સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/વાર્તિકસદ્બોધરસરાજ!
શું મોટું નામ! ખરે એનો અર્થ શો હશે તે અમારાથી તો બરાબર સમજાઈ શકતું નથી. આ ચોપાનિયાના નામ પ્રમાણે જ તેની અંદર પણ આડંબર ભારે જણાય છે. કાંદબરીનું ભાષાંતર પ્રસિદ્ધ થવાથી ગુજરાતી ભાષા ઉપર માઠી અસર થવાની દહેશત જે અમે પ્રથમ સૂચવેલી તે હાલ ખરી પડતી જાય છે. આડંબર શૈલી જ અર્ધભણ્યાને મોહ પમાડે છે, અને એવાનું જ ભરણું હાલના ઘણાખરા નવા લખનારાઓમાં હોવાથી તેનો ચેપ કેટલાકને લાગે એમાં કાંઈ નવાઈ નથી. એ ચેપ આપોઆપ જ થોડે વખતે તો લય થઈ જશે કેમકે કૃત્રિમનું આવરદા ટૂંકું જ હોય છે. ને છતાં એમ થાય ત્યાં સુધી તો વિવેચકોનો ધર્મ છે કે હોંસીલા લખનારને આ પવન પર ચઢતાં અટકાવવા. આ ચોપાનિયાના કેટલાક લખનાર તો બાણભટ્ટ થઈ જવાનો જ વિચાર લઈ બેઠા જણાય છે. એનો પહેલો અંક અને તેમાં પણ તેનો પહેલો વિષય તો એવો સંસ્કૃતદંભી છે કે તેના લખનારને પણ તેનો અર્થ બરાબર સમજાવવો એ વખતે મુશ્કેલ થઈ પડે. ઠેકાણે ઠેકાણે સમજૂતીનાં ટિપ્પણ આપવાં પડ્યાં છે. બીજા વિષયો એટલા અગમ્ય શૈલીના નહિ તોપણ તેમાં આડંબર તો ખરો જ. આ ભાષાદોષની સાથે અર્થરસમાં પણ ઘણાક વિષયો કચાશ ભરેલા માલમ પડે છે. પિતાપુત્રધર્મદર્શક નાટક એમાં આવે છે તે ટાહેલાંથી ભરેલું છે એટલું જ નહિ, પણ કોઈ કોઈ વખત ગલીચ વર્ણનમાં ઊતરી પડે છે. રંગભૂમિના કર્તવ્યનો તો તે લખનારને સ્વપ્નામાં પણ ખ્યાલ હોય એમ લાગતું નથી. કષ્ટાતી બાયડીને નાટકના તખ્તા ઉપર જ પુત્રપ્રસવ થાય છે! ‘પવિત્ર પ્રમદા’ એવા મોટા ડાહ્યા ડમરા મથાળા હેઠે કેટલીક અધભણી, છકેલ, ને ટચાક સ્ત્રીઓનો બકવાદ આવે છે, અને જાણે સ્ત્રીઓને ભણાવવા ગણાવવાથી તેઓ એવી જ નીવડે, સ્ત્રીઓને સ્વતંત્રતા હોય નહિ, એમ જ સમજાવવાનો હેતુ એમાં જણાય છે. એમાં બે ચાર વાર ઉથલાવીને ખુલ્લું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓના હકની વાત કરવા જે મૂર્ખ સુધારાવાળાઓ નીકળ્યા છે તેને કોઈ વખત બહુ જ પસ્તાવું પડશે. આ પ્રમાણે આ લખાણ સુધારા વિરુદ્ધ હોવાથી જ અત્રે અમે એને નાપસંદ કરીએ છીએ એમ નથી. ગંભીરાઈથી કોઈ પક્ષનું લખાણ થયેલું હોય તો તે વાંચવાને અમે હંમેશાં ખુશી છીએ. પણ અહીંયાં તો ‘પવિત્ર પ્રેમદા’ થવા નીકળેલી છે તે સ્ત્રીવર્ગને પુરુષની સમાન તો નહિ જ, પણ સાથી કે પ્રધાન, કે મનુષ્ય રૂપે પણ ન માનતાં પશુ જેવી જ છેક ઊતરતી જાતની છે એમ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કરે છે. આટલેથી પણ ન ધરાઈ એ ‘પવિત્ર પ્રમદા’ (પ્રમદા તો ખરી જ) અજ્ઞાનમાં પ્રમત્ત થઈ એમ કહે છે કે ઇંગ્રેજોમાં તો વ્યભિચાર એ દોષ જ ગણાતો નથી! વગેરે. ખાસ નિબંધ રૂપે જ બે ત્રણ પાનાં એમાં અત્યાર સુધી આવ્યાં છે તે અનીતિમાન નહિ તો પણ એવાં જ નમાલાં અને વિશેષ એ કે ભાષાની ઘેલાઈથી ભરેલાં છે. ‘કેટલાક પુરાણ પુરાણી પુરાણ પર પેટ ભરવા પારકાને પુરાણા કરવા પગની પનોતી હતી નોતી કરે છે’ ‘કેટલાંક દોડીઆં લઈ કોડીઆં વોરવા વકોદરને વકરાવી બકરાની માફક દિનમાં દસ વાર યજમાનને ત્યાં ઓંસ્યાં કરે છે’ વગેરે. આથી વધારે ગાંડાઈ તે ભાષાની શી હોઈ શકે? આ લખનારને એટલું પણ માલમ નથી કે ગદ્યમાં વર્ણસગાઈ કે પ્રાસાનુપ્રાસ એ હાસ્યરસને જ અર્થે હોઈ શકે છે, અને તે પણ બોલનારની ગાંડાઈનો વિચાર ઉત્પન્ન કરીને એવી વાણી તો વિદૂષક કે જે અડધ પાસળીનો છું એમ બતાવી બધાનું મનરંજન કરે છે તેને મોઢે કદાપિ શોભે, પણ ગંભીર ગ્રંથકારને એવા ચાળા શા! અને જો એમ કરે તો તે વિદૂષકના જેવો જ ગયેલો ગણાય એમાં શું આશ્ચર્ય? વાર્તિક એટલે વિવેચન પ્રકરણમાં તો જાણવાલાયક ફક્ત લીમડીવાળા પુરુષોત્તમ કહાનજી ગાંધીનો મિત્રતા વિષે નિબંધ છે તે બાબત કાંઈક ત્રણેક પૃષ્ઠ લખ્યાં છે તે છે અને તે તો ન લખ્યાં હોત તો જ વધારે સારું એમ અમારે કહેવું પડે છે. એમાં વિવેચન નહિ, પણ ‘પ્રૂફ’ સુધારનારનું કંટાળા ભરેલું કામ કરેલું છે. ગયે વર્ષ ‘ત્રિમાસિક ટીકાકાર’ નીકળતું હતું તેમાં જેમ સામાન્ય વિવેચન ન કરતાં જાણે તે ચોપડીનું શુદ્ધિપત્રક બનાવવા માંડ્યું હોય તેવી કઢંગી અને અશાસ્ત્રીય ઢબનું લખાણ આવતું હતું, તેવું જ અહીંયાં જણાય છે અગર જો કલમ ફરે છે ખરી. આ રીત અમને બે કારણથી પસંદ નથી. પ્રથમ તો પાને પાનેની ભૂલો સુધારી બતાવવી એ વિવેચકનું કામ નથી. વિવેચક ગ્રંથકારને માટે જ નહિ પણ આખી આલમને માટે જ છે. સામાન્યપણે તે ગ્રંથમાં શું છે અને તે કેવું છે એ વાંચનાર વર્ગને જણાવવું એ જ વિવેચકનું મુખ્ય કામ છે. બીજું એવી ભૂલોનો જ સંગ્રહ કરી બતાવવાથી જાણે છિદ્ર ખોળવાં જ વિવેચકને ગમતાં હોય એવો દેખાવ થઈ જાય છે. ‘સહોદરના સ્વાર્થીપણા’ની વાર્તા વિષે વિસ્તારથી અભિપ્રાય આપી ચૂક્યા છીએ, પણ આ પ્રસંગે કહેવું જોઈએ કે તે વિષય બીજાને મુકાબલે બહુ જ સારી રીતે લખાયેલો છે. બીજા પણ કેટલાક વિષય ઠીક છે, અને એમ છે તેથી જ તથા આ ચોપાનિયું સુધરી સારું થાય એવી આશાએ અમે કાંઈ વિસ્તારથી તેની ખબર લીધી છે.
(૧૮૮૫)