સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/‘મહાભારત’માં માનવતા
કેટલાક ગ્રંથો દરેક જમાનાના પરામર્શના અધિકારી છે. ‘મહાભારત’ એક એવો ગ્રંથમણિ છે. હિંદમાં હિમાલય જેમ જૂનો લાગવાનો નથી, તેમ ‘મહાભારત’ પણ કદી જૂનું લાગવાનું નથી, યુગેયુગે નવીનતાભર્યું જ રહેવાનું છે. હિંદમાં જન્મેલાને મન હિમાલયનું આકર્ષણ જિંદગીભર રહેવાનું. માણસના વ્યક્તિત્વના ખૂણેખૂણાને ચેતનના પ્રકાશથી ભરી દેવાની વિરાટ પ્રકૃતિદૃશ્યોમાં અનોખી શક્તિ હોય છે. પ્રકૃતિના અનુસરણમાં માણસે સંસ્કૃતિને રચતી કલાઓને યોજી. હિંદની શબ્દકલાએ બરોબર હિમાલયની સામે ગૌરવભેર ઊભી શકે એવા ‘મહાભારત’ની રચના કરી છે. ‘મહાભારત’ને માત્ર મહાકાવ્યનું નામ આપ્યાથી એનો યથાર્થ ખ્યાલ આપી શકાશે નહિ. એને ‘વિરાટ કાવ્ય’ કહેવામાં આવે એ જ બરોબર છે. હિમાલય જેમ એકાદ છૂટાછવાયા મહાશિખરવાળો ગિરિ નથી પણ ગિરિઓની હારમાળા છે, તેમ ‘મહાભારત’ પણ જાણે કે મહાકાવ્યોનો સમૂહ ન હોય! ચિરંતન માનવભાવોની અમર પ્રતિમાઓ સમાં એનાં પાત્રો કાંચનજંઘા, ધવલગિરિ અને ગૌરીશંકરનાં શિખરોની જેમ ત્રાકાલની પલાંઠીએ બેઠાં છે. ‘મહાભારત’ની મૂળ કથા અને આખ્યાનો-ઉપાખ્યાનોને ઉદરંભર પુરાણીઓએ છાશમાં પાણી નાખ્યે જ રાખીને સાવ સસ્તાં અને નમાલાં બનાવી દીધાં હતાં. પણ હિમાલયના જળભંડારે જેમ હિંદુસ્તાનના સારા એવા ભાગને લીલી વાડી જેવો બનાવ્યો છે, તેમ ‘મહાભારત’ના રસપ્રવાહને બળે હિંદના સાહિત્યની લીલી કુંજો રચાઈ છે, એનું ભાન વધતી જતી કેળવણીની સાથે સાથે વધતું ગયું અને ‘મહાભારત’નું નવી રીતે મૂલ્યાંકન થવા માંડયું. ભાગ્યે જ એવો કોઈ હશે જેને ‘મહાભારત’ની મુખ્ય ઘટનાઓનો પરિચય ન હોય. દ્રૌપદી, ગાંધારી, કુંતી અને ઉત્તરા તથા ભીષ્મ, કૃષ્ણ, યુધિષ્ઠિર, કર્ણ, અર્જુન, અભિમન્યુ અને વિદુરનાં નામ સંભારી સંભારીને આ દેશનાં સ્ત્રીપુરુષો જીવનની તડકીછાંયડીમાં ટકી રહેવાનું આંતરિક બળ મેળવતાં રહ્યાં છે. આપણે ત્યાં ‘મહાભારત’ને ગુજરાતીમાં ઉતારવાના પ્રયત્નો થયા છે. છતાં ‘મહાભારત’નું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર આપણને ક્યારે મળશે? કંઈ નહિ તો, કથાના અનિવાર્ય સળંગ ભાગનો અનુવાદ થાય તોપણ સંસ્કૃત ન જાણનારને મૂળની ભવ્યતા ને તેજનું સહેજે ભાન થાય. ‘મહાભારત’ના મૂળ કવિ કૃષ્ણ દ્વૈપાયન ગણાય છે. ‘વેદો’ની એમણે ગોઠવણી (વ્યાસ) કરી, એ ઉપરથી એ ‘વ્યાસ’ નામે પ્રખ્યાત છે. વ્યાસ મહાપંડિત હશે; જ્ઞાની, ઋષિ, ચિંતક, ગમે તે હશે; પણ મુખ્યત્વે તો એ એક કવિ છે. ‘મહાભારત’માં ડગલે ને પગલે દેખાય છે કે એક ખૂણે પડ્યા પડ્યા તત્ત્વચિંતન કર્યે જનાર ઋષિ માત્ર એ નથી; તેમ નથી જડ જ્ઞાની કે નથી બોધ આપવાને તલપાપડ કોઈ ગુરુ. વ્યાસ તો છે માનવજાતના સામાન્ય ગુણદેષ, ક્ષુલ્લક હર્ષશોક, પરસ્પર વેરઝેર — દરેક વસ્તુ પ્રત્યે પરમ સહાનુકંપાથી જોનાર કવિ. એ મહાકવિના હૃદયમાં સૌ કોઈને માટે જગ્યા છે. ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરને માટે જ વ્યાસનું હૃદય ખીલી ઊઠે છે, એમ નહિ. માની દુર્યોધન માટે પણ એ હૃદયમાં અવકાશ છે. આ દૃષ્ટિએ, માનવતાની દૃષ્ટિએ, જોતાં મહાભારત યુદ્ધમાં સંડોવાયેલા મહાપુરુષોમાં શ્રીકૃષ્ણની સરખામણીમાં પણ વ્યાસના હૃદયની વિશાળતા આગળ તરી આવે છે. શ્રીકૃષ્ણના હૃદયમાં પાંડવો માટે અને ભીષ્મ, દ્રોણ, દ્રુપદ માટે જ જગ્યા છે. ભીષ્મના હૃદયમાં કર્ણ જેવા માટે તલપૂર જગ્યા નથી.. દ્રોણને દ્રુપદ ડંખે છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભેગા થયેલા અઢારે અઢાર અક્ષૌહિણી સૈન્યમાંના કોઈ પણ વીરનરને આત્મીય ગણનાર, વિધાતા સિવાય, કોઈ હોય તો તે માત્ર એક વ્યાસ જ છે. વ્યાસ સૌ કોઈના મિત્ર છે. સૌ કોઈના હર્ષશોક સાથે એમનું હૃદય કોઈ સૂક્ષ્મ તંતુથી જોડાયેલું છે. કૌરવોને પાંડવોના કે પાંડવોને કૌરવના ક્ષયથી વિજય મળવાનો. વ્યાસને મન હવે વિજય કોઈ રહ્યો જ નથી. રહી છે માત્ર વેદના. આ માનવીમાત્ર પ્રત્યેની પરમ સહાનુકંપાનાં, અગાધ કારુણ્યનાં દર્શન વ્યાસે એ યુદ્ધના આલેખેલા ઇતિહાસમાં, એટલે કે ‘મહાભારત’ કાવ્યમાં, વારંવાર થાય છે. ‘મહાભારત’માં કવિ કૌરવોના પક્ષમાં આપણી લાગણી જગાડે છે તે માટે આપણે એને છૂટે હાથે અભિનંદન આપવાં જોઈએ. પાંડવોની સામે મુડદાલ લડવૈયા હોય, ધર્મની સામે નિર્ભેળ અધર્મ જ હોય, તો એવી લડાઈનો ઇતિહાસ જાણવામાં આપણને રસેય શો હોય? શું જીવનમાં, શું કલામાં, સોએ સો ટકા સાધુચરિત કે સોએ સો ટકા દુષ્ટાત્મા કોઈ છે જ નહિ. અર્જુન સામે કર્ણ, કૃષ્ણ સામે ભીષ્મ, ભીમ સામે દુર્યોધન, એવી સરખેસરખી જોડી ન હોય, તો ‘મહાભારત’ લાખ શ્લોકને બદલે સાત શ્લોકમાં જ સમેટી લેવું પડત. વળી, પાંડવોની સામેના પ્રતિપક્ષીઓ મોટા હોય, તો તેમને જીતવામાં પણ કંઈ સાર ગણાય. પ્રતિપક્ષી — કૌરવો પ્રત્યે સમભાવની લાગણી જન્માવવાથી કવિ કાવ્યને અનેકગણું વાસ્તવિક બનાવે છે. દુર્યોધનને અથથી ઇતિ સુધી પાપને જ વળગી રહેલો બતાવવામાં તો ભારે અસ્વાભાવિકતાનું જ પ્રદર્શન થાય. એક તો, એવો માણસ સંભવી શકે નહિ; ને બીજું, એવો હોય તોયે કળામાં તો એવાં, નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યાં જતાં ઢીંગલાંને સ્થાન જ ન હોઈ શકે. દુર્યોધનની પાપવૃત્તિ અને અભિમાનને બહુ કાળા રંગથી રંગવામાં આવેલ છે. છતાં, જે રીતે એક પછી એક મહાવીરો યુદ્ધમાં ખપે છે તોપણ પોતાનું ધૈર્ય એ સાચવી રાખે છે, અને તેમની ગેરહાજરીમાં હવે સંધિ કરીને પાંડવોનો આપ્યો બટકું રોટલો ઓશિયાળા થઈને ખાવા કરતાં સ્વર્ગમાં ફરી સ્વજનોનો સંગમ સાધવા તૈયાર રહે છે, એ બધાંમાં એના સ્વભાવની ઉદાત્તતાનાં સ્પષ્ટ દર્શન થાય છે. ભીમે અધર્મયુદ્ધથી ગદા વડે દુર્યોધનનો વધ કર્યો અને વિજયોન્માદમાં એના માથા પર પગ મૂક્યો. યુધિષ્ઠિર ભીમને વારે છે ને ગદ્ગદ કંઠે દુર્યોધનને આશ્વાસન આપે છે : જોશું શી રીત વિધવા વધૂઓ શોકમગ્ન સૌ? તું ખરે સુખિયો, રાજન! સ્વર્ગે વાસ નકી તવ; અમે નરકશું દુખ્ખ ભોગવીશું ભયંકર. પણ દુર્યોધનનો આત્મા રડતો નથી. મૃત્યુ વખતે પણ એના સ્વભાવમાં જે ઉદાત્તતા દીપી ઊઠે છે એ આપણામાં એની પ્રત્યે માન, પ્રેમ વગેરે ભાવ જગાડે છે. છેવટે પોતાના અંત કરતાં કોઈનો પણ અંત વધારે સારો નહિ હોય, એમ દુર્યોધન ભારે ચિત્તસ્વાસ્થ્યથી બોલે છે. ‘મહાભારત’માં માનવતાનું આમ આપણને અનેક વખત સુભગ દર્શન થાય છે. એને લીધે એનું કાવ્ય આપણા સમગ્ર ચિત્તતંત્રનો અજબ સહેલાઈથી કબજો મેળવી લે છે. મનુષ્યહૃદયના રાગાવેગોનું તાંડવ ‘મહાભારત’કાર જેવું બહુ ઓછા જ કવિઓએ આલેખ્યું હશે, અને આલેખન વખતે એ જે સ્વાસ્થ્ય જાળવે છે એ તો અપૂર્વ જ છે. માનવીના મનોરાગોની ભીષણ રમણા હોમરે અને ગ્રીક નાટયકારોએ અસાધારણ નિરૂપી છે, શેક્સપિયરે પણ અલૌકિક કૌશલ એના અંકનમાં ઠાલવ્યું છે; પણ ‘મહાભારત’કારની એક વિશિષ્ટતા છે. ‘મહાભારત’કાર માત્ર માનવીના ચિત્તાવેગોની પ્રમત્ત તાંડવલીલા નિરૂપીને અળગા ખસી જતા નથી, પરમ સ્વાસ્થ્યપૂર્વક એ સકલ તત્ત્વોને સંયમમાં રાખે છે. ક્ષુલ્લક કે મહાન રાગદ્વેષ, સરલ કે કૃત્રમ સુખદુખ, અનિવાર્ય અશ્રુ અને આપાતરમ્ય સ્મિત, બધાં તત્ત્વોને જીવનમાં અનિવાર્યપણે રહેલી ધર્મભાવનાથી એમણે રસ્યાં છે. ‘મહાભારત’કારે પૂરતા તાટસ્થ્યથી માનવીના મનોભાવોની નૃત્યલીલા નિરૂપવાની સાથેસાથે, તે તે પાત્રોનાં જીવન સાથે અસામાન્ય તાદાત્મ્ય સાધીને પોતાની અગાધ માનવતાનું ઠેરઠેર સિંચન કરી એ નૃત્યલીલા સુસહ્ય બનાવી છે, અર્થવતી કરી છે. માનવતા એટલે માત્ર માણસ પ્રત્યેની લાગણી કે માનવસુલભ ભાવ, એવા સંકુચિત અર્થથી આપણે ‘મહાભારત’કારને અન્યાય કરીશું. માનવતા એટલે પરમ કારુણ્ય, સર્વભૂતાનુકમ્પા, જેનાં દર્શન યુધિષ્ઠિર પોતાની સાથેના કૂતરાને છોડીને એકલા સ્વર્ગમાં જવાની ના પાડે છે ત્યારે થાય છે. અને ખાંડવવનદહન વખતે ચાર ખિસકોલીઓ બચી જતી બતાવવામાં આવી છે, એ ઘટના પાછળ પણ બીજો કયો ભાવ છે? [‘અભિરુચિ’ પુસ્તક]