શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૮. એક બાળક, નામે અભિમન્યુ...
એક બાળક,
નામે અભિમન્યુ,
– એને તો માના કોઠે જ
જિંદગીના પહેલા કોઠે જ ખબર પડી :
મહાભારતની દારુણ હવામાં
ધરતી પર જનમવું
એ સ્તો છે વસમી ઘડી!
માના જ પેટમાં છે વાખા ચોખ્ખા લોહીના,
વાખા છે સ્વચ્છ પાણી ને તાજી હવાના.
માના દૂધમાં જાણે ભળી ગયું છે
પૂતનાની બદનજરનું ઝેર!
એ દૂધ પીતાં
બંધાશે ખરાં હાડ સરખી રીતે અભિમન્યુનાં?
એના પ્રાણમાં યુદ્ધના ધુમાડાની ઘૂમરીઓ.
આંખોનાં કોડિયાં કેવાંક થશે સતેજ?
સ્નાયુનાં દોરડાં કેમ વણાશે ચુસ્તીથી?
કેમ ગોઠવાશે એના સંત્રસ્ત દિમાગમાં જ્ઞાનની ગડીઓ?
બધું જ અવળસવળ ને અખળડખળ,
અશ્વત્થામાની સડેલી ખોપરીમાં હોય તેવું,
કૃષ્ણેય આ જોઈને સ્તબ્ધ!
જો પહેલા જ કોઠે આવું તો સાતમા કોઠે?…
અભિમન્યુનો જીવ તો
માના પેટમાંથી ઓચરવા લાગ્યો :
‘હે માતુલ!
બ્રહ્માસ્ત્રના વિકરણ-ભયે
વિક્ષુબ્ધ આ ધરતી પર
જ્યાં અભડાયાં છે
હવા, પાણી ને માટી, આકાશ ને તેજ.
ત્યાં મારે નથી અવતરવું,
નથી અવતરવું!
મને આ પહેલા જ કોઠે હોલવી દો માતુલ!
મહાભારતના મારમાંથી બચાવો
પેલાં ટિટોડીનાં બચ્ચાંને બચાવ્યાં તેમ જ!
હે માતુલ!
કરી શકો તો કરો આટલો અનુગ્રહ,
મારો વિખેરીને વિગ્રહ!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૮૬)