શબ્દલોકના યાત્રીઓ – ૧/નગીનદાસ પારેખ
શ્રી નગીનદાસ પારેખે પોણોસો ઉપરાંત ગ્રંથો લખ્યા છે, લગભગ પ્રત્યેક વર્ષના એકેકને હિસાબે. એમાં અડધા ઉપરાંત ગ્રંથો અનુવાદના છે. બંગાળી અને અંગ્રેજીમાંથી ઉત્તમ પુસ્તકો તેમણે ગુજરાતીમાં ઉતાર્યા એ એમની મહત્ત્વની સેવા છે. બીજાં પચીસેક પુસ્તકોમાં સાહિત્યવિવેચન, સંપાદન વગેરેનો સમાવેશ થાય છે. એમના વિવેચન ઉપર નગીનદાસીય મુદ્રા અંકિત થયેલી છે. આપણી વિવેચનધારામાં એમના લેખો જુદા તરી આવે છે. ૧૯૬૯માં તેમનો સાહિત્ય મીમાંસા વિશેનો ગ્રંથ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ પ્રગટ થયો. ૧૯૭૧માં એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે મેં ‘નિરીક્ષક’માં નગીનદાસને ‘સત્યશોધક વિવેચક’ તરીકે ઓળખાવતાં લખેલું : “આચાર્ય કાકાસાહેબ કાલેલકરની જેમ શ્રી નગીનદાસ પણ પોતાને સાહિત્યકાર કરતાં અધ્યાપક તરીકે ઓળખાવવાનું પસંદ કરે. વ્યવસાયે તે અધ્યાપક છે અને તેમના વિવેચકત્વને એનો મબલક લાભ મળેલો છે. ઘણા અધ્યાપકોએ વિવેચનક્ષેત્રમાં કાર્ય કર્યું છે અને હજુ કરે છે; પણ એમાંથી કેટલાના વિવેચનને આપણે ‘એકેડેમિક ક્રિટિસિઝમ’ કહી શકીશું? અને નગીનદાસનાં વિવેચન વિષયક લખાણોને ‘એકેડેમિક ક્રિટિસિઝમ’ સિવાય બીજું કયું લેબલ જો આપવું જ હોય તો આપી શકીશું? અધ્યાપકીય અભિગમ જ એમના વિવેચનનું વ્યાવર્તક લક્ષણ ગણવું જોઈએ...નગીનદાસમાં રહેલા વિવેચકને અનુવાદકે સારો સહકાર આપ્યો છે. અનુવાદક યોગ્ય શબ્દની શોધમાં હોય છે, એને માટે તે આકાશ-પાતાળ એક કરે છે. વિવેચન પણ એક જાતની શોધ છે. વિવેચક પણ યોગ્ય મૂલ્યાંકન તરફ પહોંચવા માટે મથામણ કરતો હોય છે. નગીનદાસભાઈ જેવાનાં સાહિત્યવિવેચનોમાં સત્યની શોધ જ કારણભૂત હોય એમ જોવું મુશ્કેલ નથી. શ્રી નગીનદાસ પારેખનો જન્મ ૧૯૦૩ના ઑગસ્ટની ૩૦મીએ વલસાડમાં થયો હતો. પિતા નારણદાસ અને માતા જીવકોરબહેન. પિતા ૮૨મા વર્ષે અવસાન પામ્યા અને માતા ૯૮મા વર્ષે. એમનાં માતુશ્રીને જોયેલાં. નગીનભાઈનું પ્રથમ લગ્ન સાત વર્ષની ઉંમરે ગુલાબબહેન સાથે થયેલું. ૧૯૩૧માં એમનું અવસાન થતાં ૧૯૩૩માં દ્વિતીય લગ્ન વાસંતીબહેન સાથે થયું. નગીનભાઈની વિદ્યા પ્રવૃત્તિમાં એમનો સહકાર આજ દિન સુધી મળતો રહ્યો છે. શ્રી નગીનદાસે પહેલાં ત્રણ ધોરણ વલસાડમાં છીપવાડની શાળામાં કર્યાં, ચોથું ધોરણ લાલ નિશાળમાં, અંગ્રેજી ત્રણ ધોરણ શેઠ રૂ. જ. જી. શાળામાં અને અંગ્રેજી ચોથાથી સાતમા (મૅટ્રિક) સુધી બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાં કર્યાં. શાળામાં તેમને ઈનામો મળતાં. ૧૯૧૯માં કવિતા લખવાની શરૂઆત કરી. ‘ગપ ગૅઝેટ’ નામે અંગ્રેજી હસ્તલિખિત ચલાવતા. તેમને કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં રસ હતો. દારૂનાં પીઠાં, ચાની હૉટલો અને ફટાકડાની દુકાનો પર પિકેટિંગ કરતા. સ્વદેશીના પ્રચાર માટે મહોલ્લે મહોલ્લે સભાઓ ભરતા. સ્વયંસેવક દળની સ્થાપના કરી. અમેરિકન મિશનના સહકારથી વાચનાલય ચલાવ્યું. શ્રી વિદ્યામૃતવર્ષિણી પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ડ્રોઇંગ એલિમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ ગ્રેડની બે પરીક્ષાઓ આપી. લોકમાન્ય ટિળકના અવસાન પ્રસંગે અને બીજા બે પ્રસંગોએ એમ કુલ ત્રણ વાર શાળામાં હડતાલ પડાવી. મૅટ્રિકની પ્રિલિમિનરી પરીક્ષા થઈ ગયા પછી અસહકાર કરી ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા ૧૯૨૧માં પસાર કરી. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ‘ક્રિટિક’ નામે અંગ્રેજી અને ‘પ્રભાત’ નામે ગુજરાતી હસ્તલિખિતનું સંપાદન કર્યું. મહા વિદ્યાલયના સાપ્તાહિક ‘પંચતંત્ર’માં ગદ્યપદ્ય લખાણો, અનુવાદ અને બીજી લેખનપ્રવૃત્તિનો આરંભ કર્યો. આ સમયગાળામાં ‘ડાકઘર’ના શરૂઆતના ભાગનો ઉપેન્દ્રની ‘આત્મકથા’નો અને ‘પરિણીતા’નો અનુવાદ કર્યો. (એ ત્રણે પાછળથી પ્રગટ થયાં.) મહાવિદ્યાલયના દ્વૈમાસિક ‘સાબરમતી’માં ‘તળબદી સુરતી’ને નામે ઉત્તમ લેખ લખવા માટે તારાગૌરી ચંદ્રક ૧૯૨૩માં મળ્યો. ‘સાબરમતી’નું સંપાદન કર્યું. ‘સાબરમતી’ અને ‘યુગધર્મ’માં પુસ્તક પરિચય લખવાનો આરંભ કર્યો. રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદારના હાથ નીચે અભ્યાસ કરી ‘ભાષા વિશારદ’ની પદવી બીજા વર્ગમાં મેળવી. ૧૯૨૫-૨૬માં વિદ્યાપીઠે બંગાળીના વિશેષ અભ્યાસ માટે નગીનદાસને વિશ્વભારતી, શાંતિનિકેતન મોકલ્યા. રવીન્દ્રનાથના માર્ગદર્શન પ્રમાણે પંડિત ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો અને વિશેષે રવીન્દ્ર સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યાંના હસ્તલિખિત ગુજરાતી વાર્ષિક ‘ઉષા’નું સંપાદન પણ તેમને સોંપાયેલું. ત્યાં આબોલતાબોલ સભા શરૂ કરી. બંગાળી ગદ્યપદ્ય લખવાની તાલીમ મળી. બંગાળી નાટકોની ભજવણીમાં પણ તે ભાગ લેતા. ગુરુદેવની પ્રશંસા પ્રાપ્ત કરી. ગુરુદેવને મુખે તેમનાં નાટકો અને કાવ્યો સાંભળવાનો લાભ મળ્યો. કવિ જયદેવના જન્મસ્થાન કેંદુલીમાં ભરાતા મેળામાં સ્વયંસેવક તરીકે ગયેલા. ત્યાં બાઉલોનાં ગીતો અને ‘ગીતગોવિંદ’નું સંગીત સાંભળવા મળ્યું. તેલુગુ શીખવાની શરૂઆત કરી. મદુરા તરફના સૌરાષ્ટ્રીઓ અને તેમની ભાષાલિપિ વિશે માહિતી મેળવી એને વિશે ‘પ્રસ્થાન’માં પત્ર લખ્યો. શ્રી દ્વિજેન્દ્રનાથ ઠાકુરના અવસાન પ્રસંગે એમનો પરિચય આપતો લેખ ‘કુમાર’માં લખ્યો. ૧૯૨૬માં તે વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે દાખલ થયા. ૧૯૨૮માં તેમનું પ્રથમ પુસ્તક ‘ચુંબન અને બીજી વાતો’ પ્રગટ થયું. આ જ વર્ષે રા. વિ. પાઠકના સહયોગમાં ‘કાવ્યપરિચય’ના બે ભાગોનું સંપાદન કર્યું. આ વર્ષે છાત્રાલયના ગૃહપતિ પણ થયા. ૧૯૩૦માં દાંડીકૂચ પછી કપડવંજ તાલુકામાં પ્રચારકાર્ય કર્યું, લસુંદ્રામાં છાવણી નાખી. ત્યાંથી તેમની ધરપકડ થઈ. સાબરમતી, યરોડા અને નાસિક જેલોમાં રહી રોમે રોલાનું ઝ્યાં ક્રિસ્તોફ, તુલસીકૃત રામાયણ, ન્યુ ટેસ્ટામેન્ટ, વાલ્મીકિ રામાયણ વગેરેનું વાચન કર્યું. મરાઠી વ્યાકરણ પાકું કર્યું, રવીન્દ્રનાથની કેટલીક કવિતા અને દ્વિજેન્દ્રનાથના ‘ગીત પાઠ’ના અમુક ભાગનો અનુવાદ કર્યો. ૧૯૩૧માં ખેડા જિલ્લો છોડી જવાના હુકમનો ભંગ કરવા બદલ કઠલાલથી તેમની ધરપકડ કરવામાં આવી. સાબરમતી અને યરોડામાં જેલવાસ ભોગવ્યો. જેલમાં અનુવાદો કર્યા, તેલુગુ ભાષા તાજી કરી, ફારસી શીખવાની શરૂઆત કરી. ૧૯૩૨માં દાંડીકૂચ દિને ત્રીજી વારની ધરપકડ અને સજા થઈ. સાબરમતી અને વિસાપુરમાં જેલવાસ ભોગવ્યો. ત્યાં બંગાળીના વર્ગો ચલાવ્યા. ‘કલ્કી’ અને ‘ઘરે બાહિરે’નો અનુવાદ કર્યો. ૧૯૩૨માં શરદ ગ્રંથાવલિ અને ૧૯૩૪-૩૬માં રવીન્દ્ર ગ્રંથાવલિ શરૂ કરી. ૧૯૩૬થી ૧૯૪૧ સુધી તેમણે વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘શિક્ષણ અને સાહિત્ય’નું સંપાદન પણ તે કરતા. ૧૯૪૧-૪૨માં મહાગુજરાત પબ્લિશિંગ કંપનીમાં સંપાદક તરીકે જોડાયા. ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’, ‘તીર્થસલિલ’, ‘પૂર્વ અને પશ્ચિમ’, ‘નિઃસંતાન’, ‘વિશ્વપરિચય’ અને પચીસેક ફ્રેન્ચ વાર્તાઓનો અનુવાદ કર્યો. ૧૯૪૨-૪૪માં ભૂગર્ભમાં રહી પત્રિકા ચલાવી. અને ‘કાવ્યવિચાર’નો અનુવાદ કર્યો. ૧૯૪૪-૪૭માં તેમણે નવજીવન પ્રકાશન મંદિરમાં કામ કર્યું. પછી તે ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી વિદ્યાસભાની હ. કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૬૯માં નિવૃત્ત થઈ સંમાન્ય અધ્યાપક તરીકે કામ ચાલુ રાખ્યું. હવે તો એ પણ છોડી દીધું છે. હાલ સંપૂર્ણપણે નિવૃત્ત છે. અનુવાદ અને અન્ય વિદ્યાકીય પ્રવૃત્તિ સતત કરતા રહે છે. ૧૯૭૮માં તેમણે મૈત્રેયીદેવીની નવલકથા ‘ન હન્યતે’ ગુજરાતીમાં ઉતારી એણે એમને ખૂબ કીર્તિ અપાવી. એક વર્ષથી ઓછા સમયમાં એની બીજી આવૃત્તિ થઈ. જુદી જુદી યુનિવર્સિટીઓમાં એ પાઠ્ય પુસ્તક તરીકે નિયત થઈ છે. અનુવાદક તરીકે નગીનદાસે રવીન્દ્રનાથ, શરદબાબુની કૃતિઓને ગુજરાતીમાં ઢાળી આપી એ એમની મહત્ત્વની સેવા છે. અન્ય બંગાળી લેખકની કૃતિઓના પણ તેમણે અનુવાદ કર્યા. અંગ્રેજીમાંથી પણ અનુવાદ કર્યા. બાઈબલનો ‘નવો કરાર’ ગુજરાતીમાં સુલભ બન્યો એ પણ નગીનભાઈના પ્રતાપે. કોઈ પણ અનુવાદ ઉપર નગીનદાસ પારેખનું નામ જોતાં આપણે નિશ્ચિન્તતા અનુભવીએ છીએ. નગીનદાસ જેવા શ્રદ્ધેય અનુવાદક બીજી ભાષાઓમાં પણ ગણતર જ હશે. તેમણે અનેક લેખકોને બંગાળી ભાષા શીખવી છે. એ યાદી પણ ઠીક ઠીક લાંબી થાય. ‘પરિચય અને પરીક્ષા’, ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, ક્રીચેનું ‘ઈસ્થેટિક અને બીજા લેખો’ વગેરે વિવેચન વિષયક પુસ્તકો તેમણે આપ્યાં છે. સાહિત્યશાસ્ત્રમાં એમને જીવંત રસ. એ વિષયનાં અધિકૃત અનુવાદ-પુસ્તકો અને મૌલિક પુસ્તકો આપણને એમની પાસેથી મળ્યાં છે. ૧૯૭૧માં તેમના ગ્રંથ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ને સાહિત્ય અકાદમીએ ઍવોર્ડ આપી નગીનભાઈની વિદ્યાસેવાનું ઉચિત બહુમાન કર્યું છે. નગીનદાસના વ્યક્તિત્વઘડતરમાં શાંતિનિકેતન અને ગુજરાત વિદ્યાપીઠનો મહત્ત્વનો હિસ્સો છે. એમની શૈલી ઉપર પણ એ અસર જોવા મળે છે, વસ્તુલક્ષી દૃષ્ટિકોણ, પૂર્વપક્ષની પ્રામાણિક રજૂઆત, અશેષ નિરૂપણ, વિશદતા અને ચોકસાઈ એમનાં વિવેચન વિષયક લખાણોનો ગુણવિશેષ છે. નામૂલં લિખ્યતે કિંચિદ્ એ જાણે તેમનું લેખનસૂત્ર. તે કશું નિરાધાર ન લખે. કશી આડીઅવળી લપછપમાં ન પડે. સ્પષ્ટ વક્તૃત્વ એ વિવેચક નગીનદાસનો ગુણવિશેષ છે. નગીનભાઈ મુદ્દાના માણસ છે. કોઈ મુદ્દો ન હોય તો તે લખેબોલે નહિ. એમની સાથે થોડી ક્ષણો ગાળનારને પણ એ વાતની પ્રતીતિ થવાની કે શું સાહિત્યક્ષેત્ર કે શું શિક્ષણક્ષેત્ર, કરવા જેવાં કામોનાં નક્કર સૂચનો તેમની પાસેથી મળ્યા વગર ન રહે. નગીનદાસ પારેખ જેવા શિક્ષણ અને સાહિત્યને વરેલા સાત્ત્વિક વિદ્યોપાસકો વડે ગુજરાતી સાહિત્ય ગૌરવવંતું છે. આવા મનીષીનું આપણી વચ્ચે હોવું એ જ આજના કલુષિત અને દૂષિત જમાનામાં એક મોટો સધિયારો છે. પ્રભુ, અમારા નગીનભાઈને પૂરાં સો વર્ષનું નિરામય આયુષ્ય અર્પજે.
૧૩-૪-૮૦