સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/સંગીત
૧ સંગીત
એક શુદ્ધ લલિતકલા[1]
માન્ય પ્રમુખસાહેબ અને ભાઈઓ,
આપ સર્વ જાણો છો અને છતાં મારે પ્રથમ જ કહેવું જોઈએ કે મને સંગીતનો બિલકુલ અભ્યાસ નથી. અભ્યાસ માટે પાંચેક વરસ પર એક દિલરુબા વેચાતું લીધું હતું એટલું કર્યું હતું. પણ એ કાર્ય પીનલકોડની પરિભાષામાં પણ અભ્યાસનો પ્રયત્ન ગણી શકાય નહિ. દિલરુબા લાવ્યા પછી પ્રો. રાજવાડેની પેઠે હું બે જ દિવસમાં તેનું તત્ત્વ સમજી ગયેલો. મને મારા મિત્ર-અધ્યાપક આઠવલેએ એમને વિશે કહેલું કે એ પ્રખર સાક્ષરને સંગીતના જ્ઞાન વિના પોતાનો જ્ઞાનભંડાર અધૂરો લાગ્યો. એ અત્યંત ઉદ્યમી અભ્યાસીએ બે-ચાર મિનિટો અહીં-તહીંથી ભેગી કરી એકાદ કલાક ગુર્જર શાસ્ત્રી પાસે સિતાર શીખવા કાઢ્યો, અને ગંભીર રીતે અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસના એક વરસ પછી તેઓ સિતાર લઈ ઉસ્તાદ પાસે ગયા અને કહ્યું કે मला सतारचें तत्त्व कळलें – ‘મને સિતારનું તત્ત્વ સમજાઈ ગયું.’ ઉસ્તાદે કહ્યું કે આટઆટલાં વરસોના અભ્યાસ પછી હજી પોતે પણ તત્ત્વ પામ્યો નથી અને તમે આટલા ટૂંકા સમયમાં ક્યાંથી પાર પામ્યા? પ્રો. રાજવાડેએ કહ્યું કે મેં નિશ્ચય કરી લીધો કે સિતાર માટે મારે બીજો જન્મ લેવો પડશે. મારે પણ એમ જ થયું. દિલરુબા લીધું, એક-બે દિવસ ગજ પર બેરજો ઘસ્યો અને જાણી લીધું કે આ અવતારમાં એનો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ પ્રયત્નનો ફાયદો માત્ર એટલો થયો કે ગુજરાતીમાં ‘ગજ ન વાગવો’ એ રૂઢિપ્રયોગનો યૌગિકાર્થ પ્રત્યક્ષ થઈ ગયો. મને સંગીતનો અભ્યાસ નથી પણ સંગીત સાંભળવાનો આપને સર્વને છે તેવો થોડો અભ્યાસ છે. ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ સર્વ પ્રકારનું સંગીત મેં પણ પ્રસંગોપાત સાંભળ્યું છે. તેમાં પણ નવજીવન શરૂ થયું ત્યારથી તો ઉત્તમ સંગીત અમદાવાદને આંગણે આવેલું છે. મેં જ અને મારા મિત્રોએ જ નહિ પણ શ્રી નરસિંહરાવ જેવા સંગીતજ્ઞે જેની પ્રશંસા કરી છે એવા શંકરરાવ પાઠક મહાવિદ્યાલયમાં સંગીતના અધ્યાપક હોઈ ઉત્તમ સંગીત સાંભળવાની અને તેના સંસ્કારો ઝીલવાની મને અનેક તકો મળી છે. આજના પ્રસંગે ઉત્તમ સંગીત, સામાન્ય માણસ ઉપર – કોઈ સંગીતવિશારદ ઉપર નહિ – પણ મારા જેવા સામાન્ય જન (layman) ઉપર એક લલિતકલા તરીકે સંસ્કારો પાડે તેનું મને જે રહસ્ય સમજાયું છે તે યથાશક્તિ આપ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. મને સંગીતની વિશિષ્ટતા એ લાગી છે કે બીજી કલાઓ કરતાં તેમાં કલાનું રૂપ વધારે શુદ્ધ સ્વરૂપે સમજી શકાય છે. આમાં હું કલાઓનો કોઈ પ્રકારનો ઉચ્ચાવચ કે શુદ્ધાશુદ્ધ ક્રમ બાંધું છું એમ ન સમજશો. એમ કલાઓનો ક્રમ બાંધી પણ ન શકાય. એક દૃષ્ટિએ તો એક જ કલાની બે કૃતિઓને પણ ઉચ્ચનીચ ન કહી શકાય, કારણ કે ભાવનું વિશિષ્ટ સ્વરૂપ એ જ કલાની કૃતિ અને વિશિષ્ટતા છોડ્યા વિના તારતમ્ય કાઢી જ ન શકાય. આપણે જ્યાં કૃતિઓની તુલના કરીએ છીએ ત્યાં પણ કૃતિનું વૈશિષ્ટ્ય બરાબર સમજાય અને તેનાં સંસ્કારો સુરેખ પડે એટલા માટે. સંગીત સંબંધી મારે અહીં એટલું જ કહેવું છે કે સંગીતકલા એ કલાનું એવું શુદ્ધ સ્વરૂપ છે, તેમાં સંગીત અને સંગીતેતર અંશો એવા સ્પષ્ટ જુદા કરી શકાય છે કે બીજી કલાના સ્વરૂપ સંબંધી જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે પ્રશ્નોના જવાબ સંગીત પોતાના શુદ્ધતર સ્વરૂપથી જ આપી દે છે. આથી વિશેષ મારું વક્તવ્ય એ પ્રશ્નો પરત્વે ચર્ચામાં સ્ફુટ થશે. દરેક કલાને કંઈક ઉપાદાન હોય છે. સંગીતનું ઉપાદાન સ્વરો, સાત છે. જગતમાં ધ્વનિઓ – અવાજો તો અનંત છે પણ સંગીત તેમાંથી માત્ર સાતને જ પંસદ કરે છે. કલા માટે, વિદ્યમાન, વસ્તુજાતમાંથી પસંદગી કરવાની હોય છે; વિદ્યમાન વસ્તુઓમાં અમુક હેય હોય છે, અમુક ઉપાદેય હોય છે તેનો આ સચોટમાં સચોટ દાખલો છે. આ પસંદગીની મર્યાદા સામે બૂમો પાડવી કે તેનાથી સ્વતંત્ર બનવા પ્રયાસો કરવા એ કલાનું પહેલું પગથિયું ન સમજવા બરાબર છે. અમુક કાલે સ્વીકારાયેલી મર્યાદા હંમેશાં માટે કાયમ છે એમ અત્ર વિવક્ષિત નથી પણ ઉપાદાનને હંમેશાં એક કે બીજા પ્રકારની મર્યાદા રહેવાની એ જ કહેવાનું છે. આ મર્યાદાથી કલાકારની શક્તિ કુંઠિત થતી નથી, ઊલટું એ મર્યાદિત ઉપાદાનમાં વ્યક્ત થવામાં જ સૌંદર્ય રહેલું છે, તેમાં જ કલાકારની પ્રતિભા છે, તેનું કૌશલ છે. અને બીજી તરફથી વિચાર કરતાં, એ સાત સ્વરોની સમૃદ્ધિ, તેને જાણનાર માટે જોઈએ તેટલી વિપુલ – લગભગ નિઃસીમ છે. એ સાત સ્વરોમાં અનેક સૂરોતાનો-પલટા-આલાપ વગેર સંગીતકાર કરી બતાવે છે. એ સ્વરોમાં અનંત સ્વરૂપો ખડાં કરવાની શક્તિ છે. બીજી કલાઓમાં પણ આના જેવી જ નહિ પણ દરેક કલાને ઉચિત મર્યાદા હોય છે. છાયાચિત્રકાર, ઉપાદાન માટે માત્ર કાળો અને ધોળો રંગ સ્વીકારે છે, રેખાચિત્રકાર માત્ર અમુક રંગની રેખાઓ અને તે દોરવાની સપાટી જ, કોઈ ઘન પદાર્થ નહિ જ; તેમ જ કવિ પોતાને માટે કોઈ પદ્યરચના સ્વીકારે છે. અમુક ઉપાદાન અને તેની મર્યાદા એક તરફથી કલાકાર સ્વેચ્છાએ સ્વીકારે છે અને બીજી તરફથી પ્રતિભાથી તેમાંથી જ વિવિધ રચનાઓ તે પ્રગટ કરે છે. એવી રીતે મર્યાદા અને સ્વતંત્રતા બંને, કેન્દ્રગામી અને કેન્દ્રોપગામી બલો પેઠે રહી, કલાસૃષ્ટિનું ધારણ કરે છે, તેને જીવંત રાખે છે. કલા એ અનુકરણ છે કે નહિ એ ઘણો જૂનો, લગભગ કલાશાસ્ત્રનો આદ્ય પ્રશ્ન છે. ચિત્રકાર માણસની તસવીર દોરે છે તે માણસ જેવી હોય છે, ઝાડ કાઢે છે તે ઝાડ જેવું હોય છે, કવિ કોઈ માણસનું વર્ણન કરે છે ત્યારે ત્યારે તે કુદરતનું અનુકરણ કરે છે. ઍરિસ્ટૉટલ કહે છે કે કાવ્ય એ કુદરતનું અનુકરણ છે, દશરૂપક કહે છે કે નાટ્ય એ અવસ્થાની અનુકૃતિ છે. કલા એ અનુકરણ છે અને કલા એ નવીન સર્જન છે એ બંને મતોનું સમાધાન થઈ શકે છે પણ આ પ્રશ્નને સંગીત પાસે લઈ જાઓ એટલે તે આપોઆપ શમી જાય છે. શ્રી શંકરરાવ પાઠકના વાયોલિનમાંથી જે અવાજ નીકળે છે તે જગતની કઈ અવાજ ઘટનાનું અનુકરણ છે? શ્રી ખરેશાસ્ત્રી આપણી પાસે ગાય છે ત્યારે એમની સ્વરસૃષ્ટિ કઈ સૃષ્ટિનું અનુકરણ છે? અરે, એમની વાતચીતમાં સંભળાતા સ્વરોનું પણ એ અનુકરણ નથી. બધી કલા તરફથી એકલું સંગીત જ સંપૂર્ણ જવાબ આપે છે કે કલા એ અનુકરણ નથી, સર્જન છે, અનુકરણને સાધન તરીકે વાપરવું હોય તો વાપરે. લડાઈને માટે ઉત્સાહ પ્રેરતું કોઈ સંગીત ગવાતું હોય ત્યારે તે કાંઈ તોપના ધડાકા કરતું નથી, – એ પોતે તો શું જ ધડાકા કરે! – એવો તોપનો ધડાકો થતાં નાજુક વાઘની તંત્રીઓ પણ તૂટી જાય અને છતાં એ ધડાકા કરવાનો અને સહેવાનો ઉત્સાહ સંગીત પૂરી શકે છે. જો કલા એ અનુકરણ હોત તો મૃત્યુને માટે તૈયાર કરવાનું સંગીત જ ન હોઈ શકત, કારણ કે મૃત્યુ પોતે નીરવ શૂન્ય શાંતિવાળું છે, અને આપણે જાણીએ છીએ કે ટાઇટેનિક માટે કશી આશા ન રહી ત્યારે બૅન્ડથી પ્રાર્થના કરી અને મનુષ્યો શાંત નિઃશબ્દ ભાવે એ દૈવી નિર્માણને અધીન થયા હતા. કલા એ અનુકરણ નથી જ. અનુકરણને તે સાધન તરીકે વાપરે. એડિસનનું ફોનોગ્રાફ જોઈ-સાંભળી એક વૃદ્ધ યુગલ હસી પડે છે. એનું હાસ્ય જોઈ આપણે પણ હસીએ છીએ, પણ ત્યાં પણ કલા અનુકરણ નથી. ત્યાં ચિત્રકાર પોતાની કૃતિ દ્વારા આપણા હૃદયને સીધો સ્પર્શ કરી, ગલગલી કરી હસાવે છે અને આપણે હસીએ છીએ. અનુકરણ એ આપણા હૃદયને સ્પર્શ કરવાનું સાધન છે, પણ તે જ રીતે એક કોઈ પ્રૌઢા પતિના પત્રની રાહ જોતી હોય અને તેનું બાળ કહે કે ‘બા, લે હું તને કાગળ લખી આપું! બાપુ કરતાં સારો લખી આપું!’ અને કાગળને આખો ભરી કાઢે ત્યાં જરા પણ હાસ્યનું અનુકરણ નથી. માતા તો ગમગીન છે, બાળક તો તદ્દન ગંભીર છે, માત્ર એ આખા ચિત્ર દ્વારા કલાકાર આપણા હૃદયને સ્પર્શ કરી આપણને હસાવે છે. સંગીત આમાં પણ સચોટ દાખલો છે. કોઈ ઉસ્તાદના હાથે સિતાર વાગતી હોય અને કોમલ સંગીત, પાણીનાં બિંદુઓની પેઠે ટપકતું હોય, એવું કોમલ કે જાણે આપણા સ્થૂલ શરીરના સ્પર્શથી પણ વિચ્છિન્ન થઈ જશે, ત્યારે જાણે સ્થૂલ શરીર દ્વારા એ પ્રવેશ નથી જ કરતું, પણ હૃદયના કોઈ કોમલમાં કોમલ ભાગમાં સીધું ઝિલાય છે એમ ઘણાએ અનુભવ્યું હશે. જાણે એ સંગીતામૃત પણ સ્થૂલ અંજલિમાં ઝિલાતું પણ હૃદયની દિવ્ય પુષ્પ-કટોરીમાં ઝિલાય છે એમ લાગે છે. પણ સંગીતને ઝીલનાર ઇન્દ્રિય તો કાન જ છે. (હેલન કેલર જેવી કોઈ વિચિત્ર વ્યક્તિ માટે ભિન્ન ઇન્દ્રિય હોય તો જુદો સવાલ છે.) દરેક કલાને ગ્રહણ કરવાને માટે કોઈ ઇન્દ્રિય તો જોઈએ જ. જો બાહ્મેન્દ્રિય ન હોય તો કલા ન હોય. આ રીતે કલાનું લક્ષણ એવું બાંધી શકાય કે કલા એટલે કલાવિધાયકના હૃદ્ગત ભાવને અમુક બાહ્યેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરવો તે – ભાવનું બાહ્મેન્દ્રિયગ્રાહ્ય પ્રગટ સ્વરૂપ. એ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એ જ ભાવ તે જોનાર કે સાંભળનારમાં સંક્રાન્ત કરી શકે. એવી રીતે જેનામાં તે સંક્રાન્ત થાય તે ભાવક-સહૃદય. કલાનું પ્રગટ સ્વરૂપ ગ્રહણ કરનાર મુખ્ય બે ઇન્દ્રિયો મનાય છે – આંખ અને કાન. પણ એ વિવાદના વિષયમાં મારે ન જવું જોઈએ. સંગીતનું ઉપાદાન સ્વરો શ્રવણગોચર છે. પણ સંગીતનું એક બીજું પણ ઉપાદાન ગણવું જોઈએ, વિજ્ઞાન કહે છે કે સ્વરો પવનનાં મોજાંથી ઉત્પન્ન થાય છે. આપણાં જૂનાં શાસ્ત્રો પ્રયોગ કર્યા વિના કહે છે કે શબ્દનું અધિકરણ આકાશ છે. શબ્દ આકાશનો ગુણ છે. આકાશની સંજ્ઞા શૂન્ય છે. આકાશ એટલે મીંડું. વિજ્ઞાનને ના પાડી શકાય તેમ નથી પણ આપણી દૃષ્ટિએ સ્વરને અર્થે એનું અધિકરણ આકાશ-શૂન્યતા, નીરવતા માનવી આવશ્યક છે. જેમ ચિત્ર કોઈ દીવાલ ઉપર કૅનવાસ ઉપર દોરાય છે તેમ આ સ્વરઘટના કે સ્વરચિત્ર દોરાય છે કોના ઉપર? – આકાશ ઉપર, અર્થાત્ શૂન્ય નીરવતા ઉપર. ચિત્રકાર જેમ કૅનવાસના કે ભીંતના રંગનો પણ લાભ લે છે, અર્થાત્ ભીંતના રંગને ચિત્રના રંગ તરીકે વાપરે છે, તેમ સંગીતકાર એ શૂન્ય નીરવતાને પણ સ્વરચિત્રમાં વાપરે છે. એ શૂન્ય પણ ગણિતમાં થાય છે તેમ તેને ઉપકારક થાય છે, એ શૂન્યની પણ કિંમત છે. અને ગણિતશાસ્ત્રી જેમ શૂન્યથી આનન્ત્ય ઉપજાવે છે તેમ જ સંગીતકાર પોતાના શૂન્યથી આનત્ય પણ ઉપજાવે છે. શૂન્યની સામાન્ય કિંમત શૂન્ય છે પણ કોઈ પણ ગમે તેવડી નાની સંખ્યામાં છંદમાં આવતાં તેની કિંમત અનંત થાય છે. ૧/૦=અનંત. ગણિતશાસ્ત્રી અનન્તતા સાબિત કરે છે ખરો પણ તેની અનન્તતા માત્ર એક બુદ્ધિગત વ્યાપાર જ રહે છે. પણ સંગીતકાર તો આપણા હૃદય પર અનન્તના સંસ્કારો પાડે છે. અને આ બાબત મારે કેવી રીતે રજૂ કરવી? હું ગાઈ તો શકતો નથી. પણ મારા ચિત્તના સંસ્કારો બને તેટલા વાણીમાં મૂકવા પ્રયત્ન કરીશ. સંગીત શરૂ થાય તે પહેલાંની ક્ષણે નીરવતા હોય છે. અલબત્ત વાતો કે અવાજ ન કરતો હોય એવો શ્રોતાવર્ગ હું માની લઉં છું અને મકાન બહાર મોટરોના કદરૂપા ભોંકારો હું ગણતો નથી. એ નીરવતા એ શૂન્ય છે. એ શૂન્યથી સંગીત શરૂ થાય છે. કોઈ અદ્ભુત દૈવી લીલાથી સ્વરો ગૂંથાવા માંડે છે, દ્રુત કે મંદ ગતિથી ચાલે છે, આરોહ કે અવરોહથી ઊંચા-નીચા જાય છે. તેમાં કોઈ સ્વર કે એક પછી એક સ્વરો ઊંચા ચડવા જાય છે. આપણને લાગે છે કે આ ક્યાં જશે? વિજ્ઞાન કહે છે કે અમુક આંદોલનોથી વધારે આંદોલનોવાળા અવાજો શ્રવણાતીત છે. ત્યારે ઊંચા ચઢવા માંડેલા ધ્વનિનું શું થશે? વિજ્ઞાનની મૂઢ મર્યાદાથી હારીને એ પાછો આવશે? ના. એ ચઢતો ધ્વનિ ચઢતો ચઢતો પછી બંધ પડે છે. અને ત્યારે શું એ નાશ પામે છે? – ના. એ અનન્તમાં લીન થાય છે. એ ગીત ત્યાં બંધ પડ્યું નથી લાગતું, તાલ ચાલ્યા કરતો હોય છે, માત્ર એ સ્વર ત્યાં અનન્તમાં વિહરતો હોય છે. અને પછી, જેમ ગણિતના પેરેબોલાની એક વક્રલેખા અનન્તમાં જઈ બીજી દિશાથી પાછી ફરે છે તેમ સ્વર પણ બીજી દિશાથી પ્રવેશ કરે છે. આ વખતે ગાનારના હાથનો અભિનય પણ સ્વરની આ જ ગતિ ઘણી વાર બતાવે છે. સ્વર ઊંચો ચડતાં હાથ પણ ઊંચો ચડે છે અને પછી જાણે મંદ ધક્કાથી સ્વરને અનન્તમાં ઠેલી તેને બીજી દિશાથી પાછો લઈ આવે છે. આ રીતે શૂન્ય જે પ્રથમ શૂન્ય જ હતું, તે સંગીતસૃષ્ટિમાં યોગમાં આવી અનન્ત બને છે. સંગીતમાં આ રીતે પણ આપણે અનન્તનો અનુભવ કરીએ છીએ. કલા એ અનન્તનો આવિર્ભાવ છે, અને આવિર્ભાવ વિના અનન્ત ગ્રહણ પણ ન કરી શકાય. એ આવિર્ભાવ હંમેશાં સમર્યાદ હોય છે. આવિર્ભાવ વિના અનન્ત એ શૂન્ય બરાબર છે – શું કલામાં, શું જીવનમાં કે શું વિશ્વમાં! શાસ્ત્રો કહે છે કે જગતની ઉત્પત્તિમાં, આદિમાં શબ્દબ્રહ્મ હતું. તે તો ગમે તેમ હોય. પણ સંગીતકારની સંગીતસૃષ્ટિની ઉત્પત્તિ જગતની ઉત્પત્તિના વર્ણનને બહુ જ મળતી આવે છે. જગતના આદિમાં ‘આ સર્વ તમોભૂત અપ્રજ્ઞાત અલક્ષણ જાણે સર્વતઃ પ્રસુપ્ત જેવું’ હતું.[2] એ જ સંગીતકારનું શૂન્ય. જાણે સ્વરો પણ બધા સૂતેલા પડ્યા છે. ધીમે ધીમે એ સૂતેલા સ્વરોને કલાકાર જગાડે છે અને પછી સ્વરો પોતે જ જાણે પોતાનું કામ, પોતાની શક્તિ, પોતાની વૃત્તિ સમજતા હોય તેમ, કલાકારની આંગળીના હુકમે –આંગળીના અણસારે પોતાનું કામ બજાવવા માંડે છે અને તેમાંથી સ્વરસૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સૃષ્ટિ જેમ પરમાત્માના સંકલ્પથી રચાય છે તેમ સ્વરસૃષ્ટિ પણ કલાકારના સંકલ્પથી જ રચાય છે. કલાકાર માત્ર અમુક ભાવ વ્યક્ત કરવાનો સંકલ્પ કરે છે એટલે એની આંગળીઓ પણ સહજ લીલાથી પોતાની મેળે જ એ ભાવને અનુકૂલ ફરવા માંડે છે. જેમ મારે કે તમારે બોલતાં કે લખતાં વિચાર (deliberation) કરવો પડતો નથી કે આ અક્ષર આમ બોલાય કે લખાય, માત્ર બોલવા કે લખવાનો સંકલ્પ થતાં એ વ્યાપાર ચાલવા માંડે છે, તેમ કલાધરને આ ભાવ આ સૂરથી વ્યક્ત થાય કે આ સૂર કંઠને કે આંગળીને આમ કરવાથી નીકળે એવો લેશ પણ વિચાર કરવો પડતો નથી. જેમ કોઈ કુશલ યંત્રકાર – કલામાં આવો જડ દાખલો આપવા માટે ક્ષમા માંગું છું –એક ચક્રની ગતિ બીજા ચક્રને આપતાં લેશ પણ ગતિબલ ઘર્ષણમાં વ્યર્થ જવા દેતો નથી, તેમ કુશલ કલાકાર પોતાના હૃદ્ગત ભાવને આવિષ્કરણવ્યાપારમાં લેશ પણ ખરચાઈ જવા દેતો નથી. તેના સંકલ્પ-માત્રથી તેનું ચિત્તંત્ર, તેનું દેહતંત્ર, તેનું તંત્રીતંત્ર અને તેનું સ્વરતંત્ર સર્વ પોતપોતાનું કામ પોતાના સંપૂર્ણ સામર્થ્યથી કરવા મંડી જાય છે – જેમ જગતના આદિમાં પરમાત્માએ માત્ર સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી પ્રલયમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેમ. આ જગત એ પરમાત્માનું સંગીત છે, પરમાત્માનું કાવ્ય છે. देवस्य पश्य काव्यम् न ममार न जीर्यते[3] ‘દેવનું કાવ્ય જુઓ એ મર્યું નહિ, એ જીર્ણ થયું નહિ’ પરમાત્મા પોતાનો ભાવ જરા પણ વ્યય થયા વિના સંપૂર્ણ પ્રગટ કરે છે માટે તે સર્વશક્તિમાન છે. એક બીજી બાબત અહીં સહજ ધ્યાનમાં આવે છે. જેમ કલાધરનું ચિત્તંત્ર તેના સંકલ્પને અધીન છે, તેમ તેનું દેહતંત્ર—અંગુલિતંત્ર તેના ચિત્તને અધીન છે, તેમ જ તેનું તંત્રીતંત્ર પણ તેના ચિત્ત અને અંગુલિને અધીન છે. કલાધરને જેટલું ચિત્ત ઉપર પ્રભુત્વ છે તેટલું જ અંગુલિ ઉપર અને તેટલું જ તેના વાદ્યતંત્ર ઉપર પ્રભુત્વ છે. જેમ ગાનારને પોતાનો કંઠ અધીન છે, નર્તકને પોતાનો દેહ અધીન છે તેટલું જ બજાવનારને પોતાનું વાદ્ય અધીન છે. જેટલો દેહમાં આત્મા ઓતપ્રોત હોય છે, તેટલો જ કલાવિધાન સમયે કલાધરનો આત્મા એ વાદ્યમાં ઓતપ્રોત થાય છે. કલાની દૃષ્ટિએ દેહ અને વાદ્યમાં કશો તફાવત નથી. અને આ સત્ય તત્ત્વતઃ બધી કલાઓને લાગુ પડે છે. આ જ રીતે કવિ કવન સમયે વાઙ્મય દેહ ધારણ કરીને પોતાના ભાવનો આવિષ્કાર કરે છે, શિલ્પી એ જ રીતે સંગેમરમર, માટી કે લાકડું જે કે હોય તેમાં પ્રવેશ કરે છે, અને પૂરેપૂરો ઓતપ્રોત થઈ ઉપાદાનમાં પોતાનો ભાવ પ્રગટ કરે છે. ત્યારે જ તે તે કલામાં સર્જન કરી શકે છે. ઉપાદાન અને આત્માનો સંપૂર્ણ દેહ-દેહીનો સંબંધ થાય તો જ કલા સર્જાય. ઉપાદાન અર્થાત્ બાહ્યવસ્તુ ઉપરનું ચૈતન્યનું પ્રભુત્વ એમાં કલાવિધાનનો આનંદ છે. આ દેહ-દેહી સંબંધ ભોગ કે આસક્તિનો નથી, પણ શક્તિના આવિષ્કારનો છે. એ ચૈતન્યના આવિષ્કારનો જ, પ્રાકટ્યનો જ, ચૈતન્યના જડ ઉપરના એ વિજયનો જ એ આનંદ છે. જગતને પરમાત્માની લીલા કહી છે તેની ઘણે નિકટ આપણે આ વિચારમાં આવી જઈએ છીએ. કલાકારના સર્જનને પણ આપણે લીલા કહી શકીએ. પોતાના ઉપાદાન ઉપર એકમાત્ર સંકલ્પથી થતા વિજયમાં તે અદ્ભુત સ્વાતંત્ર્ય, અદ્ભુત સ્વભાવ-લીલા, પરમ આનંદ અનુભવતો દેખાય છે. પણ આ લીલાની પછવાડે એ કલાધરે અથાગ પ્રયત્ન કરેલો હોય છે એ ભૂલવું ન જોઈએ. સંગીતના અભ્યાસીએ – છોકરો પાટીમાં એકડો ઘૂંટે, કે એકડાનો આકાર હાથમાં લઈ તેનું અનેક વાર મનન કરે, તેનો સ્પર્શ કરે અને તે બધી ક્રિયાઓથી તેનો આકાર મનમાં સિદ્ધ કરી તેને હસ્તગત કરે તેમ – સંગીતના અભ્યાસીએ પણ નિર્ણીત કરેલા સ્વરક્રમોના પાઠો કરવાના હોય છે, ગણતરી કરીએ તો લાખોના હિસાબે જાય એટલાં સ્વરોનાં પુનરાવર્તનો કરવાનાં હોય છે. એ સ્વર પર પ્રભુત્વ મેળવવા પહેલાં એ સ્વરોના દાસ થઈને રહેવું પડ્યું હોય છે, ત્યારે એ સ્વરલીલા સિદ્ધ થાય છે, ત્યારે જાણે એ સ્વર તરફ જરા પણ ધ્યાન આપ્યા વિના કેવલ ભાવનિષ્ઠ રહી, કેવલ ભાવનિમગ્ન રહી લીલા કરતો હોય તેમ તે આપણને પ્રતીત થાય છે. કોઈ પણ કલાના અભ્યાસીએ આટલી જ મહેનત, ઉપાસના, સમાધિ કરવી પડે છે. કવિએ એ જ રીતે શબ્દો અને શબ્દોની અસરો, તેના અર્થો અને અર્થોની છાયા, પદ્યરચનાઓ આટલા જ અભ્યાસ અને શ્રમથી સિદ્ધ કરવાં જોઈએ અને પછી પ્રસરે તે કલા. પછી કવિની નિરંકુશતા પણ ખરી, કાવ્યની સાહજિકતા પણ ખરી, તેનું સ્વાતંત્ર્ય, તેની સ્વૈરતા બધું ખરું, પણ એ બધું તો શક્તિઓના પાકથી આવે. તે સિવાય કરેલો સ્વચ્છંદ કે નિરંકુશતા તે તો સ્વાતંત્ર્યની વિડંબના – કલાની વિડંબના : અને કલાકાર થવાને રઘવાયા થયેલા કેટલાય એવી વિડંબનાઓ કરે છે. એક બીજી દૃષ્ટિથી વિચાર કરીએ. આપણે ધારો કે બજારમાં જતાં હોઈએ. એક દુકાનનું પાટિયું વાંચ્યું એટલે ચિત્તમાં તે સંબંધી એક લહરી, એક વૃત્તિ ઉત્પન્ન થઈ અને ચિત્ત એટલે અંશે વિક્ષિપ્ત થયું. આગળ ચાલ્યા બીજું પાટિયું વાંચ્યું, ઘેરથી શું લેવા નીકળ્યા છીએ એ યાદ આવ્યું, એક ઓળખીતા સામા મળ્યા, એક જગ્યાએ સાચવીને ચાલવા જેવી જગ્યા આવી, સામે મોટરનો અવાજ થયો વગેરે દરેક સંવેદને ચિત્ત વિક્ષિપ્ત થયું. ચિત્તમાં એક પછી એક થતી વૃત્તિઓ ચિત્તને વિક્ષિપ્ત કરતી ચાલી જાય છે. તેવી સ્થિતિમાં કોઈ પણ વિચારનું ચિત્ત પર સામ્રાજ્ય ચાલી શકે નહિ, ચાલે તો બહારનાં સંવેદનો બંધ પડે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે આપણે ચિત્તના બે વિભાગો કરીએ છીએ : જાણે બહારનાં સંવેદનો ઉપર ઉપરથી આવીને ચાલી જાય છે અને ચિત્તના ઊંડાણમાં એક બીજો જ વિચારતંતુ ચાલતો હોય છે. પણ આખું ચિત્ત એક જ ભાવને અનુભવી શકતું નથી. આ આપણો સામાન્ય વ્યવહારિક અનુભવ છે. હવે સંગીતમાં શું થાય છે તેનો વિચાર કરો. ધારો કે ‘મ ગ રે સા’ એવો આલાપ આવ્યો. ચાર સ્વરો એક પછી એક આવ્યા પણ ચારેય મનમાં જુદી જુદી વૃત્તિ ઉત્પન્ન કરી ચિત્તને વિક્ષિપ્ત કરતા નથી. તેની સાથે દિલરૂબા ચાલતું હોય તોપણ ચિત્ત એ સંવેદનમાં વિક્ષેપ અનુભવતું નથી. કોઈ કહેશે એમાં સ્વરપ્રવાહ અવિચ્છિન્ન ચાલે છે અને વાદ્યસ્વરો ગાનારના જ ક્રમે ચાલે છે માટે વિક્ષેપ નથી થતો. પણ મૃદંગમાં તો વિચ્છિન્ન ધ્વનિ જ સંભળાય છે, અમુક અંતરે માત્ર તાલ અપાય છે, અને તંબૂર સ્વર પૂરે છે ત્યારે કાંઈ ગાનારના જ સ્વરો કાઢતો નથી હોતો, માત્ર તંબૂરના તારોમાં ગોઠવેલ ક્રમે સ્વરો વહ્યા કરે છે, અને સિતારમાં તો ધ્વનિ અવિચ્છિન્ન પણ નથી : તેથી ઊલટું, અમદાવાદની મિલો સવારમાં એકસાથે સીટીઓ વગાડવા માંડે છે ત્યારે ઘણી વાર જુદા જુદા સ્વરો એકમેક સાથે થઈ જઈ અવિચ્છિન્ન સીટીપ્રવાહ ચાલે છે અને દરેકથી ચિત્ત વિક્ષિપ્તિ થઈ એમ થાય છે કે સવારના પહોરમાં આ ક્યાં ચીસો સંભળાવા લાગી? કોઈ કોઈ સીટીથી અને કોઈ વાર આપણે નહિ ધારેલા ઘડિયાળના વાગતા એલાર્મથી ચિત્ત જાણે ખરેખર દ્વિધાથી ચિરાઈ જતું લાગે છે. ત્યારે સંગીતમાં એક પછી એક થતો સ્વરનો અનુભવ ચિત્તને વિક્ષિપ્ત નથી કરતો. તેનું કારણ શું? એ જ કે એ બધા એક પછી એક આવતા સૂરોથી એક જ સ્વરચિત્ર, એક જ સ્વરઘટના, સ્વરની એક જ આકૃતિ ખડી થાય છે, જેને આપણે અમુક રાગ કહીએ છીએ. સંગીત દરમિયાન એ આકૃતિ દોરાવા લાગે છે. સંગીત પૂરું થયે એ આકૃતિ દોરાઈ રહે છે અને એ આખી આકૃતિ આપણને એક લાગે છે. જેમ આપણા શરીરમાં અનેક જુદાં જુદાં અંગો-ઉપાંગો છે અને એ બધાથી એક શરીર પ્રતીત થાય છે તેમ તે વિવિધ પ્રકારના સ્વરોથી એક જ સ્વરશરીર બને છે. એ સ્વરો અને તેનાથી નિષ્પન્ન થતી આકૃતિ વચ્ચે અંગઅંગી સંબંધ છે. અને એ અંગોની વિવિધતામાં આખી અંગીની આકૃતિ અનુભવવી, એ વિવિધતામાં એકત્વ અનુભવવું એમાં જ રસાનુભવ થાય છે. કલાની આ વ્યાખ્યા – વિવિધતામાં એકત્વ – એ સંગીતમાં આપણને અણિશુદ્ધ સિદ્ધ થઈ જણાય છે. કલાનુભવમાં પ્રતીત થતી એક બીજી વિલક્ષણતાનો વિચાર કરીએ. ધારો કે પહેલાં નહિ સાંભળેલો કોઈ રાગ આપણે સાંભળવા માંડ્યા. એટલે એ રાગની સ્વરાકૃતિ આપણા મનમાં સંગીત શરૂ થતી વખતે અંકિતપૂર્વ નથી. એક પછી એક આવતા સ્વરો કઈ આખી આકૃતિનાં અંગો છે તે પહેલેથી ન જાણતા હોઈએ છતાં એ અંગભૂત સ્વરો સાંભળતાં રસાસ્વાદ થાય છે. માટે એમ જ માનવું જોઈએ કે એ અંગોમાં એ આખી આકૃતિનો સાથે સાથે રસાસ્વાદ થાય છે. એ વિવિધ સ્વરોનો અંગ તરીકે અને અંગી તરીકે બંને તરીકે એકસાથે જ સાક્ષાત્કાર થાય છે. અને તેથી જ રસાસ્વાદ થાય છે. કાવ્યમાં પણ એમ જ બને છે. આખા કાવ્યનો રસ તેના દરેક અંગમાં આપણે અનુભવીએ છીએ. એ અંગી એ અંગથી ભિન્ન નથી. પણ એ અંગીરસ તેના દરેક અંગમાં સભર ભર્યો છે. ચિત્ત આ અંગભૂત સૂરો સાંભળતું સાંભળતું વિક્ષિપ્ત ન થતાં તેની આકૃતિમાં તદાકાર થઈ જાય છે, આખું ચિત્ત એ રૂપ થઈ જાય છે. તદાકાર, તદ્રુૂા અને તલ્લીન એ શબ્દો કલાસ્વાદનને માટે બહુ જ ઉચિત છે અને કલાનુભવના સૂક્ષ્મ અવલોકનથી યોજાયા છે. સહૃદયનું હૃદય ભાવ સાથે એકાકાર-એકરૂપ થઈ જાય છે. ભાવમાં લીન થઈ જાય છે. રસનો અનુભવ અને એ અનુભવ કરનાર ચિત્ત, એટલું પણ દ્વૈત રહેતું નથી. ચિત્તના અન્ય સર્વ સંસ્કારો તે કાલે લય પામી જાય છે. માત્ર એ રસાનુભવ જ સામ્રાજ્ય ભોગવે છે. હું બી.એ. ભણતો હતો ત્યારે મુંબઈમાં એક વ્યાખ્યાનમાળા શરૂ થઈ હતી. તેમાં એક વિદ્વાન વ્યાખ્યાતાએ ઈશ્વરની સર્વજ્ઞતા વિરુદ્ધ પૂર્વપક્ષ ઉઠાવ્યો હતો. દરેક જ્ઞાન કે સંવેદન આપણા ચિત્તમાં આવી આવીને ચિત્તને વિક્ષેપ કરે છે. ઈશ્વર જો સર્વજ્ઞ હોય તો તેના ચિત્તમાં સર્વથી વધારે વિક્ષેપો થાય છે એમ માનવું પડે, વગેરે. આ પૂર્વ પક્ષનું તેમણે સમાધાન શું કર્યું તે મને અત્યારે યાદ નથી. કદાચ તે વખતે સમજ્યો પણ નહિ હોઉં. પણ ઉપર કહ્યું તે રસાનુભવનું ધોરણ જોતાં, આ આપત્તિનો ખુલાસો થઈ જાય છે. જેમ સંગીતના વિવિધ સૂરો સાંભળતાં ચિત્ત વિક્ષિપ્ત નથી થતું, કારણ કે એ વિવિધ સૂરોમાં ચિત્ત એક જ રાગને, મેળને અનુભવે છે, તેમ જ જો પરમ ચિત્ત વિશ્વમાં વિવિધ સંવેદનોમાં એક જ મેળ અનુભવતું હોય તો તેને સર્વજ્ઞતાથી પરમ વિક્ષેપ ન થાય પણ પરમ આનંદ થાય. પરમાનન્દ એ પરમાત્માનું સ્વરૂપ છે. વળી કાલમાં વહેંચાયેલા રાગના સ્વરોમાં પણ જેમ એ આખા રાગના રસનો અનુભવ થાય છે, સંગીતને અંતે સંપૂર્ણ થવાનો રાગ એટલે અંગી, અને તે પૂરો થયા પહેલાં સંભળાતા તેના અંગભૂત સૂરો કે અંગો, એ બે વચ્ચેનો કાલનો અંતરાય રસનો અંતરાય નથી થતો, ઊલટો એ રસસિદ્ધિનું અધિકરણ બને છે, તેમ ભૂત-ભવિષ્ય-વર્તમાન એ ત્રિકાલનો ભેદ પણ જ્ઞાનમાં, – જ્ઞાનની સમસ્ત ઘટનાનિષ્પત્તિથી થતા આનંદમાં, અંતરાય ન થાય એ સમજી શકાય એવું છે. ટૂંકમાં ભવિષ્યનું જ્ઞાન કેમ સંભવે એ પ્રશ્ન જ પરમચિત્તને માટે અનુપપન્ન છે એમ આ સંગીતના દૃષ્ટાંતથી સમજાય છે. તેમાં પણ આ ત્રિકાલમાં વિસ્તરેલું વિશ્વ પરમાત્માના જ સંકલ્પથી ઉત્થિત થયું છે, પરમાત્માનું સંગીત છે એ વિચાર સમજીએ અને સ્વીકારીએ ત્યારે વ્યવહારિક જ્ઞાનના ઉત્પન્ન થતા વૃત્તિવિક્ષેપ અને કાલના અંતરાયના પ્રશ્નો આપોઆપ શમી જાય છે. જીવનમાંથી જ ઉલ્લસતી કલાનો અનુભવ, આ રીતે જીવનના અનુભવો અને જીવનના અનુભવના નિયમોની પાર જાય છે. પોતે પોતાથી પર જવું એનું જ નામ કલાનો અને જીવનનો ઉલ્લાસ!
ભાદ્રપદ ૧૯૮૨ (‘કાવ્યની શક્તિ’)
પાદટીપ
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.