાજ્યવાદને ઘણીવાર ‘કોકા સંસ્થાનીકરણ’ (Coca Colonization) જેવું નામ પણ આપવામાં આવ્યું છે.
Cultural Materialism સાંસ્કૃતિક ભૌતિકવાદ ડોલિમોર અને સિનફીલ્ડ જેવા સાંસ્કૃતિક વિવેચકોએ આ સંજ્ઞા દ્વારા દર્શાવ્યું છે કે ઇતિહાસમાં, સંસ્કૃતિ જે સ્થિતિમાંથી જન્મે છે અને સ્વીકૃતિ પામે છે તે સ્થિતિથી એને અલગ કરી શકાતી નથી. આ વિચારણાને છેવટે રાજકારણના અર્થ સાથે સાંકળવામાં આવી છે. આ સંજ્ઞા મૂળે તો રેમન્ડ વિલ્યમ્સે આપેલી છે.
Cultural poetics સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર નવી ઇતિહાસદૃષ્ટિના પ્રવેશથી કાવ્યશાસ્ત્ર સંસ્કૃતિપરકતા તરફ ઢળેલું છે. આને કારણે સાહિત્યવિવેચન સાહિત્યકૃતિના ઐતિહાસિક સંદર્ભોથી મૌલિક પદ્ધતિએ અભ્યાસ કરી રહ્યું છે.
Cultural Relativism સાંસ્કૃતિક સાપેક્ષવાદ જુદી જુદી સંસ્કૃતિઓ જુદી જુદી મૂલ્યપ્રણાલિઓ પર કાર્યરત હોય છે એ વાતની સ્વીકૃતિ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આથી શું ખરાબ કે શું સારું છે, એ પ્રત્યેક સંસ્કૃતિના સંદર્ભમાં જ નિર્ણીત થઈ શકે. સંસ્કૃતિ ક્ષેત્રે વસ્તુલક્ષી સ્થિતિ ન હોઈ શકે એવું આ વાદનું દૃઢ માનવું છે.
Cultural word સંસ્કારશબ્દ પ્રજાના સામૂહિક સાંસ્કૃતિક કે સામાજિક જીવનની લાક્ષણિકતાઓને વ્યક્ત કરતો શબ્દ. જેમકે ‘ચૂંદડી’.
Culture gap સંસ્કૃતિભેદ બે સંસ્કૃતિઓની જીવનશૈલી વચ્ચેનો ઉગ્ર વિરોધ કે એમની ભિન્નતા સૂચવતી સંજ્ઞા.
Culture shock સંસ્કૃતિઘાત એક સંસ્કૃતિમાંથી ઊખડીને બીજી તદ્દન ભિન્ન સંસ્કૃતિમાં નવેસરથી રોપાવાના અભિઘાતને સૂચવતી સંજ્ઞા.
Cyberculture નૃયંત્રસંસ્કૃતિ મહાગણિતયંત્રોથી પ્રભાવિત સમાજરચના.
Cyberpunk સાયબર પન્ક અધુનાતન વિવિધ વિજ્ઞાનનવલકથાઓને લાગુ પડતી આ સંજ્ઞા દ્વારા મનુષ્યો અને નવી ટેક્નોલોજીનો સમાગમ સૂચવાય છે. જેમાં આભાસી વાસ્તવ (Virtual reality)ને કારણે, ક્લોનિંગને કારણે, મનુષ્ય અને યંત્ર તેમજ ભ્રમ અને વાસ્તવ વચ્ચેની ભુંસાતી રેખાઓને કારણે આવતાં પરિણામોને આગળ કરવામાં આવે છે. વિલ્યમ ગિબ્સન આનો પ્રણેતા રહ્યો છે.