શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧
અમારી ઑફિસનું મકાન ત્રણ માળનું છે. જેમ જેમ અમને બઢતી મળતી ગઈ તેમ તેમ અમારી બેઠક પણ પહેલાં પહેલા માળે, પછી બીજા માળે — એમ ક્રમશ: ચઢતી ગઈ. આજે અમારી બેઠક ત્રીજા માળે છે.
અમારી ઑફિસના સૂત્રધારોમાં બચતની ભાવના પહેલેથી જ ઊંચી છે. વહીવટમાં કરકસર (ખાસ કરીને પૈસાની) કેમ કરવી એ સતત એમની નજર સામે હોય છે. તેથી તેઓ લિફ્ટ, ફોન, ઇન્ટરકૉમ ને એવી તેવી ક્ષુદ્ધ સગવડો આપવાનું ટાળે છે. કદાચ એવી સુંવાળી સગવડો દેવાથી ઑફિસના કર્મચારીઓની ખડતલતા, કાર્યદક્ષતા વગેરે જોખમાય એવો ભય એમને હશે! જે હશે તે, આપણે તો જીવનમાં જેવી મળી તેવી છેકરી સાથે, તેમ આજના બેકારી યુગમાં જેવી મળી તેવી નોકરી સાથે પડ્યું પાનું નિભાવી લીધું છે — ને તેય મોજથી!
સારું છે ઉપરનું છેલ્લું વાક્ય લખતાં આસપાસ ને આકાશમાં અમારાં શ્રીમતીજી સાક્ષાત્ કે છાંયા રૂપે ઉપસ્થિત નથી, નહીંતર આવી બેઅદબી યા ગુસ્તાખી બદલ અમારા માથે શું ગુજરત એની તો આપ જ કલ્પના કરો, આપની સહૃદયતામાં અમને ભારોભાર ભરોસો છે, ઘેર શ્રીમતીજીના અને ઑફિસમાં મહેરબાન બૉસ-જીના તાપના કારણે જ એક સંનિષ્ઠ કર્મચારી તરીકે અમારી શાખ બંધાઈ છે. ઑફિસમાં ક્યારેય મોડા પડ્યાનું સ્મરણ નથી, હા, ક્યારેક વહેલા પહોંચી જવાય છે ખરું!
આજેય અમે એમ જ ઑફિસે વહેલા પહોંચી ગયેલા. અમે રોજની જેમ આજેય એક ટેબલેથી બીજે, બીજેથી ત્રીજે – એમ આવતાંવેંત ઑફિસની પરિસ્થિતિનો જાતઅનુભવે ક્યાસ કાઢી લીધો. એ પછી અમારા ડાબેરી અર્થાત ડાબી બાજુના પ્રૌઢ અને પીઢ સાથી મિ. બદરીપ્રસાદ બારભૈયાના શુભ પ્રસ્તાવથી અમદાવાદી રીતે અડધી અડધી ચાને ન્યાય આપ્યો અને એ પછી કોળેલા અમે ટેબલ પર બિરાજી રાષ્ટ્રીય સેવા અદા કરવા સંનદ્ધ થયા અને ત્યાં જ હા દૈવ, જનમટીપની સજા પામ્યો હોય એવા દીદારવાળા અમારા કરસન પટાવાળાએ દેખા દીધા. જમણા હાથની મુઠ્ઠી વાળી, અંગૂઠાથી ભોંયતળિયાની દિશા ચીધી મને કહેઃ ‘સા’બ, ફોન.’
મેં પૂછ્યું: ‘કોનો છે?’
‘સાબ, એવાંય મગનું નામ મરી નહીં પાડતાં!’ કરસનના કહેવાથી એટલું તો સમજાયું કે ફોન કોઈ સન્નારીનો છે અને સન્નારીનો હોવાથી જ વધુ પૃચ્છા પડતી મેલી ત્રણ સીડીના તેત્રીસ પગથિયાં ઊતરીને ફોન સુધી પહોંચવા જેટલો ઉત્સાહ અમારામાં ભભૂકી ઊઠ્યો!
હું નીચે ગયો ત્યારે ફોન મારા તરફ મોઢું વકાસીને મારી જ જાણે રાહ જોતો ન હોય એવો એને દેખતાં ભાવ થયો. મેં ત્રણ સીડી ઊતરવાના હાંફ સાથે ફોન ઉપાડ્યો ને કહ્યું:
‘હલ્લો! કોણ છો, બહેન?’
‘કોણ છો તમે ભાઈ થતા આવેલા?’
‘અરે બહેન! હું કંઈ તમારું અપમાન કરવાના આશયથી નથી પૂછતો.’
‘પણ તમે મને ‘બહેન’ ‘બહેન’ શેના કરો છો? હું તમારી બહેન જેવી લાગું છું?’
ને ત્યારે જ, કમબખ્ત, મારા દિમાગમાં ટ્યૂબલાઇટ થઈ. હુંય કેવો મૂરખ, ગમાર, બેવકૂફ, બાઘો, ભોટ અને બોથડ કે ચોવીસ ચોવીસ વરસનાં શ્રીમતીજી સાથેના મારા ‘સફળ’ લગ્નજીવન પછીથીયે એમના અવાજને ન પારખી શક્યો! તેઓ તે મારાં પગલાંનો ને સ્કૂટરનો અવાજ પણ દૂરથી પારખી લઈ શકે છે. ખેર, આપણી શ્રવણશક્તિ મૂળભૂત રીતે ઓછી.
અવારનવાર શ્રીમતીજીની વાક્સરિતાનો કલકલ નાદ હું સાંભળ્યો — ના સાંભળ્યો કરું ત્યારે તેઓશ્રી અચૂક મને બહેરાંમૂંગાંની શાળાનું સરનામું આપે છે અને તે સાથે જ કોઈ ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ (આંખ, નાક, ગળાના નિષ્ણાત તબીબ)ને ત્યાં મને તાબડતોબ ઘસડીને લઈ જવાની ધમકી પણ! એમને જેમ મારી લેખનશક્તિ કે કવનશક્તિમાં મુદ્દલ શ્રદ્ધા નથી, તેમ મારી શ્રવણભક્તિમાં શ્રદ્ધા નથી. એમનું ચાલે તો અત્યારેય એ ફોન કરવાને બદલે મને રૂબરૂ આવીને લેખિત સૂચના જ આપે; પરંતુ આ જીવન જ એવું છે કે ખુદ ધરણીધરનુંયે બધું ધાર્યું નથી થતું ત્યાં અમારાં શ્રીમતીજીનું તે ક્યાંથી થાય ભલા?
જેમ અમારાં શ્રીમતીજીને અમારી કવન અને શ્રવણશક્તિ વિશે ઊંચો અભિપ્રાય નથી, તેમ અમારી સ્નેહશક્તિ અને સહનશક્તિ વિશેય ઊંચો અભિપ્રાય નથી; તેઓ ઉત્તેજિત થઈ એમાં આવી બાબતોય મસાલેદાર રીતે ઉમેરવાનાં: ‘જવા દો ને, એમની સહનશક્તિની તો વાત જ ન કરશો મારી આગળ. એક વાર ચામાં ભૂલથી ગરમ મસાલાને બદલે મારાથી કડુકરિયાતુંની ભૂકી પડી ગઈ તે ભાઈ, ત્યારે એવા એ જે તતડી ઊઠેલા તતડી ઊઠેલા… આપણે તો એમનાં ભડભડતી આગ જેવાં વચનોથી સળગી જતાં હોઈએ તે ચડીચૂપ રહીએ ને એવા એ તો..’
મેં આત્માનુભવે બહુ ટૂંકા ગાળામાં એટલું તો નક્કી કરી લીધેલું કે શ્રીમતીજીની લાલબાઈ જ્યારે ‘સ્ટાર્ટ’ થાય ત્યારે આપણે એમના રસ્તામાં ‘હર્ડલ’ નહીં મૂકવાં; બલકે, બની શકે તો ઝટપટ બાજુએ ખસી જવું. એમાં જ ‘હેડ’ અને ‘હાર્ટ’ બેયની સલામતી! આપણે બંદા તો ફોન પર પણ જો શ્રીમતીજીની વાગ્ધારા ધાર્યા કરતાં વધારે જોરદાર લાગે તો તુરત જ ‘ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં’ એ અનુભવમંત્રનું જ મનોમન અનુષ્ઠાન કરવા બેસી જઈએ!
આજેય શ્રીમતીજીએ ઘરના છેડેથી એમની ગૂગલી બૉલિંગ શરૂ કરી એટલે આપણે એક જવાબદાર સ્ટેડી બૅટ્સમેનની અદાથી બૅટ ખાસ હલાવ્યા વિના જ વિકેટ પર ચોંટી રહેવાનું મુનાસિબ લેખ્યું. શ્રીમતીજી અમારા આ નિષ્ઠુર સંયમથી વ્યગ્ર થતાં લાગ્યાં. તેઓ બોલ્યાં: ‘કેમ ફોન પર ઊંઘી તો નથી ગયા ને! મને ન ઓળખી? હું કપિલા…’
‘હેં કપિલા? કપિલા હરિપ્રસાદ જોશી?’
‘અરે, તમે કઈ કપિલાની વાત કરો છો! હું છું, કપિલા મોતીલાલ શાહ.’
‘એવી કપિલાને હું ઓળખાતો નથી… હું ‘કપ્પી’ને ઓળખું છું, કપિલાગૌરી શ્રીકાંતભાઈ દવે ને!’
‘તે શ્રીકાંતભાઈ દવેને કપિલાગૌરીનું દાન કરનારા તે મોતીલાલ શાહ ને! હવે વાતમાં બહુ મોણ ના નાખો સમજ્યા?’
‘સમજ ગયા, માન ગયા દેવીજી, માન ગયા…’ ફિલ્મી અદાથી કહ્યું.
‘આ જ તમારી રામાયણ છે! તમારો આઈ.ક્યૂ. મેં તો ધારેલો તેથીયે ઘણો ઓછો ઊતર્યો! આ તો ઠીક છે હું છું, બીજી હોત તો…’
‘તો મને કેવી સરસ મુક્તિ મળત!’
‘હવે, બેસો, બેસો, નકામો વખત જાય છે… તમારા ઑફિસવાળાને થશે કે સાહેબ સિનિયર ઑડિટરના બદલે ફોન ઑપરેટર થઈ ગયા કે શું?’
‘જો, કપી, મોઢું સંભાળીને વાત કર. આ ઑફિસ છે…’
‘હુંય એ જ યાદ કરાવું છું તમને. જુઓ, ટૂંકમાં કાન માંડીને સાંભળી લ્યો. આજે મારા બાપુજીનો કાગળ આવ્યો છે. એ ચાર ધામની જાત્રાએ ઊપડે છે… તેથી મારે એમને મળવા જવાનું છે…’
‘તે જાઓને… તમને જ્યારે પણ પિયર જવાનું મનમાં ઊપડે છે ત્યારે મારી રજા લેવાની જરૂર સમજાય છે ખરી?’
‘સ્ત્રી બાપડીને એટલો તો જન્મસિદ્ધ અધિકાર હોય ને! પણ વધારે અગત્યની વાત સાંભળી લ્યો. તમે ઑફિસથી એક કલાક વહેલા ઘરે આવી જજો. મને બસ-સ્ટેશને મૂકવા તમારે આવવાનું છે.’
‘આમ તો તું ‘એકલો જાને રે’-ની વાત રટતી હોય છે. આજેય એકલાં જ સંચરો ને!’
‘હું તો જઈશ, પણ તમારું સારું નહીં લાગે. જુઓ, બધી પંચાત મેલી એક કલાક વહેલા ઘેર આવજો. હવે મને ફોન મૂકી દેવા દો.’
‘તે મેં ક્યાં આપ સાહેબનો હાથ ઝાલ્યો છે?’
‘હાથ તો મારો તમે એવો ઝાલ્યો છે કે… જવા દો વાત. નકામા ઑફિસવાળા તમારા જેવા સંનિષ્ઠ સેવક પર વહેમાશે કે આ ભોળિયા ભાઈનેય કોઈ લફરુંબફરું વળગ્યું ખરું ત્યારે! હવે તમે ફોન મૂકી દો, એટલે હું મૂકી શકું. જય શ્રીકૃષ્ણ!’
અમારાં શ્રીમતીજીએ છેવટે ફોન પરથી અમને છોડાવ્યાં. અમે વળી પાછા સિસિફસની રીતે એક પછી એક પગથિયું ચઢતા ત્રીજા માળે પહોંચ્યા. ત્યાં મારી પડખે બેઠેલો હેડ કલાર્ક યૂ-પિનથી કાન ખોતરતાં મને કહે: ‘કેમ સાહેબ, કપિલાબહેનનો ફોન હતો, નહીં?’
‘તમને કેમ ખબર પડી?’
‘તમારા ફેનની ડ્યુરેશન પરથી!’
‘ઓ. કે…. ઓ. કે.’ હસી પડ્યો. અત્યારે એ જ થઈ શકે એમ હતું. બાકી શ્રીમતીજીના આ અણધાર્યા પિયેરગમને અમારા ગૃહખાતામાં જે ગમખ્વાર ઘટનાઓ ગુજરવાની હતી એના ખ્યાલમાત્રે મારું ચિત્ત ફફડતું હતું. પરંતુ એ ફફડાટની વાત અહીં આ તુમારી સૃષ્ટિમાં કોને કહેવી?
શ્રીમતીજીના ફોન પરથી આવીને હું મારા ટેબલે જરા ઠરીઠામ થવા મથ્યો. બેચાર ફાઇલો ડાબેથી જમણે ને જમણેથી ડાબે કરી. પછી બાથરૂમમાં જઈ મોઢું ધોયું. ભાંગેલા દાંતિયાથી ટાલવાળા માથા પર જે વિરલ (કે વીર-લ?) વાળ બચેલા તે ઓળ્યા. પછી ઠંડું પાણી પીધું. શર્ટના કોલર-ટાઈ ઠીક કર્યા. પછી અમારી સવારી ઊપડી મહેરબાન બૉસજીની પાસે.
હું અમારા બૉસના ટેબલ પર એકબે મિનિટ એમ જ ખડો રહ્યો. તેઓશ્રી તો ‘દેખવું નહીં ને દાઝવુંયે નહીં’ – એવી કઈ ઊંચી આધ્યાત્મિક ભૂમિકામાં સ્થિર હશે એમ મને લાગ્યું! ક્ષણવાર તો મને મનમાં એમ પણ થઈ આવ્યું કે આવી ઉન્નત ભૂમિકાએ ચડેલા સાહેબના અંતરાત્માને ત્યાં જ ૨હેવા દઈ આપણે વિનીત ભાવે પાછા ફરવું, તપોભંગનું પાપ ન વહોરવું; પરંતુ તુરત નજર સામે શ્રીમતી કપિલાગૌરીનો લાલચોળ ચાંદલાવાળો ચહેરો ડોકાયો અને મેં ખોંખારો ખાઈ સાહેબની અલૌકિક સમાધિનો ભંગ કરવાની દુચેષ્ટા કરી. સાહેબે ઝબકીને આંખો ખોલી. નાક પર ઊતરી ગયેલાં ચશ્માંના ઉપલાણ ભાગેથી મને વીંધી નાખતા હોય એવી રીતે જોતાં, ઘર્ઘર ધ્વનિએ એમણે પૂછ્યું: ‘બોલો, મિ. દવે, શું છે?’
આમ પાર્ટટાઇમ બિઝનેસની રીતે હું છૂટક-ત્રૂટક થોડી કવિતા કરું છું, તેથી મારામાં એક પ્રકારની ‘ઇન્ટ્યુઇશનની કૅપેસિટી’ સહજ જ ‘ડેવલપ’ થઈ ગઈ છે. મેં શ્રીમતીજીએ દર્શાવેલા એક કલાકમાં, ગાંઠનો એક કલાક ઍડ’ કરી સાહેબ પાસે બે કલાકની રજા માગી. સાહેબે સહેજવાર નીચું જોયું. સહેજવાર આંગળીઓમાં પેન્સિલને રમાડી. પછી ઉઘરાણીદારને ભાગ્યા કરતાં ઓછી રકમનો ચેક કમને ફાડી દેતા હોય એવા ભાવથી મને કહ્યું, ‘જાઓ, પણ એક જ કલાક વહેલા જજો…’ મેં જાણે કોઈ ઊડતું ચકલું ગોફણના એક ઘાએ નીચે ગેરવ્યું હોય એમ અનુભવ્યું. સાહેબને સલામ કરી હું મારા ટેબલ પર ફરીથી સેટ થવા મથ્યો.
મને મારા આ ખડ્ડુસસાહેબ કરતાંય કપિલા પર ભારે ચીડ ચડી. શા માટે રજાના દિવસે કે સવારે અથવા સાંજે છ પછી જવાનું રાખવાને બદલે મારો ઑફિસટાઇમ ડિસ્ટર્બ થાય એ રીતે એ જવાનું ગોઠવે છે? મને થયું – આવી સ્ત્રીઓની તો ફરજિયાત ઑફિસમાં ભરતી કરાવી દેવી જોઈએ, ત્યારે તેમને ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે! આ તો બાઈસાહેબ ઊઠ્યાં કે બાથરૂમ-રસોડું ને પાણિયારું-ચોકડી કર્યાં-ન કર્યાં કે દૈ’ના ઘોડાની જેમ છૂટપૂટ. બપોર આખી ચાંલ્લા ને ચોટલા, અરીસા ને ઓટલા. આ ઘર ને પેલું ઘર, સાંજે ભલું હોય તો રસોડામાં હડતાલ પાડી દીધી હોય!
એક વાર મેં નારી વિશેના મારા ઉપરના સદ્વિચારો કપિલા આગળ નિખાલસભાવે રજૂ કર્યા ત્યારે તે ચંડીની જેમ વીફરી મને કહેઃ ‘લો આ ઘર, ને આ ચાવી. તમે જાણો ને તમારું કામ. હું તો હવે અડાશેય અડવાની નથી. મારે નથી તમારું કમાયેલું ખાવું, નથી ખરચવું. હું મારે મારું ફોડી લઈશ. તમારે જે કરવું હોય તે કરજો.’ સારું હતું કે તે આટલે જ અટકી, ફારગતીની વાત સુધી ન પહોંચી. મેં એને જવાબમાં માત્ર આટલું જ કહ્યું ને તેય દબ્યા અવાજે: ‘એમાં આટલી આકળી શેની થાય છે? તમે તે તમારાં કામ નોકર રાખીનેય કરાવી શકો, અમારા જેવું તો નહીં ને!’ એટલે તે મારો હાથ પકડીને કહે: ‘જંપો જંપો હવે, નથી સારા લાગતા, આવું બોલે છે ત્યારે! તમે ઑફિસનાં ચીથરાં ઉસેડીને લઈ આવો છો ત્યારે એ સરખાં કરવામાં કોણ મદદ કરે છે? એનો પગાર તો ઠીક, પુરસ્કારેય કોઈ વાર પરખાવ્યો છે ખરો તમે? ફિશિયારી શેની કરો છો? તમને તો સરવાળા-બાદબાકીમાંયે ગાબડાં પડે છે. એ તો હું સરખાં કરી આપું છું, હું. ભૂલી ગયા બધું કેમ?’ અને આવે વખતે હું રાતોપીળો થઈ ગરજી ઊઠું છું: ‘કપ્પી, હવે હદ થાય છે! જરા મોઢાને ચોકડું તો રાખ. મનમાં આવે તે બધુંયે ઓકી દેવાનું? હું સી.એ. થયેલો, ઑફિસનો સિનિયર ઑડિટર, તેને તું સરવાળા-બાદબાકી નથી આવડતાં એમ કહે છે એટલે તું શું સમજે છે? આ તારી બેઅદબી? બહુ હેશિયાર હતાં તો શા માટે સી.એ.ના બદલે બી.એ. થયાં ને તેય વિથ ગુજરાતી?’
‘તમારા માટે સ્તો, સાહિત્યના સંસ્કારથી સારાં રસરુચિ કેળવાય, તમે સુધરો એટલા માટે.’
‘રહેવા દે રહેવા દે, બધી ફાલતું વાતો. નવ રસને બદલે મારા છ રસ જાળવે ને તેાયે ઘણું છે!’
‘એટલે તમે મને રસોઇયણ જાણી એમ?’
મારી ઇચ્છા આ પરિસંવાદ કે સંવિવાદ કોઈ પણ ઉપાયે ન લંબાય એવી જ હતી. તેથી મેં બદ્ધાંજલિ થઈ એને વિનંતી કરી—ખમૈયા કરવાની. ત્યારે એ માંડ મારા પર મહેરબાની કરતી હોય એ રીતે રોષનું અગ્ન્યસ્ત્ર પાછું ખેંચી લઈને મને જમવાના પાટલે બેસાડતી બોલીઃ ‘નવ રસમાંનો એક રૌદ્ર રસ તો ચાખ્યો ને, હવે આરોગો આ ષડ્રસનો થાળ. ક્યારનોય તૈયાર છે આપ શ્રીમાન માટે.’ અને એના રૌદ્ર રસની લીલયા હાસ્યમાં સંક્રાંતિ થઈ ગઈ! હું તો એનું આ લીલા રૂપ સાક્ષીભાવે જોઈ જ રહ્યો.
અને મેં ઘડિયાળમાં જોયું. તેનો કાંટો ચાર તરફ ધકેલાતો હતો, મારું મન પણ ઘર તરફ જવા ઊઠું ઊઠું થતું હતું. મેં સાહેબના આદેશ અનુસાર પાંચ વાગ્યે સમયસર નીકળી શકાય એ માટેની પૂર્વતૈયારીઓ એક કલાકથીયે વહેલી આરંભી દીધી. કાચબો જેમ અંગોને સંકેલી લે તેમ મેંય ઑફિસના સર્વ વિષયોમાંથી મન અને ઇન્દ્રિયોને સંકેલી લેવાની સૂક્ષ્મ સાધના શરૂ કરી. એમાં મારા રસલોકનાં એકમાત્ર અધિષ્ઠાત્રી શ્રીમતી કપિલાગૌરીની જ સત્પ્રેરણા મને હતી એમ મારે પ્રામાણિકપણે કબૂલવું જોઈએ.