સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેશ દવે/શ્રમ અને સૌંદર્ય
રવીન્દ્રનાથ પ્રવાસ-શોખીન જીવ હતા. યુરોપ, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જોયા પછી જાપાનની સફર માટે તેમનો જીવ તલપાપડ હતો. ૧૯૧૬માં અચાનક સફરનો સંજોગ ઊભો થયો. વ્યાખ્યાનો આપવા અમેરિકાથી આમંત્રણ આવ્યું. આવવા-જવાના ખર્ચ ઉપરાંત પુરસ્કાર મળવાનો હતો. અમેરિકામાં રવીન્દ્રનાથનાં લખાણો માટે ઉત્સાહ હતો. તેમનાં પુસ્તકો સારાં વેચાતાં હતાં. મેકમિલન કંપનીએ અનુવાદોની માગણી કરી હતી. અમેરિકામાં રવીન્દ્રનાથનાં વ્યાખ્યાનો યોજવા આકર્ષક ઓફર આવી હતી. શાંતિનિકેતન માટે નાણાં એકઠાં કરવાની જરૂર પણ હતી. રવીન્દ્રનાથે પહેલાં જાપાન ને ત્યાંથી અમેરિકા જવાનું ગોઠવ્યું. ૧૯૧૬ના મેમાં રવીન્દ્રનાથ જાપાન જવા નીકળ્યા. વચ્ચે રંગૂનમાં બે દિવસનું રોકાણ થયું. બર્માનું જન-જીવન જોવા મળ્યું. રમતરમતમાં કેટલાંય કામોમાં ફરી વળતી બર્મી નારીઓ રવીન્દ્રનાથે નિહાળી. સતત કામ કરવાથી એ નારીઓનાં શારીરિક સૌષ્ઠવ અને સૌંદર્ય ખીલી ઊઠ્યાં હતાં. બર્મી પુરુષો કરતાં બર્મી સ્ત્રીઓ વધુ કામગરી હોય છે. બહારનાં કામો પણ સ્ત્રીઓ જ કરતી. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ પતંગિયાં જેવી બર્મી નારીઓ ચારે બાજુ જોવા મળતી. રવીન્દ્રનાથે નોંધ્યું છે : “ભૂમિ ઉપર ને શાખાઓ પર-સમગ્ર દૃષ્ટિપથ પર પુષ્પ જેવી પ્રફુલ્લિત આ નારીઓ સિવાય જાણે બીજું કશુંય દેખાતું જ નથી.” બંગાળમાં ‘સાંથાલની નારી’ અંગે રવીન્દ્રનાથે જોયું હતું કે શારીરિક શ્રમ સ્ત્રીઓને સૌંદર્ય બક્ષે છે. અહીં બહારનાં કામો કરતી બર્મી નારીને જોઈ રવીન્દ્રનાથને લાગ્યું, “ઘરની બહાર નીકળતી નારી સ્વાશ્રય, પૂર્ણતા ને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે.” હોંગકોંગના બંદરે રવીન્દ્રનાથને સખત મજૂરી કરતા ચીની કામદારો જોવા મળ્યા. જરાય ચરબી વગરનાં કસાયેલાં એમનાં શરીર તડકામાં ચમકતાં હતાં. તેમના સુદૃઢ-સ્નાયુબદ્ધ શરીરમાંથી અનેરું સૌંદર્ય પ્રગટતું હતું. રવીન્દ્રનાથને લાગ્યું કે વ્યવસ્થિત રૂપે થતો પરિશ્રમ માનવદેહને અનોખી આભા આપે છે. ચીની શ્રમિકોની લયબદ્ધ કામગીરી જોઈ રવીન્દ્રનાથે લખ્યું, “વાજિંત્રમાંથી નર્તન કરતો સૂર વહે, તેમ શ્રમિકોના શરીરમાંથી થનગન કરતો પરિશ્રમ સહજ રીતે વહી રહ્યો હતો. સ્ત્રીઓનું સૌંદર્ય પણ આ પુરુષોના સૌંદર્યની બરાબરી ન કરી શકે. કારણ કે પુરુષોના શરીરમાં બળ અને લાવણ્યની પૂર્ણ સમતુલા હોય છે. આ ગુણોની આવી સમતુલા સ્ત્રીઓને મળી નથી.” ચીની પ્રજાનાં શરીરબળ અને કાર્યકૌશલ તથા તેમનામાં જોવા મળતો કામ કરવાનો આનંદ નિહાળી રવીન્દ્રનાથ ખાસ્સા પ્રભાવિત થયા. તેમણે ભવિષ્યવાણી ભાખી : “પ્રજાના આ ગુણોમાં જ્યારે આધુનિક વિજ્ઞાનના આશીર્વાદ ભળશે ત્યારે આ પ્રજાના સામર્થ્યને કોઈ પડકારી નહીં શકે.” ૨૯ મેના દિવસે રવીન્દ્રનાથ જાપાનના કોબે બંદરે ઊતર્યા. રવીન્દ્રનાથને જાપાનની પ્રજાનાં શિસ્ત અને આત્મસંયમ અદ્ભુત લાગ્યાં. તેમનાં વાણી, વર્તન અને સંસ્કારોમાં શાંત સૌંદર્ય છલકાતું હતું. જાપાની સ્ત્રીઓનું સૌંદર્ય પણ અનાક્રમક અને શાંત જણાતું હતું. પ્રજામાં વાણી-વિલાસ ઓછો હતો. તેમની કવિતા પણ નાનાં-નાનાં લઘુકાવ્યો કે ઉક્તિઓમાં અભિવ્યક્તિ પામતી હતી. દાખલા તરીકે, જૂનું તળાવ ખાબકતાં દેડકાં છલકે જળ. આવું કાવ્ય અંધકારમાં બેઠેલા કોઈ શાંત પુરાણા સરોવરનું ચિત્ર આપણી સામે ખડું કરે છે. સરોવર આસપાસ કોઈ મનુષ્ય નથી. છે ફક્ત કૂદકા મારતાં દેડકાં. તેમના કૂદકાથી શાંતિમાં ખલેલ પહોંચતી નથી, બલકે સમગ્ર વાતાવરણની શાંતિ પાણીની છાલકોના અવાજથી છતી થાય છે. આ પ્રકારની કાવ્યરચનાઓથી રવીન્દ્રનાથ ખાસ્સા પ્રભાવિત થયા. તેમના ‘સ્ટ્રે બર્ડ્ઝ’ અને ‘લેખન’ નામના સંગ્રહોમાં તેમણે આવા પ્રયોગો કર્યા પણ ખરા. [‘કવિતાનો સૂર્ય : રવીન્દ્રચરિત’ પુસ્તક : ૨૦૦૪]