સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કામથી કામ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બધા કહે છે કે અંગ્રેજોની બુદ્ધિ વ્યવહારુ છે. પણ ખરી વ્યવહારુ બુદ્ધિ તો આપણી છે. “કામથી કામ. આપણે બીજી પંચાત શી?” આપણે કપડાં જોઈએ છે? તે સોંઘાં પડે, સારાં દેખાય, આબરૂ વધે, મેલ ખાય ને બહુ ધોવાં ન પડે તેવાં કપડાં લઈ લેવાં. તેથી દેશને ફાયદો થાય છે કે કેમ, તેનું આપણે શું કામ?... વિવાહ કરવો છે? તો બસ, છોકરાંને પરણાવી લેવાં. તેથી બંનેને બનશે, છોકરાં સુખી થશે, એવો વિચાર કરવાનું શું કામ?... પૈસા કમાવા છે? તો બસ, જ્યાં પૈસા મળતા હોય ત્યાં જવું. તેથી પોતાના સ્વમાનનું શું થાય છે, દેશનું શું થાય છે, તેનું આપણે શું કામ?... ધર્મ કરવો છે? તો પછી મંદિરે જવું, ધર્મઢોંગીને—ગમે તેવાને—પૈસા આપવા અને સ્વર્ગ કે વૈકુંઠમાં ચડી જવું! તે પૈસાનું શું થાય છે, તેથી કેટલાં કેટલાં પાપ થાય છે, દેશના ગરીબોને કંઈ આપવું કે નહિ, તે વિચાર કરવાનું આપણે શું કામ? વેપાર કરવો, પ્રામાણિકપણે રહેવું, એ બધા પૈસા કમાવાના રસ્તા હશે; પણ ખરો રસ્તો તો બે દિવસ સટ્ટો કરીને એકદમ પૈસાદાર થઈ જવું એ જ છે. સત્ય બોલવું, સર્વને સરખા ગણવા, દયા રાખવી, એ બધું સ્વર્ગ મેળવવાના રસ્તા હશે—આપણે શા માટે કોઈને ખોટો કહીએ? પણ મંદિરમાં પાંચ હજાર એકદમ આપી દેવા કે એક વાર લાખ્ખો ખરચીને અઠ્ઠાઈ કરી નાખવી, કે મોટો યજ્ઞ કરવો—એ રીતે સ્વર્ગમાં કોઈ પછવાડેની બારી છે ત્યાંથી પેસી જવાય છે. આ મહાત્માજી આખા દેશની વાતો કરે છે, ઢેડને અડવાનું કહે છે, અને પોતાના આત્માના કલ્યાણ માટે કશું કરતા નથી, તે એ નીચે રહી જશે અને એકાદ વિષ્ણુયાગ કરનાર સીધો સ્વર્ગની બારીએથી અંદર જશે. દેશનું અને ઢેડનું આપણે શું કામ? આપણે આપણી મેળે મોક્ષ જ મેળવો ને! કામથી કામ! [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]