સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/અંતિમ દિવસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૩૦મી જાન્યુઆરીના એ દૈવનિમિર્ત શુક્રવારે ગાંધીજીની ધારણા હતી કે બે દિવસ પછી સેવાગ્રામ જવા નીકળવું. “આપના ત્યાં પહોંચવાની તારીખની ખબર આપતો તાર સેવાગ્રામ કરી દઈએ?” એવું તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : “તારના પૈસા શીદને બગાડવા? અહીંથી નીકળવાની તારીખ હું સાંજના પ્રાર્થના-પ્રવચનમાં જાહેર કરીશ. અને સેવાગ્રામવાળાઓને તાર પહોંચે તે પહેલાં તો છાપાંમાંથી એમણે તે જાણી લીધું હશે.”

એ દિવસે સ્નાન કરીને આવ્યા પછી ગાંધીજી ઘણા પ્રફુલ્લ લાગતા હતા. આશ્રમની કન્યાઓનાં સૂકલક્ડી શરીર માટે તેમની મજાક એમણે ઉડાવી. કોઈકે કહ્યું કે એક બહેન આજે સેવાગ્રામ જવાનાં હતાં, પણ વાહન ન મળવાથી ગાડી ચૂકી ગયાં. એ સાંભળીને ગાંધીજી બોલ્યા : “તે ચાલીને કેમ સ્ટેશને ન પહોંચી ગયાં?” પોતાની પાસે જે કાંઈ સાધન હોય તે વડે હર કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જણે તૈયાર રહેવું જોઈએ, એવી ગાંધીજીની અપેક્ષા હતી. તેઓ જે કાંઈ કામ સોંપતા, તેમાં સગવડનો અભાવ કે મુશ્કેલી વગેરે બહાનાં સ્વીકારવામાં આવતાં નહીં. દક્ષિણ હિંદના તેમના પ્રવાસ દરમિયાન એક વાર વાહનમાં પેટ્રોલ ખૂટ્યું ત્યારે, તેર માઈલ દૂરના સ્ટેશને પહોંચવા માટે પ્રવાસનો સામાન ઉપાડીને પગપાળા જવા તેઓ તૈયાર થઈ ગયા હતા.

મળવા આવેલી એક આશ્રમવાસી બહેનને તેની ખરાબ તબિયત માટે ગાંધીજીએ ઠપકો આપ્યો : “એ બતાવે છે કે તમારા હૃદયમાં રામનામનો હજી પૂરો પ્રવેશ નથી થયો.” થોડી વાર પછી તેમને ઉધરસનું સખત ખાંખણું આવ્યું. એ શમાવવા માટે પેનિસિલનની ગોળી ચૂસવાનું કોઈએ સૂચવ્યું ત્યારે, એકમાત્ર રામનામની શક્તિથી જ સાજા થવાનો તેમનો નિર્ધાર ગાંધીજીએ છેલ્લી વાર ફરી પાછો ઉચ્ચાર્યો. તેમના માથાને માલિશ કરનાર પરિચારકને તેમણે કહ્યું : “જો હું કોઈ પણ રોગથી મરું-અરે, એક નાનકડી ફોડકીથીય મરું, તો તું પોકારી પોકારીને દુનિયાને કહેજે કે આ દંભી મહાત્મા હતો. તો જ હું જ્યાં હોઈશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારે ખાતર લોકો તને ગાળો દે, પણ રોગથી મરું તો મને દંભી મહાત્મા જ ઠેરવજે. પણ કદાચ કોઈ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન કાઢતાં રામજીનું રટણ કરતો રહું, તો જ કહેજે કે હું સાચો મહાત્મા હતો.”

બપોરના ચાર પછી ગાંધીજીએ કાંતતાં કાંતતાં સરદાર સાથે કલાકેક સુધી વાતો કરી. વાતો કરતાં જ સાંજનું ભોજન લીધું. પ્રાર્થનાનો સમય થવા આવ્યો હતો, પણ વાતો હજી પૂરી થઈ નહોતી. વચ્ચે બોલવાની આભાની હિંમત ન ચાલી, પણ ગાંધીજીનું ઘડિયાળ ઉપાડીને એ તેમની સામે ધર્યું. તોયે કશું વળ્યું નહીં. અંતે સરદારને “હવે તો મારે ગયે જ છૂટકો,” કહીને ઊભા થયા અને આભા તથા મનુના ખભા પર પોતાના બે હાથ રાખીને, તેમની સાથે મજાક ઉડાવતા તેઓ પ્રાર્થનાભૂમિ તરફ ચાલ્યા. પ્રાર્થના કરવાના ચોતરા તરફ જતાં પગથિયાં પસાર કરતાં તેઓ બોલ્યા : “હું દશ મિનિટ મોડો છું. મોડા પડવાનું મને બિલકુલ પસંદ નથી. હું ઇચ્છું કે બરાબર પાંચને ટકોરે હું પ્રાર્થનામાં હોઉં.” એ બાપુના છેલ્લા શબ્દો હતા.


અનુ. મણિભાઈ ભ. દેસાઈ


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ : પુસ્તક]