સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પોપટલાલ પંચાલ/ત્રણ ત્રણ ગાંધી માર્યા!
ત્રણ ત્રણ ગાંધી માર્યા!
તમે અમોને કેવા ધાર્યા,
નરમ નમાલા માન્યા?
અરે અમે તો વારાફરતી,
ફરતાફરતી,
ત્રણ ત્રણ ગાંધી માર્યા!
એક નહીં મોહન ગાંધીજી,
ઇન્દિરા ગાંધીને માર્યાં,
રાજીવને સંહાર્યા....
અમે કહો કેવા નરબંકા,
ત્રણ ત્રણ ગાંધી માર્યા!
તકલીધર મોહન ગાંધીએ
મુસ્લિમોને ફટવ્યા;
છૂતાછૂતનું કલંક ધોવા
હરિજનોને ચગવ્યા;
અને રસોડાની રાણી થઈ
રાંક બનીને ચૂલો ફૂંકતી,
છોરાં જણતી,
જીવન આખું કરી વૈતરાં,
પ્રેમે મરતી —
ઘરની એ અબળા નારીને
સબળા કીધી;
અંગ્રેજો સામે આખડતી,
ઝાંસીની રાણીના જેવી,
ચાંદબીબીનાં બીબાં જેવી,
કરી બડેખાં —
ફટવી મારી મહિલાઓને,
હાય તમારા ગાંધીજીએ
અમ જીવનની
પત્તર રગડી દીધી!
એ ગાંધીને માર્યા —
ફક્કત ત્રાણ ગોળીમાં ઢાળ્યા!
અને અલ્યા ભઈ,
નેહરુપુત્રી ઇન્દિરાએ,
ભારતની એ વડી પ્રધાને,
મુછાળા મર્દોને જાણે
લવરમૂછિયા કીધા!...
‘બ્લુ સ્ટાર’નું શસ્ત્રા ઉગામી,
શીખ સાથે વેર કરાવી,
પ્રાક્રમ એવાં કીધાં,
કે કહેવાતી ભડ પુત્રી એ
ભારતમાની ઇન્દિરાના
રક્ષણકર્તા અંગરક્ષકે
સ્વયં પ્રાણ લઈ લીધા!
એનો પેલો છોરો નાનો,
રાજીવ ગાંધી,
લોક કહે કે ‘ક્લીન’ આદમી.
એણે, ભઈલા,
શ્રીલંકાને સાથ આપવા
હાથ મદદનો દીધો —
એને ત્યારે
ફૂલમાળામાં બૉમ્બ મૂકીને
ક્ષણમાં ફૂંકી દીધો! તમે કહેશો —
ઘરના દીવડા,
ઘરના થઈને,
અમે બુઝાવી દીધા!
ભારતના તારણહારોને
અમે ડુબાડી દીધા!
મડદાં જેવાં લોકે જેણે
પ્રાણ મર્દના પૂર્યા;
જેની મૃત્યુકથા સાંભળી
જમનાનાં જળ સૂક્યાં;
હેમાળોયે ગયો ઝૂકી,
ને દિગ્ગજ ડોલી ઊઠ્યા,
ને ચિતા પર પોઢયો ગાંધી;
અગ્નિ એ શરમાયો,
ઝૂકી ગયાં વૃક્ષો વનવગડે,
પહાડો કંપી ઊઠ્યા;
લાખો આંખો રડી ઊઠી,
ને લાખો રૂંધાયા;
કહો જેમ કહેવું હોયે તે —
અમે રહ્યા નરબંકા!
દેશભક્તિના રંગરખૈયા,
અમે વીર લડવૈયા!
ભલે ઝૂકી આલમ આખી,
ને ભલે રડયાં જનહૈયાં.
અમે રહ્યા એવા નરબંકા,
અમે કદી ના ઝૂક્યા!
ભઈલા,
અમે ધર્મ ના ચૂક્યા!