સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/એક જ કસોટી
હિંદમાં કરોડો લોકો વાચા વિનાના છે. તેમની બુદ્ધિ અને દૃષ્ટિની પહોંચ ટૂંકી છે. જેમ તેઓ વરસાદને આકાશમાંથી પડતો જુએ છે અને તેથી પોતાના ખેતરના પાકને થતાં ફાયદા કે નુકસાન અનુભવે છે, છતાં એ જાણતા નથી કે વરસાદ કેવી રીતે થાય છે અને વાદળાંમાંથી કેમ પડે છે, તેવી જ રીતે તેમના પર અમલ ચલાવવાને સારા કે નરસા કાયદાઓ કોણ ઘડે છે તથા રાજના કારભારીઓ કોણ નીમે છે એ તે સમજતા નથી; માત્રા તેનાં સારાંમાઠાં પરિણામો જ એ લોકો અનુભવે છે. તેમની જરૂરિયાતો થોડી અને સાદી છે, અને તેટલી પણ જ્યારે સંતોષાતી નથી ત્યારે તેમની કમબખ્તી પૂરેપૂરી થાય છે. છતાં તેઓ તો પોતાના નસીબ સિવાય બીજા કોઈને દોષ દેતા નથી, અને જ્યારે એ થોડી સાદી જરૂરિયાતો પણ સંતોષાય છે ત્યારે આગલા દહાડા સુધી વેઠેલાં દુઃખો ભૂલી જાય છે અને પોતાના શાસનકર્તાઓની સ્તુતિ તેમ જ પૂજા કરે છે. આ સાદી પ્રજાની પેઢીઓની પેઢીઓએ શ્રીમંત માણસોની મોટી હવેલીઓની છાંયમાં સૈકાઓ કાઢયા છે, છતાં તેમાં રહેનારાઓની લક્ષ્મી અને એશઆરામ પ્રત્યે ક્રોધ કે ઈર્ષાથી કદી જોયું નથી. આવા કરોડો લોકોનું બનેલું આ નવું પ્રજાસત્તાક છે. આવા આપણા દેશબંધુઓને નામે ને અર્થે આપણે વધારે ભણેલા, અનુકૂળતાઓ ભોગવનારા અને સંગઠિત થયેલા વર્ગોના થોડાક લોકો ભારતને એક પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરીશું અને લોકશાહી સ્વરૂપનું બંધારણ દાખલ કરીશું. કાયદા મુજબ મતાધિકાર સાર્વત્રાક હશે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસો મૂઠીભર હશે. કરોડો લોકો થોડાક લોકોના માત્રા હાથા બનશે. આપણી રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક કે બીજી દરેક પ્રવૃત્તિ આપણે એ કસોટી પર કસી જોવાની છે કે ભારતની સાધનસંપત્તિ પર જેમનો પહેલો અધિકાર છે તેવા, ગામડાં ને જંગલોમાં રહેતા આ કરોડો લોકોનાં જીવન પર આપણા કાર્યથી કયા આશીર્વાદ ઊતરશે. આપણે પ્રાંતોની પુનર્રચનાની ચળવળ કરીએ, અંગ્રેજી અથવા માતૃભાષાના વાદ કરીએ, ઉદ્યોગીકરણ કે હાથ-ઉદ્યોગનો પક્ષ લઈએ, ‘વંદેમાતરમ્’ ગાવા માગીએ કે ‘જન-ગણ-મન’, દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગી ને નિરાધાર જનતાનાં જીવન ને સુખસગવડો તથા તેમનાં ચારિત્રય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે.