સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જેમનાં કાવ્યો પૂજાય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા પ્રેમાનંદ ગુજરાતના સર્વોત્તમ કવિ ગણાય છે. તેમના સમકાલીન કવિઓમાં શામળ ભટ્ટ, અખો ભગત વગેરે જાણીતા છે. પ્રેમાનંદનાં ઘણાંખરાં કાવ્યો તો એક રીતે ગુજરાતમાં પૂજાય છે, એમ કહીએ તો ચાલે. એમનું ‘સુદામાચરિત્રા’ શનિવારે અને ‘હૂંડી’ રવિવારે ગાઈ જવાનો એક કાળે હજારોને નિયમ હતો. ચૈત્રા માસમાં એનું ‘ઓખાહરણ’ ગામેગામ ઊછળી જ રહેતું. સુરતમાં દરેક સ્ત્રીની અઘરણી વખતે સાસરે ને પિયર પ્રેમાનંદનું ‘મામેરું’ ગવરાવવું, એ તો એક આચારનો જ ભાગ થઈ પડ્યો હતો. ચોમાસાના દહાડામાં ત્યાં એક પણ ગામડું એવું માલૂમ પડતું નહીં કે જ્યાં તેનો ‘દશમસ્કંધ’ વંચાતો નહીં હોય. પ્રેમાનંદના કાવ્યસમુદ્રમાં પર્વેપર્વે સ્નાન કરવાને આટલા બધા જીવ ધાઈને આવતા અને શુદ્ધ, કોમળ તથા ભક્તિમાન થઈને સંસારમાં પાછા વળતા. ‘કુંવરબાઈનું મામેરું’ એ પ્રેમાનંદનું અત્યંત લોકપ્રિય આખ્યાન છે. નરસિંહ મહેતાની પુત્રીનું સીમંત આવ્યું ત્યારે, આ દેશની રીત પ્રમાણે મોસાળું તો કરવું જ જોઈએ. પણ મહેતાજી પાસે તો ફૂટી બદામ પણ ક્યાંથી હોય? એ સમયે ભગવાન વણિકના રૂપે ભરસભામાં આવી મોસાળું કરી ગયા અને ભક્તની લાજ રાખી. આખ્યાનમાં સઘળી કથા વાંચનારની આગળ આવીને મૂર્તિમાન ઊભી રહે છે. આપણે તે વાંચતા નથી પણ જાણે જોઈએ છીએ, એમ લાગે છે.