સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/નિરંજન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિરંજન

[કર્તા : ઝવેરચંદ મેઘાણી, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ રૂ. ૨-૦-૦.]

શ્રી મેઘાણીની આ પહેલી નવલકથા છે. સફળ રીતે ટૂંકી વાર્તાઓ લખ્યા પછી એમણે નવલકથાને પણ હાથમાં ગંભીરતાપૂર્વક લીધી છે એ હર્ષનો વિષય છે. ‘નિરંજન’ એક કૉલેજિયનની કથા છે. એક કાઠિયાવાડી રાજનગરનો વતની યુવાન નિરંજન મુંબઈમાં કૉલેજમાં ભણે છે. વાર્તાનાં બધાં પાત્રો એક કે બીજે સંબંધે એની આસપાસ ગૂંથાય છે. વાર્તામાં બે પ્રવાહો અરસપરસ ગૂંચાતા વહે છે. એક તેના કૉલેજજીવનનો, બીજો તેના ગૃહજીવનનો. પહેલો પ્રવાહ વેગથી અને વધારે ઝળકાટથી વહે છે, બીજો મંદ છતાં વધારે ઊંડાણમાં ચાલે છે. કૉલેજજીવનનો પ્રવાહ સુનીલા, પ્રતિનાયકનું થોડું કામ કરતો ક્લબનો સેક્રેટરી, ગુજરાતીના પ્રોફેસર, કૉલેજના પ્રિન્સિપાલ, રજિસ્ટ્રાર, અને છેવટે લાલવાણી એટલાં મહત્ત્વનાં પાત્રોને નાયક સાથે સાંકળે છે. એના ગૃહજીવનનો પ્રવાહ તેનાં માતપિતા, બહેન, રાજનગરના દીવાન અને તેની પુત્રી સરયૂ અને ટપ્પાવાળો અભરામ એટલાં પાત્રોની આજુબાજુ વહે છે. પહેલા પ્રવાહમાં વાર્તા કૉલેજજીવનનાં તોફાન, યુવાનોનું સ્ત્રીદાક્ષિણ્ય, પરસ્પર હરીફાઈ, યુવાનોની બિનજવાબદારી, પ્રોફેસરની પામરતા અને દયાજનક પ્રપંચરીતિ અને છેવટે યુવાનોની સજાતીય કામુકતા એ પ્રસંગોની આસપાસ ફરે છે. બીજા પ્રવાહમાં ગામડાના એક શિક્ષકની પુત્રવત્સલતા, એક દીવાનની દીકરીને થાળે પાડવાનાં પાંપળાં, અને એક અર્ધશિક્ષિત યુવતીના હૃદયની અછતી વેદના આ વાર્તાનો વિષય બને છે. હજીયે સંક્ષેપમાં કહેવું હોય તો વાર્તા નિરંજન, સુનીલા અને સરયૂ – એ ત્રણ પાત્રોની આસપાસ ફરતી ‘કૉલેજજીવનની ગંદકી’, ગ્રામજીવનની પામરતા અને એક મહાન થવા મથતા પણ નબળી કરોડવાળા યુવાનનાં મંથનોને આલેખે છે. કર્તા આ પાત્રોના જીવનની બાહ્ય આકર્ષક ઘટનાઓને બદલે મુખ્યત્વે તેમના આંતરઅનુભવોને વધારે નિરૂપે છે. સરસ્વતી ધ્વજવંદન, પરીક્ષાનું ‘બખડજંતર’ અને લાલવાણીનો કિસ્સો એ આગળ પડતા બનાવોને બાદ કરતાં બાકીની વાર્તા નિરંજનનો સુનીલા સાથેનો સંબંધ અને ‘બિચારી’ સરયૂનું પાણિગ્રહણ એમાં જ સમાઈ જાય છે. પણ એક આકર્ષક કથાનક રજૂ કરવા કરતાં આજના યુવાનના અને યુવતીના કેટલાક પ્રશ્નોને જ લેખકે પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. અને તે યોગ્ય છે. આકર્ષક ઘટનાઓ વિના પણ પાત્રોના મનોજગતને વિષયભૂત કરતી કથાઓ ઉમદા રચના થઈ શકે છે. માત્ર એમાં રસની જમાવટ કરવી એ પહેલા કરતાં વધારે ભારે વિકટ કામ છે. એવી પ્રશ્નપ્રધાન નવલકથામાં બનાવો નહિ પણ પાત્રો પોતે રસનો વિષય બને છે. એમાં નાયક, નાયિકા કે બીજાં પાત્રો કોઈ મહત્ત્વનું – એટલે કે છાપામાં આવી શકે એવું કામ ન કરતાં હોય, તોપણ તે રસનાં કેન્દ્ર બની શકે. આવાં પાત્રોનું માનસજીવન, તેના કલહો, ઉમેદો, આશાઓ, આકર્ષણો, ઘર્ષણો, વિજયો અને પરાજયો, એની આલેખના એ પ્રધાન વસ્તુઓ હોય છે. પણ ઘટનાપ્રધાન નવલકથા પેઠે એમાં પણ એ જ સમગ્રતા, વિકાસ, સંભવિતતા, એકરૂપતા, તથા પાત્રોની સચ્ચાઈ વસેલાં હોવાં જોઈએ. બાહ્ય ઘટના કરતાં ભાવજગત વધારે સૂક્ષ્મ છે, તેનું આલેખન વધારે મનોરમ છે, પણ તેથી જ તે અસ્પર્શક્ષમ હોઈ વધારે મુશ્કેલ છે. કૉલેજજીવન અને આજનો યુવાન એ વસ્તુ અહીં મૂક્યાં છે. એ રીતે આપણે ત્યાં પહેલી વાર રજૂ થાય છે. કૉલેજનો જુવાન અને તેની સાથે ભણતી યુવતી એને આજનો એક મોટો ધગધગતો પ્રશ્ન કહીએ તો ખોટું નથી. એ યુવાન શું છે, એ યુવતી શું છે તે આલેખવા લેખકે અહીં પ્રયત્ન કર્યો છે. આર્થિક અવદશા, જૂના કુટુંબસંબંધો, યુવાનીનાં આકર્ષણો, કર્તવ્ય ને અગ્નિકુંડ, ક્રાન્તિ અને નવનિધાનના ઊભરા, અને તેમાં ઘણી વાર સુકાન વિનાની હોડી જેવું ચંચળ મન, દૃઢ ઇચ્છાશક્તિનો અભાવ, અસ્પષ્ટ જીવનદર્શન અને ક્રિયાશક્તિનો અભાવ, એવાં એવાં અનેક તત્ત્વો યુવાનની અંદર અને આસપાસ ખડાં છે. શેક્સપિયરે સર્જેલો હેમ્લેટ, અશ્વત્થામા પેઠે હજી લગી ચિરંજીવ જ રહ્યો છે. ઉપર જણાવ્યું તેવું પુષ્કળ સંભારવાળું વસ્તુ છતાં વાર્તામાં રસનો પ્રવાહ મંદ લાગે છે, પાત્રોનું સર્જન ઝાંખું છે. તે તેમનાં લક્ષણોમાં એક બાજુ જ ઢળી જતાં લાગે છે. એટલે વિવિધ ધૂપછાંવના બનાવોના વાહક બનવાને બદલે અમુક લક્ષણોનાં જ પાત્ર વાહક બની જાય છે. શ્રીપતરામ માસ્તર એટલે સાક્ષાત્‌ પુત્રપરાયણતા, દીવાન એટલે દીકરીને વરાવવાની ચિંતાવાળો પામર પિતા, સરયૂ એટલે કે પિતાની દોરી દોરાતી દીન દીકરી, ક્લબનો સેક્રેટરી એટલે કે એક દુષ્ટ પ્રતિનાયક, અભરામ ટપ્પાવાળો તે કે મર્દાનગીનો વકીલ, સુનીલા એટલે કે છેલ્લા બે ત્રણ પ્રસંગો બાદ કરતાં યુવાનો તરફ નાકનું ટેરવું ચડાવી ફરનારી કૉલેજ કન્યા અને છેવટે વાર્તાનો નાયક નિરંજન તે કામાકર્ષણ અને એક મર્યાદિત આદર્શ વચ્ચે અથડાતો યુવાન. વળી પાત્રોનો વિકાસ સળંગ સુસંગત રીતે નથી થતો. ‘આ મિસ્તર આપણી રૈયત છે.’ એવા માથાવાઢ શબ્દોથી નિરંજનને દીકરી પાસે ઓળખાવનાર દીવાન એ દીકરી માટે નિરંજનની ખુશામતમાં કેટલી હદ લગી નીચે પડે છે! દીવાનનું એ પ્રથમ દર્શનનું સત્તાશીલ રૂપ નવલકથામાં આગળ કશું ઉપયોગનું નથી રહેતું. નિરંજનને પ્રથમ દર્શને ‘માયકાંગલો’ ગણતી સરયૂ કયાં તત્ત્વોથી નિરંજન તરફ ખેંચાઈ તેના જીવનને અનુરૂપ શ્રમજીવનની સાધના કરે છે તે સ્પષ્ટ થતું નથી. નાયકની સાથે પરણનાર પાત્રની મનઃસંવેદના બહુ અછતી રહી છે. નવલકથાની નાયિકા સુનીલા છે. એ નિરંજન ઉપર ખરેખર મુગ્ધ છે, એનું તો છેક છેવટે જ વાચકને ભાન થાય છે. ત્યાં લગી એ એની તોછડાઈ, તિરસ્કાર અને અપમાનથી નિરંજનને અને વાચકોને ટટળાવ્યા કરે છે. જ્યારે જ્યારે પણ સુનીલા અને નિરંજનના મળવાના કે સહકાર્યના પ્રસંગો બને છે ત્યારે તેમના આંતરસંબંધમાં મીઠાશ, ઋજુતા કે ગૂઢ આકર્ષણની આપણે આશા રાખીએ છીએ, પણ તે સફળ થતી નથી. લપસેલા નિરંજનને મદદ કરતી, સરયૂની સહચરી તરીકે કામ કરતી, ધ્વજવંદનમાં અગ્રભાગી થતી, નિરંજનને બોરડીની વાડીમાં ઘૂમરીએ ચડાવતી સુનીલા બધા પ્રસંગોને અંતે મીઠાશને બદલે એક રીતનો ઋક્ષ અણગમો પેદા કરે છે. આ બધો વખત નિરંજન પ્રત્યે તેને સ્નેહ તો હોય છે જ. પણ સ્ત્રીઓ પોતાની કામુકતા કે સ્નેહનું પ્રદર્શન આવી જ રીતે કર્યા કરે તો ક્યારે પ્રિય બની શકે? છેવટે એ નિરંજન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે એમાં પણ પ્રેમની વિચિત્ર ફિલસૂફીનું કારણ આપીને. આ જાજરમાન સુનીલાના સ્નેહનિરૂપણમાં વધારે મૃદુતા અને માધુર્ય લેખકે પૂર્યાં હોત તો સારું ન થાત? નિરંજન શરૂઆતના કૉલેજના બનાવોમાં સરયૂને લાગ્યો તેવો ‘માયકાંગલો’ છે. એની વાર્તાના વિજયથી તેનામાં તેજ દેખાય છે. ધ્વજવંદનમાં એ જરા બહાદુરી કરે છે. અને કૉલેજજીવનનું નવવિધાન એ એની એક તમન્ના બની રહે છે. પહેલા નંબરે પાસ થવું, વિદ્યાર્થીપ્રિય ફેલો થવું, એ તેની છેવટની સિદ્ધિ છે. પણ પરીક્ષાઓમાં પાસ થનાર નિરંજન એના સ્નેહજીવનમાં સાવ નાપાસ છે. સુનીલાના શબ્દોમાં કહીએ તો તે ‘સોધો’ છે, મોળો છે. સરયૂ તેને માટે ગાંડી થઈ છે, તોપણ તેને અભરામ ટપ્પાવાળો પાનો ચડાવે છે ત્યારે જ તે કંઈક અગ્રસર બને છે. પણ બાપની સાથે આટલું બધું શરતી પરણવાનું સ્વીકાર્યા પછી સરયૂ તરફનો એનો અભિસાર ઔત્સુક્ય વિનાનો બની જાય છે. જુવાનીનો મુખ્ય પ્રશ્ન સ્નેહ છે. નાયક જે ત્રણ પાત્રો – સુનીલા, સરયૂ, અને લાલવાણી સાથે સંબંધમાં આવે છે તે એ પ્રશ્નનાં જુદાં જુદાં રૂપોને રજૂ કરનારાં બને છે. લાલવાણી એ સ્ત્રી કે પુરુષના સજાતીય સ્નેહનું સ્વરૂપ છે. એવો સ્નેહ સ્વાભાવિક છે, સાર્વત્રિક છે એ કબૂલ રાખીએ તોપણ, તથા તેવા પ્રશ્ન પ્રત્યે સુગાવાની જરૂર નથી—કે જેને, અમને ભય છે કે, અહીં છેડાયેલો જોઈ ઘણા સુગાશે – એ સ્વીકારવા છતાં રસની દૃષ્ટિએ આ પ્રશ્નની રજૂઆત ઉત્તમ નથી થઈ શકી. નિરંજનનો સરયૂ સાથેનો સંબંધ આત્મગત ઉમળકા કરતાં તે પરિસ્થિતિથી પ્રેરાઈને બનેલો છે. એ સુંદર છે, થોડી શિક્ષિત છે, જૂની ઢબની ગૃહિણી છે, પણ તેની સ્વેચ્છાને આખા સંબંધમાં ક્યાંય સ્થાન નથી. સુનીલાની સ્નેહપ્રવૃત્તિ કોઈ અજબ રીતે વિકસે છે. લાગે છે કે એ સ્નેહપ્રવૃત્તિ જ નથી. ‘કોઈ નવી બનેલી નૌકાના મંગલ પ્રથમ વિહારનો મોહ ન રાખતાં રીઢું થઈ ગયેલું, હરદિશાના જળમાર્ગનું પૂર્ણ વાકેફ વહાણ પસંદ કર્યું. એ જીતી ગઈ.’ સુનીલાનું સ્નેહજીવન એક બાળકોવાળા વિધુરને પરણવામાં પરિણમે છે તેનો ખુલાસો આ છે. પણ આ તો બીજવરને જ પરણવાની વકીલાત થઈ. શું નારીપૂજક યુવાનો કે નરપૂજક યુવતીઓના સંબંધ હંમેશાં ખરાબે ચડી ભાંગવાના? એ સલામતીની શોધક સુનીલા અંતરમાં નિરંજન માટે સ્નેહની સઘડી તો પાછી રાખે જ છે. તે નિરંજનને ચાહતી હતી, તો કેમ પરણતી નથી? ‘મેં તમને સરયૂને સોંપ્યા, કેમ કે તમે તેને ચાહતા નહોતા. પણ મેં કંઈ તમને કોઈ બીજાની જોડે પ્રેમમાં પડવા નહોતા જવા દીધા. તમે કોઈ અન્યને ચાહી નહિ જ શકો...’ સરયૂને નિરંજન પરણેલો હોય તો તે સુનીલાના કર્તૃત્વથી. આમાં સરયૂને બીજો સારો વર મળે તેમ નથી, એ કૃપાદૃષ્ટિ હોય તો જુદી વાત. પણ સુનીલાનું આચરણ તો પ્રેમની વિચિત્ર ફિલસૂફીથી પ્રેરાયેલું છે. પ્રેમીઓએ પરણવું ન જોઈએ. યુવાનોના હાથમાં સ્ત્રીની નૌકા સલામત નથી. સ્ત્રી કે પુરુષે ચાહવું એકને અને પરણવું બીજાને; અને તે પરિસ્થિતિની પ્રબળતાને લીધે નહિ, પણ એક સિદ્ધાંતની રીતે. લગ્નનો સંબંધ સહાનુભૂતિ, સુખદુઃખના સહભાગીપણા પર જ રચાય, પ્રેમની ઉપર તો નહિ જ. આવાં તત્ત્વો સુનીલાની ઉક્તિઓમાંથી હાથ આવે છે. યુવાનોના સંબંધમાં અશ્રદ્ધા અને લગ્નમાં સ્નેહનો અભાવ જ ઇષ્ટ એવું તત્ત્વ લેખક શા માટે પ્રબોધે છે? એવું બે ખાનાંમાં વહેંચાતું જીવન ઇષ્ટ, કે સ્નેહ અને સહચારનો મેળ કરી શકાય તેવું ઇષ્ટ : નિરંજનના ચિંતનમાં તેનો થોડો જવાબ મળે છે. પણ સુનીલા બીજવરને પરણી જીતી ગઈ એ તો એનો જ વિચાર કે લેખકનો? એ પોતા માટે એવું દ્વિધા જીવન અશક્ય જુએ છે. સ્ત્રીને માટે દ્વિધા જીવન શક્ય, પુરુષને માટે નહિ. ‘સ્ત્રી પુરુાને આપે છે અધૂરું, માગે છે પૂરેપૂરું’ આ એણે તારવેલો સિદ્ધાંત છે. વસ્તુસ્થિતિ એથી ઊલટી પણ નથી? વળી બીજી એક દૃષ્ટિ પણ લેખક મૂકે છે. સ્ત્રીપુરુષનો સંબંધ કેવો હોય? ‘સ્ત્રીને ગુલામ સ્વામી નથી જાઈ તો... સમોવડો પણ નથી જોઈતો. સમાન હક્કોની તો કેવળ વાતો છે. એને તો શાસક, સાહસવીર ઉન્નતમથ્થો સ્વામી જોઈએ.’ પુરુષના ‘હજાર ગુના પણ ઈમાનદાર મરદાઈને માથે અસ્ત્રી માફ કરે છે.’ આ કઈ ભાવનાઓ છે? હજુ પુરુષમાં સામર્થ્યની સરસાઈ ગાયા કરવી ઇષ્ટ છે? સ્ત્રી શું ભાર્યા બનવામાં જ હમેશાં સંતોષ માની લેશે? આમ આખી નવલનો કેન્દ્રિત વિષય જરા વિચિત્ર સ્વરૂપમાં નિરૂપાયો છે. અમને પૂછવા મન થાય છે કે આ શ્રી મેઘાણીનું ખરેખર ગંભીર દર્શન છે? વાર્તામાં ચમક ઘણે ઠેકાણે આવે છે. દીવાનના મોંથી ઉચ્ચારાતો ‘બખડજંતર’ શબ્દ અચૂક હાસ્ય પૂરું પાડે છે. પ્રો. શ્યામસુંદરની કથની, ‘ચાઇલ્ડ હેરોલ્ડ’માંની કથા, ધ્વજવંદનનો પ્રસંગ, શારદાનું ગીત, ‘ગઝલું જોડીશ મા’ એ પ્રસંગો અચ્છી રીતે ઉઠાવ પામ્યા છે. કૉલેજ-જીવનનો ઉત્સાહ તેમ જ પ્રોફેસરોના સડા સારી રીતે મૂક્યા છે. નિરંજનનાં મનોમંથનોમાં કેટલીક સૂક્તિઓ મઝાની આવી જાય છે. ‘રસધાર’ અને વાર્તાઓમાં વિકસેલી શ્રી મેઘાણીની રંગદર્શી શૈલી એ જ ઢબે અહીં વહે છે. પણ એ જ રંગદર્શિતા નવલકથામાં કાર્યસાધક નથી નીવડતી. નવલકથા જેવી લાંબી કૃતિ માટે સાતત્ય જાળવતી સ્વસ્થ શૈલી જરૂરની હોય છે. અને રંગદર્શિતામાં સ્વસ્થતા તો નથી જ હોતી. નવલકથામાં બેએક પ્રસંગોનું નિરૂપણ જરા ગ્રામીણતામાં પણ સરી ગયું છે. નિરંજન પોતાના હરીફ સેક્રેટરીને સુનીલાની સાથે મોટરમાં બેસીને ફરતો જે રીતે કલ્પે છે, તેમ જ છેલ્લા પ્રકરણમાં અભરામ તેને જે રીતે પાનો ચડાવે છે એ પ્રસંગો જરા વધારે સુરુચિથી લખવા જેવા હતા. આમ નવલકથાનાં મૂળતત્ત્વો જેવાં કે પાત્રાલેખન, વસ્તુવિન્યાસ, સ્વસ્થ સાતત્યભરી શૈલી, એમાં થોડી કચાશ છતાં તથા લેખકની દૃષ્ટિ કેટલાકને મન થોડીઘણી ચર્ચાસ્પદ હોવા છતાં વાર્તા રંજક બની શકી છે; તથાપિ નવલિકાઓ કે ‘રસધાર’ની કથાઓમાં લેખક જે રસની પરાકાષ્ઠા અનુભવાવે છે તે અહીં નથી મળતી. છેલ્લા બે દસકાઓમાં શ્રી મેઘાણીની પ્રવૃત્તિઓ જોતાં એમની વિવેકદૃષ્ટિ વિકસતી ગઈ છે. તેમની સર્જનશક્તિમાં સફળ રીતે બાળકાવ્યો, કાવ્યો અને નવલિકાનાં મૌલિક સર્જનમાં પાંગરી છે. એ હવે આ નવલકથાની નવી ડાળે ફૂટવા માંડી છે; તો ત્યાં પણ તે યશસ્વી રીતે ફળશે એવો અમને વિશ્વાસ છે. (પ્રસ્થાન, ચૈત્ર ૧૯૯૩ – ૧૯૩૭)