સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/સાધુત્વની દિશામાં
સાધુનું લક્ષણ એ છે કે તે બીજાનો વિચાર કરીને ચાલે છે. સાધુ પોતાની શકિતનો ઉપયોગ પોતાને માટે ઓછામાં ઓછો કરે, અને જેને જરૂર હોય તેને માટે વધારે કરે. ખલપુરુષ અને સાધુપુરુષ બન્નેની પાસે જ્ઞાન હોય છે, ધન અને સત્તા પણ હોય છે. એ બધાંનો ઉપયોગ માણસ કેવી રીતે કરે છે તેની પરથી નક્કી થાય છે કે એ સાધુ છે કે નથી. માણસ ઘરમાં રહે કે આશ્રમમાં, લૂગડાં ધોળાં પહેરે કે ભગવાં, તે મહત્ત્વનું નથી. અગત્યની વાત તો એ છે કે ઈશ્વરે આપણને જે કાંઈ આવડત આપી છે, જ્ઞાન-ધન કે સત્તા આપ્યાં છે, તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. જેમ માતા બાળકનું દુ:ખ પોતે અનુભવે છે, તેમ સાધુ બીજાંનું દુ:ખ અનુભવે છે. સાધુ એ સંસારની માતા છે. એટલા માટે કહેવાયું છે કે સંતો આ ભૂમિને તપથી ટકાવી રાખે છે. આ સંસાર ટકી રહ્યો છે, કારણ કે આપણે બીજાંનો વિચાર કરતા થયા છીએ. આવું સાધુત્વ દરેક માણસ કેળવી શકે છે. આપણે શિક્ષક હોઈએ કે ડોક્ટર, વેપારી હોઈએ કે ગૃહિણી, પણ આપણે પરદુ:ખે દુ:ખી થઈએ, બીજાના દુ:ખને ટાળવાનો પ્રયત્ન કરીએ, એટલે સાધુત્વની દિશામાં આપણે આગળ વધ્યા. રાતોરાત આપણે સાધુ થઈ શકતા નથી. પણ આપણા મનમાં દિશા સાફ હોવી જોઈએ. જેટલી સ્વકેન્દ્રિતતા ઓછી, તેટલું સાધુત્વ વધારે. પંડિતો પણ સ્વકેન્દ્રી હોય છે, ગરીબો પણ સ્વકેન્દ્રી હોય છે. આ સ્વકેન્દ્રિતતા તે છે સંસાર. આપણે સંસારમાંથી સાધુત્વ તરફ યાત્રા કરવી છે. અહંકાર ઓછો કરવો છે, ‘હું’ ઓછો કરવો છે. સાવ એ જશે, એવું કદાચ નહીં બને. પણ આપણાથી થાય તે થોડું થોડું કરતા રહેવાનું છે. આ યાત્રામાં રસ્તે જો થાકી જઈશું, તો જરા બેસશું ને પાછા આગળ ચાલીશું. [ડો. શિવાનંદ અધ્વર્યુને અંજલિ આપતાં કરેલું પ્રવચન]