સંકેતવિસ્તાર/આધુનિકતાની ઉત્કટ અભિજ્ઞતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આધુનિક્તાની ઉત્કટ અભિજ્ઞતા

(કાવ્યચર્ચા, લે. સુરેશ જોષી)

સુરેશ જોષીને આપણે આપણી નવી પેઢીના અગ્રયાયી સાહિત્યકાર લેખે ઓળખીએ છીએ. ઉગ્ર આત્મખોજ અને સાહિત્યનિષ્ઠા તેમની રગેરગમાં ઊતર્યા જણાય છે. આપણી વર્તમાન વિવેચનાત્મક અભિજ્ઞતા કેળવવામાં તેમ જ આપણી સાહિત્યિક રુચિના વિકાસમાં તેમનો મોટો ફાળો છે. છેલ્લા દોઢ-બે દાયકાથી પોતાની સર્જનપ્રવૃત્તિની સાથેસાથ, કહો કે એના એક ભાગ રૂપે જ, તેમણે વિવેચનની પ્રવૃત્તિયે ચલાવી છે. આજે આપણે ત્યાં જે નવીન વિવેચનવિચારણા પ્રવર્તે છે તેના તેઓ પ્રણેતા જેવા છે એમ કહીએ તોયે ખોટું નહિ. તેમની સર્જનવિવેચનની સમસ્ત પ્રવૃત્તિ જ, એક રીતે, પ્રાણવાન આંદોલન બની રહી છે. કોઈ પણ સ્વતંત્ર આત્મનિર્ભર વિવેચકમાં જે સજ્જતા જોઈએ તે સુરેશ જોષીએ સિદ્ધ કરી છે. એક સહૃદય ભાવક બનીને જગતના વિશાળ સાહિત્યના સંપર્કમાં તેઓ રહ્યા છે. આધુનિક પાશ્ચાત્ય વિવેચના અને સૌંદર્યમીમાંસાનું (સાથે સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પણ) તેમણે બને તેટલું ઊંડું અધ્યયન જારી રાખ્યું છે. અને આ બહુશ્રુત પાંડિત્ય સાથે વળી તીવ્ર સંવેદનશીલતા અને અસાધારણ તેજસ્વી મેધાનો સુયોગ થવા પામ્યો છે. એક જાગરૂક સાહિત્યકાર લેખે તેમણે આપણી સાહિત્યિક પરિસ્થિતિનો સતત વિચાર કર્યો છે. તેમની સમસ્ત વિવેચના એ હકીકતની દ્યોતક છે. તેમની પ્રતિભાનો જે વિશેષ પ્રગટ્યો છે તે તેમની ‘આધુનિકતા’ (modernity) વિશેની ઉત્કટ અભિજ્ઞતામાંથી. તેમની સાહિત્યિક રુચિ અને કળાદૃષ્ટિ ‘આધુનિક’ સાહિત્યના ઊંડા પરિશીલનથી પરિષ્કૃત થયેલાં છે. તેમના સાહિત્યિક અને વિવેચનાત્મક લેખોનો પ્રથમ સંગ્રહ ‘કિંચિત્‌’ ૧૯૬૦માં પ્રગટ થયેલો. એમાં તેમની વિવેચકપ્રતિમા પૂરી ઊપસી આવી હતી. એ પછી તેમણે જે જે વિવેચનાત્મક લેખો પ્રગટ કર્યા તેથી તેમની વિચારણાનો પ્રભાવ વધતો જ રહ્યો. ૧૯૬૯માં તેમનાં નવલકથા-નવલિકા વિશેનાં વિવેચનાત્મક લખાણે ‘કથોપકથન’ એ શીર્થંકથી પ્રકટ થયાં હતાં. હવે તેમનાં કાવ્યવિષયક વિવેચનો ‘કાવ્યચર્ચા’ નામે ગ્રંથમાં ઉપલબ્ધ બને છે. આ રીતે તેમનાં મહત્ત્વનાં લખાણો ગ્રંથસ્થ થતાં તેમની વિવેચક લેખે વધુ અખંડ અને અખિલાઈવાળી પ્રતિમા જોવા મળે છે. ‘કાવ્યચર્ચા’ની વિવેચના એની વિશિષ્ટ સૈદ્ધાન્તિક ભૂમિકાને કારણે આપણા કાવ્યવિવેચનના ઇતિહાસમાં કદાચ સીમાચિહ્ન જેવી બની રહેશે. એમાં સુરેશ જોષીએ કવિતાની મીમાંસા કરતાં તેને આધુનિક સૌંદર્યમીમાંસાના ખ્યાલો જોડે સાંકળવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. ‘આધુનિકતા’ની અભિજ્ઞતાથી પ્રેરાયેલી તેમની કાવ્યભાવનાની મૂળ ભૂમિકા ખરેખર તો અગાઉની ગુજરાતી વિવેચનાની ભૂમિકાથી જુદી પડે છે. એમાં સમગ્ર વિચારણાનો પરિપ્રેક્ષ્ય બદલાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આગલી પેઢીના લગભગ બધા જ વિદ્વાનોએ કવિતાની ચર્ચાવિચારણા કરતાં તેને ફરી ફરીને ધર્મ, દર્શન, નીતિ કે જીવનકલ્યાણ જોડે સાંકળી લેવાનું દૃષ્ટિબિંદુ રાખ્યું હતું – અને એ અભિગમ ખોટો જ હતો એમ પણ નથી – પણ એ પ્રસંગે કાવ્યવિષયક ઘણીએક ચર્ચાવિચારણા કાવ્યથી બાહ્ય એવાં મૂલ્યો સ્વીકારીને ચાલતી અને કાવ્યમૂલ્યની અવગણના થતી. વળી અનેક પ્રસંગે કાવ્યથી બાહ્ય એવાં કોઈ ને કોઈ absolutes-નો સ્વીકાર કરી લેવામાં આવતો, અને તેને નજર સમક્ષ રાખીને જ કવિતાના કૂટ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન થતો. સુરેશ જોષીને એ જાતનો અભિગમ ઇષ્ટ નથી જણાતો. તેમના મતે કાવ્યવિચારણાના ક્ષેત્રમાં કાવ્ય જ અંતિમ પ્રમેયભૂત વસ્તુ છે. કાવ્યકૃતિ સ્વયં એક સ્વતંત્ર અને સ્વાયત્ત સૃષ્ટિ છે. એટલે કાવ્યતત્ત્વવિચારણામાં કાવ્યના વાસ્તવને જ લક્ષમાં લેવાવો જોઈએ. આ દૃષ્ટિએ સુરેશ જોષીએ કાવ્યપદાર્થનો જે વિચાર શરૂ કર્યો તેમાં કાવ્યતત્ત્વનો વધુ સઘન અને સ્પર્શક્ષમ પરિચય શક્ય બન્યો. તેમણે કાવ્યના જ પોતાના એવા મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાનકેન્દ્રિત કર્યું. ખાસ તો, કવિતાની આકૃતિ (form) સર્જનપ્રક્રિયા માધ્યમની ક્ષમતા કલ્પન પ્રતીક અને લય આદિ અનેક મુદ્દાઓ દૃષ્ટિફલકમાં આવ્યા, એટલે કાવ્યમીમાંસાની એક આગવી પરિપાટી તેમાંથી સહજ રીતે નીપજી આવી. પ્રસ્તુત ‘કાવ્યચર્ચા’ ગ્રંથની વિવેચના એ રીતે આપણી પુરોગામી વિવેચનાથી સાવ જુદો જ મરોડ દાખવે છે. આ ગ્રંથના પ્રથમ ખંડમાં પ્રમાણમાં ટૂંકા પણ સઘન અભ્યાસપૂર્ણ એવાં ચાર લખાણો રજૂ થયાં છે : ‘કાવ્યમાં અદ્યતનતા’ (૧૯૬૧), ‘આધુનિક કવિતામાં યુગચેતના’ (૧૯૬૬), ‘અર્વાચીન કવિતામાં શૂન્યતા’ (૧૯૬૮) અને ‘અસ્તિત્વવાદ’ (૧૯૬૦). આ ચાર લખાણોમાં, એનાં શીર્ષકો સૂચવે છે તેમ, ‘આધુનિકતા’નો ખ્યાલ જ જરા જુદી જુદી રીતે રજૂ થયો છે. અલબત્ત, ‘આધુનિકતા’ ઘણી વ્યાપક ને સંકુલ સંજ્ઞા છે, અને એ દ્વારા પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી એવાં અનેક વિચારવલણો સૂચવાય છે. ‘આધુનિકતા’ની વ્યાખ્યા કરતાં આ લખાણોમાં તેનાં કેટલાંક મહત્ત્વનાં વૈચારિક આંદોલનો અને ખાસ તો તેના પ્રભાવ હેઠળ લખાયેલી કવિતાના સ્વરૂપનો વિચાર થયો છે. સુરેશ જોષીની વિશિષ્ટ રુચિ અને કાવ્યભાવના સમજવામાં તેમની આ વિચારણા ઘણી વેધક પ્રકાશ નાખે છે. તેમની કાવ્યવિવેચનાનાં બીજાં લખાણો માટે આ ચર્ચાઓ ખરેખર પ્રસ્તાવના જેવી છે. સુરેશ જોષી એવું પ્રતિપાદિત કરે છે કે ‘અદ્યતનતા’ કે ‘આધુનિકતા’ એ માત્ર બાહ્ય કોટિનું રીતિ-વૈચિત્ર્ય, કશીક ચબરાકીભરી યુક્તિ કે પ્રગલ્લભપણે નિર્માણ કરેલુ અવનવું સ્થૂળ રૂપનિર્માણ નહિ, પણ આખી કૃતિના છેક અંતરંગને સ્પર્શતું ને તેનેય ઘાટ આપતું સૂક્ષ્મતર પરિબળ છે. તેઓ સ્પષ્ટ કરે છે કે, દરેક યુગને તેનો આગેવો માનવીય સંદર્ભ હોય છે; અને એ સંદર્ભ પ્રત્યેનો સંવેદનશીલ સર્જકનો જે વિશિષ્ટ પ્રતિભાવ હોય છે અને એ જાતના પ્રતિભાવોથી તેની સંવિત્તિનું જે વિશિષ્ટ સ્વરૂપ ઘડાય છે તે જ ‘અદ્યતનતા’નું મુખ્ય લક્ષણ છે. બીજી રીતે કહીએ તો, સર્જકમાત્ર પોતાના અસ્તિત્વને સમકાલીન ઐતિહાસિક પ્રક્રિયાથી ઘડાવા દે છે, અને આઘાત-પ્રત્યાઘાત દ્વારા તે જે સંવેદનતંત્ર સિદ્ધ કરે છે તેમાં જ ‘આધુનિકતા’ પ્રગટ થાય છે. આવી ‘આધુનિકતા’થી અભિજ્ઞ સર્જકને રૂઢ અભિવ્યક્તિની શૈલી પર્યાપ્ત નીવડતી નથી. તે સહજ જ નવી રીતિ સિદ્ધ કરવા તત્પર બને છે. પશ્ચિમમાં બોદલેરની કાવ્યપ્રવૃત્તિમાં આ પ્રકારની ‘આધુનિકતા’ની અભિજ્ઞતા સ્પષ્ટ રૂપમાં વરતાઈ આવે છે. જે કે આગળ સૂચવાયું છે તેમ, ‘આધુનિકતા’ સંજ્ઞાથી કોઈ એક જ સર્જકચિંતકની વિચારણાઓ કે વૃત્તિપ્રવૃત્તિનો સાંકડો ખ્યાલ લેવાનો નથી; મલાર્મે, વાલેરી, પાઉન્ડ જેવા વિલક્ષણ પ્રતિભાવાળા અનેક સમર્થ સર્જકોએ વિભિન્ન વિચારવલણો પ્રગટ કરી એક વિશાળ સંકુલ ચેતના રૂપે તેને ઘાટ આપ્યો છે. સુરેશ જોષીની ચર્ચાવિચારણામાં ‘આધુનિકતા’ની આવી અભિજ્ઞતા સ્પષ્ટ પ્રતીત થઈ જાય છે. ‘આધુનિકતા’થી પ્રેરાયેલી ‘નવ્ય’ કવિતાનું આંતરબાહ્ય કલેવર કેવી રીતે બદલાયું એ વિશેની તેમની ચર્ચા ઘણી મહત્ત્વની બની રહે છે. કવિતાનો જે વિશિષ્ટ ખ્યાલ તેમણે રજૂ કર્યો તેની પ્રેરક ભૂમિકા લેખે એનો વિચાર કરવાનો રહે. કદાચ તેમનાં પાયાનાં બધાં જ ગૃહીતો એમાંથી મળી રહે. કવિતાના પ્રશ્નો અંગે તેઓ અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે ‘આધુનિક’ કવિતાને વિષયની ભવ્યતા કે તુચ્છતાનો પ્રશ્ન રહ્યો નથી. જીવનમાં જે કંઈ અભદ્ર, કુત્સિત કે ઘૃણાસ્પદ લેખાય છે તે સર્વ કવિકર્મના બળે આસ્વાદ્યરૂપ બની શકે. ખરું મહત્ત્વ એ રીતે કવિકર્મનું જ છે. તેમણે બીજો મુદ્દો એ રજૂ કર્યો કે કવિતા એ સહજ પ્રેરણાનો ઉદ્‌ગારમાત્ર નથી, સભાન રચનાપ્રક્રિયા દ્વારા નિર્માણ થતી વસ્તુ છે. કવિની સન્નદ્ધ ચેતના પૂર્ણતયા સક્રિય રહીને મૂળની ભાવસામગ્રીનું રૂપાંતર કરે છે. એમ કરતાં તે વિરોધ વ્યંગ કે તિર્યક્‌તાનો આશ્રય પણ લે. વળી વર્તમાન જીવનની ઘટનાઓનું મૂલ્ય સિદ્ધ કરવાને પુરાણકથા કે પુરાણકલ્પનોનો વિનિયોગ પણ કરે. સર્જકનો ધર્મ એક દૃષ્ટિએ સમકાલીન ઇતિહાસની (અર્થાત્‌ કાળ-ખંડની) ચેતનાને અખિલાઈમાં અવગત કરવાનો છે. કવિને બહારના જગતની અરાજકતા અને વિષમતાની પરિસ્થિતિ પોતાને છિન્નવિછિન્ન કરતી લાગે ત્યારે પોતાની ચેતનાને અખંડ અને સ્વનિષ્ઠ ટકાવી રાખવાને સ્વકીય મૂલ્યોનું કાવ્યવિશ્વ નિર્માણ કરવા તે પ્રવૃત્ત થાય. એ રીતે આત્મસંજ્ઞા ટકાવી રાખવાનો એ પ્રસંગ બની રહે. આમ કરતાં તે આત્મખોજ કે જાતઓળખની પ્રક્રિયા જ તેના કાવ્યની ઉપાદાનસામગ્રી બની રહે. આવાં અનેકવિધ વિચારવલણોથી ‘આધુનિક’ કવિતાનો આંતર-બાહ્ય દેહ ઘાટ પામતો ગયો. ‘આધુનિકતા’ની સંજ્ઞાવાળી આવી કવિતા સુરેશ જોષીને ઇષ્ટ રહી છે. તેમની સમગ્ર કાવ્યચર્ચામાં તેમને આ જાતનો ખ્યાલ સતત પ્રેરક રહ્યો છે. તેમને જ્યાં એવી કવિતા મળી છે ત્યાં તેનો ભર્યોભર્યો સત્કાર કર્યો છે, અને એ ભાવનાના પ્રકાશમાં જ તેમણે આપણી કાવ્યપ્રવૃત્તિનેય અવલોકી છે. તેમનો આ જાતનો અભિગમ આપણા સાહિત્યજગતના બધા ખૂણાઓમાંથી એકસરખો આદર પામશે જ એમ કહી શકાય નહિ, પણ તેમનો આ પોતીકો અભિગમ છે એ એક હકીકત છે. આ પુસ્તકના બીજા ખંડમાં નાનાંમોટાં આઠ લખાણો એકત્ર થયાં છે, તેમાંનાં મોટા ભાગનાં લખાણો આપણી રૂઢ વિવેચનાની ફેરતપાસ જેવાં છે. ‘આપણું કાવ્યવિવેચન (૧૯૪૫–૧૯૬૫)’ એ પ્રથમ લેખમાં મુખ્યત્વે તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જોશી – આપણા એ બે અગ્રગણ્ય વિદ્વાનોની કાવ્યવિચારણા તેમની આલોચનાનો વિષય બની છે. ‘ઉપાયન’ અને ‘દક્ષિણદૃષ્ટિ વિવેચન?’ એ લખાણોમાં જુદે જુદે નિમિત્તે વિષ્ણુભાઈની વિવેચના અવલોકાયેલી છે. તો, ‘આનન્દશંકરની સાહિત્યિક વિભાવના’ અને ‘બ. ક. ઠા.નો કાવ્યાદર્શ’માં અનુક્રમે આચાર્યશ્રી આનંદશંકર અને બળવંતરાયની વિવેચનાના પાયાના ખ્યાલોની સમીક્ષા થઈ છે. આ રીતે આપણા ગઈ પેઢીના અગ્રગણ્ય વિવેચકોની કાવ્યમીમાંસા સુરેશ જોષીના દૃષ્ટિફલકમાં આવી અને ઝીણવટભરી આલોચના પામી, એ એક મહત્ત્વની બાબત ગણાય. અહીં તેમની કાવ્યભાવના વિશેની પોતીકી ભૂમિકા પણ ફરી ફરીને વ્યાખ્યા પામી છે. ખાસ કરીને કવિતાની આકૃતિ, સર્જનની પ્રક્રિયા અને કાવ્યમૂલ્યના પ્રશ્નોને તેમણે અહીં વારંવાર નિકષ પર ચઢાવ્યા છે. આધુનિક કળામીમાંસાના કેટલાક અરૂઢ વિચારોમાંથી સમર્થન મેળવીને તેમણે આ સૌ વિદ્વાનોની વિવેચનાને નાણી જોઈ છે. એમ કરતાં તેમણે એમાંની ઊણપો અને નિર્બળતાઓ પર આંગળી મૂકી આપી છે. તેમની મોટી ફરિયાદ એ છે કે આપણી રૂઢ વિવેચનાએ કવિની લોકોત્તર પ્રેરણા અને ભાવકની રસસમાધિને વર્ણવવાનો જેટલો ઉત્સાહ દાખવ્યો છે તેટલો એ બંનેને સાંકળતી કાવ્યકૃતિનો વિચાર કરવામાં નથી દાખવ્યો. પણ આ સર્વે ચર્ચાવિચારણાના કેન્દ્રમાં સુરેશ જોષીએ પોતે સર્જકતાનો જે ખ્યાલ સ્વીકાર્યો અને પુરસ્કાર્યો છે તે જરા નાણી જોવાનો રહે છે. તેઓ ફરી ફરીને સ્પષ્ટ કરે છે કે કવિતાની આકૃતિ તેના સર્જકના કોઈ પૂર્વજ્ઞાત અને પૂર્ણજ્ઞાત એવા સંવેદન, રહસ્યદર્શન કે તત્ત્વબોધથી નિયંત્રિત થાય છે એમ કહેવું બરાબર નથી, કૃતિનું ખરું રહસ્ય રચનાપ્રક્રિયાને અંતે પૂર્ણ સિદ્ધ થયેલી આકૃતિમાંથી જ નીપજી આવે છે. તેઓ ઉમેરે છે કે કવિના મૂળના સંવેદનનું કે તેના રહસ્યાનુભવનું કાચી ઉપાદાનસામગ્રીથી ભાગ્યે જ કોઈ વિશેષ મૂલ્ય હોય. સર્જનની ક્ષણોમાં રચાતી કૃતિની દરેક અવાન્તર સ્થિતિ તેની આગળપાછળના (કે આસપાસના) સંદર્ભોથી પ્રભાવિત થાય છે અને રચાતા ભાગ પર પ્રભાવ પણ પાડે છે. રચનાનિર્માણને અંતે મૂળનું સંવેદન તો નિગરણ પામી ચૂક્યું હોય છે. એ રીતે સર્જનની પ્રક્રિયા દરમ્યાન મૂળની સામગ્રીનું જે રૂપાંતર થઈ જાય છે તે વિશે તેમણે અનેક પ્રસંગે ભારપૂર્વક નોંધ લીધી છે એટલું જ નહિ, એ ભૂમિકા સ્વીકારીને તેમણે રૂઢ કાવ્યચર્ચાની કડક લાગે એવી આલોચના પણ કરી છે. હવે પ્રશ્ન એ છે કે કૃતિની આકૃતિનું કોઈ જ નિયામક તત્ત્વ પ્રારંભની ક્ષણના સંવેદનમાં ન હોય તો સમસ્ત સર્જનપ્રક્રિયાને દિશા સૂચવતું તત્વ જન્મે છે ક્યારે? અને આકૃતિની સ્વયં પૂર્ણતાનો બોધ ક્યારે સભાનતાના સ્તરે આવે છે? વળી મૂળની સંવેદનસામગ્રીનું રૂપાંતર થાય છે ત્યારે પણ જે કશોક મૂલ્યબોધ આરંભમાં પ્રતીત થયો હોય તે ખરેખર ‘સામગ્રી’થી વિશેષ કંઈ જ નથી? – આવા આવા પ્રશ્નો વિચારી જોવાના રહે. આ ગ્રંથના ત્રીજા અને ચોથા ખંડમાં જે લખાણો મુકાયાં છે તેનું સ્વરૂપ અને પ્રયોજન જરા જુદું છે. ત્રીજા ખંડનાં છ લખાણોમાં કવિવર ટાગોર, જીવનાનન્દ દાસ, સુધીન્દ્ર નાથ, સેઈન્ત જોન પેર્સ અને ટી. એસ. એલિયટ જેવા એકમેકથી ભિન્ન પ્રતિભાવાળા પાંચ આધુનિક કવિઓની કાવ્યસૃષ્ટિનો માર્મિક પરિચય કરાવ્યો છે. ચોથા ખંડનાં બે જ લખાણો – જીવનાનન્દદાસની કૃતિ ‘પવન ભરી રાત’ અને વિંદા કરંદીકરની સૉનેટરચના ‘અશી તુઝી કલ્પના હોતી!’નો આસ્વાદમૂલક પરિચય–ને ત્રીજા ખંડ જોડે આંતરિક સંબંધ છે. આ સર્વ લખાણોમાં સુરેશ જોષીની વિવેચનદૃષ્ટિ એટલી જ ધ્યાનપાત્ર છે. તેમણે અહીં જે કવિઓની ચર્ચા કરી છે એમાં લગભગ બધા જ કવિઓની કાવ્યસૃષ્ટિ ‘આધુનિક’ વલણો પ્રગટ કરે છે. જો કે રવીન્દ્રનાથની કવિતામાં કદાચ તેમને ઇષ્ટ ‘આધુનિકતા’નો બોધ શક્ય નથી. સુરેશ જોષીએ નોંધ્યું પણ છે કે, રવીન્દ્રનાથની કવિતાને આપણા યુગ સાથે કોઈ ‘નાડી સમ્બધ’ નથી. અને છતાં તેઓ ટાગોરની કવિતાનું આકર્ષણ અનુભવે છે એ હકીકત ઉલ્લેખનીય છે. આ અંગે તેમનું એક માર્મિક અવલોકન સૂચક છે : “પ્રકૃતિ સાથેના નિબિડ અપરોક્ષ સમ્બન્ધસૂત્રે રવીન્દ્રનાથ પોતાની ચેતનાને એ કાલાતીત બૃહદ્‌ સાથે સંપૃક્ત કરી દે છે.” અહીં આપણે જોઈ શકીશુ કે ‘કાલાતીત બૃહત્‌’ જોડે ટાગોરની કવિતા સંબંધ રચી આપે છે, અને એ કારણે જ કદાચ એ રચના ‘આધુનિકતા’ના પક્ષપાતી સુરેશ જોષીને સ્પર્શી જાય છે. જીવનાનન્દની કવિતા, અલબત્ત, તેમને અભિમત કાવ્યભાવનાની બિલકુલ નિકટ છે. એમાં આધુનિક સંસ્કૃતિ માટે જબરદસ્ત વિરોધનો ભાવ પ્રગટ થાય છે. માત્ર વનસ્પતિ અને તૃણજગતમાં જ તેમની શ્રદ્ધા ઠરી છે. એટલે તેમની કવિતામાં ઇતિહાસની પેલે પારની, છેક આદિમ્‌ કાળની સંધિકાલીન ધુમ્મસધૂસરતા અને તેજ ઝમતા અંધકારની વચ્ચે લખલખતી નિહારિકાની અપાર્થિવતા નિરૂપાયેલી છે. જો કે આવા વાયવ્ય જગતને પણ કવિએ સ્ફટિક કઠિન કલ્પનો દ્વારા સાકાર કર્યું છે. સભાન કવિકર્મનો વિશેષ એમાં પ્રગટ થાય છે. સુધીન્દ્રનાથની કવિતા વળી વાલેરીને અભિમત કાવ્યભાવનાને મૂર્ત કરે છે. એમાંનું રચનાસંવિધાન વિદગ્ધ દૃષ્ટિવાળું અને સભાનપણે થયેલું છે. આધુનિક માનવીની એકલતા અને હદપારીની વ્યથા તેમનો મુખ્ય વિષય છે. પેર્સની કાવ્યપ્રવૃત્તિમાં પણ વિશિષ્ટ કવિ-કર્મની ઉપલબ્ધિ ધ્યાનપાત્ર છે. ખાસ કરીને તેમણે દરેક શબ્દને ‘અવકાશની વિપુલતા’માં જે રીતે ખીલવ્યો ને એ પ્રેયોગમાં જે વિશિષ્ટ ગદ્યલય તેમણે સિદ્ધ કર્યો તેથી તેમની રચના ‘મહાકાવ્ય’નું પરિમાણ’ પ્રાપ્ત કરી શકી છે. એલિયટ વિશેની ચર્ચાવિચારણામાં તેમણે તેમની કાવ્યસૃષ્ટિ કરતાંયે તેમની (એલિયટની) કાવ્યભાવનાનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. એલિયટે એવો એક ખ્યાલ રજૂ કરેલો કે ઇતિહાસની અખંડ ચેતનાનું આકલન કરવાને કવિ વિશિષ્ટ રચનાસંવિધાન યોજે છે, અને આવી રચનાપ્રવૃત્તિ તે સર્વથા જાગ્રતપણે સન્નદ્ધ ચેતનાના વ્યાપારથી ચલાવે છે. અહીં સુરેશ જોષીને પોતાને અભિષ્ટ ખ્યાલોનું સમર્થન મળી રહે છે. ‘કાવ્યચર્ચા’નાં આ સૌ લખાણોને સહેજ નિકટતાથી અવલોકનાર કોઈ પણ અભ્યાસી જોઈ શકશે કે સુરેશ જોષીની ‘વિવેચનાત્મક ભાષા’ આગવી પરિપાટી રચી આપે છે, ને વિવેચક લેખે તેમની આગવી મુદ્રા એમાંથી ઊપસે છે. એની પાછળની ભૂમિકા પકડવાનું મુશ્કેલ નથી. એક તો એ કે, આધુનિક વિવેચન અને સૌન્દર્યમીમાંસાના અભ્યાસથી તેમનાં વિવેચનાત્મક ઓજારો બદલાયાં છે. બીજું, ‘આધુનિકતા’ના પ્રભાવ હેઠળ રચાયેલું વિશાળ પાશ્ચાત્ય સાહિત્ય તેમના પરિશીલનમાં આવ્યું છે અને તેમની સંવેદનાના વ્યાપમાં એ રીતે ઘણાં નવીન તત્ત્વો પ્રવેશ પામ્યાં છે. તેમની વિવેચના સાહિત્યકૃતિના વાસ્તવને સીધી પકડમાં લેવા ચાહે છે. એટલે પોતાના સૂક્ષ્મ પ્રતિભાવો ને વિચારોને વ્યક્ત કરવા તેમણે આગવી શૈલી પ્રયોજી છે. આ અભિવ્યક્તિમાં સંસ્કૃતના અનેક અપરિચિત લાગતા શબ્દો અનોખી રીતે અર્થક્ષમતા ધારણ કરે છે. (સહેજ બારીકાઈથી જોતાં એમ પણ જણાશે કે સંસ્કૃત સાહિત્યનું તેમનું અધ્યયન પણ ઘણું ઊંડું અને માર્મિક છે.) જ્યાં પોતાને ઇષ્ટ કાવ્યનો સંબંધ રચાયો છે ત્યાં તેમની શૈલીમાં સર્જકતાની અનોખી દ્યુતિ ઉમેરાઈ છે. એ રીતે તેમના વિવેચનચિંતનમાં તાજગી અને ઓજસ આવ્યાં છે. પણ સાથે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, ભૌમિતિક રેખાએ ચાલતું ચુસ્ત તર્કનિષ્ઠ ચિંતન તેમની પ્રકૃતિને એટલું અનુકૂળ નથી, કદાચ તેમને ઇષ્ટ પણ નથી. આ વિવેચનવૃત્તિમાં રંગદર્શી વૃત્તિનું પ્રબળ સંચાલન કામ કરી રહ્યું છે એમ કહેવું જોઈએ. તેમના વિવેચનની ભાષા જ્યાં ‘અંગત’ ભાષામાં બંધાય છે કે અંગત પરિભાષામાં જકડાઈ છે ત્યાં તેમના વક્તવ્યને પકડવાનું દુષ્કર બની જાય છે. પેર્સની કાવ્યસૃષ્ટિની તેમની ચર્ચાનો થોડો ભાગ અહીં નોંધું છું : “પેર્સની કવિતામાં શબ્દ અવકાશની વિપુલતામાં વિસ્તરીને અંતે મૌનસભર બને છે. આ અવકાશની વિપુલતામાં સમય લુપ્ત થઈ જાય છે... કવિના શબ્દોચ્ચાર પાછળ રહેલો ઉચ્છ્‌વાસ એને વિપુલ અવકાશમાં વિસ્તારી દે છે, ને એની આ વિસ્તારવાની ક્રિયા જ સમયના પરિમાણને ભૂંસી નાખે છે... આ ઉચ્છ્‌વાસ તે વાગાડંબરમાં વિલાઈ જતો નિઃશ્વાસ નથી. એ સર્વત્ર વિસ્તરેલા અફાટ શૂન્યમાંથી – એ શૂન્ય જ સંકોચાઈને ઉચ્છ્‌વાસનું રૂપ ધારણ કરતું ન હોય જાણે આપણી છાતીમાં અવતરે છે. આ capsule of nothingness – શૂન્યની ગુટિકા પોતાની સભરતાથી ફાટી જતાં એમાંથી શબ્દો બધે વેરાઈ જાય છે ને ફરી વિપુલતામાં લય પામી જાય છે...” – આ પ્રકારની વિચારણા, એની ‘પરિભાષા’, એ કોણ ઉકેલી આપે? ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ|’ એ સૂત્ર સાચું છે. સુરેશ જોષીની ‘કાવ્યચર્ચા’નાં મૂળ ગૃહીતો અને તેમની સાહિત્યિક વિભાવનાઓને હવે યથાર્થ રૂપમાં ઓળખવાની આવશ્યકતા છે. તેમની કાવ્યભાવના વિશે દૃષ્ટિભેદે કોઈ તદ્વિદ્‌ને પૂરી પ્રામાણિકતાથી જુદા પડવાનું બને તો એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. વળી કોઈ સહૃદય અભ્યાસી પોતાના પ્રત્યક્ષ કાવ્યાનુભવના પ્રકાશમાં તેમના સિદ્ધાંતને ફરી ફરીને નાણી જુએ એ આવશ્યક પણ છે. અને વ્યુત્પન્ન દૃષ્ટિવાળા વિદ્વાનો તેમની કાવ્યચર્ચાને તાર્કિક ભૂમિકાએ કસવા ચાહે તો તેમને ઇન્કારી શકાય નહિ. એમની વિવેચનામાં પાયાની સંજ્ઞાઓની એકવાક્યતા જળવાઈ નથી એમ પણ દેખાશે. આપણે આપણા નવા કાવ્યવિવેચનના સંદર્ભમાં એ સિદ્ધાંતોનો વિનિયોગ કરતાં ખરેખર ક્યાં મુશ્કેલી અનુભવાય છે અને ક્યાં એ અપર્યાપ્ત પુરવાર થાય છે તેનો ખ્યાલ કરવાનો રહે. ટૂંકમાં, સુરેશ જોષીનો આ ઊહાપોહ ત્યારે જ સફળ થશે જ્યારે આપણી વિવેચના પૂર્ણ જાગ્રત બનીને નિરંતર કાવ્યતત્ત્વની ખોજ જારી રાખશે.