સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દરેક દીકરી...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હિંદુસ્તાનની દરેક દીકરી પારકી છે, સાવકી છે—તે બાળકી હોય, કન્યા હોય, યુવતી હોય, પ્રૌઢા હોય કે વૃદ્ધા હોય. બધી દીકરીઓ સાથેનો વ્યવહાર ભેદભાવભરેલો, ઓરમાયો, પારકો હોય છે. આ ઘર તો પિતાનું, આ ઘર તો પતિનું, આ ઘર તો દીકરાનું. પણ સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં? પિતાને ઘેર એ પારકી—પારકે ઘેર જવાની છે. પતિને ઘેર પણ પારકી—પારકે ઘેરથી આવેલી છે. પુત્રના ઘરમાંયે પારકી—જુનવાણી ને પુરાણી છે. એવી જગ્યા છે ક્યાંય કે જ્યાં સ્ત્રી પરાઈ ન હોય? પારકી ન હોય? સ્ત્રી એટલે દયાની દેવી. કરુણાની મૂર્તિ. ત્યાગમયી. સાક્ષાત નમ્રતા. પ્રેમમયી, સેવામયી અને સૌથી વિશેષ તો મૂંગી—છતી જીભે મૂંગી! હિંદુસ્તાનની દરેક દીકરી મૂંગી છે ને પારકી છે. એક જ વાત એને શીખવવામાં આવી છે: ચૂપ રહેવું, એક હરફ પણ કાઢવો નહીં, બધું સહન કર્યે જ રાખવું. સ્ત્રીના એ મૂંગાપણાને હિંદુસ્તાને મહાનતાની ચૂંદડી ઓઢાડેલી છે. [‘ભોર કી પલકેં’ માસિક: ૧૯૯૯]