સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/આજનો દિવસ
હમણાં બેએક કલાક પહેલાં ઊઠ્યા, નાહી-ધોઈને તૈયાર થયા, ચા પીધી, છાપું વાંચ્યું, ભગવાનનેય યાદ કર્યા; મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે કોઈ સારું કામ થાય અને કોઈ પુણ્ય મળે. પછી દિવસમાં ઝંપલાવવા તૈયાર થયા, અને એમાં પ્રશ્ન થયો : આજનો દિવસ કેવો જશે? કેવો જાય તો મને સંતોષ થાય, આનંદ રહે, કૃતકૃત્યતા લાગે? કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઈ એક સુકૃત્ય કરવું, જેથી કંઈ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પુણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. દિવસ ગમે તેવો ગયો હોય, પણ તેને માથે એ એક સુકૃત્યનો ચાંલ્લો આવ્યો એટલે આખો દિવસ પવિત્રા બન્યો. એ ભાવના છે અને ભાવના સુંદર છે. પણ આજે મારો વિચાર કંઈક જુદો છે. સુકૃત્યો તો જરૂર કરીએ; પરંતુ જાણે દિવસને મામૂલી બનતો અટકાવવા માટે નહીં. એકાદ સુકૃત્યથી નમાલા દિવસ ઉપર ઓપ ચડાવવાનો સવાલ નથી. આખો દિવસ પવિત્રા જોઈએ — પછી ચાંલ્લો કરીશું, પછી પવિત્રા મંદિર ઉપર કળશ ચડાવીશું. એટલે કે આખો યે દિવસ પવિત્ર છે જ. એ મામૂલી, સામાન્ય દિવસ પવિત્ર છે. એ કેવી રીતે? મંદિરના પથ્થરો પવિત્ર છે, એ રીતે. એ તો પથ્થર જ છે — પણ પોતાને સ્થાને છે, પોતાનું કામ કરી રહ્યા છે, પોતાનો પથ્થર-ધર્મ પાળે છે, એટલે પવિત્રા છે. શરીરનાં અંગો પવિત્ર છે, એ રીતે પણ. એ તો હાથ-પગ છે, હાડમાંસ છે, ગંદાં-મેલાં થાય; પણ પોતાને સ્થાને છે, પોતાનું કામ કરે છે, પોતાનો ધર્મ પાળે છે, એટલે પવિત્ર છે. ચાંલ્લો આવે તે પહેલાં, કળશ આવે તે પહેલાં જ, દેહ પવિત્ર છે, મંદિર પવિત્ર છે — અને દિવસ પણ પવિત્ર છે. એનાં બધાં કૃત્યો — ઊઠવાનું ને બેસવાનું, ઊંઘવાનું ને જાગવાનું, ઑફિસનું કામ ને ઘરના પ્રસંગો ને મિત્રોની મુલાકાતો — બધાંનું સ્થાન છે, બધાંનું કામ છે, બધાંનો ધર્મ છે અને તેથી એ બધાંથી બનેલો આખો દિવસ પવિત્રા છે. કોઈ વિશિષ્ટ કૃત્યની જરૂર નથી, કોઈ સોનાની ઈંટની જરૂર નથી; હોય તો સારું છે, પણ એ ન હોય તોય દિવસને મંગળ કહીશું. દરેક કાર્ય હોવું જોઈએ તેવું હોય, એટલું જ જરૂરી છે. ખાવાનું તો ખાવાનું અને વાંચવાનું તો વાંચવાનું. વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય, આનંદથી થાય. દરેકમાં ધ્યાન અને દરેકથી સંતોષ. એ રીતે સારો દિવસ થાય. એ રીતે સારું જીવન જિવાય. આજનો દિવસ એવો જીવીએ!