સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ભારતીય સંસ્કૃતિના કવિ
અત્યંત સમૃદ્ધ એવા સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ એક અવાજે સર્વશ્રેષ્ઠ કવિ ગણાય છે. શબ્દનું સૌંદર્ય, છંદનું માધુર્ય, વિષયનું ગાંભીર્ય, સમગ્ર સંદર્ભની નરી ધ્વનિમયતા-રસમયતા કાલિદાસની રચનાને જુદી જ તારવે છે. સહેજે તેથી તેઓ ‘કવિકુલગુરુ’ લેખાયા છે. વિદ્વાનોનાં સંશોધનોનો ઝોક ગુપ્તયુગના ‘વિક્રમાદિત્ય’નું પદ ધારણ કરનાર ચંદ્રગુપ્ત બીજા (ઈ.૩૭૫-૪૧૩)ના અને તેના પુત્ર કુમારગુપ્તના સમયમાં કાલિદાસ થયાનું માનવા તરફ છે. આથિર્ક રીતે, લશ્કરી રીતે, સંસ્કારની દૃષ્ટિએ સંપન્ન લેખી શકાય એવા સુવર્ણયુગ સમા જમાનામાં કાલિદાસ થઈ ગયાની એની રચનાઓની સૃષ્ટિ પરથી છાપ પડે છે. ભારતની તપોવન સંસ્કૃતિની છેલ્લી ઝલક કાલિદાસની કૃતિઓમાંથી ઝિલાઈ છે. ઉજ્જૈનની અપૂર્વ જાહોજલાલીના સાક્ષી કવિ કાલિદાસ ઇસવી સનના ચોથા સૈકાના અંતમાં અને પાંચમાના આરંભમાં થઈ ગયા હોવાની સંભાવના સ્વીકાર પામી છે. કવિના જન્મસ્થાન અંગે અનેક પ્રદેશોના દાવા છે. સામાન્ય રીતે એ કાશ્મીરના મનાય છે. એમનું મુખ્ય કાર્યસ્થળ ઉજ્જૈન રહ્યું લાગે છે. ‘મેઘદૂત’માં યક્ષ મેઘને કહે છે કે, રસ્તો થોડો વાંકો લેવો પડશે પણ ઉજ્જૈન તો જજે જ જજે. મધ્ય ભારતની નદીઓ, પર્વતો, એ સમગ્ર ભૂ-ભાગ પ્રત્યેની ઝીણવટભરી કવિની આત્મીયતા ‘મેઘદૂત’માં આલેખાઈ છે. કાલિદાસની કૃતિઓ કવિને અનેક વિષયોની-અનેક શાસ્ત્રોની ઝીણી જાણકારી છે તેની પ્રતીતિ કરાવે છે. અને ‘રામાયણ’ ઉપર તો એ જાણે જીવે છે. ભારતને એ તારતાર ઓળખે છે. કવિ તરીકેની એમની સજ્જતા ચકિત કરે તેવી છે. કાલિદાસ ભારે ઓછાબોલા કવિ છે. જગતનો એક શ્રેષ્ઠ કવિ, એનાં પુસ્તક માંડ છ-સાત. તેમાં બે મહાકાવ્ય ‘કુમારસંભવ’ અને ‘રઘુવંશ’ તે અધૂરાં. સો ઉપર શ્લોકોનું ‘મેઘદૂત’ ખંડકાવ્ય અને ત્રણ નાટકો ‘માલવિકાગ્નિમિત્ર’, ‘વિક્રમોર્વશીય’ અને ‘શાકુન્તલ’. ઉપરાંત ‘ઋતુસંહાર’ નામની પ્રકૃતિવર્ણનની ૧૪૪ શ્લોકની કૃતિ આરંભની કાવ્યરચના મનાય છે. ‘ઋતુસંહાર’ : ભારતમાં છ ઋતુઓ છે એ છયે ઋતુઓનો સંહાર (= સમૂહ) આ કૃતિમાં પ્રસ્તુત થયો છે. કવેિએ ઉનાળાથી આરંભ કર્યો છે. મધુરથી સમાપન કરવું એ ન્યાયે વસંતના વર્ણન આગળ કાવ્ય પૂરું થાય છે. ‘મેઘદૂત’ : હિમાલય પ્રદેશમાં અલકાનગરીમાં એક યક્ષ ફરજ બજાવવામાં ભૂલ કરી બેઠો. કુબેરે એને વરસ માટે દૂર રહેવાનો શાપ આપ્યો. દૂર દક્ષિણમાં રામગિરિમાં એ દહાડા નિર્ગમતો હતો. જેવો આષાઢ બેઠો, મેઘને જોઈ વિરહિણી પત્નીના સ્મરણથી એ વ્યાકુળ થયો. મેઘને એ વિનંતી કરે છે કે, તું ઉત્તર તરફ જાય છે તો અલકા સુધી જજે ને મારી પત્નીને સંદેશો આપજે કે હું જીવતો છું અને બાકીનો સમય પણ વીતી જશે ને આપણે મળીશું. આટલી વાત મંદાક્રાન્તા છંદના ૧૧૧ શ્લોકમાં નિરૂપાઈ છે. યક્ષ મેઘને સંદેશવાહક થવા વીનવીને અલકા સુધીનો માર્ગ વચ્ચેનાં નગરો, પ્રદેશો, નદીઓ, પર્વતો, તીર્થસ્થળોનાં વર્ણન સાથે વિગતે સમજાવે છે. યક્ષ મેઘને રસ્તો સમજાવે છે તેમાં ભારતમાં યુગોથી જિવાતા જીવનનો સંદર્ભ ઊઘડતો આવે છે. સ્વર્ગના શોભાયમાન ટુકડા જેવી મહાનગરી ઉજ્જયિનીની વાત આવે, તો આવી રહેલા નવા મેઘને આંખો વડે પીતી ગ્રામવધૂઓને યક્ષ ભૂલે કે? મઘમઘતી કેવડાની વાડો, છજા-છેડે લપાઈને પોઢેલાં પારેવાં-અરે, તાજા વરસાદની ભીની માટી પર ચાલતા નાનકડા લાલ ઇન્દ્રગોપ જંતુને પણ વિરહી યક્ષ વીસર્યો નથી. વિરહને પરિણામે પ્રિયતમાને માટેની એની લાગણી જેમ ઊંડી થયેલી જોવા મળે છે તેમ એની ચેતના સમષ્ટિ સાથે એકરૂપ બની રહેલી વરતાય છે. મનુષ્યો જ નહીં, પશુઓ, પંખીઓ, જીવજંતુ, પાણીનાં મત્સ્ય, વૃક્ષો, ફૂલો, પ્રાણરહિત વસ્તુઓ, ઘરો, નદીઓ, ગિરિઓ, ખેતરો, આખો પ્રકૃતિપરિવેશ તેમ જ સમગ્ર સંસ્કૃતિસંદર્ભ-એ બધાંને વિરહી યક્ષની ચેતના વ્યાપી વળે છે. ‘મેઘદૂત’ એ વિરહના તાર ઉપર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા એ સંસ્કૃતિગાથા બની રહે છે. વિન્ધ્યની દક્ષિણેથી આરંભીને કૈલાસગિરિ સુધીના એ નર્મદા, સિપ્રા, વેત્રવતી, સરસ્વતી, ગંગાથી ધન્ય એવા મનોરમ ભૂભાગોમાં સૈકાઓથી જિવાતું આવતું જનજીવન ઐતિહાસિક, પૌરાણિક વિગતોના નિર્દેશો સાથે કાવ્યમાં તાદૃશ થતું આવે છે. પ્રિયતમાને મેઘ દ્વારા સંદેશો મોકલવો એ કલ્પના જ હૃદય હરી લે એવી હોઈ જગતની અનેક ભાષાઓમાં ‘મેઘદૂત’ ઊતર્યું છે. ‘મેઘદૂત’ની કેટલીય પંક્તિઓ ચિરસ્મરણીય બની છે. ‘મેઘદૂત’માં સર્જક કલ્પનાની પ્રસાદીરૂપ અનેક ચિત્રો છે, જે સેંકડો વરસોથી કાવ્યરસિકોની ચેતનામાં અપૂર્વ તાજગીથી પુનર્જીવિત થયાં કરે છે. ‘કુમારસંભવ’ : પ્રથમ સર્ગમાં નગાધિરાજ હિમાલયની ભવ્યતા શબ્દબદ્ધ થઈ છે. હિમાલય એ દેવતાત્મા છે. તેને પત્ની મેનાથી પાર્વતી નામે પુત્રી છે. કાવ્યનાયિકા પાર્વતીના સૌંદર્યનું વર્ણન કવિ ૨૫ શ્લોકમાં કરે છે. બીજા સર્ગમાં દેવો બ્રહ્મા પાસે જઈ તારકાસુરથી રક્ષણ મેળવવા પ્રાર્થના કરે છે. શંકર-પાર્વતીનો પુત્ર દેવોનો સેનાની થાય તો તેઓ જીતે, એ ઉપાય બ્રહ્મા બતાવે છે. ઇન્દ્ર કામદેવને યાદ કરે છે. મિત્ર વસંત સાથે એ હાજર થાય છે. ત્રીજા સર્ગમાં ઇન્દ્રની આજ્ઞા જાણી મિત્ર વસંત અને પત્ની રતિ સાથે કામદેવ હિમાલયમાં જાય છે. અકાલ વસંત-લીલાનો ઉન્માદ બધે ફેલાય છે. પણ મહાદેવનો તપ :પ્રભાવ જોઈ એક વાર તો કામદેવનાં ધનુષ્યબાણ એને ખબરે ન રહી ને સરી પડ્યાં. ત્યાં એને ઉત્સાહિત કરતી શિવની પૂજા અર્થે ‘વસન્ત પુષ્પાભરણો પહેરી… સંચારિણી પલ્લવિની લતા શી’ પાર્વતી પ્રવેશી. નંદી દ્વારા રજા મેળવી શિવ પાસે આવી એણે મસ્તક નમાવીને પ્રણામ કર્યા. જે અન્ય કોઈનેય ન સેવે એવો પતિ પામ-એવા આશીર્વાદ શિવે આપ્યા. કામદેવ ધનુષ્યની દોરી અધીરાઈથી પંપાળવા લાગ્યો. ત્યાં ગૌરીએ શિવને કમલબીજની માળા અર્પી. જેવા તે એ લેવા ગયા ત્યાં કામે સંમોહન બાણ પુષ્પના ધનુષ્ય પર ચડાવ્યું. શિવનું ધૈર્ય જરીક હટ્યું, પક્વબંબિ જેવા અધરોષ્ઠવાળા ઉમાના મુખ ઉપર એમણે ત્રણે આંખો ફેરવી. મહાદેવના ત્રીજા નેત્રમાંથી પાવક નીકળ્યો અને એ જ્વાળાઓએ ‘દીધો કરી મન્મથ ભસ્મશેષ.’ રતિ મૂછિર્ત થઈ. શિવ અંતર્ધાન થયા. ચોથો સર્ગ રતિવિલાપનો છે. રતિ દેહ છોડવા તૈયાર થાય છે ત્યાં આકાશવાણી આશ્વાસન આપે છે કે શિવ ગૌરીના તપથી પરણશે ત્યારે કામદેવ પણ સદેહ થશે. પાંચમા સર્ગમાં પાર્વતી ઉગ્ર તપ કરવા જાય છે. ત્યાં એક દંડી જટાધારી આવે છે અને તપનું કારણ પૂછે છે. ઉમામુખેથી તે જાણી બ્રહ્મચારી કહે છે-સર્પથી વીંટેલા હાથની સાથે તારો હસ્તમેળાપ શી રીતે થશે? પરણ્યા પછી ઘરડા બળદ પર બેસાડી તને લઈ જશે, મહાજન હાંસી કરશે. ઉમા કહે છે, તું તેમને યથાર્થ ઓળખતો નથી; ભાવથી એકરસ એવું મારું હૃદય એમનામાં ઠર્યું છે. પછી એને દૂર કરવા સખીને એ કહે છે ત્યાં એ અતિથિ મહાદેવરૂપે પ્રગટ થાય છે અને ‘આજથી તારા તપથી ખરીદાયેલો તારો દાસ છું’ એમ કહે છે. સાતમો સર્ગ ઉમાવિવાહનો છે. આઠમો સર્ગ દંપતીની પ્રણયકેલિનો છે. પોતે જેને જગતનાં માતાપિતા લેખે છે એવાં પાર્વતી અને મહાદેવની શૃંગારલીલા કાલિદાસે વર્ણવી અને કોઈ પણ પોતાની માતાનું ન કરે એવું પાર્વતીના દેહસૌંદર્યનું વર્ણન કર્યું એ અનૌચિત્ય ઉઘાડું છે. કવિએ પોતે જ આઠમા સર્ગ પછી કાવ્ય અધૂરું છોડી દીધું છે. ‘રઘુવંશ’ : મહાન રાજાઓ આપનાર એક મહાન વંશને એ મહાકાવ્ય આલેખે છે. એકેએક શ્લોક પોતાના રસતેજથી ઝળહળી રહે એ રીતની રચનામાં કાલિદાસ પાવરધા છે. કવિકર્મની મુખ્ય શક્તિ ઉપમા. દરેકેદરેક શ્લોકને કવિ નવી ઉપમાથી સજીવન કરી દે છે. કાવ્યરસિકો એક અવાજે બોલી ઊઠ્યા : ઉપમા તો કાલિદાસની. વારંવાર શ્લોકોમાં આવતા ઉપમાચમત્કાર, વિરલ ચિત્રાંકનો અને આંતરે આંતરે ગૂંથાયેલા પ્રસંગો પ્રતીતિ કરાવે છે કે કાલિદાસ એટલે આરસ અને ટાંકણું, અપૂર્વ શિલ્પવિધાન. ઇન્દુમતી-સ્વયંવર નિમિત્તે થોડાક રાજાઓનાં ચિત્રાંકનો રજૂ થાય છે. કવિની કવિતાનો વિરલ અભિષેક પામેલા સાત રાજાઓ એકેકથી ચડિયાતા લાગે છે. ઇન્દુમતીના મનમાં કોઈ ન વસ્યો. આ પ્રસંગે કવિએ એક ઉપમા યોજી છે : રાતે દીવાની જ્યોતિ જેમ જેમ નગરના રાજમાર્ગ પર પસાર થતી જાય તેમ તેમ જે હાટની પાસે થઈને એ આગળ વધે તે હાટ ઝાંખું પડે, તે રીતે સ્વયંવરમાં જે રાજા પાસેથી ઇન્દુમતી બીજા તરફ આગળ વધતી તે ઝંખવાણો પડતો : સંચારિણી દીપશિખા વટાવે ને હાટ રાતે જ્યમ રાજમાર્ગે ઝંખાય; કન્યા વધતી સ્વયંવરે આગે, થતો ત્યાં નૃપ ઝંખવાણો. રસિકોને કાલિદાસની સેંકડો ઉપમાઓમાંથી આ ગતિશીલ ‘દીપશિખા’ની ઉપમા એટલી બધી ગમી ગઈ છે કે કાલિદાસને ‘દીપશિખાકવિ’ કહેવામાં આવે છે. કાલિદાસ ભારતના રાષ્ટ્રકવિ છે. ભારત ખેતીપ્રધાન દેશ. ભારતની મઘમઘતી સંસ્કૃતિ પાણીને ટીપે ટીપે મોતી વેરતા, દરેક ચાસમાં મોતી પેરતા મેઘના આધારે છે. કવિની કલ્પનાએ મેઘને સંદેશવાહક તરીકે પસંદ કર્યો તે ઘડીએ સહેજે એ રાષ્ટ્રકવિના બિરુદને પાત્ર થયા. કવિએ ‘મેઘદૂત’માં મધ્ય ભારતથી હિમાલયખોળે અલકા સુધીનાં નદીઓ, પર્વતો, નગરો, તીર્થો વર્ણવ્યાં. ‘રઘુવંશ’માં સીતાને રામ પુષ્પક વિમાનમાંથી લંકાથી ગોદાવરી સુધીના પ્રદેશો, ઉપરાંત ત્રિવેણીસંગમ આદિ બતાવે છે. હિમાલયને તો ‘કુમારસંભવ’ના આરંભમાં મન મૂકીને ગાઈ લીધો હતો. છતાં રઘુનો દિગ્વિજય વર્ણવતાં તેનાં દળોને કાશ્મીરમાંથી હિમાલયના ઉત્તરના પ્રદેશોમાં થઈ લૌહિત્યા (બ્રહ્મપુત્રા) નદી ઓળંગી પ્રાગ્જ્યોતિષ (આસામ)માં પ્રવેશતાં વર્ણવી ભારતના ઉત્તર સીમાડાઓ પર એમની કવિતા ઘૂમી વળે છે. ભારતની ભૌતિક રચનાનાં દસવીસ સૈકામાં સહેજે ન બદલાય એવાં ચિરસ્થાયી સ્વરૂપોના સૌંદર્યને કવિપ્રતિભા શબ્દમાં ઝીલે છે. એ જ રીતે દક્ષિણમાં સમુદ્રતટે તાંબૂલ, નારિયેળ, મરી, એલચી, મૌક્તિક, ખજૂર આદિ, પશ્ચિમ તરફ દ્રાક્ષ, કાશ્મીર તરફ કેસર, અખરોટ, હિમગિરિમાં કસ્તૂરી, ભૂર્જપત્ર અને આસામમાં કૃષ્ણાગુરુ આદિ નીપજો પણ પ્રસંગવશાત્ કવિ ઉલ્લેખે છે. ભારતના ખૂણેખૂણાના ભાગોનો ઘણુંખરું એમને જાણે જાતઅનુભવ ન હોય, એવું એમનાં વર્ણનોની સુરેખતાથી સમજાય છે! કાલિદાસ અઠંગ ભારતપ્રવાસી છે. ભારતની પ્રકૃતિલીલાનું સૌંદર્ય એમણે આકંઠ પીધું છે. અને એથીયે વિશેષ તો અત્યંત ભાતીગળ એવી ભારતીય સંસ્કૃતિનું સમુદાર ભાવે એમણે અખિલાઈપૂર્વક આકલન કર્યું છે અને આ દેશમાં ખીલેલા માનવસંસ્કૃતિના વિશેષ સ્વરૂપને એના સંપૂર્ણ લાવણ્ય સાથે જગત આગળ શબ્દાકારે હંમેશ માટે પ્રસ્તુત કર્યું છે. કાલિદાસ મેઘની કે વિમાનની ઊંચાઈએથી ભારતદર્શન કરે છે. કેવળ ભૂભાગો કે પેદાશો જોતા નથી, સમાજો કયાં મૂલ્યોના આધારે જીવે છે તે એ જુએ છે. કાલિદાસ ભારતીય સંસ્કૃતિના કવિ છે. આપણાં બે રાષ્ટ્રીય મહાકાવ્યો ‘રામાયણ’ અને ‘મહાભારત’. ‘રામાયણ’માં વાલ્મીકિએ કુટુંબજીવનના સંબંધોનું-પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ આદિના સંબંધોનું-વ્યાકરણ સમજાવ્યું છે. ‘મહાભારત’ના કેન્દ્રમાં વ્યાસ ધર્મને મૂકે છે; અર્થ અને કામની સાધના પણ ધર્મ દ્વારા જ થઈ શકે, જ્યાં ધર્મ ત્યાં જય-એમ એ ગાઈબજાવીને ઠસાવે છે. કુટુંબ અને રાજ્ય બંને સંસ્થાઓ મનુષ્યસમાજ માટે મહત્ત્વની છે. કુટુંબ વિના સંવર્ધન નથી, રાજ્ય વિના સંરક્ષણ નથી. બે ઋષિકવિઓની પછી આવતા કાલિદાસ રસના, રસરાજ શૃંગારના કવિ છે, પણ તે એ બંનેને પગલે ચાલતા દેખાશે. સ્ત્રીપુરુષ-પતિપત્ની વચ્ચેના પ્રેમનું ગાન એમને ફાવે છે. દેહાકર્ષણનું-કામનું સંબલ એ પૂરું સમજે છે, પણ પ્રેમીઓને એમને જે કહેવું છે તે તો એ કે તપસ્યા લાવો, રસ લઈ જાઓ. વળી આ કવિ દંપતીની વાતમાં જ પુરાઈ રહેવામાં રાજી નથી. સંવાદી પ્રેમવાળાં દંપતીની સંતતિ ઉપર હંમેશાં એમની નજર મંડાઈ છે. અને એ બાળક પણ અસુરોના સૈન્ય સામે વિજય માટે સેનાધિપતિપદ લઈ શકે એવો શિવ-પાર્વતીજાયો કુમાર હોવો જોઈએ, ભરતભૂમિને પોતાના નામથી અંકિત કરે એવો દુષ્યન્ત-શકુન્તલાસુત ભરત હોવો જોઈએ, દિલીપ-સુદક્ષિણાપુત્ર દાનવીર પ્રતાપી રાજવી રઘુ જેવો હોવો જોઈએ. આમ, કાલિદાસ પ્રેમના-શૃંગારના કવિ છે, પણ પ્રેમની વાત કરવા માંડે છે ને સમાજની સ્વસ્થ ચાલનાની-કુટુંબ અને રાજ્યની-વાતમાં એમની ચેતના ઓતપ્રોત થયા વગર રહી શકતી નથી. ઊંચા કવિ પાસે જે ઋષિકર્મની અપેક્ષા રહે તે કાલિદાસે બજાવ્યું છે. એથીસ્તો વાલ્મીકિ અને વ્યાસની પછી કાલિદાસના નામનું સ્મરણ થાય છે. પ્રકૃતિ સાથે સંવાદિતાથી જીવવું, મનુષ્યો જ નહીં પણ પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, લતાઓ સૌ સાથે આત્મીયતાથી જીવવું-સર્વમાં એકતા અનુભવવી એ મંત્ર કાલિદાસની કાવ્યસૃષ્ટિમાં ગુંજે છે. કવિએ પ્રકૃતિ અને માનવના મેળભર્યા જીવનનો મહિમા એના સૌંદર્યનો બોધ કરાવવા દ્વારા ઠસાવ્યો છે. આજે પર્યાવરણ-શાસ્ત્ર (ઇકોલોજી)ના પ્રશ્નોની જાગૃતિ વધતી જાય છે ત્યારે કાલિદાસની વાત કેટલી સુસંગત છે તે સમજાતું આવે છે. કાલિદાસની કલ્પના સ્વર્ગ, હિમાલયનો ઊર્ધ્વલોક અને ભૂતલ-બધે ફરી વળે છે, પણ પૃથ્વીની પક્ષપાતી છે. શકુન્તલા, તારું મહિયર સ્વર્ગમાં, પણ સાસરું તો પૃથ્વીમાં. સ્વર્ગ તો ભોગભૂમિ છે, પૃથ્વી છે કર્મભૂમિ. કાલિદાસ પૃથ્વી ઉપરના માનવજીવનની આશ્ચર્યમયતા પીતાં અને ગાતાં ધરાતા નથી. [‘કાલિદાસ’ પુસ્તિકા : ૧૯૪૭]