સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કનૈયાલાલ મુનશી/“બહોત ખૂબ”
૧૯૦૩ની આઠમી મેની રાત હતી. બાપાજી આરામખુરશી પર બેઠા હતા. હું પાસે ઊભો હતો. બા ખાવાનું લઈને આવતી હતી. અચાનક બાપાજીએ અકળામણથી ઓ-ઓ-ઓની બૂમ મારી ખુરશી પર માથું નાખી દીધું. બધાં દોડી આવ્યાં. રડારોળ થઈ રહી. અબોટ દઈ એમને ભોંયે સુવાડયા. કોઈએ ઘડો લાવી એમના પર ઢોળ્યો. “શ્રીરામ, શ્રીરામ”ની બૂમો ચારે તરફ સંભળાઈ. મારા માથાનું છત્ર એકદમ ઊડી ગયું. પૈસા ને મોભાથી સુરક્ષિત અમારું જીવન ગરીબ ને નિર્જીવ બન્યું. આ બધી જોખમદારીને અંગે ભણવાનું છોડી દઈને નોકરી લઈ લેવાનો મેં સંકલ્પ કર્યો. સજળ નયનો સાથે બા લોકાચાર પ્રમાણે ધર્મક્રિયા ને લોક જમાડવાની તૈયારી કરતી અને બપોરે જ્યારે કોઈ ન હોય ત્યારે હિસાબનાં દફતરોનું કબાટ ખોલીને તેમાં કંઈ ગોઠવ્યા કરતી ને હિસાબ લખતી. મારી યોજના મેં એને કહી સંભળાવી : હાંડીતક્તા વેચી દઈએ, હું કૉલેજ છોડી નોકરી લઉં ને ગમે તેમ કરીને દુઃખના દહાડા કાઢીએ. બા મને ભેટી પડી. એની આંખમાંથી આંસુની સરિતા વહી જતી હતી. “કનુ, ગભરાતો નહિ. હાંડીતક્તાયે નથી વેચવાં ને ભણવાનુંય નથી છોડવું. હું બેઠી છું ને?” લોકાચાર થયા. બધું પરવારી બાએ ઘરની વ્યવસ્થા બદલી નાખી. થોડું ઘરેણું વેચી નાખ્યું; વીમાના પૈસા ઉપાડયા ને તે લોનમાં રોક્યા. બાપાજીનાં કપડાંમાંથી અમારે માટે શું શું થાય અને ખાવાપીવામાં કેવો ફેરફાર કરી શકાય એ નક્કી કર્યું. રસોઇયા અને નોકરને રજા આપી. અમારા કુટુંબના જૂના પટાવાળા મહમદ શફીને, જ્યારે ભાઈઓએ ભાગ પાડયા ત્યારે બાપાજીએ રાખ્યો હતો. તે ધર્મચુસ્ત મુસલમાન કોઈ દિવસ નમાજ પઢવાનો સમય ચૂકતો નહિ. નવરો હોય ત્યારે અલ્લાનું નામ જપ્યા કરતો. જ્યારે એ અમને નાટકમાં લઈ જતો ત્યારે પણ પોતે બહાર બેસી રહેતો. વળી તે છબી પડાવવા કદી તૈયાર થતો નહિ. એ બધું એ મજહબ વિરુદ્ધ ગણતો. એનું મુખ્ય કામ તો ફસલ ઉઘરાવવાનું હતું, પણ બહારનુંયે બધું કામ એ કરતો ને ઘરનું કામ પણ સંભાળતો. વારપર્વે ગોર મહાદેવજીની પૂજા કરી ગયા કે નહિ, તેનું પણ તે ધ્યાન રાખતો. એને અમે મહિને સાત રૂપિયા આપતા. બાપાજી હતા ત્યાં સુધી તો સરકારી પટાવાળાના નાયક જેવો એનો મોભો હતો. અમારા વિશ્વાસુ માણસ તરીકે એ પ્રતિષ્ઠા ભોગવતો. એને ઇનામઅકરામ પણ મળતું. જ્યારે બાએ રસોઇયા ને નોકરને રજા આપી ત્યારે એણે અગિયાર રૂપિયાની નોકરી શોધી કાઢી ને બા પાસે આવ્યો. “બા, મને રજા આપો. મેં વીટલ મિલમાં નોકરી શોધી કાઢી છે,” તેણે ખંચાતાં કહ્યું. બા પાન બનાવતી હતી. તેણે ગાંભીર્યથી ઊંચું જોયું. હું ત્યાં જ બેઠો હતો.“મહમદ, પછી આ તારા નાના શેઠને કોણ સંભાળશે?” બાએ પૂછ્યું. પળવાર મહમદે મારી સામે જોયું. એની આંખમાં પાણી આવ્યું. “બહોત ખૂબ, બા.” કહી તે મૂંગો રહ્યો. ત્યાર પછી વધારે પગારની નોકરી માટે કેટલીયે વાર એને કહેણ આવ્યાં. સાત રૂપિયાથી વધારે આપવાની અમારી શક્તિ નહોતી. પણ એણે ન બીજી નોકરી સ્વીકારી, કે ન અમારી પાસેથી વધારે પગાર માગ્યો. મહમદ ટેકી માણસ હતો. એણે અને એની બે બીબીઓએ બીડીઓ વાળી, લૂગડાં સીવી ખાધ પૂરી કરી. બાર વર્ષે ‘નાના શેઠે’ વધારે પગાર આપ્યો. એનું દેવું ચૂકવી આપ્યું. એને ઘર લઈ આપ્યું. એને ખૂબ ખૂબ વિનવણી કરીને એક વખત છબી પડાવવા બેસાડયો. પછી બીજાં પંદર વર્ષ સુધી એણે ટેકરા પર એ જ ઓટલા પર બીડીઓ વાળી, ‘કુરાન’ પઢયું, મહાદેવની પૂજા કરાવી. કર્તવ્યનિષ્ઠ મહમદ આડત્રીસ વર્ષની નોકરી કરી બેહેસ્તનશીન થયો.