શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૧. રાત્રી થતાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. રાત્રી થતાં..


રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા :
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મ-યુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.

શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને આ હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું,
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યા કરે…!
કૈં કેટલાય યુગથી
આમ જ એ મને તો તાક્યા કરે…!

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૦૮)