સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડાહ્યાભાઈ ના. મિસ્ત્રી/‘ઢોંગી કો ગુજરાત’?
ગુજરાતીઓના સ્વભાવમાં ચિંતન કરતાં ભકિત વધારે પ્રમાણમાં છે. એટલે જ ગુજરાતીઓ એના થકી શોષાતા રહ્યા છે. કોઈ પણ નવા આચાર્ય, મુનિ મહારાજ, ધર્મગુરુ કે સંપ્રદાયી વક્તા નીકળે, એટલે સૌપ્રથમ ગુજરાતીઓ એમને ખભે બેસાડે છે. ભક્તોની ભીડમાં ગુજરાતીઓ તરત નોખા તરી આવે છે. ગુજરાતીઓની આ ખાસિયતને એક દુહો આ રીતે મૂકે છે: પંડિત કો પુરબ ભલો, જ્ઞાની કો પંજાબ, કર્મકાંડી કો દખ્ખણ ભલો, ઢોંગી કો ગુજરાત. ગુજરાતનાં કોમી રમખાણો દરમ્યાન વેરઝેરનું શમન કરવા, ઘા રૂઝવવા અમુક સમજુ વર્ગ પ્રયાસ કરતો રહ્યો. પણ ધર્મ, સમાજ, સંસ્કૃતિ વિશે જોરશોરથી જે બોલતા હતા એ પ્રવચનકારો ને સાધુસંતોએ તે આગને ઠારવા કશું કર્યું? આટઆટલા જ્ઞાનબોધ આપનારા તેઓ સળગતી હોળી વખતે લોકોની વચ્ચે જઈને બેઠા ખરા? આપણા બધા ‘પરમપૂજ્ય, પ્રાત:સ્મરણીય, ધ. ધુ. પ. પુ.’ પ્રવચનકારો મૌન કેમ રહ્યા? તેઓ ઢોંગી સાબિત થયા, સનાતન ધર્મને તેમણે લજવ્યો. [‘ઓપિનિયન’ માસિક: ૨૦૦૨]