શબ્દલોકના યાત્રીઓ – ૧/વિનોદિની નીલકંઠ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિનોદિની નીલકંઠ

શ્રી વિનોદિનીબહેને ટૂંકી વાર્તા, લલિત નિબંધ, સામાજિક સુધારણાના નિબંધો લખ્યા છે. એક લેખિકા અને સમાજસેવિકા તરીકે તેમનું નામ અને કામ ગણનાપાત્ર રહ્યાં છે. રમણભાઈ નીલકંઠ જેવા સાક્ષર અને સમાજ સુધારક પિતા અને વિદ્યાબહેન જેવાં વિદુષી માતાને ત્યાં જન્મી વિનોદિનીબહેનને સાહિત્ય અને સમાજસેવાના સંસ્કાર ગળથૂથીમાં જ મળ્યા હતા. માતાપિતા ઉપરાંત સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકે તેમને સાહિત્યસર્જનની પ્રેરણા આપેલી. શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ ૯મી ફેબ્રુઆરી ૧૯૦૭ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેઇનિંગ કૉલેજમાં અને માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં લીધું હતું. ૧૯૨૪થી ૧૯૨૮ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી બી. એ. થયાં અને પછી અંગ્રેજી વિષય સાથે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી એમ.એ. થયાં. તેમણે વ્યવસાય તરીકે શિક્ષણ ક્ષેત્રને સ્વીકારેલું. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં અને વનિતા વિશ્રામમાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કાર્ય કરેલું. મહિલા કૉલેજમાં અધ્યાપિકા તરીકે પણ કાર્ય કર્યું હતું. હાલ તે નિવૃત્ત છે. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોની સેવા માટે આ વયોવૃદ્ધ વિદુષી આજે પણ સક્રિય છે, અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાસભામાં પણ સક્રિય છે. ‘ગુજરાત સમાચાર’માં તે વર્ષોથી સ્ત્રીઓને વિભાગ ‘ઘર ઘરની જ્યોત’ સંભાળે છે (આ લખાણો ગ્રંથસ્થ પણ થયાં છે) અને ‘શ્રી’માં ‘પૂછું ના પૂછું’ આવે છે. તેમણે પચીસેક જેટલાં પુસ્તકો લખેલાં છે. ‘દિલ દરિયાવનાં મોતી’, ‘અંગુલિનો સ્પર્શ’, ‘આરસીની ભીતરમાં’ જેવા તેમના વાર્તાસંગ્રહો જાણીતા છે. તેમની વાર્તાઓમાં મનુષ્ય સ્વભાવની પરખ, જીવનને ઉચ્ચ બનાવવાની પ્રેરણા, માનવ મન – ખાસ કરીને નારીના મનનાં ઊંડાણોનો તાગ લેવાની શક્તિનાં દર્શન થાય છે. ગુજરાતીમાં આજકાલ લલિત નિબંધો ઝાઝા લખાતા નથી. વિનોદિનીબહેનના લલિત નિબંધો રસપૂર્ણ છે. ઉમાશંકરે પણ એમના નિબંધોની તારીફ કરેલી. ‘રસદ્વાર’ અને ‘નિજાનંદ’ સંગ્રહો સાહિત્ય દૃષ્ટિએ મૂલ્યવાન છે. તેમની ટૂંકી વાર્તાઓમાંથી ‘વિનોદિની નીલકંઠની શ્રેષ્ઠ વાર્તાઓ’નો સંગ્રહ પણ પ્રગટ થયો છે. ‘સફરચંદ’, ‘સુખની સિદ્ધિ’, ‘પરાજિત પૂર્વગ્રહ’ ભાગ ૧-૨, ‘દિલ દરિયાવનાં મોતી’, ‘કદલીવન’ વગેરે તેમનાં પુસ્તકો લોકપ્રિય નીવડ્યાં છે. વિનોદિનીબહેને ‘મનુષ્ય સ્વભાવ અને સામાજિક ક્રમ’ અને ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ તૈયાર કરીને સમાજશાસ્ત્રના વિષયમાં પણ પોતાનું પ્રદાન કરેલું છે. વિનોદિનીબહેનનાં પુસ્તકોને ગુજરાત સરકારનાં પારિતોષિકો મળ્યાં છે. તેમના ‘દિલ દરિયાવનાં મોતી’ને સાહિત્ય સભા તરફથી ઈનામ મળેલું. વિનોદિનીબહેને બાળકો વિશે પણ પુસ્તકો લખ્યાં છે. તેમનું ‘બાળ સુરક્ષા’ અને ‘બાળકની દુનિયામાં ડોકિયું’ પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. સમાજસેવા, સમાજચિંતન, ટૂંકી વાર્તા અને અંગત નિબંધ પરત્વે વિનોદિનીબહેને જે કાર્ય કર્યું છે તે અભિનંદનીય છે. અત્યારે તે કૉલમો સંભાળવા ઉપરાંત બીજું કંઈ ઝાઝું લખતાં નથી. તે મર્માળા નિબંધો અને પહેલદાર વાર્તાઓ આપે એમ ઈચ્છીએ.

૨૫-૧૧-૭૯