સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/શેરી સાથેનું સગપણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાવરકુંડલા મારું મૂળ વતન. ૧૯૩૮માં મારો જન્મ થયો ત્યારથી ૧૯૭૪માં અમદાવાદમાં આવ્યો ત્યાં સુધીનાં બધાં વર્ષો સાવરકુંડલામાં વીત્યાં. સાવરકુંડલામાં ‘આંબલી શેરી’ છે. એક જમાનામાં એ શેરીના નાકે આવેલાં ઘરમાં એક ઘેઘૂર આંબલી હતી. આંબલી શેરીમાં આવેલાં એક ધૂળિયા મકાનમાં મારો જન્મ થયો હતો. હું પાંચેક વર્ષનો હોઈશ ત્યારે અમે એ મકાન છોડી બાજુમાં આવેલા સોનામાનાં મકાનમાં રહેવા ગયાં. આ મકાન જૂનું હતું, પણ સાવ ધૂળિયું નહોતું. સોનામા એમાં બે રૂપિયાના ભાડાથી રહેતાં. ઉપરની લગભગ ખાલી રહેતી મેડી અમને એમણે રહેવા કાઢી આપી હતી. આ આંબલી શેરીની ધૂળમાં મારી પહેલી પગલીઓ પડી. આ શેરીમાં ગરિયાની રમત માટે કે કોડીઓની રમત માટે ક્યાં-ક્યાં કૂંડાળાં કરતા, મોઈદાંડિયે રમતી વખતે ક્યાં-ક્યાં ગબ્બીઓ ગાળતા, કપેદુપે રમવા માટે ક્યાં-ક્યાં ગડ્ડો ગાળતા—આ બધાં સ્થાનો આજેય ભૂલ કર્યા વગર બતાવી શકું. પ્રેમાનંદના અવતાર જેવા હરિશંકરબાપાના મુખે આ શેરીની ધૂળમાં બેસીને આખ્યાનો સાંભળ્યાં હતાં. આ શેરીની ગરબીએ સૌની સાથે મેં પણ મૂસાની રાહ જોઈ હતી. માથે બાલની કાળી ટોપી અને લેંઘો-ખમીસ પહેરેલો મૂસો મીઠી હલકે ગરબી ઉપાડતો ત્યારે આખી શેરીમાં ભકિતનું પૂર ઊમટતું. શિયાળાની સાંજે વ્યાયામમંદિરેથી પાછો ફરું ત્યારે શેરીમાં દાખલ થતાં જ શેરીના નાકાની બરાબર સામે છેડે આવેલા સોનામાનાં ઘરની ઓસરીમાં ટિંગાડેલાં મોટાં ફાનસનું અજવાળું હજુય મારી આંખોમાં અકબંધ છે. આ આંબલી શેરી એટલે એક આખું કુટુંબ! એક આખી ને આખી શેરી કુટુંબની જેમ રહેતી હોય, તેની કલ્પના આવવી આજે મુશ્કેલ છે. શેરીમાં બ્રાહ્મણ, જૈન વાણિયા, વૈષ્ણવ વાણિયા, વાણિયા-સોની, પરજિયા સોની, કુંભાર, બાવા, બારોટ—બધી જ્ઞાતિના લોકો વસતા હતા. બધાંની આર્થિક સ્થિતિ વચ્ચે ખાસ્સું અંતર, પરંતુ સૌનાં હૈયાં એવાં મળેલાં કે એમાં ક્યારેય જ્ઞાતિ કે આર્થિક સ્થિતિની ઉચ્ચાવચતા આડે આવી નહોતી. ઊચાં ગૌર વર્ણનાં સોનામા નાની ઉંમરે વિધવા થયેલાં. સોનામાનાં વ્યકિતત્વ માટે ‘ગરવું’ શબ્દ એની તમામ અર્થછાયાઓ સાથે બંધબેસતો થાય. ‘વેવિશાળ’ નવલકથા પહેલી વાર વાંચી ત્યારે એમાં આવતું ભાભુનું પાત્ર મને અદ્દલ સોનામા જેવું લાગ્યું હતું. સોનામા જાણે અમારાં દાદીમા. બાપુજીએ એકધારી ચાળીસ વરસ સુધી પુત્રવત્ એમની સેવા કરેલી. સોનામાએ અમને ભાઈબહેનોને બહુ લાડ લડાવ્યાં હતાં. હેમકુંવરમા, મણિમા, રંભાકાકી, ચંપાકાકી, પ્રભાકાકી, કંસુબાફઈ, હરિફઈ, જેકુરબા, જીજીમા, રેવાભાભુ, હીરુભાભુ, મોંઘીભાભુ, ગંગામા, કુંવરમા, ધનબાઈફઈ વગેરે શેરીનાં બીજાં સ્ત્રીપાત્રો. શેરીનાં પુરુષપાત્રો આખો દિવસ કામધંધે હોય; એમનો ઉપયોગ અમને બિવડાવવા માટે થતો. રૂગનાથબાપા બપોરે જમવા માટે દુકાનેથી ઘરે આવે તો એમને દૂરથી જ જોતાં એમના પૌત્ર પતુ-મનુ જ નહીં, વડીલોની મના છતાં તડકામાં રમતા અમે સૌ આઘાપાછા થઈ જતા. અમને બાળકોને સહવાસ શેરીની બધી માતાઓનો. આ માતાઓએ શેરીનાં સૌ બાળકો પર અજસ્રધારે વાત્સલ્ય ઢોળ્યું હતું. ગંગામા બાવા જ્ઞાતિનાં. એમની ડેલીમાં શંકરનું દેવળ અને કૂવો હતાં. કૂવેથી શેરીની સ્ત્રીઓ વાપરવાનું પાણી ભરતી. (પીવાનું પાણી તો નાવલી નદીમાં ગાળેલા વીરડામાંથી જ લવાતું.) દેવળમાં થતી સાંજની આરતીની ઝાલરના ડંકા કાનમાં હજુય પડઘા પાડે છે. આજેય કોઈ વાર સમી સાંજે કોઈ મંદિરમાંથી નગારાનો કે શંખનો ધ્વનિ સંભળાય છે ત્યારે મારા હાથ ગંગામાના દેવળના નગારાની દાંડી પીટવા માંડે છે. વ્યાયામમંદિરે જતો થયો એ પહેલાં રોજ સાંજે આરતીમાં હાજરી પુરાવી હતી. ઝાલર કે નગારું વગાડવા બાલમિત્રો વચ્ચે ખેંચાખેંચી ચાલતી. ‘વહેલો તે પહેલો’ના ધોરણે ઝાલર-નગારું વગાડવા મળતાં. નાનાં બાળકો સળંગ તો વગાડી ન શકે, એટલે વારા પાડતા. ગંગામા આરતી કરતાં. રેવાભાભુના પુત્રો-પૌત્રો મુંબઈ રહેતા. ઉનાળાના વૅકેશનમાં સૌ દેશમાં આવતા. (એ વખતે મુંબઈથી વતનમાં જવું એટલે દેશમાં જવું કહેવાતું.) રેવાભાભુનો એક પૌત્ર નટુ મારી ઉંમરનો અને મારો ખાસ દોસ્ત. રેવાભાભુનો પ્રેમ મને ખૂબ મળ્યો હતો. શેરીના છોકરાઓમાં કદાચ હું જ એકલો કશા કામ વગર પણ રેવાભાભુને ઘેર નિયમિત જતો. કાયમ કાંઈ ને કાંઈ ભાગ આપતાં. વાર-તહેવારે આ બ્રાહ્મણના દીકરાને વાપરવા પૈસા પણ આપતાં. પરંતુ આજે લાગે છે કે વારતહેવાર તો બહાનું હતું—બ્રાહ્મણપણું પણ બહાનું હતું—મૂળ વાત તો એક દાદીમાના વાત્સલ્યની જ હતી. હીરુભાભુ નિ:સંતાન હતાં, સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. એમના દિયરનાં સંતાનો હતાં, પણ હીરુભાભુના મારા તરફના વાત્સલ્યની વાત જ કાંઈ જુદી હતી. એ વખતે તો એવું લાગતું જ, પણ આજે આટલાં વરસો પછી પણ એમ જ લાગે છે. સાતેક વરસની ઉંમરે મને ટાઇફોઈડ થયો હતો. બચવાની આશા નહીંવત્ હતી. એ વખતે આંખમાં આંસુ સાથે મારા માથે પોતાં મૂકતી, રાતોની રાત મટકુંય માર્યા વગર મારી પથારી પાસે બેસી રહેતી બે વ્યકિતઓના ચહેરા મારી આંખ સામે એવા ને એવા તરવરે છે—એક ચહેરો છે બાનો ને એક ચહેરો હીરુભાભુનો. ચંપાકાકી અને રંભાકાકી દોરાણી-જેઠાણી. ખૂબ સ્નેહભાવથી સાથે રહે. ચંપાકાકીનું અકાળ અવસાન થયું. પછીથી જમનકાકાએ બીજું લગ્ન કર્યું. ચંપાકાકીને સ્થાને આવેલાં પ્રભાકાકીએ ચંપાકાકીની બે દીકરીઓને ક્યારેય ઓછું આવવા દીધું નહોતું. શિક્ષક થયા પછી ર. વ. દેસાઈની વાર્તા ‘ખરી મા’ શીખવતો, ત્યારે મને ચંપાકાકીની બંને દીકરીઓની ખરી મા બની રહેલાં પ્રભાકાકી અચૂક યાદ આવતાં. પ્રભાકાકી આનંદી પણ ખૂબ, કાયમ હસતાં-હસાવતાં રહે. ધનબાઈફઈ બારોટ. કેટકેટલી વાર્તાઓ એમની જીભે! કાળો પોશાક પહેરાવી, કાળા ઘોડા પર બેસાડી, દેશવટે મોકલાતા રાજકુમારની વારતા; પોપટના કાંઠલામાં જેનું મોત હતું એવા રાક્ષસની વારતા; નદીમાં તણાઈને આવેલો સોનેરી વાળ જોઈ, એ વાળવાળીને પરણવાની હઠ લઈને બેઠેલા અને પોતાનું ધાર્યું ન થાય ત્યાં સુધી તૂટીફૂટી ખાટલીમાં સૂઈ રહેતા રાજકુમારની વારતા—રાત્રે વાળુપાણી પત્યા પછી સોનામાના ફળિયામાં ધનબાઈફઈ વારતા માંડતાં. એક એક વારતા ઘણા દિવસ ચાલતી. શેરીનો સ્ત્રીવર્ગ ધનબાઈફઈની વારતાઓનો શ્રોતાવર્ગ હતો. છોકરાઓમાં કદાચ હું એકમાત્ર શ્રોતા હતો. સ્ત્રીઓની હાજરીમાં ફેર પડે, પણ ધનબાઈફઈએ વારતા માંડી હોય અને હું હાજર ન હોઉં એવું બને જ નહીં! ફરમાઈશ કરીને મને ગમતી વારતા—ખાસ કરીને સોનેરી વાળવાળીને પરણવાની હઠ લેતા રાજકુમારની વારતા—ધનબાઈફઈ પાસે કહેવડાવતો. આંબલી શેરીના મિત્રો પોતપોતાના સંસારમાં ગોઠવાઈ ગયા છે. પ્રતાપ અને મનુ મોટા વેપારી છે. દલપત ગ્રામસેવક છે; કદાચ નિવૃત્ત થઈ ગયો હશે. દામુ ટેલિફોન ઓપરેટર છે, એય કદાચ નિવૃત્ત થઈ ગયો હશે. રેવાભાભુનો પૌત્ર નટુ મુંબઈ છે. બિઝનેસમાં સારી રીતે સેટ થયો છે. દીકરી ઇંગ્લૅન્ડમાં પરણાવી છે. ૧૯૫૮માં અમે છેલ્લા મળેલા. પછી એની ભાળ નહોતી. એક સંપાદિત પુસ્તકમાં મારા લેખ સાથે મારું સરનામું છપાયેલું નટુએ જોયું ને મને પત્ર લખ્યો. પછી પ્રત્યક્ષ મળ્યા. બે દિવસ સાથે રહ્યા. ‘તને સાંભરે રે... મને કેમ વીસરે રે...’નો દોર ચાલ્યો હતો! દિલીપભાઈ ડોક્ટર છે, હજુ આંબલી શેરીમાં જ રહે છે. એ જ મકાનમાં રહે છે, અલબત્ત એ મકાન નવા રૂપેરંગે સજાવ્યું છે. સાવરકુંડલા જવાનું થાય છે ત્યારે દિલીપભાઈને અચૂક મળવાનું થાય છે. અમારા બાળપણથી અજાણ એવા કોઈ મિત્ર દિલીપભાઈને પૂછે કે, “બોરીસાગરભાઈને તમે ક્યારથી ઓળખો?” ત્યારે લગભગ દરેક વખતે દિલીપભાઈ કહે છે, “અમે ચડ્ડી નહોતા પહેરતા ત્યારથી.” મારા શૈશવનો સમય ચોસલાં પાડી શકાય એવો થીજી ગયો છે—મારામાં. એમાંના એક ચોસલા પર લખ્યું છે: ‘આંબલી શેરી—સાવરકુંડલા’. ઘણી વાર એવું થાય છે કે એક વાર આંબલી શેરીના એક-એક ઘરમાં જઈ મારા શૈશવને સૂંઘી આવું! [‘સંબંધનાં સરોવર’ પુસ્તક]