સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/રાત તો જુઓ!

From Ekatra Foundation
Jump to navigation Jump to search

નભ છે કે અંધકારનું વન, રાત તો જુઓ!
તારક છે કે સરપનાં નયન, રાત તો જુઓ!
ફંગોળતી ફરે છે ગવન, રાત તો જુઓ!
ધમરોળતી રહે છે ગગન, રાત તો જુઓ!...
તમિસ્રના તળાવની પાળે ખડી ખડી,
વેરી રહી છે ઊજળું ઘન, રાત તો જુઓ!...
કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તોય પણ,
ચોરી રહી છે કેવું બદન, રાત તો જુઓ!
‘ઘાયલ’, મલીર ઓઢણી ઓઢી દિવસ તણું,
સીવી રહી છે શ્વેત કફન, રાત તો જુઓ!